Tuesday, October 27, 2020

"સંતોનું સમાનતા આંદોલન..." ✍️◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆



ભારત વર્ષમાં સિંધુ સભ્યતાનાં ઉદય પછી ક્રમિક રીતે માનવ સભ્યતાનાં વિકાસ બાદ ભારતમાં બે આંદોલનો પ્રવર્તમાન રહ્યાં છે. જે એક જ ધર્મમાં હોવા છતાં તેમાં બે ફાટા શરૂઆતથી જ ચાલતાં આવ્યાં છે. તે આંદોલન છે હિન્દૂ સમાજમાં સમાનતાનું આંદોલન. આ આંદોલનનું સ્વરૂપ અને પ્રવાહ સમયે સમયે બદલાતો રહ્યોં છે. પરતું આ આંદોલન વણથર્ભ્યુ સતત ચાલ્યું છે. ક્યારે આ આંદોલન સંતોએ ચલાવ્યું છે તો ક્યારેક મહાપુરુષોએ ચલાવ્યું તો ક્યારેય સામાન્ય માણસે આ આંદોલનને સમય સાથે ચાલતું અને ધબકતું રાખ્યું છે. પરંતું ક્યારેક આ આંદોલનને રૂઢિગત પરંપરા અને શાસ્ત્રોનાં ભાર નીચે દબાવવા આવ્યું અથવા હોમ હવનની આગમાં લપેટવામાં આવ્યું તો ક્યારેક આ આંદોલનના પ્રણેતાઓ અને મહાપુરુષોનાં કત્લે આમ કરવામાં આવ્યાં અથવા તે મહાપુરુષો અને સંતોની જીવની અને તેમની વિચારધારાને દૂષિત કરવા લાખો પ્રયત્નો કરવામાં આવ્યાં. પરંતું આટ આટલા પ્રયત્નો છતાં તે આંદોલન સંપૂર્ણ વૃક્ષ માફક ઊગી નીકળ્યું છે. તે સત્ય સુરજ જેવું છે. અને આ આંદોલને ભારતમાં સામાજિક, રાજનૈતિક અને ધાર્મિક એમ ત્રણેય ક્ષેત્રે મહત્વની ઉથલ પાથલ કરી. પરંતુ આપણી પાસે 28 માં તથાગત ગૌતમ બુદ્ધ પહેલાનો સંપૂર્ણ ઈતિહાસ અપ્રાપ્ય છે. તેથી માત્ર અનુમાન અને અર્થનાં જોરે ઈતિહાસની આંટીઘૂંટી ઉકેલવાનાં પ્રયાસો કરી શકાય. બુદ્ધ પહેલાં 28 બુદ્ધની થિયરી જગજાહેર છે. તે 28 બુદ્ધોએ સનાતન ધર્મનો પાયો નાખ્યો હશે અને ધાર્મિક અને સામાજિક આંદોલનનાં મૂળિયા મજબૂત કર્યા હશે એમ માનીએ તો કહી શકાય કે આ સમાનતાનાં આંદોલનનાં મૂળિયા અહીંથી નખાયા હશે. એ સિવાય પણ ગૌતમ બુદ્ધનાં સમય પહેલાં આજીવકો અને સિધ્ધોએ જાતિગત ભેદભાવ, વર્ણવ્યવસ્થા અને કર્મ કાંડો રહિત નિર્ગુણ ભક્તિ પરંપરા ચલાવેલી જેમાં સરહપા જેવાં સિધ્ધોનું નામ મોખરે છે.
કાશીના રામાનંદજીએ પોતાનાં શિષ્ય ગણમાં દરેક જાતિના લોકોને આવકારીને જાતિના મહત્વને નકારી ભક્તિને હથિયાર બનાવી સમાનતાનાં આંદોલનને ટેકો આપેલો. 
આ સમાનતાનું આંદોલન સામાજિક આંદોલનથી ઉપર ઉઠી ધાર્મિક ઐક્ય અને એકતાં માટેનું આંદોલન બની રહ્યું. અને તેથી સમગ્ર ભારત વર્ષમાં આ આંદોલન વીજળીનાં ઝબકારાની જેમ વ્યાપી ગયું. આ સમગ્ર આંદોલને પરંપરાગત પૂજાપાઠ, કર્મ કાંડ, જટિલ શાસ્ત્રો, બાહ્યાડંબર, નિરર્થક કર્મકાંડો અને જાતિગત છુઆછૂત દૂર કરી સમાજમાં એકતા સ્થાપાવા માટે અલખની ધૂણી ધખાવેલી.
આ આંદોલનને વેગવંતુ બનાવવા અનેક સંતોએ મહત્વનો ભાગ ભજવ્યો જેમાં રાજસ્થાનનાં રાજર્ષિ પીપા અને ધન્ના જાટે તથા મેવાડની કુળવધુ મીરાનો પણ સમાવેશ કરી શકાય. મેવાડની રાણી ઝાલી રૈદાસની શિષ્યા હતી. તેણે પોતાનાં દીકરાના વિવાહનાં દિવસે સંત રૈદાસને ભોજન માટે મહેલમાં આમંત્રણ આપેલું. સમાજ સુધારક સંત રૈદાસ જ્યારે મહેલ પધાર્યા ત્યારે રાની ઝાલીએ રૈદાસનું ભવ્ય સ્વાગત કરેલ આ જોઈ રૂઢિવાદી બ્રાહ્મણોએ જબરદસ્ત વિરોધ કરેલો. છતાં રાણી ઝાલીની ગુરુ ભક્તિમાં ઓટ નહીં આવેલી. રાણી ઝાલીની આ ગુરુ ભક્તિ જોઈને ઉચ્ચ કુળમાં જન્મેલી મેવાડની રાણી મીરાએ પણ "પ્રભુજી તુમ ચંદન હમ પાની" કહેનાર સમાજ સુધારક અને સંત રૈદાસને ગુરુ માની લીધાં. રાજસ્થાનનાં જ બાબા રામદેવપીરે પણ ગામડે ગામડે ફરી લોક ચેતના અને સમાનતાનું વાતાવરણ ઉભું કર્યું. અને કહ્યું સૌ એક છે. બાબા રામદેવની સમાજ સુધારાની પ્રવુતિઓને કારણે જ તેઓ અછૂત સમાજમાં સંત તરીકે ઓળખાયા અને ઇસ્લામ ધર્મમાં પીર તરીકે પ્રસિદ્ધ થયાં. આ બાજુ તામિલનાડુમાં પણ ભક્તિ માર્ગે સમાનતાનું આંદોલન વહેતુ રહ્યું નમ્માલવાર, તિરુપપ્પાન આલવાર, મુનિવાહન આલવાર વગેરે અછૂત સમાજમાંથી આવતાં હતાં છતાં તેમની વિદ્વતા અને જ્ઞાન જોઈ સવર્ણ બ્રાહ્મણો પણ તેમનાં શિષ્ય બન્યાં હતાં. તો શિવભક્ત નાયન્મારોએ પણ જાતિગત ભેદભાવને નકાર્યો હતો. અન્ય એક સંત નંદવારે પણ નાતજાતના ભેદભાવ સામે સમાનતાનું આંદોલન ચલાવ્યું હતું. તો ઓરિસ્સામાં પણ પંચસખા પરંપરા અને ભક્ત ભીમ ભોઈએ સામાજિક ભેદભાવ દૂર કરવા ભક્તિનો આસરો લીધેલો. બંગાળમાં પણ નદિયા જિલ્લાનાં તરુણ સન્યાસી ચૈતન્ય મહાપ્રભુએ સામાજિક જાતિભેદનો વિચ્છેદ કરતાં કહ્યું કે,

"જેઈ ભજે સેઈ બડો, અભક્ત હીન છાર,
કૃષ્ણ ભજને નહીં જાતિ કુલ વિચાર."

ચૈતન્ય મહાપ્રભુનો સમય ગાળો ભારતીય અધ્યાત્મનાં ઇતિહાસની વિલક્ષણ ક્ષણ હતી. એ સમયનાં સંતો તમામ જાતિના લોકો સાથે મળી ભજન કીર્તન કરતાં ત્યાં જાતિનું કોઈ મહત્વ ન હતું. એ સમયે ભક્તિ દ્વારા જ સામાજિક એકતાનો પ્રસાદ વહેંચાતો હતો. ચૈતન્ય મહાપ્રભુનાં શિષ્યો પૂર્વાચલની આદિજાતિઓમાં ભક્તિ અને જનજાગૃતિનો વ્યાપક પ્રચાર કરેલો. સ્વામી પ્રણવાનંદજી 'નમ શુદ્ર' નાં ઘરે જઈને જમતાં. તો રામકૃષ્ણ પરમહંસ પણ કહેવાતી સાવ નિન્મ જાતિ વાલ્મિકી સમુદાયનાં ઘરનો ઓટલો વાળવા જતાં.
વળી પાગજ્યોતિષનાં શ્રીમંત શંકરદેવ પણ સંત કબીરની નિર્ગુણ ભક્તિથી પ્રેરાઈને આસામમાં જઈને ઢોંગ, બાહ્યાડંબર, નિરર્થક કર્મકાંડો વગરની નિર્મળ ભક્તિનો પ્રચાર કર્યો. આસામમાં છુઆછૂત, સામાજિક જાતિગત ભેદભાવ દૂર કરવા શંકરદેવ અને તેમનાં શિષ્ય માધવદાસની ભૂમિકા અહમ રહી છે. અને તે કારણે જ આસામમાં ભેદભાવ વગરનાં સમાજનું નિર્માણ થવાની શરૂઆત થઈ.
આ સમાનતાનું આંદોલન માત્ર જાતિગત ભેદભાવ દૂર કરવાનું ન હતું પરંતુ ધર્મ કે સમાજમાં સ્ત્રી પુરુષના ભેદભાવને પણ દૂર કરી સૌને સમાનતા આપવાનું હતું. અને તેથી જ તો બીબી નારીચયાર મુસલમાન હતાં તે છતાં મેલુકોટનાં મંદિરમાં સ્થાન મેળવી શકી. ઉપરાંત મુક્તા બાઈ,  વારકરી સંપ્રદાયની મહાન સંત જનાબાઈ, કર્ણાટકની અકકમહાદેવી, તો કાશ્મીરની વાલ્મીકિ સમુદાયમાં જન્મેલી લલ્લેશ્વરી, મહારાષ્ટ્રની સંત બહિણા બાઈ, ઉત્તરપ્રદેશમાં રામાનંદજીની શિષ્યાઓ પદ્માવતી અને સુરસરી બાઈ, બાબરી પંથની બાબરી સાહિબા રાજસ્થાનની સહજો બાઈ અને દયા બાઈ, ગુજરાતની લિરલ બાઈ, સતી તોરલ, પાનબાઈ વગેરે મહિલાઓ મહાન સંત તરીકે ખ્યાતિ પામી. 
આ સમાનતાનાં આંદોલનમાં ગુજરાતમાં ચૌદમી પંદરમી સદીમાં નરસિંહ મહેતા જેવા સંતે પણ અછૂત ગણાતા સમાજમાં ભજન માટે જતાં અને અછૂત ગણાતા સમાજના લોકોનાં હાથનો પ્રસાદ પણ ગ્રહણ કરતાં. તેથી રૂઢિવાદી લોકોએ તેમનો સખત વિરોધ દર્શાવ્યો પણ તેમની તરફ નરસિંહ મહેતાએ ધ્યાન ન આપ્યું અને સમાનતાની ધૂણી ધખાવી અને ભક્તિના માર્ગે સૌ સમાન તેવી અલખ જગાવી. તો કચ્છમાં પણ મેકરણ દાદા જેવાં મહાન સંતોએ હિન્દૂ ધર્મ ચાલતા આડંબર, અંધશ્રદ્ધા સામાજિક છુઆછૂત સામે બંડ પોકારતાં કહ્યું છે કે

કુળદેવી કરતાં કુતરી ભલી, જટ દઈને જગાડે,
બેઠી દેવ બોલે નહીં,પેલી ભસીને ભગાડે.

દાદા મેકરણે ન માત્ર સામાજિક છુઆછૂત અને અંધશ્રદ્ધા દૂર કરવાં પ્રયાસો કર્યા પરંતુ જીવ દયાનો એક અદ્ભૂત સંદેશ પણ આપ્યો. તેઓ કૂતરો અને ગધેડો પાળતા. કહેવાય છે કે સંત મેકરણ દાદાનો કૂતરો કચ્છનાં રણમાં ભુલા પડેલાં માનવીઓને રસ્તો બતાવતો.
આ સંત પરંપરાનાં ફળ સ્વરૂપે ગુજરાતમાં સંત પરંપરાનો ઉદય થયો જેમાં મહાપંથ, નાથપંથ, કબીરપંથ, રવિભાણ સંપ્રદાય, નિરાંત સમુદાય, સૂફી સંપ્રદાય, દાદુ સંપ્રદાય, પ્રણામી સંપ્રદાય, પીરણા સંપ્રદાય, પાશુપત સંપ્રદાય ઇત્યાદિ દલિત સંત સમુદાયો અઢારમી અને ઓગણીસમી સદીમાં અસ્તિત્વમાં આવ્યાં. આ સમુદાયોના સંતો પ્રભુ ભક્તિ સાથે સાથે સામાજિક કુરિવાજો નષ્ટ કરવા, ઢોંગ પાખંડ, અંધશ્રદ્ધા અને જાતિગત ભેદભાવ રહિત સમાજ નિર્માણ માટે  સંકલ્પ બધ્ધ હતાં.
દલિત સમુદાયના સંતોએ પોતાની વાણી, ભજન સાહિત્ય અને પોતાના અનુભવો થકી હંમેશા દંભ, પાખંડ, અંધશ્રદ્ધા અને સમાજના અનિષ્ટો કુરિવાજો પર પ્રહારો કર્યા છે અને તેને ખુલ્લા પાડી એને જાકારો આપ્યો છે. અને નિર્ગુણ ભક્તિ પરંપરાનો ધોધ વહેતો કર્યો છે. જેમાં તેમણે સામાન્ય જન સમુદાયને જ્ઞાન, સાધના, સંયમ શીખવ્યો છે અને સાચા ધર્મની સ્થાપના કરી છે. દરેક સમાજમાં જન્મેલ સંતે માનવીય મૂલ્યોની હિફાજત કરી છે. સંતોએ સમયે સમયે દેશ અને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. 
પરતું વર્તમાન પેઢીમાં જેમ જેમ સભ્યતા અને નવી સંસ્કૃતિનો ઉદય થતો ગયો. તેમ તેમ સંત અને સાહિત્યનું મૂલ્ય વિસરાતું ગયું. આપણી આવનાર પેઢીને આ મહાન સંત પરંપરાથી અવગત રાખવા આપણે પ્રયત્નો કરવા જ રહ્યાં.

પ્રસ્તુતકર્તા - રાહુલ વણોદ
           મો. 8000739976

માહિતી સ્ત્રોત - ડો. શિવરામ શ્રીમાળી લિખિત પુસ્તક "ઉત્તર ગુજરાતના દલિત સંત ભક્ત કવિઓ" માંથી

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...