Sunday, July 26, 2020

26 જુલાઈ એટલે... ભારતીય સૈન્ય પર ગર્વ લેવાનો દિવસ

લેખન - રાઠોડ રાહુલ
મો.8000739976

                                   2જી મે 1999 નો દિવસ સવારના સમયમાં એક તાશી નામનો ભરવાડ કારગિલની પહાડીઓ પર પોતાની યાર્કને શોધવા ગયો અને અને તેણે જે જોયું એ જોઈ સ્તબ્ધ થઇ ગયો. તે તરત પહાડીઓ પરથી નીચે ઉતરે છે અને બીજા જ દિવસે એટલે કે 2 જી મેં ના દિવસે ત્યાં સેનાના એક જવાનને ખબર આપે છે કે, તેણે કારગિલની પહાડીઓ ઉપર પાકિસ્તાની સેનાના જવાનો જોયાં છે.અને ત્યારથી કારગિલ યુદ્ધનો ઈતિહાસનો આરંભ થાય છે. કારગિલ યુદ્ધ એ આખા દેશનાં ઇતિહાસનું ભયાવહ યુદ્ધ ગણી શકાય. કેમ કે આ યુદ્ધમાં દેશનાં કેટલાય વીર જવાનોઓ પોતાનાં પ્રાણોનું બલિદાન આપી ભારત દેશને પોતાની વીરતાનાં દર્શન કરાવ્યાં હતાં. એ યુદ્ધને આજે 20 વર્ષ જેટલો સમય થયો હોવાં છતાં યુદ્ધના પડઘા હજુ જાણે કારગિલની પહાડીઓ પર સંભળાતા હોય એવો આભાસ આપણે થયાં વિના રહેતો નથી.

           આજે 26 જુલાઈ, એટલે કે  કારગિલ વિજય દિવસ છે. આજથી લગભગ 20 વર્ષ પહેલા ભારતીય સેનાના જવાનોએ પોતાની શક્તિ અને વીરતાના બળે કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડી વિજય મેળવ્યો હતો. અને કારગિલની પહાડીઓ પર તિરંગો લહેરાવ્યો હતો.
1999ના કારગિલ યુદ્ધ સમયે આ જ દિવસ હતો, ત્યારે બોર્ડર પર હુમલાની શરૂઆત કરનાર પાકિસ્તાનને ભારત પાસે ઝૂકવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. ભારતીય સેનાના જવાનોની વીરતા, સાહસ આગળ પાડોશી દેશની સેનાએ પોતાની હાર સ્વીકારી હતી. આજે કારગિલ વિજય દિવસ પર  કારગિલ યુદ્ધની કેટલીક એવી વાતો જાણીએ જે આપણા માટે ખૂબ મહત્વની અને ઘણી ખરી બાબતો ગૌરવ લેવા જેવી છે.

                               કારગિલનું યુદ્ધ તબક્કા વાર સતત બે મહિના સુધી ચાલ્યું. તેમાં દેશનાં કેટલાય વીરોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું પરંતુ અંતે તો દુનિયાને પણ ભારતની તાકાતનો અંદાજ આવી જ ગયો. પાકિસ્તાનના સૈનિકોની ઘુસપેઠની માહિતી મળ્યા બાદ 5 મે, 1999 માં રોજ કેપ્ટન સૌરભ કાલિયા સહિતના 6 જવાનો ત્યાં પહોચ્યા હતા કેપ્ટન સૌરભ કાલિયાની સાથે પેટ્રોલિંગ પર નીકળેલી આ ટુકડીમાં અર્જુન રામ, ભંવર લાલ બાગારીયા, ભીકા રામ, મૂળ રામ અને નરેશ સિંહ પણ સામેલ હતાં. કેપ્ટન સૌરભ કાલિયા જલદી પોતાના સાથીઓ સાથે જ્યાં પાકિસ્તાની ઘૂસણખોરો હતાં ત્યાં પહોંચી ગયાં. અહીં કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના સાથીઓની સંખ્યા માત્ર 6 હતી જ્યારે ઘાત લગાવીને બેઠેલા દુશ્મનોની સંખ્યા સેંકડોમાં હતી. પાકિસ્તાની ઘૂસણખોરોએ કેપ્ટન સૌરભ કાલિયા અને તેના સાથીઓનું અપહરણ કર્યું. ત્યારબાદ તેમની અને તેમના સાથીઓની નિર્મમ હત્યા કરી નાખી. ત્યારબાદ આ તમામ જવાનોના મૃતદેહ ખૂબ ખરાબ હાલતમાં મળ્યા હતા.

                કેપ્ટન સૌરભ કાલિયા અને અન્ય 6 જવાનોનાં ખૂબ જ ખરાબ હાલતમાં મળેલ મૃત દેહની આ અમાનવીય અને શર્મનાક  ઘટના બાદ કારગિલનાં યુદ્ધનો શંખનાદ વાગી ગયો હતો. ભારત માટે આ યુદ્ધ પડકાર જનક હતું. ભારત માટે આ યુદ્ધ જીતવું ખૂબ જ કપરું હતું. કારણ કે સીમાની લગભગ તમામ ઉપરની પોસ્ટ પર દુશ્મનોનો કબ્જો હતો. આ પરિસ્થિતિ બાદ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. કારગિલ સેક્ટરમાં 1999 માં ભારતીય અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે લડાઈ શરુ થવાના કેટલાક સપ્તાહ પહેલા જ જનરલ પરવેજ મુશરફે એક હેલિકોપ્ટર દ્વારા LOC પાર કર્યું હતું અને ભારતીય સીમમાં 11 કિમી સુધી અંદર આવીને જિકરિયા મુસ્તકાર નામના સ્થાન પર રાત પણ વિતાવી હતી.

                         કહેવાય છે કે પાકિસ્તાનમાં 1998 માં પરમાણું હથિયારોનું પરીક્ષણ કર્યું હતું અને ત્યારથી જ પાકિસ્તાને કારગિલ યુદ્ધની તૈયારી  કરી લીધી હતી. આ યુદ્ધમાં પાકિસ્તાન સેનાએ પોતાના 5000 જવાનોને કારગિલ પર ચઢાઈ કરવા માટે મોકલ્યા હતા. આ યુદ્ધની મહત્વની વાત એ હતી કે, જયારે પાકિસ્તાનની વાયુસેનાના ચીફને આ ઓપરેશનની માહિતી ન હતી. જયારે આ અંગે પાકિસ્તાનની એરફોર્સના ચીફને જણાવવામાં આવ્યું ત્યારે આં મિશન પર તેઓએ આર્મીને સાથ આપવા માટે ઇનકાર કર્યો હતો.

                         ઉર્દુ ભાષાના એક જાણીતા દૈનિકમાં છપાયેલા એક નિવેદનમાં નવાજ શરીફે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કારગિલનું યુદ્ધ પાકિસ્તાનની સેના માટે એક આપત્તિ સાબિત થયું હતું,  કારગિલના  ઉંચા પહાડો પર બેસીને પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરાઈ રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાએ  ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. આ કારગિલના યુદ્ધમાં ભારતીય એરફોર્સ દ્વારા મિગ-27 અને મિગ-29 નો પ્રયોગ કરાયો હતો. આં દરમિયાન મિગ-29 ફાઈટર પ્લેન ખુબ મહત્વનું સાબિત થયું હતું, કારણ કે આ વિમાને  પાકિસ્તાનની ચોકીઓ પર R-77 મિસાઈલ દાગવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી હતી. કારગિલનું યુદ્ધમાં ભારતીય વાયુસેનાની ટુકડીઓએ પણ આર્મીની મદદ કરવાનું શરુ કર્યું હતું. આ યુદ્ધમાં વાયુસેનાએ  300 જેટલાં વિમાનો આર્મી માટે આપ્યા હતાં.

                  કારગિલની પહાડીઓનોની ઉંચાઈ સમુદ્રના તટથી અંદાજે 16000 થી 18000 ફૂટ ઉપર છે. આં સ્થિતિમાં ઉડાન ભરવા માટે વિમાનોને અંદાજે 20,000 ફૂટની ઉંચાઈથી ઉડાન ભરવી જરૂરી પડતી હતી જે વિમાન માટે પડકાર જનક સાબિત થતું હતું. કેમ કે ત્યારે આ સ્થિતિમાં ઉપર હવાનું દબાણ 30% થી ઓછું હોય છે ત્યારે આ વિમાનની ઉડાન દરમિયાન વિમાન ચાલકનો દમ ઘુટવાનો પણ જોખમ હોય છે અને વિમાન દુર્ઘટના ગ્રસ્ત થવાનાં ચાન્સીસ વધી જાય છે. તે છતાં આ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જવાનોએ વીરતા આને સાહસનું  ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. અને પાકિસ્તાનને ઘુટણા ટેકવવા માટે મજબૂર કરી દીધું હતું. આ છે દેશના વીર જવાનોનું સાહસ આ છે એમની તાકાતનો પરચો. આ યુદ્ધમાં આર્ટિલરી દ્વારા 2,50,000 ગોળા અને રોકેટ જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3000 થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચરો દ્વારા દરરોજ અંદાજે 5000 બોમ્બ પણ દાગવામાં આવ્યા હતા, તેમજ 17 દિવસોમાં પ્રતિદિન એવરેજ એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.

             માનવામાં આવે છે કે આં યુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર કોઈ એક દેશ દ્વારા અન્ય દેશ પર આ પ્રકારે બોમ્બબારી કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધમાં સત્તાવાર રીતેની આંકડાકીય માહિતી જોઈએ એ આ યુદ્ધમાં 527 જેટલા ભારતીય સૈન્યનાં જવાનો શહીદ થયાં હતાં. 1,363 સૈનિકો ઈજાગ્રસ્ત થયાં હતાં. જેમાં 1 ભારતીય જેટફાઇટર તોડી પડાયું હતું,1 જેટફાઇટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને અન્ય 1 હેલિકોપ્ટર તોડી પડાયું હતું. જ્યારે પાકિસ્તાનની સંભવિત બાજુની વાત કરીએ તો એમાં 453 જવાનો શહીદ થયાં હતાં.665 થી વધુ જવાનો ઇજાગ્રસ્ત થયાં હતાં.આ યુદ્ધનું કારણ પાકિસ્તાનનાં સૈનિકો અને અન્ય બળવાખોરો દ્વારા ભારતીય સીમા પર ઘૂસપેઠ હતું.

                   આ યુદ્ધમાં પરમવીર યોગેન્દ્ર યાદવે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને શરીરના અલગ અલગ ભાગોમાં પંદર ગોળીઓ વાગી હતી છતાં તેઓ નિડર થઈને દુશ્મનો સામે લડ્યા હતાં.યોગેન્દ્ર યાદવની વિરતાની વાત કરીએ તો  5 જુલાઈ 1999 ના દિવસે 18 ગ્રેનેડિયર્સના 25 સૈનિકોએ ફરી એ તરફ આગેકૂચ કરી. પાકિસ્તાની સૈનિકોએ તેમના પર પણ ભારે ગોળીબાર કર્યો. પાંચ કલાક સુધી સતત ગોળીબાર ચાલતો રહ્યો હતો.અને 18 ભારતીય સૈનિકોએ પીછેહઠ કરવી પડી હતી. હવે પાછળ સાત ભારતીય સૈનિકો જ રહ્યા હતા.
          'ધ બ્રેવ' પુસ્કતના લેખિકા રચના બિષ્ટ રાવત કહે છે, "સાડા અગિયાર વાગ્યે 10 પાકિસ્તાની સૈનિકો નીચે જોવા માટે આવ્યા હતા કે ભારતીય સૈનિકોમાંથી કોઈ બચ્યું છે ખરું. તે વખતે દરેક ભારતીય સૈનિક પાસે માત્ર 45 રાઉન્ડ ગોળીઓ બચી હતી."

"તેમણે પાકિસ્તાનીઓને નજીક આવવા દીધા. તે લોકોએ ક્રીમ કલરના પઠાણી સૂટ પહેરેલા હતા. તેઓ નજીક પહોંચ્યા કે તરત જ સાતેય ભારતીય સૈનિકોએ ગોળીબાર શરૂ કરી દીધો".
     તેમાં એક હતા બુલંદશહરના રહેવાસી માત્ર 19 વર્ષના જુવાનજોધ ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ યાદ કરતા કહે છે, "અમે બહુ નજીકથી પાકિસ્તાનીઓ પર ગોળીઓ ચલાવી. તેમાંથી આઠને અમે પાડી દીધા, પણ બે જણ ભાગી જવામાં સફળ રહ્યા. તેમણે ઉપર જઈને જાણ કરી કે નીચે અમે ફક્ત સાત જણ જ છીએ."
    યોગેન્દ્ર આગળ વાત કરતા કહે છે, "થોડી વારમાં 35 પાકિસ્તાની સૈનિકોએ અમને ચારે બાજુથી ઘેરી લઈને હુમલો કર્યો. મારા છએ છ સાથી જવાનો માર્યા ગયા."
"હું ભારતીય અને પાકિસ્તાની સૈનિકોની લાશો વચ્ચે પડ્યો હતો. પાકિસ્તાનીઓ બધાને જ ખતમ કરી દેવા માગતા હતા એટલે તેઓ લાશો પર પણ ગોળીબાર કરી રહ્યા હતા."
"હું મારી આંખ બંધ કરીને મોતનો ઇંતઝાર કરતો રહ્યો. મારા પગમાં, હાથમાં અને શરીરના જુદા જુદા ભાગોમાં 15 ગોળીઓ વાગી હતી, પણ મારો જીવ હજી ગયો નહોતો."
તે પછી જે કંઈ બન્યું તે કોઈ ફિલ્મની નાટકીય ઘટનાથી ઓછું નહોતું.
યોગેન્દ્ર કહે છે, "પાકિસ્તાની સૈનિકોએ અમારાં બધાં હથિયારો કબજામાં લઈ લીધાં. જોકે મારા ખિસ્સામાં રાખેલો ગ્રેનેડ શોધી ન શક્યા. મેં પૂરી તાકાત એકઠી કરીને ગ્રેનેડ કાઢ્યો, તેની પિન હટાવી અને આગળ જઈ રહેલા પાકિસ્તાની સૈનિકો પર ફેંકી દીધો."
"ગ્રેનેડ એક પાકિસ્તાની સૈનિકની હેલમેટ પર પડ્યો અને તેના ત્યાંને ત્યાં ચીંથરાં થઈ ગયાં. મેં એક પાકિસ્તાની સૈનિકની લાશ પાસે પડેલી પીકા રાઇફલ ઉઠાવી અને ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો. મારા ફાયરિંગમાં પાંચ સૈનિકો માર્યા ગયા."
     તે વખતે જ યોગેન્દ્રને પાકિસ્તાની વાયરલેસનો અવાજ સંભળાયો. તેમાં સંદેશ આપવામાં આવી રહ્યો હતો કે અહીંથી પાછા હટી જાવ અને 500 મીટર નીચે ભારતના એમએમજી બેઝ પર હુમલો કરો. પરંતુ ત્યાં સુધીમાં યોગેન્દ્રના શરીરમાંથી બહુ લોહી વહી ગયું હતું. ગમે તે ઘડીએ બેહોશ થઈ જવાય તેવી સ્થિતિ હતી.
ત્યાં એક પાણીનું નાળું હતું અને તેમાં પાણી વહી રહ્યું. તેઓ નાળામાં કૂદી પડ્યા અને તેમાં તણાતા-તણાતા પાંચ મિનિટમાં 400 મીટર નીચે સુધી પહોંચી ગયા.
ત્યાં રહેલા ભારતીય સૈનિકોએ તેમને નાળામાંથી બહાર કાઢ્યા. લોહી બહુ વહી ગયું હોવાથી હવે યોગેન્દ્ર યાદવની આંખો કશું સ્પષ્ટ જોઈ પણ શકતી નહોતી.
       સીઓ ખુશહાલસિંહ ચૌહાણે તેમને પૂછ્યું કે તમે મને ઓળખી શકો છો ખરા? યાદવે ત્રૂટક શબ્દોમાં કહ્યું કે, 'સાહેબ હું તમારા અવાજને ઓળખું છું, જય હિંદ સાહેબ.'
     યોગેન્દ્ર યાદવે તેમને માહિતી આપી કે પાકિસ્તાની સૈનિકોએ ટાઇગર હિલ ખાલી કરી દીધું છે. તે લોકો હવે આપણા એમએમજી બેઝ પર હુમલો કરવાના છે. આટલું કહ્યું પછી યાદવ બેહોશ થઈ ગયા હતા.
      તેમની માહિતી પ્રમાણે જ થોડી વાર પછી પાકિસ્તાની સૈનિકોએ ત્યાં હુમલો કર્યો હતો પણ ત્યાં સુધીમાં ભારતીય જવાનોએ તૈયારીઓ કરી લીધી હતી.
     બાદમાં યોગેન્દ્રસિંહ યાદવને તેમની અસાધારણ બહાદુરી બદલ સર્વોચ્ચ વીરતા પદક પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા
       આ યુદ્ધમાં પાકિસ્તાન અને ભારતના કેટલાય સૈનિકોનો શહિદ થયાં હતાં.
26 જુલાઈ, 1999 ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના સેના અને ઘુસપેઠીયાઓને તમામ રીતે પરાસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી, ભારતીય જવાનોને કારગિલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો.

માહિતી સ્ત્રોત..
વિકી પીડિયા
ગૂગલ
BBC news

Sunday, July 12, 2020

⚫બહુજન સાહિત્યકાર મોહિન્દર મોર્ય સાહેબ વણોદમાં...



                                                  - રાહુલ, વણોદ
                                                 મો.8000739976

                              સમગ્ર વણોદ "ભીમ દિવાના કમિટી"નાં આગ્રહથી આજ રોજ બહુજન સાહિત્યકાર,સંશોધક એવાં મોહિન્દર મોર્ય સાહેબ વણોદ ગામ પધાર્યા હતાં. અને એમની સાથે બહુજન વિચારધારાને વરેલા અને વિચારધારાને યોગ્ય રીતે સમજીને પચાવનારા માનનીય પ્રિંસ વાઘેલા સાહેબ પણ આવ્યાં હતાં. લગભગ બપોરે અગિયાર વાગ્યાની આસપાસ વાદળછાયું વાતાવરણ હતું તેથી મેં મોર્ય સાહેબને ફોન કરીને કહ્યું કે સાહેબ વરસાદી માહોલ છે. અને એમાંય સાણંદની દ્વિ ચક્રી વાહન લઈને છેક વણોદ આવવું એ જોખમ ભર્યું કામ છે. તેથી આવવાનું મોકૂફ રાખો તો સારું
ત્યાં સાહેબે મને પ્રશ્ન કર્યો કે, આયોજન થઈ ગયું છે બધું ?
          
                        મેં કહ્યું હા સાહેબ, મારા એક મિત્રના ઘરે બેઠક રાખી છે તમે કહ્યું એમ માર્કર પેન-બોર્ડ વગેરે બધું લાવી મૂક્યું છે. ત્યારે સાહેબે જે કહ્યું એ કદાચ કોઈ આંબેડકરી મુવમેન્ટને સમર્પિત વ્યક્તિ જ કહી શકે, એમણે કહ્યું કે, રાહુલ સાહેબ બધી વ્યવસ્થા તમે કરી ચૂક્યાં હોય અને આપણી કમિટીના સભ્યો પણ મને સાંભળવા આતુર હોય તો પછી વરસાદ હોય કે વાવાઝોડું હું જરૂર આવીશ. મિશનમાં ટાઢ તડકો વેઠીને જ વિચારધારાનું વાવેતર કરી શકાય. એમના આ શબ્દો કદાચ એમનો અનુભવ હશે. મોર્ય સાહેબ લગભગ એક વાગ્યાની આસપાસ વણોદ આવી પોહચ્યાં. 

                           કમિટીના મિત્રો તો ત્યાં હાજર જ હતાં. ત્યાર બાદ મેં ભીમ દિવાના કમિટીનાં સભ્યોને મોહિન્દર મોર્ય સાહેબ અને માન્ય પ્રિંસ વાઘેલા સાહેબનો પરિચય આપ્યો. ત્યાર બાદ મોર્ય સાહેબે કમિટીનાં મિત્રો સમક્ષ ખુદનાં સંશોધનો અને કેટલાક બહુજન સાહિત્યકારોનાં સંશોધનોને કેન્દ્રમાં રાખી માનવ ઉત્પત્તિ અને માનવ ઉત્ક્રાંતિ વિશે ખૂબ સરળ સમજૂતી આપી. મોર્ય સાહેબ એ રીતે સમજાવતા હતાં કે ત્યાં બેઠાલા બધાં મિત્રો એમને સાંભળવા વધુ આતુર બન્યાં. ત્યાર બાદ મોર્ય સાહેબે બાબા સાહેબનાં પુસ્તકનો આધાર રાખી પાંચમી સદીમાં અસ્પૃશ્યતાનો ઉદ્દભવ અને અસ્પૃશ્યતા કઈ રીતે ફૂલી ફાલી તે સમજાવ્યું. મોર્ય સાહેબ વ્યવસાયે અને સાહિત્યની  દ્રષ્ટિએ શિક્ષકનો જીવ તેથી સામેના વ્યક્તિ સમક્ષ કઈ રીતે પોતાની વાત મુકવી અને કંઈ રીતે સામેના વ્યક્તિનાં મગજમાં ફિટ કરવી એ સારી રીતે જાણે. વળી સંશોધન વૃત્તિને કારણે કોઈ પણ બાબતનું પછી ચાહે એ રાજકીય બાબત હોય, ધાર્મિક બાબત કે પાલી,હિન્દી કે ગુજરાતી ભાષાનાં અપભ્રંશ શબ્દોનું ઓપરેશન, શોધખોળ અને એનું મૂળ તપાસવાનું હોય એ દરેક બાબતનું ઓપરેશન કઈ રીતે કરવું એ સારી રીતે જાણે. તેથી તેઓ પોતાની વાત મુકતી વખતે વચ્ચે વચ્ચે પોતાની વાતનો સંદર્ભ અને પ્રમાણ આપતાં રહે.

                               તેમણે બુદ્ધની વાત મુકતા કહ્યું કે "ऐत्तो धम्म सनातना" આવું બુદ્ધ કહી ગયાં છે એનો મતલબ થાય કે આ ધમ્મ હું નથી સ્થાપતો હું તો માત્ર આનું સંકલન કરીને વિશ્વ સમક્ષ મુકું છું બાકી આ ધમ્મ સનાતન ધમ્મ છે અને મારી પહેલાં પણ 27 બુદ્ધ થઇ ગયાં કે જેમણે આ ધમ્મને આગળ વધાર્યો છે. ત્યાર બાદ સમ્રાટ અશોકની બુદ્ધ ધમ્મની ક્રાંતિની વાત કરીને છેક થોરવાડ સુધીની ઇતિહાસ યાત્રા સમજાવી જે પરંપરા આજ સુધી આપણાં સમાજ સાથે જોડાયેલી છે. ત્યાર બાદ સામાજિક દુષણો અને બાબા સાહેબની રાજકીય ક્રાંતિ વિશે પણ સમજ આપી. એક વાગ્યાથી શરૂ થયેલ વાતચીતનો દોર છેક પાંચ વાગ્યા સુધી ચાલ્યો. વચ્ચે બસ દસ મિનિટનો ટી(ચા) બ્રેક આવ્યો.

                      બેઠક પૂર્ણ થયા બાદ જય બોધ સાહેબ દ્વારા બેઠકનું સમાપન કરવામાં આવ્યું અને ત્યાર બાદ વણોદ "ભીમ દિવાના કમિટી" તરફથી ફ્રેમમાં મઢેલ બાબા સાહેબનું એક પેઇન્ટિંગ પ્રતીક અને સન્માન રૂપે મોર્ય સાહેબને ભેટ આપવામાં આવ્યું.મોર્ય સાહેબે જે માહિતી અને ઐતિહાસિક તથ્યો જણાવ્યા તે બદલ  વણોદ "ભીમ દિવાના કમિટી" માનનીય મોહિન્દર મોર્ય સાહેબ અને માનનીય પ્રિંસ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે.અને સાથે જ સાવડા ગામથી આવેલાં મારા મિત્ર વનરાજ મોર્ય, જયદીપ મોર્ય અને હસમુખ મોર્યનો પણ આભાર માને છે.


.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...