Saturday, December 26, 2020

#શહિદ વીર ઉધમસિંહની વિરગાથા...

                  આમ તો ભારતને અંગ્રેજોથી આઝાદી અપાવવામાં ઘણાં ક્રાંતિકારી મહાપરુષોનો ફાળો રહ્યોં છે. ભારત દેશને ઘડવામાં જેમને જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં પોતાનું અમૂલ્ય યોગદાન અને બલિદાન આપ્યું.
કોઈએ બંદૂક ગોળી ખાઈને,
કોઈએ ફાંસીએ ઝુલીને,
કોઈએ આજીવન જેલવાસ વેઠીને.
તો કોઈએ દેશમાં વૈચારીક ક્રાંતિ ઉભી કરીને,
આ બધાં મહાપુરુષોની કોઈ જ્ઞાતિ નહતી, કોઈ જાતિ નહતી.

            એ બધા માત્રને માત્ર ભારતીય હતાં. કદાચ એ મહાપુરુષોમાં વૈચારિક મતભેદ જરૂર હશે. પણ એકબીજા પ્રેત્યે આદર સત્કાર ભારોભાર હતો. કોઈ પણ ભેદભાવ વગર દેશનાં ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું પરંતુ કોઈ ચોક્કસ જ્ઞાતિનાં ઈતિહાસકારોએ જરૂર એ વીર મહાપુરુષો અને ક્રાંતિકારીઓ સાથે ભેદભાવ કર્યો. એ ભેદભાવનો ભોગ દેશનાં ઘણાં મહાપુરુષો થયાં છે. ગંગુ માતર જેવાં વીર ક્રાંતિકારીઓનું તો ક્યાંક નામોનિશાન નથી ઈતિહાસમાં. હા, અંગ્રેજોના ચોપડે જરૂર એમનો ઈતિહાસ જોવા મળે. કેવી હીન માનસિકતા હશે એ કે જેમાં દેશને પોતાનું યોગદાન આપનાર ક્રાંતિકારીઓને પણ જ્ઞાતિ, જાતિના કારણે ભેદભાવ કરી એમના મહાન બલીદાનને અવગણવામાં આવ્યો હશે !?

            આવા જ એક ક્રાંતિકારી વીર યોદ્ધા એટલે ઉધમસિંહ...
                   ઉધમસિંહનો જન્મ પંજાબમાં થયેલો. એટલે વીરતા તો એમનામાં જન્મ સિદ્ધ હતી તે સમજી શકાય !
કેમ કે મારા ખ્યાલથી દેશમાં પંજાબ એક એવું રાજ્ય અથવા વિસ્તાર છે જ્યાંથી અન્યાય, અત્યાચાર સામે પ્રથમ વિદ્રોહ શરૂ થાય છે. કદાચ પંજાબની માટીની આ અસર હશે ! ઈતિહાસમાંથી બહુજન મહાપુરુષોનાં નામના પન્ના ફાડી નાખવામાં આવ્યાં હોય એવું લાગે છે. પરતું ઈતિહાસ છુપાવી શકાય એમ નથી હોતો. એવું જ એક નામ એટલે ઉધમસિંહ..
             
                  બહુજન સમાજમાંથી આવતાં દરેક મહાપુરુષે સમાનતાની વાત કરી છે. ઇ.સ. 1907 પછીની સમય ગાળો ઉધમસિંહ માટે કપરો સાબિત થયો કેમ કે માતા પિતાના અવસાન બાદ તેમણે મોટાભાઈ સાથે અમૃતસરનાં અનાથાશ્રમમાં રહેવું પડેલું. જોકે થોડા સમય પછી મોટાભાઈનું પણ અવસાન થયું. ઉધમસિંહ સાવ અનાથ થઈ ગયાં. જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો.પરંતુ દુઃખી થયાં વગર તેમણે પોતાનું સમગ્ર ધ્યાન દેશની સ્થિતિ તરફ કેન્દ્રિત કર્યું. અને અનાથાશ્રમમાંથી નીકળી સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો. ઉધમસિંહનું બાળપણનું નામ શેરસિંહ હતું. નામ પ્રમાણે નિડર, નિર્ભય જેવાં ગુણો તો ખરા જ ! પરંતુ જેલવાસ દરમ્યાન તેમને પોતાનું નામ "રામ મોહમ્મદ સિંહ આઝાદ" રાખેલું. એમનું આ નામ તેમનાં "સર્વ ધર્મ સમ ભાવ" ના પ્રતીક સમાન હતું. તેઓ દેશનાં સર્વ ધર્મને સમાન આદર આપતાં. પરંતુ એ વીર ક્રાંતિકારીની જ ઇતિહાસકારોએ નોંધ ન લીધી એ કેવી કરુણ વાસ્તવિકતા !!

                        દેશનો એ ગોઝારો દિવસ કોણ ભૂલી શક્યું છે આજ સુધી જ્યારે રોલેટ એક્ટનાં વિરોધમાં 13 એપ્રિલ 1919 માં પંજાબનાં અમૃતસરનાં જલિયાંવાલા બાગમાં જેમ આભમાંથી પાણીનો વરસાદ થાય એમ અંગ્રેજોની બંદૂકોમાંથી ગોળીઓનો વરસાદ થયો હતો. અને ઘડીભરમાં એ જલિયાંવાલા બાગની ધરતી લોહી લુહાણ થઈ ગઈ હતી. દેશનાં કેટલાંય બાળકો, યુવાનો, આધેડનાં જીવન ફૂલો મુરઝાઈ ગયાં હતાં. કેટલાંય દેશવાસીઓ અંગ્રેજોની ગોળીયે વિધાયા, પીખાયા. 
કેટલાં મૃત્યું પામ્યાં ?
કેટલાં ઘવાયાં ?
              એ બધી આંકડાની માયાજાળમાં નહીં પડું. તમે ગૂગલમાંથી શોધી શકો છો. જલિયાંવાલા બાગમાં તો અમર શહીદોની સૂચિમાં  388 નામ છે. જોકે આથી પણ વધારે શહીદો હશે. એવું મારું દ્રઢ પણે માનવું છે. અંગ્રેજ જનરલ ડાયર અને 90 જેટલાં અંગ્રેજ સૈનિકોએ નિર્દય થઈ જેમ કીડી મંકોડા મારે એમ ધડાધડ બાગમાં ભેગાં થયેલ લગભગ 5000 દેશવાસીઓ પર અંધાધૂંન ગોળી બાર કરવા લાગ્યા હતાં. થોડીવારમાં તો અફરાતફરી મચી ગઇ. ભાગો... ભાગો... ની બુમો સંભળાવવા લાગી. બાગનો મુખ્ય પ્રવેશ દ્વાર જરા સાંકડો તેથી એક સાથે ભીડને નીકળવાનો અવકાશ ઓછો. એ બધાં વચ્ચે માત્ર 20 વર્ષનો યુવાન આ બધું જોઈ રહ્યોં હતો. એ યુવાન કિશોરાવસ્થામાંથી માંડ હજુ યુવાનીમાં પગ મુકું મુકું હતો. મૂછનો દોરો માંડ ફૂટ્યો હતો. થોડી વારમાં બાગમાં નિરવશાંતિ પથરાઈ ગઈ. ચીખવા, ચિલ્લાવાનનાં દર્દ નાક અવાજો શાંત થઈ ગયાં. પણ 20 વર્ષનાં યુવાનનાં કાનોમાં જાણે એ દર્દનાક અવાજો હજુય પડઘાતાં હતાં. સંભળાતા હતાં. દેશવાસીઓની લોહીથી લથબથ લાશો આંખો સામે પડી હતી. કેટલાંય ગોળીઓથી ઘાયલ હતાં. બાળકો, મહિલાઓ આક્રંદ કરી રહ્યા હતાં. રૉલેટ એક્ટનો વિરોધ કરવા અહિંસક રીતે  ભેગા થયેલાં પ્રદર્શનકારીઓ પર 10 મિનિટમાં લી-એનફીલ્ડ રાયફલ્સ દ્વારા 1650 રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી હતી. આ દર્દનાક હત્યાકાંડને પ્રત્યક્ષ નિહાડનાર એ 20 વર્ષનો યુવાન એટલે ઉધમસિંહ. પથ્થર જેવાં હૈયાને પણ હચમચાવી મૂકે એવાં આ સામુહિક હત્યા કાંડને જોઈ યુવાન ઉધમસિંહનું હૃદય દ્રવી ઉઠ્યું. પરંતુ થોડી જ વારમાં એ જ હૃદયમાંથી વિદ્રોહ જાગ્યો. અને ઉધમસિંહએ મનોમન નક્કી કરી નાખ્યું કે આ સામુહિક હત્યાકાંડનાં જવાબદાર ડાયરને મોતને ઘાટ ઉતારવો એ જ જીવનનું અંતિમ લક્ષ. પરંતુ જનરલ ડાયરનું ઈ.સ.1927 માં મૃત્યુ થઈ ગયું હતું એમવામાં ઉધમસિંહનો આક્રોશનો ભોગ  માઈકલ ડાયર બન્યો જેણે આ જલિયાંવાલા હત્યાકાંડને ઉચિત ઠેરવ્યો હતો.

                    માઈકલ ડાયરને કંઈ રીતે મોતને ઘાટ ઉતારવો એ જ ઉધમસિંહનાં જીવનું લક્ષ હતું. તે લક્ષમાં કઈ રીતે સફળતા મેળવવી  તેના વિશે તેઓ યુક્તિઓ કરવા લાગ્યાં. પરંતુ છેક 21 વર્ષ પછી ઉધમસિંહએ પોતાનો સંકલ્પ પૂરો કર્યો અને છેક લંડન જઈને ઉપરાઉપરી બે ગોળીઓ માઈકલ ડાયરની છાતીમાં ધરબી દીધી. ઉધમસિંહની ભારતથી લંડન સુધીની સફર પણ એટલી જ રસપ્રદ છે. માઈકલ ડાયરને મારવા માટે પિસ્તોલ પણ તેમણે પુસ્તકમાં રાખી હતી. એક જાડા પુસ્તકના પાનાં પિસ્તોલ આકારે કાપીને તેમાં પિસ્તોલ મૂકી હતી. માઈકલ ડાયરની હત્યા બાદ ઉધમસિંહ ભાગ્યા નહીં પણ આત્મસમર્પણ કરી દીધું. મુકદમો ચાલ્યો અને 31 જુલાઈ 1940 માં પેટન્ટવિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. તેઓ હસતાં મુખે ફાંસીએ લટકી ગયાં અને પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન દેશને નામ કરી ગયાં. આવા વીર સદીઓ એકવાર જ જન્મે..
ભારત દેશ તેમનાં આ બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકે..

લેખન - રાહુલ વણોદ
   મો.8000739976

Wednesday, December 23, 2020

#ઝરૂખો

#ઝરૂખો

એક સમયે ઐતિહાસિક બાંધકામમાં ઝરૂખો જોવા મળતો. જોકે હાલ તો ઝરૂખા લુપ્ત થતાં જાય છે. ઝરૂખાનું બાંધકામ મુખ્ય બે પ્રકારે થતું.
એક લાકડાનો ઝરૂખો
બે પથ્થરનાં બાંધકામમાંથી કોતરકામ કરી બનાવેલો ઝરૂખો.
       
               ઝરૂખાનો મતલબ લાકડાં કે પથ્થરનાં બાંધકામમાં બારી બહાર કાઢેલું ઝઝૂમતું બાંધકામ અથવા છજુ, આજે ઝરૂખનું સ્વરૂપ બદલાયું છે. હવે ઝરૂખાનું સ્થાન અગાસી અથવા બારી લીધું છે. ઝરૂખાનું મહત્વ સમય પ્રમાણે ઘટતું ગયું.
           ઝરૂખો લાકડાનો હોય કે પથ્થરોનો હોય એમાં સ્ત્રીઓ, ઘોડાઓ, સિંહ, દેવો અથવા વિવિધ ભાતનું વિસ્મય પમાડે એવું અદ્ભૂત કોતરણી કામ જોવા મળતું. કોઈ સારા સંશોધક દ્વારા ઝરૂખા ઉપરનાં ચિત્રોથી ઈતિહાસની લિપિ ઉકેલી શકાય છે. 

               ઝરૂખો મુખ્યત્વે મકાન કે રાજા રાજવાડાની હવેલીમાં નગરનાં મુખ્ય રસ્તેથી બહાર પડતો બનાવવા આવતો. જેથી ઝરૂખે ઊભાં રહી રસ્તામાં નિકળતા લોકો અથવા વારે તહેવારે ઉજવાતા પ્રસંગો, ઘટનાઓ ઝરૂખે ઉભા રહી જોઈ શકાય. ઐતિહાસિક મકાનોમાં ઝરૂખા વિશેષ જોવા મળતાં. ઝરૂખો મુખ્યત્વે રાજાઓની રાણી, મહારાણીઓને માટે બનાવવામાં આવતાં. ક્યાંક રાજાઓ માટે પણ બનાવવા આવતા. જેથી રાજા ઝરૂખેથી ઉભા રહી રાજ્ય વહીવટી કાર્ય કરી શકે અથવા નજારો જોઈ શકે. અન્ય પણ ઉમેરી શકાય.
       
             રાજા મહારાજાઓના સમયમાં ઝરૂખાનું વિશેષ મહત્વ હતું. આજથી સો બસો કે તેથી વધું વર્ષ જુના મકાનો અથવા રાજા રજવાડાનાં સમયનાં લાકડાં કે પથ્થરનાં કેટલાંક બાંધકામ જોશો તો તેમાં પણ ક્યાંક ક્યાંક હજુ ભગ્નાવસ્તામાં ઝરૂખા જોવા મળશે. આજે ઝરૂખા નામશેષ થતાં જાય છે. આજના સમયે હવે એવા અદ્ભૂત ઝરૂખા બની શકે એમ નથી. આમ તો શાયરોની ભાષામાં ઝરૂખાને ઇનજાર કરવા માટેનો ઓરડો કહી શકાય. આજે પણ આપણને પણ ઘણી વાર દિલને ઉદાસી ઘેરી વળે ત્યારે અથવા કોઈ પ્રસંન્નતાના સમયે બારી કે અગાસીએ ઊભા રહી બહારનું દ્રશ્ય જોવું ગમે. ફરક માત્ર એટલો કે આજે ઝરૂખાનું સ્થાન બારીએ કે અગાસીએ લીધું છે. 

              ઝરૂખાની વાત આવે એટલે સૈફ પાલનપુરીની ઝરૂખાને અમરત્વ બક્ષતી "શાંત ઝરૂખે.." મનહર ઉધાસનાં સુરીલા કંઠે ગવાયેલી અમર ગઝલ યાદ આવ્યાં વિના ન જ રહે ! તો જવાહર બક્ષી કાવ્યત્મકતાથી ઝરૂખાને પોતાની ગઝલનાં શેરમાં આ રીતે મૂકે છે કે,

બધાં વિકલ્પ પુરા થઈ ગયાં છે કિલ્લામાં,
ફર્યા કરે છે એકલો સંબંધ ઝરૂખામાં.

તો ઈ.સ.1978  માં હિન્દી ચલચિત્ર "અખિયો કે ઝરૂખે સે.." નામનું એક ફિલ્મ પણ આવેલું જેમાં શિર્ષક ગીત "અખિયો કે ઝરૂખે સે.." લોકોને બહુ પસંદ આવેલું. આજે પણ ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોની પોળોમાં અને પાલનપુર જેવાં કેટલાંક અન્ય શહેરોમાં ઐતિહાસિક પથ્થરો અને લાકડાનાં બાંધકામો જે સમયકાળ સામે ઝઝૂમી રહ્યાં છે. ત્યાં ઝરૂખા ક્યાંક ક્યાંક દેખાય છે.
           
         એ ઝરૂખાઓ તે સમયની ભવ્ય ગાથા ગાય છે. એક સમયે રસ્તેથી વરઘોડો નીકળે ત્યારે આવા ઝરૂખા યૌવનથી છલકાઈ ઉઠતાં અને જીવંત બનતાં. બાકી તો આજે નામશેષ કહી શકાય.સૈફ પાલનપુરીની ભાષામાં કહીએ તો

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.

ત્યાં ગીત નથી, સંગીત નથી,
ત્યાં પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સપનાઓનાં મહેલ નથી,
ને ઉર્મિઓનાં ખેલ નથી.

વધું ઉમેરણ આવકાર્ય...

સંકલન - રાહુલ વણોદ 
     મો.8000739976

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...