Wednesday, November 3, 2021

"JAI BHIM" જોવા જેવું ફિલ્મ.

        કાલે રાત્રે "JAI BHIM" ફિલ્મ (ચલચિત્ર) નિહાળ્યું. ખૂબ ગમ્યું. ફિલ્મ વિતરણ કર્તા એમેઝોન પ્રાઈમ છે. ફિલ્મ નિર્માણકર્તા ટી. જે. જ્ઞાનવેલ સાહેબ છે. ચલચિત્રમાં મુખ્ય અભિનેતા સૂર્યા અને પ્રકાશ રાજ, રાજીયા વિજયન, લિજોમોન જોસ, રાવ રમેશ અને કે. મણીકંદન જેવા સાથી સહાયક કલાકારોએ પણ પોતાના અભિનયમાં જીવ રેડી (ચલચિત્ર)ફિલ્મને ચાર ચાંદ લગાવ્યા છે. આ ચલચિત્ર વિશેની સ્ટોરી નથી લખતો. તમે જાતે જ નિહાળશો તો મજા આવશે તેથી.પણ મને આ ચલચિત્રમાં એક નવીનતા દેખાઈ એ એ છે કે અન્ય ચલચિત્રમાં ન્યાય, બંધુતા, સમાનતા વગેરેના પ્રતીક રૂપે બાબા સાહેબ કે બુદ્ધનું ચિત્ર, બુદ્ધ વિહાર, તેમના નામના સ્થળો વગેરે ઘણું બતાવવામાં આવે છે. જ્યારે આ ફિલ્મમાં એવું કશું નથી. નિર્માણકર્તાએ આવા કોઈ આડંબર વિના ફિલ્મ રજૂ કરી છે. 

            ફિલ્મમાં મુખ્ય અભિનેતાને ડો. આંબેડકરના વિચારોને સીધા જ અનુસરતા બતાવ્યા છે. ફિલ્મમાં ન કોઈ "જય ભીમ" કે અન્ય કોઈ નારા કે ના કોઈ વાદળી રંગનું પ્રતીક. સીધા જ માનવતા અને સત્યને કેન્દ્રમાં રાખી ફિલ્મ રજૂ કરવામાં આવી છે અને આ બંનેનો વિજય એટલે "જય ભીમ." માથે લાબું તિલક તાણનાર અને મિનિટે મિનિટે "નમ: શિવાય" કહેનાર પણ માનવતાના વિરોધીઓ હોય એવું દર્શાવી નિર્માતાએ ઈશ્વરવાદીઓ ઉપર સીધું નિશાન તાક્યું છે. ફિલ્મમાં ડાયલોગ ઓછા છે પણ ધારદાર છે. અહીં ધ્યાન કેન્દ્રિત કરવા જેવી વાત છે કે સાપ અને ઉંદર પકડનાર વાદી અને આદિવાસી સમુદાયોની  વ્યથા અને પીડાને રજૂ કરી છે.

    આઝાદીના આટલા વર્ષો પછીય અમુક લોકો મતાધિકારથી વંચિત છે એ ફિલ્મમાં વંચિત સમુદાયો પાસે ચૂંટણી કાર્ડ ન હોવું એની નિશાની દર્શાવી છે. કોઈ પણ જાતિ કે સમુદાયનાં દર્શકો ફિલ્મ નિહાળતી વખતે સત્યના પક્ષે રહી શકે એવું વાતાવરણ ફિલ્મમાં નિર્માણ કરવામાં આવ્યું જેથી ફિલ્મ સંપાદક પણ ધન્યવાદને પાત્ર છે.અહીં અડવાથી કે પાણી પીવાથી રાખતી અસ્પૃશ્યતાની વાત નથી. અહીં આધુનિક અને પહેલા કરતા પણ વધુ ધારદાર અને મજબૂત બનેલી સામંત અને રૂઢીવાદીઓની દલિતો, આદિવાદીઓ પ્રેત્યેની માનવીય મૂલ્યોને છીંન્ન ભિન્ન કરતી માનસિકતા અને ચિત્કાર કરતી હિંસા, કનડગત, અન્યાય અને શોષણની વાત નિર્માતાએ મૂકી છે.બોલિવૂડની ફિલ્મોમાં પોલીસને હીરો બનાવીને રજૂ કરવાની પ્રથા ચાલી આવે છે પરંતુ સમાજ,સરકાર અને પોલીસને અરીસો બતાવાનું કાર્ય આ ફિલ્મે કર્યું. ફિલ્મમાં દ્રશ્ય કે કલાકારના ચહેરા પર કોઈ પણ મેકઅપના થોથા વગર ફિલ્મ રજૂ થઈ  છે જે ફિલ્મને કુદરતી વાતાવરણ બક્ષે છે.

       જોકે ફિલ્મમાં એક વાત મને જરૂર ખટકે એવી લાગી કે ફિલ્મમાં બે ત્રણ વાર કાલમાર્ક્સની એક મોટી મૂર્તિ બતાવવામાં આવે છે અને ડો. બાબા સાહેબ આંબેડકરના  વિચારો કોમ્યુનિટ્સો સાથે સુસંગત થતાં નથી. કાલમાર્કસની મૂર્તિની જગ્યાએ જો ડો. આંબેડકરની મૂર્તિ ફિલ્મમાં બતાવી હોત તો સારું હતું.

- રાહુલ વણોદ

Friday, May 14, 2021

ચેલા માસ્તરને આદરંજલી...

વાત છે 2017-18 ની..

હજુ ઝાઝો સમય નથી થયો. 
                વઢીયારના શંખેશ્વરમાં કોલેજ ચાલુ એ સમય દરમ્યાન. મારા ગામથી શંખેશ્વર આશરે 30-35 કિમી દૂર. વાયા દસાડા થઈ અપડાઉન કરવું પડતું. કોલેજ જવા સરકારની બસમાં જતો. પરંતુ આતો સરકારી ખાતું. અને એમાંય સુરેન્દ્રનગર જિલ્લાનો છેવાડાનો અમારો દસાડા તાલુકો. બસ આવે ન આવે. કોલેજનો પ્રથમ લેક્ચર તો ચુકાઈ જ જતો. ક્યારેક ક્યારેક એકાદ લેક્ચર બાકી હોય અને પોહચું. પછી આવ્યાનો અફસોસ થાય. બીજા છોકરાઓની જેમ મોજ મજા કરવા કોલેજમાં આવવાનું હોય તો ચાલે પણ પ્રથમ લેક્ચર ડો. મુકેશ સર ભણાવતા. ગુજરાતી "જબરું" ભણાવતા. તેથી તેમને સાંભળવાની તાલાવેલી રહેતી. પણ અપડાઉનના કારણે કોલેજમાં સમયસર પોહચી ન શકતો. તેથી વિચાર આવ્યો કે શંખેશ્વરમાં જ રહેવા મળે તો કેવું સારું ! સમય બચે અને કોલેજમાં નિયમિત આવી શકું તેથી ત્યાં શંખેશ્વરમાં જ કોઈ હોસ્ટેલની તપાસ કરી.

               હોસ્ટેલ તો ન મળી પણ હોસ્ટેલ જેવું છે એવું સાંભળ્યું. પૂછપરછ કરી તો માલુમ પડ્યું કે એક માણસ છે તેઓ ત્યાં છોકરાઓને રાખે છે. મહિને જમવાનું અને રહેવાનું ભાડું આપવું પડે. તે માણસને મળ્યો. તેમણે થોડા પ્રશ્નો કર્યા. એમાં પેલો પ્રશ્ન તો જરૂર હતો. "તમે કેવા છો ?" બસ પછી તો અપેક્ષા હતી એ જ થયું. બે દિવસ પછી તે માણસને મેં ફોન કર્યો તો મને કહ્યું, ભાઈ રૂમમાં જગ્યા નથી. તમે બીજે ક્યાંક વ્યવસ્થા કરી લેજો. મને નિરાશા સાંપડી.

  પછી ત્યાંના જ મારા એક મિત્રને મેં વાત કરી કે ભાઈ અહીં કોઈ હોસ્ટેલ અથવા રૂમ મળશે ? મારે કોલેજ ચાલુ છે ત્યાં સુધી જોઈએ છે. અપડાઉનમાં વાંચન લેખન માટે સમય નથી રહેતો.

એ મિત્ર નજીકના હતાં
 મને કહ્યું, રાહુલ અહીં વાણીયાઓ માટે ધર્મ શાળાઓ છે. સાવ ખાલી જ છે. પણ એ તમને રહેવા ન આપે. હું સમજી ગયો. મને ત્યારે બાબા સાહેબની વ્યથાનો અહેસાસ થયો કે બાબા સાહેબને પણ જ્યારે વડોદરાની ધર્મ શાળામાંથી બહાર કાઢ્યા હશે ત્યારે તેમને કેટલું દુઃખ થયું હશે ? પછી એ મિત્ર એ મને એક ફોન નંબર આપ્યો અને કહ્યું આ નંબર પર વાત કરજો. તમારા સમાજના જ છે. સારા માણસ છે કદાચ એ વ્યવસ્થા કરી આપશે. શુભ કાર્યમાં વાર શુ કામ કરવી? મેં તરત ફોન કર્યો. અને તેમને મળવા પોહચી ગયો. આધેડ વયના એ માણસ, એકદમ સ્વચ્છ કપડાં વાળ સફેદ હતાં. વૃદ્ધા વસ્થાના એંધાણ હતાં. નિવૃત શિક્ષક. શંખેશ્વરમાં બધાં તેમને ચેલા માસ્તર કહે,  મને બેસાડ્યો, ચા આપી. ચા પીતા પીતા મેં મારી વાત કરી. કે સાહેબ મને જાણવા મળ્યું છે આપ હોસ્ટેલ ચલાવો છો. તો મારે જરૂર છે હોસ્ટેલમાં રહેવા માટે. આપ મને એડમિશન આપી શકશો આપની હોસ્ટેલમાં? 

             સાહેબે ચા પી, ખાલી ચા ની પ્યાલી એક બાજુ મૂકી બોલ્યાં. જો બેટા, નિયમ પ્રમાણે હોસ્ટેલમાં માત્ર 12 ધોરણ સુધીના છોકરા રાખી શકાય કોલેજ વાળાને ન રાખી શકાય. પણ તારે જો ખરેખર અભ્યાસ માટે રહેવું જ હોય તો હું વ્યવસ્થા કરી આપું. તું આજે જ તારો સામાન લઈને મારા ઘરે રહેવા આવી જા. મારા ઘરે રહેજે. અને અભ્યાસ કરજે. મેં કહ્યું સાહેબ આપના ઘરે !? હજુ તો આજે જ  તમને મળ્યો હું. તમે મારા વિશે કશું જાણતા પણ નથી. અને પોતાના ઘરે રહેવાનું કહો છો? એક અજાણ્યા વ્યક્તિને આમ પોતાના ઘરે રાખવો !?
મારી વાત અચાનક વચ્ચે અટકાવી સાહેબે કહ્યું,

              બેટા હું નિવૃત શિક્ષક. મેં કેટલાય બાળકોને ભણાવ્યાં. સમાજને શક્ય એ મદદ કરી. હજુય આનંદ થાય મને જો તારી જેવા છોકરાઓને શિક્ષણ બાબતે મદદરૂપ થવાનો અવસર મળે તો. મને આનંદ થયો. બીજા દિવસે જ તેમના ઘરે રહેવા આવી ગયો. થોડાં દિવસો વિત્યા. ઘરના સભ્યો પણ મને બહુ સારું રાખતા. પ્રથમ મને અને હોસ્ટેલના  છોકરાઓને જમાડે પછી બધાં ઘરના સભ્યો જમે. ઘરના ઉપરના માળે હોસ્ટેલ ચાલે. સાહેબ ઘરે હોય ના હોય ત્યારે એમની ગેરહાજરીમાં છોકરાઓની હાજરી પુરવી, જમાડવા, ટાઈમે શાળાએ મોકલવા, વાંચવા લખવા બેસાડવા વગેરે કામ હું કરતો
સાથે સાથે મારા અભ્યાસ લેખનનો સમય પણ ફાળવતો. છોકરાઓ સાથે કદી નાના છોકરા બની જવામાં જ જીવનનો અસલી આનંદ છે તેવું મને છોકરાઓ સાથે મસ્તી કરતાં લાગતું.

              સાહેબ સાથે અવારનવાર વાતચીત થતી. મને કહેતા તું છે એટલે મને હાશકારો રહે છે. હું જોઉં છું છોકરાઓ હવે તોફાન ઓછા કરે છે. નિયમિત વાંચન લેખન કરે છે. તું બેઠો હોય એટલે એય તારી સાથે બેસી જાય છે. વાંચવા લખવા. મારે તો તને જ અહીં ગૃહપતિ( છાત્રાલયનું કામકાજ અને છોકરાઓને સંભાળનાર ) તરીકે રાખવાનો વિચાર છે.
સમય વિવવતો ગયો.સાહેબનું કાર્ય મારાથી અછાનું ન રહ્યું. તેમનામાં સમાજ પ્રેત્યેની ભાવના ઉત્તમ હતી. પરિવાર કરતાં સમાજ અને બાળકોના શિક્ષણને વધુ મહત્વ આપતા તેઓ. સ્વભાવ પણ એકદમ શાંત કામ સિવાય બહુ બોલવાનું નહીં, માનવ સ્વભાવને ખૂબ સારી રીતે ઓળખતાં.માનવ સ્વભાવ અને ગુણો વિશે તેમણે એક પુસ્તક પણ લખેલું.

             જોત જોતા મારે કોલેજ પૂર્ણ થવા આવી. કોલેજમાં સારા ગુણ સાથે સ્નાતક થયો તેનો શ્રેય ચેલા માસ્તર (સાહેબ)ને જાય છે. ત્યાંથી નીકળતાં સમયે બાબા સાહેબનું એક પેઇન્ટિંગ ભેટ આપ્યું સાહેબને. તે પછી અવારનાવર શંખેશ્વર જાઉં એટલે સાહેબને જરૂર મળું. સાહેબ કહેતાં તું હોસ્ટેલના વોર્ડન તરીકે રહ્યોં હોત તો સારું હતું. પણ હું જાણું છું તારે આગળ અભ્યાસ કરવાનો બાકી છે. પણ બેટા કોઈ પણ છોકરો કે છોકરી તને યોગ્ય લાગે કે આ સારું ભણશે અને એને મદદની જરૂર છે તો મને જણાવજે. હું એના ખાવા પીવાનો,રહેવાનો અને ભણવાનો બધો જ ખર્ચ ઉઠાવીશ. જોકે તેઓ આજીવન સમાજના છોકરાઓને શિક્ષણ બાબતે મદદરૂપ થતાં હતાં. હમણાં એક અઠવાડિયા પહેલાં સમાચાર મળ્યાં કે તેઓ આ દુનિયામાં નથી રહ્યાં તો દુઃખ થયું. હોસ્ટેલ નોંધારી થઇ ગઇ. તેઓ હજુ જીવતા રહ્યાં હોત તો હજુ મારા જેવાં ઘણા છોકરાઓ અને સમાજને મદદરૂપ થયાં રહ્યાં હોત. આજે એમના સુપુત્ર સાથે વાત કરી. અને સાહેબ વિશે જૂની સ્મૃતિઓ વાગોળી. તેમનાં સુપુત્રએ મને જે સાહેબ વિશે કહ્યું એ તેમના જ શબ્દોમાં કહું,

 પપ્પા હવે નથી રહ્યાં. થોડાં સમયથી બીમાર રહેતાં. હું અને પરિવારજનો અવારનવાર કહેતા કે તમે આરામ કરો પણ તેઓ સમાજનું કામ આવે એટલે પોતાની તબિયત પણ ન જોતાં.
ઘરમાં પૈસાની જરૂર હોય તો પણ કોઈ છોકરાને અભ્યાસ માટે જરૂર પડે તો ઘરમાંથી કાઢી આપી દેતાં. સમાજનું કામ પરિવારથી પણ વિશેષ હોતું તેમના માટે. તેમણે જે કામ કર્યું એ અમે તો ન જ કરી શકીએ.

- રાહુલ વણોદ
મો.8000739976


Tuesday, April 20, 2021

લોક વિચાર ઘડવામાં લેખકો અને વર્તમાન પત્રો ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે.



                                 લેખન-  રાહુલ વણોદ
                                 મો.8000739976


          હમણાં 18 એપ્રિલે રમેશ ઓઝા નામક વ્યક્તિએ ભારતીય બધાંરણમાં બાબા સાહેબની ભૂમિકા અને મહત્વ ઓછું આંકતો એક લેખ વર્તમાન પત્રમાં પ્રસારિત કરેલો. સ્વાભાવિક છે કે સંદેશ, દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચારમાં અવારનવાર વૈદિક અને હિંદુ ધર્મના હિમાયતી અને મનુવાદી જેવી હલકી માનસિકતા વાળા કુલેખકો દ્વારા લખવામાં આવેલ લેખો છાપવામાં આવે છે. અને ડો. આંબેડકરના અનુયાયીઓની લાગણીને ઠેસ પોહચાડવાનું દુસાહસ કરતાં રહે છે.જોકે આ પ્રથમ વખત નથી. અવારનવાર ઉજળિયાત વર્ગના લેખકો દ્વારા આ પ્રકારની કુચેષ્ઠા કરવામાં આવે છે. અથવા આમ કરાવવામાં આવે છે. ડો. આંબેડકર જીવતા હતાં ત્યારે પણ મનુવાદી છાપાઓના તંત્રીઓ ડો. આંબેડકર વિશે પોતાની હલકી માનસિકતા પ્રદર્શિત કરવાનો કોઈ મોકો છોડતા નહતા.

           આવું હજુ પણ થતું રહેશે એમાં નવાઈ નથી એ લોકોના લોહીમાં જ છે કે ઉજળિયાત વર્ગ સિવાયના અન્ય વર્ગમાંથી આગળ આવેલ મહાપુરુષોના મહત્વને ઓછું આંકવું.બહુજન મહાપુરુષોની જન્મ જયંતિ હોય, મોહોત્સવ, સભા, રેલી કે અન્ય કોઈ કાર્ય હોય તેને આ મનુવાદીઓ વૈદિક સંસ્કૃતિના હિમાયત કરતાં લોકોએ અવગણના જ કરી છે. ગયાં વર્ષે આપણાં એક કેન્દ્રીય  સંસદ સભ્ય મૃત્યુ પામ્યાં તેની નાની એવી નોંધ સુદ્ધા પણ ન લીધી મીડિયાએ. પણ જો એજ કેન્દ્રીય મંત્રી કહેવતી ઉચ્ચ જ્ઞાતિનો હોત તો  એકાદ બે લેખ તો જરૂર છાપ્યા હોત. એમાં જન્મથી માંડી સંસદ સભ્ય સુધીની સફર વિશે લખ્યું હોત. માયાવતીજી કે લાલુજી ના જીવન સંઘર્ષ વિશે મહત્વની વાતો પણ કદી મીડિયા બતાવશે નહીં,હા બહુજન મહાપુરુષો વિશે કશું ઉતરતી કક્ષાનું  કે અપમાનિત કરતું કશું લખવું હોય તો કોઈ કસર નહીં છોડે આ દલાલ મીડિયા. કાંશીરામ સાહેબ વિશે પણ બહુ ઓછું મીડિયામાં બતાવતાં.

ભૂતકાળ પણ "અમદાવાદ સમાચાર", "ગુજરાત મિત્ર", જેવા સામયિકો અને વર્તમાન પત્રો એ પોતાની રૂઢિવાદી માનસિકતા છતી કરી છે. ગુજરાતી વર્તમાન પત્રોએ સમયે સમયે પોતાની રૂઢિવાદી માનસિકતા છતી કરી છે. અને અસ્પૃશ્યો  અને તેમના નાયકોને ઉણા ચિતરતા લખાણો અવારનવાર પોતાનાં સામયિકોમાં છાપાતા રહ્યાં છે.

 સવાલ એ થાય છે કે આપણે એમને વળતો જવાબ શી રીતે આપીએ છીએ !!? સોશ્યલ મીડિયામાં એકાદ બે પોસ્ટ મુકીશું, થોડી ઘણી ચર્ચા કરીશું બસ..એટલું જ.
અહીં સુધી જ મર્યાદિત છે. આપણો ગુસ્સો. આપણે કોઈ સબળ માધ્યમ વિકસાવવું જોઈએ. આપણો ગુસ્સો અને અવાજ માત્ર સોશ્યલ મીડિયા પૂરતો સીમિત ન રાખવો જોઈએ. રમેશ ઓઝાએ વર્તમાન પત્રમાં પોતાની ગંદી માનસિકતા રજૂ કરી છે તો આપણે પણ ઇટનો જવાબ ઇટથી આપવો જોઈએ. પરંતુ આપણી પાસે મર્યાદિત સ્ત્રોત છે સોશ્યલ મીડિયા સિવાય. હાલ કેટલાક પ્રકાશકો અને આપણાં લેખકોએ રમેશ ઓઝા જેવા કેટલાય મનુવાદીઓને પુસ્તકો, લેખો લખી કરારો જવાબ આપ્યો છે. તેમને ધન્યવાદ દેવા પડે. પરંતુ હજુ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે જેટલું જોઈએ તેટલું બહુજન સાહિત્યનું ખેડાણ નથી થયું. આપણે બહુજન સમાજનું મીડિયા ઉભું કરવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતર્યા છીએ. બહુજન મીડિયા વિકસાવવામાં આપણી ઉદાસીનતા ઉડીને આંખે વળગે એવી જરૂર છે.

              પત્રકારત્વ ક્ષેત્રે આગળ ડગ માંડવામાં આવે તો ઓઝા, વોરા અને સંઘવી જેવાઓને જવાબ આપવામાં સરળતા રહે. સમાજનું ખુદનું સાહિત્ય અને મીડિયા જરૂરી છે. અને સાથે સાથે એમાં કામ કરતાં પત્રકારો અને તંત્રીઓને આવકનો સ્ત્રોત મળી રહે તે પણ અગત્યનું છે. યુવાનો એ પણ પત્રકારત્વ ક્ષેત્રે અને વાંચન, લેખન પરત્વે રસ રુચિ દાખવવા જોઈએ. જેથી બહુજન મીડિયાનો પાયો મજબૂત બને. કેમ કે જે સમાજમાં લેખકો અને વર્તમાન પત્રો જેટલાં મોડા પેદા થાય છે તે સમાજ ઉન્નતિ અને પ્રગતિમાં એટલો જ પાછળ રહે છે.

             મને નેપોલિયન બોનાપાર્ટે કહ્યું છે તે વાક્ય યાદ આવે છે કે, "મને આ બંદૂકનો ડર લાગતો નથી, જેટલો એક વર્તમાન પત્રનો ડર લાગે છે." કહેવાય છે કે હિટલર, પોતાના હાથ નીચે વર્તમાન પત્રોને કારણે સત્તા સુધી પોહચ્યો હતો. સત્તા રૂઢ થવા માટે મીડિયા બ્રહ્માસ્ત્ર સાબિત થાય છે. લોકવિચાર ઘડવામાં ખૂબ મહત્વની ભુમિકા અદા કરે છે મીડિયા. ઉપરાંત શિક્ષણ અને જ્ઞાન આપવાનું કાર્ય પણ કરે જ છે.જોકે આંબેડકરવાદી પત્રકારો અને સામયિકો હવે ઉગતા જાય છે એનો આનંદ છે.


.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...