Friday, May 14, 2021

ચેલા માસ્તરને આદરંજલી...

વાત છે 2017-18 ની..

હજુ ઝાઝો સમય નથી થયો. 
                વઢીયારના શંખેશ્વરમાં કોલેજ ચાલુ એ સમય દરમ્યાન. મારા ગામથી શંખેશ્વર આશરે 30-35 કિમી દૂર. વાયા દસાડા થઈ અપડાઉન કરવું પડતું. કોલેજ જવા સરકારની બસમાં જતો. પરંતુ આતો સરકારી ખાતું. અને એમાંય સુરેન્દ્રનગર જિલ્લાનો છેવાડાનો અમારો દસાડા તાલુકો. બસ આવે ન આવે. કોલેજનો પ્રથમ લેક્ચર તો ચુકાઈ જ જતો. ક્યારેક ક્યારેક એકાદ લેક્ચર બાકી હોય અને પોહચું. પછી આવ્યાનો અફસોસ થાય. બીજા છોકરાઓની જેમ મોજ મજા કરવા કોલેજમાં આવવાનું હોય તો ચાલે પણ પ્રથમ લેક્ચર ડો. મુકેશ સર ભણાવતા. ગુજરાતી "જબરું" ભણાવતા. તેથી તેમને સાંભળવાની તાલાવેલી રહેતી. પણ અપડાઉનના કારણે કોલેજમાં સમયસર પોહચી ન શકતો. તેથી વિચાર આવ્યો કે શંખેશ્વરમાં જ રહેવા મળે તો કેવું સારું ! સમય બચે અને કોલેજમાં નિયમિત આવી શકું તેથી ત્યાં શંખેશ્વરમાં જ કોઈ હોસ્ટેલની તપાસ કરી.

               હોસ્ટેલ તો ન મળી પણ હોસ્ટેલ જેવું છે એવું સાંભળ્યું. પૂછપરછ કરી તો માલુમ પડ્યું કે એક માણસ છે તેઓ ત્યાં છોકરાઓને રાખે છે. મહિને જમવાનું અને રહેવાનું ભાડું આપવું પડે. તે માણસને મળ્યો. તેમણે થોડા પ્રશ્નો કર્યા. એમાં પેલો પ્રશ્ન તો જરૂર હતો. "તમે કેવા છો ?" બસ પછી તો અપેક્ષા હતી એ જ થયું. બે દિવસ પછી તે માણસને મેં ફોન કર્યો તો મને કહ્યું, ભાઈ રૂમમાં જગ્યા નથી. તમે બીજે ક્યાંક વ્યવસ્થા કરી લેજો. મને નિરાશા સાંપડી.

  પછી ત્યાંના જ મારા એક મિત્રને મેં વાત કરી કે ભાઈ અહીં કોઈ હોસ્ટેલ અથવા રૂમ મળશે ? મારે કોલેજ ચાલુ છે ત્યાં સુધી જોઈએ છે. અપડાઉનમાં વાંચન લેખન માટે સમય નથી રહેતો.

એ મિત્ર નજીકના હતાં
 મને કહ્યું, રાહુલ અહીં વાણીયાઓ માટે ધર્મ શાળાઓ છે. સાવ ખાલી જ છે. પણ એ તમને રહેવા ન આપે. હું સમજી ગયો. મને ત્યારે બાબા સાહેબની વ્યથાનો અહેસાસ થયો કે બાબા સાહેબને પણ જ્યારે વડોદરાની ધર્મ શાળામાંથી બહાર કાઢ્યા હશે ત્યારે તેમને કેટલું દુઃખ થયું હશે ? પછી એ મિત્ર એ મને એક ફોન નંબર આપ્યો અને કહ્યું આ નંબર પર વાત કરજો. તમારા સમાજના જ છે. સારા માણસ છે કદાચ એ વ્યવસ્થા કરી આપશે. શુભ કાર્યમાં વાર શુ કામ કરવી? મેં તરત ફોન કર્યો. અને તેમને મળવા પોહચી ગયો. આધેડ વયના એ માણસ, એકદમ સ્વચ્છ કપડાં વાળ સફેદ હતાં. વૃદ્ધા વસ્થાના એંધાણ હતાં. નિવૃત શિક્ષક. શંખેશ્વરમાં બધાં તેમને ચેલા માસ્તર કહે,  મને બેસાડ્યો, ચા આપી. ચા પીતા પીતા મેં મારી વાત કરી. કે સાહેબ મને જાણવા મળ્યું છે આપ હોસ્ટેલ ચલાવો છો. તો મારે જરૂર છે હોસ્ટેલમાં રહેવા માટે. આપ મને એડમિશન આપી શકશો આપની હોસ્ટેલમાં? 

             સાહેબે ચા પી, ખાલી ચા ની પ્યાલી એક બાજુ મૂકી બોલ્યાં. જો બેટા, નિયમ પ્રમાણે હોસ્ટેલમાં માત્ર 12 ધોરણ સુધીના છોકરા રાખી શકાય કોલેજ વાળાને ન રાખી શકાય. પણ તારે જો ખરેખર અભ્યાસ માટે રહેવું જ હોય તો હું વ્યવસ્થા કરી આપું. તું આજે જ તારો સામાન લઈને મારા ઘરે રહેવા આવી જા. મારા ઘરે રહેજે. અને અભ્યાસ કરજે. મેં કહ્યું સાહેબ આપના ઘરે !? હજુ તો આજે જ  તમને મળ્યો હું. તમે મારા વિશે કશું જાણતા પણ નથી. અને પોતાના ઘરે રહેવાનું કહો છો? એક અજાણ્યા વ્યક્તિને આમ પોતાના ઘરે રાખવો !?
મારી વાત અચાનક વચ્ચે અટકાવી સાહેબે કહ્યું,

              બેટા હું નિવૃત શિક્ષક. મેં કેટલાય બાળકોને ભણાવ્યાં. સમાજને શક્ય એ મદદ કરી. હજુય આનંદ થાય મને જો તારી જેવા છોકરાઓને શિક્ષણ બાબતે મદદરૂપ થવાનો અવસર મળે તો. મને આનંદ થયો. બીજા દિવસે જ તેમના ઘરે રહેવા આવી ગયો. થોડાં દિવસો વિત્યા. ઘરના સભ્યો પણ મને બહુ સારું રાખતા. પ્રથમ મને અને હોસ્ટેલના  છોકરાઓને જમાડે પછી બધાં ઘરના સભ્યો જમે. ઘરના ઉપરના માળે હોસ્ટેલ ચાલે. સાહેબ ઘરે હોય ના હોય ત્યારે એમની ગેરહાજરીમાં છોકરાઓની હાજરી પુરવી, જમાડવા, ટાઈમે શાળાએ મોકલવા, વાંચવા લખવા બેસાડવા વગેરે કામ હું કરતો
સાથે સાથે મારા અભ્યાસ લેખનનો સમય પણ ફાળવતો. છોકરાઓ સાથે કદી નાના છોકરા બની જવામાં જ જીવનનો અસલી આનંદ છે તેવું મને છોકરાઓ સાથે મસ્તી કરતાં લાગતું.

              સાહેબ સાથે અવારનવાર વાતચીત થતી. મને કહેતા તું છે એટલે મને હાશકારો રહે છે. હું જોઉં છું છોકરાઓ હવે તોફાન ઓછા કરે છે. નિયમિત વાંચન લેખન કરે છે. તું બેઠો હોય એટલે એય તારી સાથે બેસી જાય છે. વાંચવા લખવા. મારે તો તને જ અહીં ગૃહપતિ( છાત્રાલયનું કામકાજ અને છોકરાઓને સંભાળનાર ) તરીકે રાખવાનો વિચાર છે.
સમય વિવવતો ગયો.સાહેબનું કાર્ય મારાથી અછાનું ન રહ્યું. તેમનામાં સમાજ પ્રેત્યેની ભાવના ઉત્તમ હતી. પરિવાર કરતાં સમાજ અને બાળકોના શિક્ષણને વધુ મહત્વ આપતા તેઓ. સ્વભાવ પણ એકદમ શાંત કામ સિવાય બહુ બોલવાનું નહીં, માનવ સ્વભાવને ખૂબ સારી રીતે ઓળખતાં.માનવ સ્વભાવ અને ગુણો વિશે તેમણે એક પુસ્તક પણ લખેલું.

             જોત જોતા મારે કોલેજ પૂર્ણ થવા આવી. કોલેજમાં સારા ગુણ સાથે સ્નાતક થયો તેનો શ્રેય ચેલા માસ્તર (સાહેબ)ને જાય છે. ત્યાંથી નીકળતાં સમયે બાબા સાહેબનું એક પેઇન્ટિંગ ભેટ આપ્યું સાહેબને. તે પછી અવારનાવર શંખેશ્વર જાઉં એટલે સાહેબને જરૂર મળું. સાહેબ કહેતાં તું હોસ્ટેલના વોર્ડન તરીકે રહ્યોં હોત તો સારું હતું. પણ હું જાણું છું તારે આગળ અભ્યાસ કરવાનો બાકી છે. પણ બેટા કોઈ પણ છોકરો કે છોકરી તને યોગ્ય લાગે કે આ સારું ભણશે અને એને મદદની જરૂર છે તો મને જણાવજે. હું એના ખાવા પીવાનો,રહેવાનો અને ભણવાનો બધો જ ખર્ચ ઉઠાવીશ. જોકે તેઓ આજીવન સમાજના છોકરાઓને શિક્ષણ બાબતે મદદરૂપ થતાં હતાં. હમણાં એક અઠવાડિયા પહેલાં સમાચાર મળ્યાં કે તેઓ આ દુનિયામાં નથી રહ્યાં તો દુઃખ થયું. હોસ્ટેલ નોંધારી થઇ ગઇ. તેઓ હજુ જીવતા રહ્યાં હોત તો હજુ મારા જેવાં ઘણા છોકરાઓ અને સમાજને મદદરૂપ થયાં રહ્યાં હોત. આજે એમના સુપુત્ર સાથે વાત કરી. અને સાહેબ વિશે જૂની સ્મૃતિઓ વાગોળી. તેમનાં સુપુત્રએ મને જે સાહેબ વિશે કહ્યું એ તેમના જ શબ્દોમાં કહું,

 પપ્પા હવે નથી રહ્યાં. થોડાં સમયથી બીમાર રહેતાં. હું અને પરિવારજનો અવારનવાર કહેતા કે તમે આરામ કરો પણ તેઓ સમાજનું કામ આવે એટલે પોતાની તબિયત પણ ન જોતાં.
ઘરમાં પૈસાની જરૂર હોય તો પણ કોઈ છોકરાને અભ્યાસ માટે જરૂર પડે તો ઘરમાંથી કાઢી આપી દેતાં. સમાજનું કામ પરિવારથી પણ વિશેષ હોતું તેમના માટે. તેમણે જે કામ કર્યું એ અમે તો ન જ કરી શકીએ.

- રાહુલ વણોદ
મો.8000739976


3 comments:

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...