Friday, April 1, 2022

.

न्याय चाहिए तो शासक बनो
-मान्यवर कांशीराम 


આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??
             હાલ નીલમ મકવાણા આમરણાંત ઉપવાસ ઉપર છે.પરંતુ સરકાર અને મીડિયા અવગણી રહ્યાં છે. ગ્રેડ પે માટે પોલિસ મિત્રોની માંગણી સરકાર સ્વીકારશે કે કેમ તે જોવું રહ્યું. બીજું ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો પણ જૂની પેંશન યોજના માટે હવે મેદાને આવ્યાં છે.બેન્કનાં ખાનગીકરણના વિરોધમાં તો બેંક કર્મચારીઓ હડતાળ અને માંગણી કરી જ છે. ત્યારે ફિક્સ પગાર મુદ્દે પણ કોણ ચૂપ છે ફિક્સ પગારમાં નોકરી કરતાં દરેક કર્મચારીઓ વિરોધમાં જ છે ગુજરાત સરકારની.

              કર્મચારીઓ તો ખરાં જ ! પણ સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તો હવે રીતસરનો વિદ્રોહ કરી રહ્યાં છે.હમણાં હમણાં પત્રકારો પર સરેઆમ હુમલાના વિરોધમાં પત્રકારોના સંગઠનોએ એ સરકારને પ્રશ્ન કર્યો હતો કે હવે તો અમેય સુરક્ષિત નથી. મેડિકલ વિભાગમાં પણ આવું જ છે.
પોલીસ હોય,
શિક્ષક હોય,
તલાટી હોય,
બેંક કર્મચારી હોય,
તબીબી વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓ હોય,
દરેકે પોતાને મળતાં લાભ કે પગાર માટે આંદોલનો કરવા છે પણ કર્મચારીઓના હિતમાં કામ કરે એવી સરકાર બનાવવાના કોઈ પ્રયાસો નથી કરવા.
ગ્રે પેડ વધારવા માટે આંદોલન,
વય મર્યાદા વધારવા માટે આંદોલન,
બેન્કના ખાનગીકરણ સામે આંદોલન
જૂની પેંશન યોજના લાગુ કરવા આંદોલન
ફલાણા ફલાણા પગાર પંચમા સામેલ કરવા આંદોલન,
ફલાણા ફલાણા ભથ્થા ચૂકવવા માટે આંદોલન,
હંગામી કર્મચારીઓનું કાયમી થવા આંદોલન 

                 આમ માત્ર આંદોલનો કરીને સંતોષ મેળવવો છે.પરંતુ કોઈ નક્કર આયોજન નથી કરવું. જો માત્ર આંદોલનો જ કરવા છે તો કશુ નહીં મળે અને વળે. 
કાંશીરામ સાહેબ કહેતા કર્મચારી માટે સરકાર છે, સરકાર માટે કર્મચારી નથી. જો કર્મચારીનું શોષણ થતું હોય તો તેને પૂરો હક છે વિરોધ કરવાનો, પોતાના હક અધિકાર મેળવવાનો. જરુરત છે માત્ર કર્મચારીઓનું ભલું વિચારી શકે તેવી સરકારની. પણ તેના માટે મોટા ભાગના કર્મચારીઓ ઉદાસીન હોય છે.તેઓને કોઈ સરકાર સામે કશું વાંધો નથી જો તે સરકાર તેમને પગાર વધારો કે પેન્શન કે ભથ્થું વધારી આપે, પણ પોતાના પગ ઉપર ઘા આવે એટલે આંદોલનો કરે ! આમ તો મારું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ સરકારી કર્મચારી આંદોલન કરે છે તો તે માત્રને માત્ર પોતાના અને પોતાના પરિવાર માટે, એમની માંગણી પરિવાર અને પોતાના પૂરતી હોય છે, સામાજિક નહીં, જો સામાજિક હોત તો તેઓ તેમની સમસ્યાઓ માટે આંદોલન નહીં, યોગ્ય સરકારનો વિકલ્પ પસંદ કરેત. 

                     માન્યવર કાંશીરામે સૌથી મોટું સરકારી કર્મચારીઓનું સંગઠન ઉભું કરેલ. અને તેના આર્થિક સહયોગથી સરકાર બનાવેલી. તે સરકારે સરકારી કર્મચારીઓ માટે શું શું લાભો આપેલા અથવા તેઓના હિતમાં શું કામ કરેલું તે કુમારી માયાવતી બહેનજીના મુખ્યમંત્રી કાળમાં કરેલ કાર્યોની યાદી જોશો તો સમજાઈ જશે. કાંશીરામ સાહેબે સરકારી કર્મચારીઓને વિશ્વાસમાં લઈને તેમનો સહયોગ લીધેલો. હાલ, પરિસ્થિતિ વિપરતી છે. કાર્યકરો અથવા પાર્ટીના નેતાઓ સરકારી કર્મચારીઓનો  યોગ્ય વિશ્વાસ નથી જીતી શક્યાં. પરંતુ કર્મચારીઓ જો ઈચ્છે તો તેઓ મળીને પણ કોઈ યોગ્ય નેતૃત્વ પસંદ કરી યોગ્ય સરકાર બનાવવા પીઠબળ પૂરું પાડી શકે છે. અને પોતાના અધિકારો અને હક આપી શકે એવી સરકાર નિર્માણ કરે તો એમને અને એમની આવનારી પેઢીને આંદોલનો નહીં કરવા પડે.

- રાહુલ વણોદ

Sunday, March 6, 2022

ઘર..


માણસ દુનિયાથી થાક્યો પાક્યો પોતાના ઘરે આવે એટલે એને હાશકારો થાય. 
પણ જો પોતાના ઘરમાથી જ માણસને માન સન્માન ન મળે તો માણસ ક્યાં જાય !?  પોતાનામાં ખોવાયેલા વ્યક્તિને બધું અજબની જ લાગે છે.  "સાગર" નામના એક ઉર્દુ  કવિ લખે છે,

આદમી ખુદ સે બીછડ જાયે અગર,
અજનબી અપના હી ઘર લગતા હૈં.

પોતાનું ઘર જ ન ગમે તો સમજવું આપણે આપણી જાતથી વિખુટા પડી ગયા છીએ. દુનિયાના જખમો ઘરે આવતા જ જાણે શમી જતાં હોય છે માણસને સૌથી મોટો મોહ મોતના ઘરનો હોય છે. પોતાનું ઘર કે ગામ છોડને જવું કોને ગમે !!?? જે જવાનો ભૂમિ રક્ષા દળમાં ફરજ બજાવે છે અથવા દેશ પરદેશ કામ ધંધાર્થે ગયાં છે. અથવા મજબૂરી વશ કોઈને કોઈ કારણથી ઘર પરિવારથી દૂર રહેવું પડે છે તેઓને કઇ કેટલાંય વિચાર આવતાં હશે.

અબ ઘર ભી નહીં ઘર કી તમન્ના ભી નહીં હૈં,
મુદ્દત હુઈ સોચા થા કિ ઘર જાયેગે એક દિન.
- સાકી ફારૂકી

બે વખ્ત અગર જાઉંગા સબ ચોંક્ પડેગે,
એક ઉંમ્ર હુઈ દિન મેં કભી ઘર નહીં દેખા.

બીજો એક શેર યાદ આવેછે.

કૈફ પરદેશ મેં મત યાદ કરો આપના મકા,
અબ કે બારીશને ઉસે તોડ ગીરાયા હોગા

હમને ઘર કી સલામતી કે લિયે,
ખુદ કો ઘર સે નિકાલ રખા હૈં
- અજહર અદિબ

ઘર એક એવી જગ્યા છે જ્યાં દરેકે પોતાના બાળપણના દિવસો વિતાવ્યા હોય છે.એમાંય જો નવું મકાન બન્યું હોય તો જૂના મકાનનો દરેક ખૂણો આંખોમાં કેદ થઇ ગયો હોય છે. ઘર પરિવાર જ વ્યક્તિ માટે સુખનું સરનામું હોય છે. એટલે જ તો શેખાદમ આબુવાલા લખે છે.

અહીં છે એવો સરંજામ નથી મળવાનો
તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો
લાખ જન્નત તું દેશે મને મારા ખુદા
મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો

જન્નત કરતાંય વિશેષઘરનું મહત્વ આંકયું છે. પરંતુ ઘણાને તે સુખ ક્યાં નસીબમાં હોય છે.ઘણાનું ફુટપાથ જ ઘર હોય છે.

સુના હૈં શહર કા નક્શા બદલ ગયા મહફુજ,
તો ચલ કે હમ ભી જરા અપને ઘર કો દેખતે હૈં,

કોઈ શાયર તેના ઘરનું સરનામું કહેતાં સામેના વ્યક્તિને કહે છે કે, શહેરમાં નવી બનેલી સડકની બાજુમાં સૌથી કાચું અને જૂનું મકાન મારુ છે"

ખલીલ ધનતેજવી જેથી જ તો લખે છે.

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને…
 
કેટલું વેધક !! સરનામાં વિનાના વ્યક્તિઓની વ્યથા ખલીલ સાહેબે પોતાના આ શેરમાં ઝીલી છે. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે પોતાના ઘર જેવા ઘર છોડીને જવું એ વેદના હૃદયને લોહી લુહાણ કરી નાખે. અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મ "ગદાર - એક પ્રેમ કથા" માં પોતાનું ઘર છોડીને હંમેશા માટે અલવિદા થતાં વ્યક્તિઓની વ્યથા કથાને આબેહૂબ ચિત્રિત કરી છે. પરંતુ સિયાસત કરનાર લોકોને શું પડી છે !!? યુક્રેનમાં જન સામાન્યની સ્થિતિ હાલ કફોડી છે. હજારો લોકો બેઘર થયાં છે. ઘણાંના પરિજનો છે પણ ઘર નથી, ઘણાંને ઘર છે પણ પરિજનો નથી બશીર બદ્ર સાચે જ કહે છે.

"લોગ તૂટ જાતે હૈં એક ઘર બનાને મેં,
તુમ તરસ નહીં ખાતે બસ્તિયા જલાને મેં."

એક એક સળી ભેગી કરીને પંખી માળો કરે છે અને માણસને એક સેકન્ડ થાય છે સળી કરીને માળો તોડી પાડવામાં. 

ખેર આપણે તો એટલું જ શીખવું રહ્યું કે જો આપણું ઘર કાચનું હોય તો બીજાના ઘર ઉપર પથ્થર ના નંખાય..
પણ આજકાલ તો કાચના મકાનોમાં પથ્થર સમા માણસો રહે છે.

- રાહુલ વણોદ

Monday, January 17, 2022

જૂનાગઢ : ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ.

જૂનાગઢ  એક  સમયે ગુજરાતનું મહત્વનું બૌદ્ધ ધમ્મનું કેદ્ર રહ્યું હશે. કેમ કે જૂનાગઢમાં ઘણી બધી જગ્યાએ ગુફાઓ મળી આવી છે. એવી જ ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ છે. પૂરાત્વવિદોનું માનવું છે કે મહાન સમ્રાટ અશોકનાં સમયમાં આ ગુફાઓ બનાવવામાં આવેલ છે. આ ગુફાઓનું માળખું જોતા તે સમયના બાંધકામ વિશે આપણને આશ્ચર્ય લાગે ! એ સમયની એન્જીનીયર કળા પણ કેટલી અદ્ભૂત અને વિકસિત !! બૌદ્ધ સાધુઓ અહીંયા વર્ષા વાસ માટે આવતા હશે. 
              પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ ગુફાઓ સ્વચ્છ અને ક્ષતિ રહિત જોવા મળે છે.આ ગુફાઓ જોજો મિત્રો આપણાં ભવ્ય વારસા પર ગર્વ થશે.
- રાહુલભાઈ વણોદ
મો.8000739976
   17/01/2022

Sunday, January 16, 2022

ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામની બૌદ્ધ ગુફાઓ.."


                   ઈતિહાસ   જાણવો  મારો શોખ  રહ્યોં છે.  શોપિંગ મોલમાં કે     ફિલ્મ  થિયેટરમાં  જવું   એના    કરતાં   ઐતિહાસિક સ્થળોએ   જવાનું   વધારે  પસંદ   કરું  છું.   ઐતિહાસિક સ્થળોની   મુલાકાત   લેવાની  એક  અલગ  જ  મજા  છે. એમાંય  ખાસ   ભારતીય ઇતિહાસ રોમાંચિત છે. ભારતનો ઇતિહાસ બીજું કશું નહીં, શ્રમણ અને બ્રાહ્મણ સંસ્કૃતિનો સંઘર્ષ !    પરંતુ  આ  ઈતિહાસ  ધરબાઈ  દેવામાં   આવ્યો છે,દાટી દેવામાં આવ્યો છે. પરંતુ અંગ્રેજોના આગમન બાદ કેટલાક વિદ્વાન અને અભ્યાસુ અંગ્રેજ અધિકારીઓએ આ ઈતિહાસને  ઉજાગર   કર્યો   બાકી   અંગ્રેજો  ભારતમાં  ન આવ્યાં  હોત  તો  આપણને  શ્રમણ અને બ્રાહ્મણ સંસ્કૃતિ વચ્ચેનો   સ્પષ્ટ  અને  તટસ્થ   ઈતિહાસ   મળવો   મુશ્કેલ હતો. 

                 એ   પછી  સમયે સમયે એમાં નવા નવા તથ્યો ઉમેરાતા ગયાં. વિશ્વની  પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં ભારતની સિંધુ સભ્યતા પણ એક છે. આ સભ્યતા એટલે મૂર્તિ પૂજા વિના  પ્રકૃતિના  સાનિધ્યમાં  નિર્માણ  પામેલી સંસ્કૃતિ. આ સંસ્કૃતિને  તથાગત ગૌતમ બુદ્ધે આગળ વધારી, ત્યારબાદ મૌર્ય  સામ્રાજ્યમાં   તે વધુ મજબૂત થઈ. પરંતુ એ પછીનો ઈતિહાસ  બૌદ્ધ  ધમ્મનાં  પતનનો છે.  પરંતુ  આજેય બુદ્ધ ધમ્મની   ભવ્યતા   ભારતના  શિલા લેખો  અને   પથ્થરોની ગુફાઓમાં  જળવાયેલી  છે અને સદીઓ સુધી રહેશે પરંતુ શરત   માત્ર   એટલી   કે આપણે  તે  ભવ્યતાને  સાચવવી પડશે. પરંતુ   તેમાં   આપણે   ક્યાંક ઉણા ઉતરીએ છીએ. તેનો  તાજો  દાખલો  છે ઢાંકની બૌદ્ધ ગુફાઓ.

                  ઢાંક ગામ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. સૌરાષ્ટ્રમાં  જ્યાં જ્યાં  પ્રાચીન  બૌદ્ધ ગુફાઓ મળી છે તેમાનું  એક  આ  સ્થળ છે.  ઝવેરચંદ મેઘાણીએ પણ આ સ્થળનો  ઉલ્લેખ  પોતાના પુસ્તક  "સૌરાષ્ટ્રની રસધાર"  માં કર્યો  છે.  ઉપરાંત  ઈતિહાસમાં આ  સ્થળ વિશે અનેક તર્ક વિતર્કો  જોવા  મળે છે.  મારી સાથે
બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને મારા મિત્ર 
જયદીપ મૌર્ય, 
વિજયચંદ્ર મૌર્ય, 
કનિષ્ક મોર્ય.       હતાં.   ઉપરાંત   ત્યાંના   સ્થાનિક   મિત્ર કેલ્વિનભાઈ   અને   તેમના  પિતા  પણ હતાં.  ઢાંક ગામની બાજુમાં નાની નાની પર્વત માળાઓ છે. આમ તો ભાણવડ     તાલુકાનું      કૃષ્ણગઢ      ગામ   કે    જ્યાં      વિશનભાઈ  કાથડ સાહેબનો  ભીમ ભજન કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં હાજરી આપી અમે ઉપલેટાનાં ઢાંક ગામે રોકાયા હતાં. ત્યાં બૌદ્ધ ગુફાઓ  આવેલી છે એ જાણ થતાં અમે ત્યાં જવાનું વિચાર્યું. ઢાંક ગામથી કાચો રસ્તો છે ગુફાઓ સુધી જવાનો. ગુફાઓ  સુધી પહોંચતા વચ્ચે ઝાડી ઝાંખરા, અને પથરાળ જમીન  પરથી થઈ  જવું  પડે.  ગામથી  આશરે ચાર, પાંચ કિલોમીટર   પર્વતીય   વિસ્તારમાં  જવું  પડે.  ગુફાઓએ પહોંચતા  જ  જાણે  ઈતિહાસ નજર  સમક્ષ  તરવરી ઉઠે.  ખડકોમાંથી  ખોતરીને  પ્રથમ દસ  ગુફાઓ બનાવવા આવી છે ત્યારબાદ  અન્ય  મોટી  ગુફાઓ  અને તેની  સામે  મોટો પડથાર.  કેટલાક  પુરાતત્વવિદોનું કહેવું છે કે આ ગુફાઓ સાતમી સદી  દરમિયાન  બનાવવા  આવી છે. તો કેટલાકનું કહેવું.    છે   કે    આ   ગુફાઓ  ચોથી     સદી      પહેલા  બનાવવામાં આવી છે.

                       જાળવણીનાં આભાવે ગુફાઓની સ્થિતિ ખૂબ ખરાબ છે.  પુરાતત્વ વિભાગ તરફથી ઓરમાયું વર્તન ઉંડીને આંખે વળગે છે.  પરંતુ  બૌદ્ધસંસ્થાઓ, સંગઠનો કે વ્યક્તિઓએ પણ અત્યાર સુધી આ ગુફાઓની જાળવણી માટે કોઈ ખાસ પગલાં નથી લીધા તેનું દુઃખ થયું.ગુફાઓની અંદર  હાડકા  અને  ચામચીડિયા  જોવા મળ્યાં. ગુફાઓની કેટલીક  જગ્યાએ  પ્રેમી  પંખીડાઓએ પોતાના નામ કોતર્યા છે.   આજુબાજુ   માટી   અને   પથ્થરોનું   ઉત્ખનન  મોટા પાયે  ચાલુ છે. ગુફાના  એક- બે પીલ્લરો છેક પર્વતની નીચે ખંડિત  અવસ્થામાં  પણ  જોવા  મળ્યાં  હતાં.   ગુફાઓની આસપાસ  મંદિરો  બનાવી  દેવામાં  આવ્યાં  છે કદાચ કોઈ જઈને  ગુફાઓમાં  ધજા લગાવી અંદર કોઈ દેવી   દેવતાની મૂર્તિ મૂકી દે તો નવાઈ નહીં !

     સૌ ચિંતકો, બુદ્ધિજનો અને  સામાજિક કાર્યકરતાઓને નમ્રતા  ભર્યો   આગ્રહ   છે   કે  આપણે  સૌએ  આ બૌદ્ધ ગુફાઓને    રક્ષણ   પૂરું  પાડવું   જોઈએ.  આ   ગુફાઓ  આપણો વારસો છે.   તેનું   જતન  આપણે નહીં કરીએ તો કોણ કરશે !??  આ ગુફાઓ  વિશે  વધું સંશોધન થાય તેવું ઇચ્છનીય છે. પરંતુ તે પર્વતીય વિસ્તારમાં સ્થાનિકોનાં કહ્યા મુજબ  હરણા, રોઝ, વરુ જેવા  જંગલી  પ્રાણીઓ જોવા મળે   છે. ઉપરાંત  દીપડા  જેવા હિંસક પ્રાણીઓ પણ કદી કદી દેખા દે છે તેથી ત્યાં જનારને ચેતીને રહેવું જરૂરી છે.

લેખન - રાહુલભાઈ વણોદ
મો. 8000739976
તારીખ :- 16/01/2022

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...