Tuesday, May 26, 2020

કેશ મુંડન વિશે કેટલુંક જાણ્યું- અજાણ્યું...

આપણે નાના હોઈએ ત્યારે કોઈ મુંડન કારવેલ વ્યક્તિને જોઈએ એટલે એની મજાક બનાવીએ છીએ. સ્કૂલમાં તો કોઈ બાળક મુંડન કરાવીને આવે એટલે બિચારને "ટંકો બોળો.." કહીને એને ચીડવતાં હોઈએ છીએ. મુંડન એટલે માથાનાં વાળ ઉતરાવવાની ક્રિયા દરેક ધર્મ અને સમાજમાં અને વ્યક્તિનાં જીવનમાં મુંડનનું મહત્વ રહેલું છે. મુંડન કરાવવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે. એનાં ઘણા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો રહેલાં છે.બૌદ્ધ ભીખ્ખુઓમાં તો મુંડનનું એક આગવું જ મહત્વ રહેલું છે. હિન્દૂ ધર્મમાં મુંડનને સોળ સંસ્કાર માનાં એક સંસ્કારનો ભાગ માનવામાં આવ્યો છે.હાલ તો મુંડન કરાવવાનું વૈજ્ઞાનિક કારણ લોકો ભૂલવા લાગ્યાં છે અને એનું સ્થાન અંધશ્રદ્ધાએ લીધું છે અને તેથી તિરુપતિ બાલાજી મંદિર અને ગંગા નદીના ઘાટ પર મોટી સંખ્યામાં લોકો કેશ મુંડન કરાવે છે.એ લોકોનાં વાળ મંદિરનાં પૂજારીઓ અથવા મંદિરના ટ્રસ્ટીઓ વેચી મારે છે અને કરોડો, અરબો રૂપિયા કમાય છે.

                     એક સર્વે મુજબ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રતિદિન વીસ હજાર લોકો મુંડન કરાવે છે અને તેથી ત્યાં છસ્સો જેટલાં નાઈ વાળ કાપવા માટે રાખવામાં આવ્યાં છે.લોકોનાં વાળ મંદિરનાં પૂજારીઓ અથવા મંદિરના ટ્રસ્ટીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી મારે છે વાળ જેટલાં લાંબા તેટલી કિંમત વધારે મળે છે. વાળને વેચીને તિરુપતિ બાલાજી મંદિર અને ભારતના અન્ય મંદિરો ડોલરો કમાય છે ભારતીય રૂપિયામાં એનાં કરોડો, અરબો રૂપિયા થાય છે. તમને જાણીને નવાઈ થશે કે વર્ષ 2014-15 માં તિરુપતિ બાલાજી મંદિરે માત્ર લોકોના વાળના જ 200 કરોડ કમાયા હતાં.સારા લાંબા વાળ હોય તો કીલો વાળના 12 હજાર સુધી મળી રહે છે. સુંદર અને દેખાવડો ચહેરા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં નકલી વાળની વિગ બનાવવા આવે છે. જેથી મંદિરમાંથી ઊંચી કિંમતે વાળ ખરીદવામાં આવે છે. આફ્રિકામાં નકલી વાળનું બહુ મોટું બજાર પણ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વાળને "કાળું સોનુ" પણ કહેવામાં આવે છે.


      હિન્દૂ ધર્મમાં તો એક સમયે વિધવા થયેલી સ્ત્રીને પણ કેશમુંડન  કરાવવા આવતું અને એને પતિ સાથે જીવતાં જ એનાં પતિના અગ્નિસંસ્કાર વખતે અગ્નિમાં પતિના શબે લઈને સતી થઈ જવું એવી પ્રથા પ્રચલિત હતી. પછી ભલે એ વિધવા સ્ત્રી યુવાન જ કેમ ના હોય !? (સતી પ્રથાની વાત પછી ક્યારેક હાલ વાત મુંડનની કરવી છે.) સ્ત્રીની ઈચ્છા હોય કે ના હોય એ વિધવા થાય એટલે એનું કેશમુંડન ફરજીયાત કરવામાં આવતું. હાલ એવું નથી રહ્યું. જોકે આ બાબતે કેટલાય ધાર્મિક અને વૈજ્ઞાનિક(સતી પ્રથાને બાદ કરતાં) કારણો રહેલા હોઈ શકે એ સંશોધનનો વિષય છે.
               મુંડનને હવે તો હથિયાર તરીકે અથવા તો વિરોધ પ્રદર્શન માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે કેટલાક લોકો મુંડન કરી સરકાર વિરુદ્ધ નવતર વિરોધ પ્રદર્શન કરે છે. હમણાં જ સુરતના પાંડેસરામાં પચાસ જેટલાં શ્રમિકોએ મુંડન કરાવી પોતાના વતન જવા માટે સરકાર વિરુદ્ધ વિરોધ કરવાની રીત અજમાવી હતી.


હાલ જ્યારે કોરોનાં કહેર ચાલી રહ્યો છે એવામાં ડોક્ટરોનું કહેવું છે કે, કોરોના વાયરસ માથાના વાળમાં ચોંટી શકે છે. ત્યાંથી શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે અને તેથી કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકોમાં કેશમુંડન કરાવવાની જાણે એક ફેશન ચાલતી હોય એમ બધા મુંડન કરાવી રહ્યાં છે. આગ્રાના પોલીસ સ્ટેશન ફતેહપુર સીકરીની પોલીસે પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સહિત 75 પોલીસકર્મીએ સામૂહિક મુંડન કરાવી લીધું અને ત્યારબાદ જ્યારે પોલીસ બહાર આવી તો લોકો તેમને જોઈને હેરાન થઈ ગયા હતા.

હમણાં ડી.પી ન્યૂઝમાં એક રમુજી સમાચાર આવેલાં કે બનાસ કંઠાનાં ઘોડાસર ગામમાં એક યુવાનએ અન્ય જગ્યાએ પરણી ગયેલી એની પ્રેમિકાને મળવા ગયો ત્યાં સાસરિયા વાળાઓએ ભેગાં મળીને જબરજસ્તી એ યુવકનું મુંડન કરી નાખ્યું એનો વિડિઓ સોશ્યલ મીડિયામાં ખૂબ ચગેલો.


અન્ય આવા તો કઈ કેટલાય મુંડન બાબતેના રમુજી ન્યૂઝ આવતાં રહે છે.પરંતું આજે મને પણ કેશ મુંડન કરવાની ઈચ્છા થઈ આવી કેમ કે લોકડાઉન હોવાથી દુકાનો બંધ હતી અને આમ પણ ઘરે હોવાથી મેં વધતા વાળ દાઢી પ્રેત્યે ધ્યાન આપ્યું નહીં એટલે જરૂરિયાત કરતાં વધી ગયાં. એટલે આજે મન થયું તેથી કેશમુંડન કરાવ્યું. નાનો હશું ત્યારે મુંડન કરાવ્યું હશે જે મને યાદ નથી પણ આજે ઈચ્છા થઈ મુંડન કરાવવાની તો કરી નાખ્યું.
મુંડન કરાવવાથી ઘણાં ફાયદા છે
       વિજ્ઞાન કહે છે કે મુંડન કરાવ્યા પછી માથું એકદમ ખુલ્લું થઈ જાય છે અને તે કરાવતી વખતે નસો ઉપર દબાણ પડે છે. જેથી લોહીનો પ્રવાહ સારી સારી રીતે થાય છે. જોકે મગજના વિકાસ માટે પણ ઘણું મહત્વનું છે.
 બીજું કે મુંડન કરાવ્યા પછી માથું એકદમ ખુલ્લું થઇ જાય છે. જેથી માથા ઉપર વિટામિન ડી એટલે કે સૂર્ય પ્રકાશ સીધો જ માથા ઉપર પડે છે. તેનાથી કોશિકાઓ જાગૃત થાય છે અને તેથી નસોમાં લોહીનું પરિસંચરણ સારી રીતે થાય છે. તેનાથી મસ્થિસ્ક ઠંડુ અને શાંત રહે છે. અને ગરમીના સમયમાં પરસેવાથી અને ગરીમીથી બચી શકાય છે. આ કારણથી જ કદાચ બુદ્ધ ધમ્મનાં ભીખ્ખુઓ દિક્ષા લીધા પછી આજીવન મુંડન રાખે છે.

 ભાઈ છેલ્લે તો હું આપણી સાદી ભાષામાં એટલું જ કહીશ કે ટકો કરાવ્યાં પછી ટકામાં જે ઠંડક મળે છે એ ઠંડકનું વર્ણન કેવા શબ્દોમાં કરું એ સમજાતું નથી. તમારે આ ઠંડકનો અહેસાસ કરવો હોય તો પોતે જ એક વાર મુંડન કરાવી જુઓ....
વાહ શું ઠંડક મળે છે...!!!


                                                          
         - રિપોર્ટર રાહુલ, વણોદ
           મો.8000739976

Friday, May 22, 2020

બુદ્ધ વિચાર અથવા આંબેડકર વિચાર એટલે શું !??




હમણાં હમણાં એટલે કે થોડા વર્ષોમાં આપણાં સમાજમાં એટલે કે અનુસૂચિત સમાજમાં અચાનક સામાજિક કાર્યકરોનો રાફડો ફાટી નીકળ્યો છે.ઘરે ઘરે સમાજ સેવક જન્મી રહ્યાં છે. એ જોઈ મને ઘણી વાર તો આશ્ચર્ય થાય છે કે આ ટોળું ખરેખર સમાજ સેવા કરવા આવ્યું છે...!!??
કે પછી પોતાનાં ઘર ભરવા કે સસ્તી પ્રતિષ્ઠા અને પદ માટે આંબેડકરનાં અનુયાયી હોવાનો ડોળ કરી રહ્યાં છે.
શુ ખરેખર સમાજમાં બાબા સાહેબનાં અનુયાયીઓ વધી રહ્યાં છે ?
જ્યાં જુઓ ત્યાં.. જય ભીમ... જય ભીમ... જય ભીમ...
જોકે જય ભીમ બોલવું એ કોઈ ખોટી વાત નથી પરંતુ જય ભીમ એટલે શું !!??
આપણે જય ભીમનો અર્થ સમજવો પડશે
બાબા સાહેબે કહ્યું હતું કે જે દિવસે સમાજના લોકો પોતાનો ખરો ઇતિહાસ સમજી જશે, ખરો ઈતિહાસ વાંચશે એટલે તે જરુંર હિન્દૂ ધર્મની બેડીઓને ફગાવીને બુદ્ધનાં માર્ગે જશે. બાબાના આ કથનમાં જરાય શંકાને સ્થાન નથી. પરંતું આજકાલ સમાજમાં એવા લોકો પણ જોવા મળે છે જે પોતાને ભીમ અનુયાયી તરીકે ઓળખાવતો હોય છે પરંતું એવાં  લોકોને બાબા સાહેબ સાથે કે એમના વિચારો સાથે કશું લેવા દેવા હોતા નથી મેં એક કવિતા લખી છે જે નીચે મુકું છું

આંબેડકરનાં નામે મને જુઠ્ઠા આડંબર દેખાય છે,
જે બહાર છે એવો ક્યાં એ અંદર દેખાય છે.

પોતે વાતો તો કરે છે મૂળ વિચારધારાની મને,
ને એ જ પછી માથું મંદિરમાં ટેકતા દેખાય છે.

"ભીમ રથ" આગળ નથી વધ્યો એનું દુઃખ નથી,
દુઃખ તો એ છે રથ મને પાછો જતો દેખાય છે.

પ્રેમ, કરુણા અને મૈત્રી સાથે કોઇ સંબંધ જેને,
એવાં ઘણાં મને બુદ્ધની વાતો કરતાં દેખાય છે.

શિક્ષિત કોને કહું એ સમજાતું નથી રાહુલ મને,
અભણ ભણેલાં અને ભણેલાં અભણ દેખાય છે.
           
         આવા લોકોને કોઇ સામાજિક કાર્યકર મિત્ર કે ભીમ અનુયાયીઓને મળે એટલે એને સારું લાગે એટલે કહી દેય. "જય ભીમ.."
આ મારો જાત અનુભવ છે. હવે એ લોકોને કેમ સમજાવવા કે અલ્યા ભઈ તું મને જોઈને "જય ભીમ.." કહે છે એમાં તારું શું વળવાનું છે !!?? હું ભીમને માનું છું, અથવા એમની વિચારધારાને અનુસરીને જીવન જીવું છું. તો એનો મતલબ એવો નથી કે તું માત્ર મને "જય ભીમ" કહી દે એટલે મને સારું લાગશે અને હું ખુશ થઈ જઈશ. ક્યારેક ક્યારેક તો આવા વ્યક્તિને કહેવાનું મન થાય છે કે અલ્યા ભઈ તું મને જય ભીમ નહીં બોલે તો કદાચ ચાલશે પણ જય ભીમ(બાબા સાહેબ) જે કહી ગયાં છે એ પ્રમાણે જીવન જીવીશ તો મારી જેવા કેટલાય તને રોજ સામે ચાલીને જય ભીમ કહેશે. પરંતુ પોતે અંધશ્રદ્ધા અને તે પાખંડવાદમાંથી બહાર નીકળું નથી, બાબા સાહેબનાં પુસ્તકો વાંચવા નથી અને સામેના વ્યક્તિને સારું લાગે એટલે બસ ખાલી જય ભીમ કહેવું છે.આવી દોગલા પંતી ક્યારે છોડશે આ લોકો !?
બાબા સાહેબે ખૂબ સરસ વાત કહી છે જેનાં શબ્દો આપણે સૌએ ઘરે એક ફ્રેમમાં મઢાવીને રાખવા જોઈએ મારું એવું માનવું છે બાબા સાહેબે કહ્યું છે કે, "વિચારો કો સુનકે યા પઢને સે નહીં ઉસ વિચાર કો જીવન મેં ઉતારકર હી બદલાવ યા પરિવર્તન આ સકતા હૈં.."
કોઈએ બહુ સરસ વાત કરી છે કે "અગર મુઝે કોઈ કહે કે એક શબ્દ  મેં લિખે કી માનવતાં ક્યાં હોતી હૈ તો મેં આંબેડકર લિખ દુગા" આંબેડકર એટલે માનવતાનો પર્યાય અથવા એમ પણ કહી શકો કે માનવતાં એટલે બુદ્ધના રસ્તે ચાલવું.. એક વાત યાદ રાખવા જેવી છે કે બુદ્ધે ક્યાંય કહ્યું નથી કે હું કોઈ ધર્મની સ્થાપના કરું છું બુદ્ધે પોતાનો ઉત્તરાધિકારી પણ કોઈને નીમ્યા નથી. બુદ્ધે તો માત્ર કહ્યું કે મારા દેખાડેલા માર્ગ ઉપર ચાલો જો એ માર્ગ તમારી બુદ્ધિની કસોટી પર ખરો ઉતરે તો..
     આજે મારે બુદ્ધની વાત કરવી છે કે બુદ્ધત્વ એટલે શું ?
અત્યાર સુધી ઘણાં બુદ્ધ ધમ્મના લોકો મેં જોયા, પરંતુ એમાંથી બુદ્ધનાં વિચારો અમલમાં કેટલાં મૂકે છે એ હજુ મને સમજાયું નથી ?
      કોઈ એક વ્યક્તિ તમને કહે કે હું તારી સાથે મારપીટ કરવાનો છું. જો તું મારાથી ડરતો હશે તો તું ઘરની બહાર ડરના કારણે નહીં નીકળે અને જો નહીં ડરતો હોય તો તું બહાર નિકડીશ ??
     આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસ ઉશ્કેરાઈ જાય અને હિંસાના માર્ગે વળે પરંતું જેણે ખરા અર્થમાં બુદ્ધને પચાવ્યા હશે તે હિંસાના માર્ગે નહીં વળે અને બહાર નહીં નીકળે, બહાર નહીં નીકળે એનો મતલબ એ નથી કે એ વ્યક્તિ સામેના વ્યક્તિથી ડરતો હશે પણ એ કારણથી કે વેરથી વેર ના સમે, હિંસા સામે હિંસા એ સમસ્યાનું સમાધાન નથી ખુદ બુદ્ધે જ પોતાનાં કપિલાવસ્તુનાં મહેલને એટલા માટે છોડ્યો હતો કેમ કે બે રાજ્યો વચ્ચે નદીના પાણીના કારણે યુદ્ધ થવાનું હતું અને બુદ્ધ એ યુદ્ધ થાય તેમ નહોતો ઇચ્છતા.બુદ્ધના માટે હિંસા એ સમસ્યાનું સમાધાન નથી. આ વાત પર મને મોહિન્દ મૌર્ય સાહેબે લખેલ કાવ્યના બે શેર યાદ આવી ગયો કે,

"જો તું વિચારો રૂપે બુદ્ધને વાવી શકે,
તો તું જરૂરથી યુદ્ધને અટકાવી શકે."

બુદ્ધની કરુણા હો, ફક્ત બોલવાથી શું ?
એ તારામાં હોય તો અસર આવી શકે.

વાહ ! કેટલી સરસ રીતે મોર્ય સાહેબે બુદ્ધ વિચારનાં અસરકારક પ્રભાવ વિશે વાત કરી !
આ શેર વાંચી મને સમ્રાટ અશોક યાદ આવ્યાં. મને યાદ નથી કે સમ્રાટ અશોકે બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યો એ પછી કોઈ યુદ્ધ કર્યું હોય !? હા, બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યા પછી સમ્રાટ અશોકને આખા ભારત વર્ષના લોકો યુગો યુગો સુધી યાદ કરે એવા ઉત્તમ માનવતાં સભર કાર્યો જરૂર કર્યા છે.કેમ કે છેલ્લે તો બુદ્ધે કહ્યું કે "અત્ત દિપો ભવ"
આ તાકાત છે બુદ્ધ વિચારની..
હવે બીજો દાખલો આપું કાંસીરામ સાહેબે બાબા સાહેબને વાંચ્યા પછી એમણે માત્ર સાઇકલ લઈને આખા ભારત દેશના સીમાડા માપી લીધા એ કાઈ નાની સુની વાત નથી પરંતું સમ્રાટ અશોક અને કાંશીરામ સાહેબમાં આ તાકાત આવી ક્યાંથી !?
તો જવાબ છે મહાપુરુષોનાં વિચારો ઉપર ચાલીને ના માત્ર એમનાં નામનું રટણ કરીને !
કાંશીરામ સાહેબે માત્ર જય ભીમ બોલ્યું હોત તો આજે કાંશીરામ સાહેબને તો કોઈ ઓળખતાં નહોત પરંતું હું દાવા સાથે કહું છું કે આજે ડો.આંબેડકરને પણ આપણે ભૂલી ગયા હોત અને એમના વિચારોને મનુવાદીઓએ ધર મૂળથી ઉખેડી ફેંક્યા હોત.
હું વાત કરતો હતો નકલી આંબેડકરવાદીઓનો જે રાફડો ફાટ્યો છે એની. ચોરે અને ચોંટે જય ભીમ બોલનારા ડઝન બંધ હોલસેલના ભાવે તમને મળી રહેશે. પણ એમાં કેટલાના ઘરે આંબેડકરના પુસ્તકો હોય છે એ પણ જરા જોજો. ખરા અર્થમાં આંબેડકરવાદી હોવું અને બુદ્ધના રસ્તે ચાલવું એટલે બુદ્ધ અને બાબા સાહેબનાં બિચારોનું આપણાંમાં આરોપણ થવું અથવા અન્યના દિલો દિમાગમાં એ વિચારોના બીજ રોપવા..
આવો એક કિસ્સો જણાવું જેમાં મારાં મિત્ર કહો કે માર્ગદર્શક એવા આદરણીય મોહિન્દર મૌર્ય સાહેબ વિશેની તો હમણાં બે દિવસ પહેલાં મારા એક મિત્રએ એક ઉચ્ચ હોદ્દા પર બેઠેલ વ્યક્તિ પર પોતાને જાતિવાદી શબ્દોથી અપમાનિત કર્યા એ બદલ એ મિત્રે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. એ મિત્ર કાયદાકીય રીતે લડી લેવાના મૂળમાં હતાં. પરંતુ ત્યાં જ એમની વાત મોહિન્દર મૌર્ય સાહેબ સાથે થઈ એ ટેલિફોનિક વાર્તાલાપમાં હું પણ કૉન્ફ્રરન્સનાં માધ્યમથી જોડાયો હતો. વાર્તાલાપ ચાલીસ મિનિટ જેટલો ચાલ્યો વાતની શરૂઆતમાં એ મિત્ર લડી લેવાના મૂળમાં હતાં.
              પરંતું મોર્યા સાહેબે એમની આગવી આવડત અને જ્ઞાનના આધારે એ મિત્રના મનમાં વિચાર પરિવર્તન લાવ્યાં અને સામેના વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને બદલો લેવાને બદલે "દિમાગમાં બરફ અને દિલમાં આગ" ની અનોખી પદ્ધતિથી અપમાનનો બદલો લેવાં એ મિત્રને સૂચવ્યું અને સાથે એ પણ સૂચવ્યું કે એના માટે આપણે સત્તા પર આવવું પડશે. મોર્યા સાહેબે આગળ તે મિત્રને સમજાવતા કહ્યું કે સમાજ ઉપર થતાં કે ખુદની ઉપર થતાં અન્યાય, અત્યાચાર રોકવા હોય તો રાજકીય સત્તા હાંસલ કરો.



 અને મોર્યા સાહેબની આ વાત તે મિત્રને ગળે એ રીતે બેસી ગઈ કે તેણે આવતી ડેલીકેટની ચૂંટણીમાં પોતાનાં વિસ્તારમાં ડેલીકેટના ઉમેદવાર તરીકે ઉભો રહેવાનું નક્કી કર્યું છે. અને પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું છે. મોહિંદર મોર્યા સાહેબે જાણે અજાણે એ મિત્રને ત્યાં જવા કહ્યું જ્યાં જવા માટે બાબા સાહેબ કહી ગયાં છે.
આ વાત અહીં મુકવાનો મારો આશય એટલો જ કે માત્ર જય ભીમ અથવા નમો બુદ્ધાય કહેવાથી એ સાબિત નથી થતું કે આપણે ખરા ભીમ અનુયાયીઓ છીએ. ખરા ભીમ અનુયાયી બનવા માટે બુદ્ધ વિચાર અને બાબા સાહેબનાં વિચારોના બીજ સમાજના અન્ય લોકોમાં વાવવા પડશે તો જ ખરા અર્થમાં બાબા સાહેબનો રથ આગળ ગયો ગણાશે..
બાકી માત્ર જય ભીમ કહેવાવાળા તો કેટલાય રોજ મળે છે..

મારો એક શેર લખું છું.

કભી ભીમ મિશન કો ચલના ચાહો તો ભીમ કે વિચારો પે ચલના,
વર્ના સિર્ફ "જય ભીમ" કહેને વાલે તો રોજ હજારો મિલા કરતે હૈ..!!


           -રિપોર્ટર રાહુલ, વણોદ
            મો.8000739976

Thursday, May 21, 2020

દશરથ માંઝી દ્વારા "અનુસૂચિત જાતિ હિત રક્ષક સમિતિ" ના સહયોગથી 20 પરપ્રાંતીય શ્રમિકોને બિહાર મોકલવામાં આવ્યાં..


હાલ જ્યારે કોરોનાંએ સમગ્ર ગુજરાતમાં માઝા મૂકી છે એવામાં સરકાર તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેથી ગુજરાતમાં યુ.પી, એમ,બિહાર અને એવા કેટલાય રાજ્યોમાંથી પરપ્રાંતીય મજૂરો પોતાનું પેટીયું રળવા માટે ગુજરાત રાજ્યમાં આવે છે. પરંતુ લોકડાઉન જાહેર થતાં જ મજૂરોનું કામ કાજ બંધ પડ્યું, મજૂરો જે તે સ્થળે કામ કરે છે ત્યાંના માલિકોએ પણ એમને અનાજ કે કરિયાણું આપવાની તસ્દી લેતા નથી. એવામાં મજૂરોએ રહેવા જમવાની પારાવાર તકલીફ પડી રહી છે, ઉપરાંત પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ તો ત્યારે સર્જાઇ જ્યારે ગુજરાતમાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો અને મજૂરોને પોતાનાં વતન જવા માટે વાહન પણ મળવાના બંધ થઈ ગયાં. એટલે મજૂર વર્ગને દુઃખોનો પહાડ તૂટ્યો હોય તેવી આફત સર્જાઈ છે. અને તેઓ ચાલીને પોતાના વતન જવા માટે મજબૂર થવું પડ્યું હતું. આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાનાં દસાડા તાલુકામાં બન્યો જ્યાં બાજુના જ ગામના દશરત માંઝી નામના યુવાનને ભિખારી જેવી હાલતમાં એક વ્યક્તિને જોઈ તેની પાસે જઈને દશરત ભાઈએ પૂછ પરછ કરી તો એમને માલુમ પડ્યું કે તે વ્યક્તિ ચાલીને બિહાર જવા નીકળ્યો છે. માનવતાં ધર્મને વરેલાં દશરથભાઈથી તે વ્યક્તિની હાલત ન જોવાતા તેમણે તે વ્યક્તિને દસાડા એક બંધ ખંડીયાર હોટલમાં રોકાયેલા કેટલાક બિહારના મજૂરો વિશે જાણવા મળ્યું. તેથી તેમણે તે વ્યક્તિને ત્યાં હોટલે લઈ જઈ ત્યાં રોકાયેલા કેટલાક મજૂરો પાસે મુકવા ગયાં. ત્યાં હોટલમાં જતાં અન્ય બિહારના મજૂરોની કફોડી હાલત વિશે જાણીને દશરતભાઈનું હૃદય દ્વવી ઉઠ્યું કેમ ત્યાં બંધ ખંડિયાર જેવી હોટલમાં રોકાયેલા વીસથી વધુ મજૂરોને જમવાની કે પાણીની કોઈ સગવડ હતી નહીં એ મજૂરો પાસે કોઈ પૈસા પણ હતા નહીં કે તેઓ જમવાની કે પાણીની વ્યવસ્થા કરી શકે. સરકારે પણ માત્ર ખોખલા અને બોદા વાયદા કર્યા પણ મજૂરોની મદદ કરી નહીં. આ જોઈ દશરતભાઈએ એ મજૂરોને કહ્યું કે અમારું "અનુસૂચિત જાતિ હિત રક્ષક સમિતિ" ગ્રુપ માનવતામાં માને છે તેથી તમે બધા ચિંતા ન કરો એમણે મજૂરોને આગળ કહ્યું કે જ્યાં સુધી તમને તમારા વતનમાં પહોંચાડી ના દઈએ ત્યાં સુધી તમારો જે પણ ખર્ચ થશે. એ ખર્ચ અમારું ગ્રુપ પૂરો પાડશે. અને દશરતભાઈએ અને એમનાં "અનુસૂચિત જાતિ હિત રક્ષક સમિતિ.." ગ્રુપના સભ્યોએ મજૂરોને ત્રણ ત્રણ દિવસ ચાલે એટલું કરિયાણું લઈ આપ્યું અને પાણીની પણ વ્યવસ્થા કરી આપી. ત્યાર બાદ સ્થાનિક પ્રશાસનને જાણ કરી અને એ મજૂરોને બિહાર જવા માટે ટ્રેનના ભાળાની પણ વ્યવસ્થા કરી આપી.એ પણ એક પણ રૂપિયો લીધા વગર. આ માનવતાં કાર્યમાં એમને ગ્રુપનાં અરજણભાઈ, એલ. એસ.પરમાર, રસિકભાઈ સોમેશ્વરા(વકીલ), મિનાજ ખાન(પત્રકાર), પ્રવીણભાઈ(વકીલ) અને જીતુભાઇ બંસલે ખૂબ જહેમત ઉઠાવી હતી. દશરતભાઈના જણાવ્યા મુજબ જો તેઓ મજૂરોની મદદ માટે એક દિવસ પણ લેટ થાયા હોત તો મજૂરો ચાલીને બિહાર જવાના હતાં. પણ સદ્ નસીબે સમયસર તેઓ મજૂરોની મદદે પહોંચી ગયાં હતાં.
આજના સમયે જ્યારે મજૂરોને જીવવા કરતાં મરવું વધુ સારું એવી હાલત છે અને સરકાર પણ જાણે આંખ આડા કાન કરે છે એવામાં "અનુચિત જાતિ હિત રક્ષક સમિતિ.." જેવા ગ્રુપ અને ટ્રસ્ટો મજૂરોની વારે આવ્યાં છે અને પણ કોઈ સ્વાર્થ વગર માનવતાના નાતે મજૂરોની મદદ કરે છે. દશરતભાઈ જેવા યુવાનો ખરેખર સમાજને એક નવી રાહ બતાવે છે, એ રાહ એટલે માનવતાની રાહ.. ખરેખર એમણે અને એમના ગ્રૂપને ખૂબ ખૂબ અભિનંદન  આપવા પડે માણસને માણસ સમજીને માનવતા દાખવવા બદલ.. 

            - રિપોર્ટર રાહુલ, વણોદ
             મો.8000739976





Tuesday, May 12, 2020

માફી માંગવી એ સજ્જનનોની નિશાની છે તો માફી આપવી એ વિરોનું આભૂષણ છે.."

               
                                                      લેખન -રાહુલ, વણોદ
                                                       મો.8000739976                                   


                              તમને કોઇ પ્રશ્ન પૂછે કે શું જગતમાં કોઇ એવી વ્યક્તિ છે જેની ક્યારેય કોઇ ભૂલ થઇ ના હોય ? તમે કહેશો કે આ કેવી રીતે શક્ય બને ? ભૂલ તો બધાથી થાય જ ભૂલ કર્યા વગરનો માણસ આ પૃથ્વી ઉપર હોય જ નહીં.હા, ભૂલ કદાચ નાની મોટી હોઇ શકે. પણ ભૂલ તો દરેકથી થાય છે જ. તો એનાં માટે શું કરવું જોઇએ ? આવો પ્રશ્ન થવો સહજ છે. અને આ પ્રશ્નનો એક સનાતન અને સત્ય જવાબ આ જ છે કે માણસ ભૂલ કરે જ અને ભૂલ માણસથી જ થાય. ભૂલ ન કરવી એ માણસના હાથની વાત નથી પરંતું એ ભૂલ સ્વીકારવી અને એ ભૂલ જીવનમાં ફરીથી દોહરાય નહીં એ ચોક્કસ માણસનાં હાથમાં છે. એક વાત તો સત્ય છે કે ભુલથી માણસનું ખુદનું જ નુકસાન થવાનું છે તેથી માણસ જાણી જોઈને ભૂલ નથી કરતો અને જે જાણી જોઈને કરવામાં આવે એ ભૂલ નથી હોતી પણ ગુન્હો હોય છે અને ગુન્હાની તો માત્રને માત્ર સજા જ હોય છે. ભૂલ અને ગુન્હા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે જેને ન  જાણએ તો ઘણી બધી ગેરસમજો ઉદભવે છે અને આ ગેરસમજ સંબંધને ખોખલો કરી નાખે છે પછી એ સંબંધ પિતા પુત્રનો હોય, મિત્ર મિત્ર વચ્ચેનો હોય માતા પિતા વચ્ચેનો હોય કે પતિ પત્ની વચ્ચેનો હોય. કોઇ પણ સંબંધમાં નાની એવી પણ ગેર સમજ ઉભી થાય એટલે એ સંબંધની એક્સપયારી ડેટ નજીક આવી જાય છે. એટલે આવી કોઇ ગેરસમજ તમારે કોઇ સંબંધ વચ્ચે હોય તો સમય રહેતાં સુધારી લેજો, તમારાથી કોઈ ભૂલ થઇ હોય તો એ પણ સામેના વ્યક્તિની માફી માંગી સુધારી શકાય છે અને એ સૂકાઈ ગયેલાં છોડને માફી રૂપી પાણી પાઈને ફરીથી લીલો છમ બનાવી શકાય છે બસ જરૂર છે ખાલી એક પહેલ કરવાની.

                                       પણ ક્યારેક આપણે માફી માંગવામાં પણ મોડું કરી દેતાં હોઈએ છીએ કેમ કે માફી માંગવાનો પણ એક સમય હોય છે એ સમયને ઓળખી લેજો નહીં તો જીવનભર પસ્તાસો. જીવનમાં એટલું યાદ રાખજો કે કોઇ પણ બાબતે આપણે ગમે એટલું ધ્યાન રાખીએ તો ભૂલ તો થઇ જ જવાની છે. કેમ કે ભૂલ થવી એ નિયતિ છે જેને કોઇ રોકી શકે નહીં. પણ માફી માંગવી એ તમારા હાથની વાત છે. અંદરોઅંદર ઘૂંટાવવા કરતાં એક વાર સામેના વ્યક્તિની માફી માંગી તો જુઓ એ માફી આપશે જ અને કદાચ ના આપે તો તમારા હૃદયને માફી માંગ્યાનો ભાવ તમારાં અહંમથી ભરેલાં હૃદયને હલકું જરૂર કરી નાખશે. કહેવાય છે કે માણસ માત્ર ભૂલને પાત્ર.. ભૂલ તો માણસથી થાય જો માફી માંગવાથી સંબંધ સુધરતો હોય તો માફી માંગવામાં કશું ખોટું નથી. ઘણી વાર એવું થતું હોય છે કે આપણને સતત મનમાં ડર હોય છે કે કદાચ હું માફી માંગીશ તો સામેના વ્યક્તિની શું પ્રતિક્રિયા હશે ? શું એ મને માફ કરી દેશે ? કે પછી એ મને અપમાનિત કરશે ? આવા કેટલાય પ્રશ્નો આપણાં મનમાં ઘુમરાયા કરતાં હોય છે અને એટલે જ આપણે હિંમત નથી કરી શકતાં સામેના વ્યક્તિની માફી માંગવાની. પણ એક વાત યાદ રાખવાના જેવી છે તમારી કોઈ ભૂલ થઇ હોય એ ભૂલ ચાહે ગમે એટલી મોટી કેમ ના હોય અને કોઈ તમારું પોતાનું વ્યક્તિ, કુટુંબ કે તમારા સ્નેહી તમારાથી રિસાયા હોય અને આપણી હિંમત ન ચાલતી હોય એની સામે જઈને પોતાની ભૂલનો એકરાર કરવી એને સ્વીકારવાની અને પછી એ વાતને ઘણો સમય થઇ ગયો કહો કે બે ચાર કે પાંચ વર્ષ નીકળી ગયાં છતાં તમારાં મનમાં એ જ ડર હોય કે હજુય એ વ્યક્તિનાં મનમાં મારા પ્રત્યે એટલી જ નફરત અને ઘૃણા હશે જેટલી એ સમયે હતી તો એ તમારાં વિચારો ભૂલ ભરેલાં છે. બની શકે એ વ્યક્તિ પણ તમારી રાહ જોઈ રહી હોય કે ક્યારે તમે આવો અને  પોતાની ભૂલ બદલ માફી માંગો અને એ તમને માફ કરી દે. પણ ક્યારેક આપણે હિંમત નથી કરતાં અને સમય નીકળી જાય છે.

                                બે બેસ્ટ ફ્રેન્ડની આ વાત છે બંને પાક્કા મિત્રો. બંનેને એકબીજા વગર ચાલે જ નહીં પણ અચાનક એક વાર એવું બન્યુ કે એક મિત્રને એના બીજા મિત્ર સાથે નાની એવી બાબતે બોલવાનું બંધ કરી દીધું હતું. પછી બે વર્ષ પછી એને સમજાયું કે યાર ભૂલ તો એની હતી જ નહીં મેં ખાલી ખોટું એની સાથે બોલલાવું બંધ કરી દીધું. પણ પછી એ મિત્રની હિંમત ના થઈ એના મિત્રને બોલાવવાની કે એની પાસે માફી માંગવાની. સમય વીતતો ગયો એ મિત્ર બહાર મોટા શહેરમાં રહેવા ચાલ્યો ગયો અને તેર વર્ષ પછી બને મિત્રો અચાનક સમાજનાં સામાજિક કાર્યક્રમમાં ભેગા થયાં અને એકબીજા સામે અચાનક જોવાઈ ગયું. અને જે મિત્રને પેલાં મિત્રને બોલાવવાનું બંધ કરી દીધું હતું એણે પેલાં મિત્રને બોલાવ્યો અને કહ્યું કે, "સોરી યાર, મેં એ દિવસે ખાલી ખોટો જોયા જાણ્યા વગર તારી ઉપર ગુસ્સો કર્યો હતો અને તને બોલાવવાનું બંધ કરી દીધું હતું. પણ પછી પાછળથી મને ખબર પડી કે એમાં તારી ભૂલ હતી જ નહીં. પણ પછી મારી હિંમત ન થઇ ક્યારેય તને કહેવાની કે સોરી યાર મને માફ કરી દે. મને એમ કે તું મને માફ નહીં કરે." ત્યાં જ એનાં મિત્રએ કહ્યું કે, "દોસ્ત, એમાં શું થયું હું તો રાહ જોતો હતો કે ક્યારે તું આવે અને મને ફરીથી બોલાવે કેમ કે તે જ સામેથી મને ના પાડી હતી કે મને બોલાવતો નહીં તો કઈ રીતે તને બોલવું !!?" ટૂંકમાં ક્યારેક સંબંધોમાં ગેરસમજ થઇ જાય છે પણ એ જ ગેરસમજ જ્યારે સમજાય ત્યારે સામેના વ્યક્તિ જોડે સમર્પણ ભાવે પોતાની ભૂલ કબુલ કરવામાં સમય ન બગાડવો.
આ દુનિયામાં કશું જ નિત્ય નથી એક સમયે જ્યાં પાણી હોય છે ત્યાં રણ બની જાય છે, રણ હોય ત્યાં દરિયો થઈ જાય છે જેને આપણે પ્રેમ કરતાં હોઈએ એ ક્યારેક આપણો દુશ્મન બની જાય છે ક્યારેક દુશ્મન પણ મિત્ર બની જાય છે. ક્યારેક કોઇ તમને નફરત કરતું હોય તો એ નફરત પણ પ્રેમમાં બદલાઇ જાય છે.

                              ઘડીયાર અને તરીખીયું એ જ વાતની ગવાહી આપે છે કે બધું જ સતત બદલાતું રહે છે. કંઈ સ્થિર અને કાયમી નથી. પ્રકૃતિ રંગ બદલતી રહે છે. મેઘધનુષ થોડાક સમય પછી ઓગળી જાય છે અને વાવાઝોડાનું આયુષ્ય પણ લાબું નથી હોતું. ગુલાબની સાથે કાંટા પણ ખીલવાના જ છે અને ગુલાબની પાંદડીઓ પણ ખરવાની જ છે. સતત બદલાતું રહેવું એ સૃષ્ટિ, પ્રકૃતિ અને જિંદગીનો ઉથાપી ન શકાય એવો નિયમ છે. બધું જ બદલાતું હોય તો પછી માણસ અને સંબંધ કેવી રીતે કાયમ માટે એકસરખો રહી શકે? સમયની સાથે માત્ર ઉમર નથી વધતી પણ ઘણું બધું વધે છે. અને ઉમરની સાથે બધું વધે જ એવું જરૂરી નથી. ઘણું બધું ઘટે પણ છે ઓટ અને ભરતી એ માત્ર દરિયાનો નિયમ નથી, જિંદગીનો પણ એ જ નિયમ છે. સવાલ એ હોય છે કે ભરતી અને ઓટમાં તમે તમારી વિશાળતા કેટલી જીવંત રાખો છો ?
માણસથી ક્યારેક ભૂલ થતી હોય છે, માણસ ક્યારેક માર્ગ ચુકી જતો હોય છે, જો એવું થાય અને એ પાછો પોતાનાં માર્ગે આવે તો એને આપનાવવો જોઈએ. જે પોતાનું હોય એ પોતાનું જ રહે છે. એક વખત જે છૂટી જાય તેને  કાયમ માટે અળગું ન થવા દો. અલબત્ત જતું કરવાની એક હદ હોય છે. એ હદ આપણે જ નક્કી કરવાની હોય છે કે ક્યાં સુધી જતું કરવું. આપણી જતું કરવાની વૃત્તિ પણ મૂર્ખામીમાં ન ખપવી જોઈએ એ ધ્યાન રાખો.

                        જોકે ઘણી વાર એવું પણ થાય છે કે સામેનો વ્યક્તિ આપણી ઈચ્છા મુજબ કઈ ના કરે ત્યારે આપણે એને ભૂલ ગણી લઈએ છીએ. શુ આપણે આપણી વ્યક્તિને ભૂલ કરવાનો અધિકાર આપીએ છીએ ? પ્રેમની સૌથી મોટી પરખ ત્યારે થાય છે કે આપણે કોઈને કેટલાં ઝડપથી માફ કરીએ છીએ. માફ કરવામાં મોડું કરવું એ પણ એક જાતનો અન્યાય જ છે. ભમરો મધ ચૂસી જાય ત્યારે ફૂલ ફરિયાદ કરતું હશે ? દુનિયામાં બે કામ સૌથી અઘરા છે. માફી માંગવી અને માફી આપવી. પોતાના ઇગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતાં હોઈએ છીએ. ઘણી વાર આપણે જ આપણી ફરતે વિચારોનું એક કુંડાળું દોરી લેતા હોઈએ છીએ અને એ એ કુંડાળાની બહાર જાય તેંને આપણે વિરોધી કે આપણો દુશ્મન માનીએ છીએ. આવા અધકચરા વિચારોનાં કુંડાળાને  જ આપણે આપણું સ્વાભિમાન કહીએ છીએ. પણ સામેના વ્યક્તિને કે તેની પરિસ્થિતિને સમજવાની કોશિશ કરતાં નથી.

                            ઘણાં લોકો તો એવા હોય છે જેની પાસે માફી માંગતા પણ ડર લાગે છે.મને એક સરસ વાત યાદ આવે છે. એક માણસ મરણપથારીએ હતો. તેને સમજાઇ ગયું હતું કે જિંદગીનો અંત હવે નજીક છે એણે વિચાર્યું કે મરતા પહેલાં કોઈને મારાથી ફરિયાદ ના રહે એટલે એણે ઘરનાં બધાં જ સભ્યોને બોલાવી એક એકની માફી માંગી લીધી. એ માણસે બધાની માફી માંગી અને છેલ્લે એને યાદ આવી એની દીકરી કે જેણે ભાગીને લગ્ન કરી લીધા હતાં. દિલના ટુકડા જેવી દીકરીને વર્ષોથી જોઈ ન હતી.એ માણસે કહ્યું કે મારે મરતા પહેલા મારી દીકરીને જોવી છે એને બોલાવો. દીકરીને બોલાવવમાં આવી એની સાથે એની નાની છોકરી પણ હતી હોસ્પિટલમાં સૌ પ્રથમ તે છોકરી આવી અને એણે નજીક જઈને કહ્યું કે, દાદા મારો શું વાંક હતો તમે કેમ મને આટલા સમયથી બોલાવી નહીં ? દીકરીની દીકરીનો કાલાઘેલા અવાજમાં આ સવાલ સાંભળી એ માણસ ખૂબ રડવા લાગ્યો અને પછી પોતાની પૌત્રીની માથે હાથ મૂકીને કહ્યું કે, બેટા તારો વાંક કશું જ નહતો, વાંક તો બધો મારો જ હતો. કે તારી મમ્મી અને પપ્પાને મેં જ વર્ષો સુધી બોલાવ્યાં જ નહીં. હું કહું તેમ જ તારી મમ્મી કરે એવો દુરાગ્રહ રાખતો હતો. પણ બેટા હવે હું એ બધું ભૂલવા માંગુ છું ઉપર ક્યાં એ બધું લઈને જઈશ ? જ્યારે આપણે આપણાં પોતાનાં વિચારોનાં કુંડાળામાં હોઈએ ત્યારે આપણે હંમેશા બીજાનો જ વાંક કાઢતા હોઈએ છીએ. એની દીકરી નજીક આવી, આંખમાં આંસુ હતાં અને એ પિતાએ એની દીકરીનો હાથ પકડી કહ્યું કે, કે મને એક વાર વાત તો કરવી હતી ? દીકરી રડતાં રડતા બોલી, પપ્પા ત્યારે હિંમત ક્યાં હતી તમારી સામે બોલવાની !? આજે આટલી હળવાશ છે એટલી એ સમય નહતી. પણ ઘરેથી નીકળી એ સમયે તમારો ફોટો લેતી ગઈ હતી અને તમારો ફોટો જોઈને રોજ રડતી હતી અને મનોમન કહેતી હતી લવ યુ પપ્પા...!! અને તમને યાદ કરીને રડી પડતી હતી આજે પણ મારી આંખમાં આંસુ છે પણ રોજની જેમ એમાં અભાવ નથી પણ ભાવ છે તમને જોયાનો,તમે અપનાવી એનો. પિતાએ કહ્યું હવે કોઈ અભાવ નથી કોઇ અફસોસ પણ ના કરતી બેટા બધું ભૂલી જા.

                                    પોતાનાં લોકોને માફ કરવામાં સમય ના ફેડફો. અને એટલો તો નહીં જ કે ક્યાંક મોડું થઇ જાય. તમારા જીવનમાં કોઇ એવો મિત્ર, ભાઇ, બહેન, સ્નેહી, સ્વજન પ્રેમી, પ્રેમિકા, પત્ની માં બાપ, દીકરા, દીકરી કે ગમે તે વ્યક્તિ એવું છે જેને તમે ક્યારેય માફ નથી કરી શક્યા ? જો એવું હોય તો જરા વિચારો કે શું એમની ભૂલ એવડી મોટી હતી કે એમને માફ ન કરી શકાય જો જરા પણ દિલમાંથી એવો અવાજ આવે કે ભૂલ નાની હતી એવડી મોટી તો નહતી કે એને માફ ન કરી શકાય તો મિત્રો એને માફ કરવામાં જરાય સમય ન બગાડો હાલ જ એની પાસે જાવ અથવા ફોન કરો અને કહો કે મેં તમને માફ કરી દીધા છે અને પછી જુઓ એમની આંખોમાં જે ખુશીના આંસુ હશે એ તમને તમારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધી લાગશે. માફી જેવી ઉદારતા કશામાં નથી. કેટલાય દાનવીર બની ગયાં પણ માફવીર કોઇ ભાગ્યે જ બની શકે છે.
                 અથવા ક્યારેક એવું થયું છે યાર ભૂલ મારી હતી મારે માફી માંગવી જોઈએ જો દિલમાંથી જરાય એવું થાય કે મારે માફી માંગવી જોઈએ તો એક સેકંડ ન વેડફો અને કહી દો કે મને માફ કરી દો.. અને પછી જુઓ તમારો અંતરાત્મા જે ભાવ પ્રગટ કરશે તે કોઇ સમાધિ કરતાં વધું આહલાદક ભાવ અને શીતળતા આપશે. ઘણી વાર સામેના વ્યક્તિએ તો આપણેને માફ કરી દેવા હોય છે પણ આપણે જ માફી નથી માંગતા. ક્યારેક ડર લાગે છે કે સામેનો વ્યક્તિ મને માફ નહીં કરે તો ? મને અપમાનિત કરશે તો ? અથવા અહમ હોય છે કે હું શા માટે માફી માંગુ ? મેં ક્યાં કોઇ ભૂલ કરી છે ? કહેવાય છે કે માણસને બધું જ જડે છે પણ પોતાની ભૂલ ક્યારેય જડતી નથી. જેને પોતાની ભૂલ સમજાય છે તે જ સાચો જ્ઞાની કહેવાય છે. માફી માંગી લેવાથી કોઇ નાનું નથી થઈ જતું પણ માણસ વધુ સ્પષ્ટ બને છે, ખુદથી સજાગ બને છે. જે માણસ નમે છે એ જીવંત છે બાકી અકડ તો લાશમાં હોય, જીવતા માણસમાં નહીં. માફી માંગી લો. માફી આપવી ના આપવી એ સામેના વ્યક્તિ પર છોડી દો. શું ખબર સામેની વ્યક્તિ માત્ર તમારા એક "સોરી" ની જ રાહ જોઈને બેઠી હોય...!!!!


ટૂંકમાં...ક્યારેક બંધ બારણા ખખડાવી તો જુઓ
 શું ખબર સામેથી પણ 
બારણું ખોલવાની એટલી જ આતુરતા હોય...!!!

       

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...