Tuesday, May 12, 2020

માફી માંગવી એ સજ્જનનોની નિશાની છે તો માફી આપવી એ વિરોનું આભૂષણ છે.."

               
                                                      લેખન -રાહુલ, વણોદ
                                                       મો.8000739976                                   


                              તમને કોઇ પ્રશ્ન પૂછે કે શું જગતમાં કોઇ એવી વ્યક્તિ છે જેની ક્યારેય કોઇ ભૂલ થઇ ના હોય ? તમે કહેશો કે આ કેવી રીતે શક્ય બને ? ભૂલ તો બધાથી થાય જ ભૂલ કર્યા વગરનો માણસ આ પૃથ્વી ઉપર હોય જ નહીં.હા, ભૂલ કદાચ નાની મોટી હોઇ શકે. પણ ભૂલ તો દરેકથી થાય છે જ. તો એનાં માટે શું કરવું જોઇએ ? આવો પ્રશ્ન થવો સહજ છે. અને આ પ્રશ્નનો એક સનાતન અને સત્ય જવાબ આ જ છે કે માણસ ભૂલ કરે જ અને ભૂલ માણસથી જ થાય. ભૂલ ન કરવી એ માણસના હાથની વાત નથી પરંતું એ ભૂલ સ્વીકારવી અને એ ભૂલ જીવનમાં ફરીથી દોહરાય નહીં એ ચોક્કસ માણસનાં હાથમાં છે. એક વાત તો સત્ય છે કે ભુલથી માણસનું ખુદનું જ નુકસાન થવાનું છે તેથી માણસ જાણી જોઈને ભૂલ નથી કરતો અને જે જાણી જોઈને કરવામાં આવે એ ભૂલ નથી હોતી પણ ગુન્હો હોય છે અને ગુન્હાની તો માત્રને માત્ર સજા જ હોય છે. ભૂલ અને ગુન્હા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે જેને ન  જાણએ તો ઘણી બધી ગેરસમજો ઉદભવે છે અને આ ગેરસમજ સંબંધને ખોખલો કરી નાખે છે પછી એ સંબંધ પિતા પુત્રનો હોય, મિત્ર મિત્ર વચ્ચેનો હોય માતા પિતા વચ્ચેનો હોય કે પતિ પત્ની વચ્ચેનો હોય. કોઇ પણ સંબંધમાં નાની એવી પણ ગેર સમજ ઉભી થાય એટલે એ સંબંધની એક્સપયારી ડેટ નજીક આવી જાય છે. એટલે આવી કોઇ ગેરસમજ તમારે કોઇ સંબંધ વચ્ચે હોય તો સમય રહેતાં સુધારી લેજો, તમારાથી કોઈ ભૂલ થઇ હોય તો એ પણ સામેના વ્યક્તિની માફી માંગી સુધારી શકાય છે અને એ સૂકાઈ ગયેલાં છોડને માફી રૂપી પાણી પાઈને ફરીથી લીલો છમ બનાવી શકાય છે બસ જરૂર છે ખાલી એક પહેલ કરવાની.

                                       પણ ક્યારેક આપણે માફી માંગવામાં પણ મોડું કરી દેતાં હોઈએ છીએ કેમ કે માફી માંગવાનો પણ એક સમય હોય છે એ સમયને ઓળખી લેજો નહીં તો જીવનભર પસ્તાસો. જીવનમાં એટલું યાદ રાખજો કે કોઇ પણ બાબતે આપણે ગમે એટલું ધ્યાન રાખીએ તો ભૂલ તો થઇ જ જવાની છે. કેમ કે ભૂલ થવી એ નિયતિ છે જેને કોઇ રોકી શકે નહીં. પણ માફી માંગવી એ તમારા હાથની વાત છે. અંદરોઅંદર ઘૂંટાવવા કરતાં એક વાર સામેના વ્યક્તિની માફી માંગી તો જુઓ એ માફી આપશે જ અને કદાચ ના આપે તો તમારા હૃદયને માફી માંગ્યાનો ભાવ તમારાં અહંમથી ભરેલાં હૃદયને હલકું જરૂર કરી નાખશે. કહેવાય છે કે માણસ માત્ર ભૂલને પાત્ર.. ભૂલ તો માણસથી થાય જો માફી માંગવાથી સંબંધ સુધરતો હોય તો માફી માંગવામાં કશું ખોટું નથી. ઘણી વાર એવું થતું હોય છે કે આપણને સતત મનમાં ડર હોય છે કે કદાચ હું માફી માંગીશ તો સામેના વ્યક્તિની શું પ્રતિક્રિયા હશે ? શું એ મને માફ કરી દેશે ? કે પછી એ મને અપમાનિત કરશે ? આવા કેટલાય પ્રશ્નો આપણાં મનમાં ઘુમરાયા કરતાં હોય છે અને એટલે જ આપણે હિંમત નથી કરી શકતાં સામેના વ્યક્તિની માફી માંગવાની. પણ એક વાત યાદ રાખવાના જેવી છે તમારી કોઈ ભૂલ થઇ હોય એ ભૂલ ચાહે ગમે એટલી મોટી કેમ ના હોય અને કોઈ તમારું પોતાનું વ્યક્તિ, કુટુંબ કે તમારા સ્નેહી તમારાથી રિસાયા હોય અને આપણી હિંમત ન ચાલતી હોય એની સામે જઈને પોતાની ભૂલનો એકરાર કરવી એને સ્વીકારવાની અને પછી એ વાતને ઘણો સમય થઇ ગયો કહો કે બે ચાર કે પાંચ વર્ષ નીકળી ગયાં છતાં તમારાં મનમાં એ જ ડર હોય કે હજુય એ વ્યક્તિનાં મનમાં મારા પ્રત્યે એટલી જ નફરત અને ઘૃણા હશે જેટલી એ સમયે હતી તો એ તમારાં વિચારો ભૂલ ભરેલાં છે. બની શકે એ વ્યક્તિ પણ તમારી રાહ જોઈ રહી હોય કે ક્યારે તમે આવો અને  પોતાની ભૂલ બદલ માફી માંગો અને એ તમને માફ કરી દે. પણ ક્યારેક આપણે હિંમત નથી કરતાં અને સમય નીકળી જાય છે.

                                બે બેસ્ટ ફ્રેન્ડની આ વાત છે બંને પાક્કા મિત્રો. બંનેને એકબીજા વગર ચાલે જ નહીં પણ અચાનક એક વાર એવું બન્યુ કે એક મિત્રને એના બીજા મિત્ર સાથે નાની એવી બાબતે બોલવાનું બંધ કરી દીધું હતું. પછી બે વર્ષ પછી એને સમજાયું કે યાર ભૂલ તો એની હતી જ નહીં મેં ખાલી ખોટું એની સાથે બોલલાવું બંધ કરી દીધું. પણ પછી એ મિત્રની હિંમત ના થઈ એના મિત્રને બોલાવવાની કે એની પાસે માફી માંગવાની. સમય વીતતો ગયો એ મિત્ર બહાર મોટા શહેરમાં રહેવા ચાલ્યો ગયો અને તેર વર્ષ પછી બને મિત્રો અચાનક સમાજનાં સામાજિક કાર્યક્રમમાં ભેગા થયાં અને એકબીજા સામે અચાનક જોવાઈ ગયું. અને જે મિત્રને પેલાં મિત્રને બોલાવવાનું બંધ કરી દીધું હતું એણે પેલાં મિત્રને બોલાવ્યો અને કહ્યું કે, "સોરી યાર, મેં એ દિવસે ખાલી ખોટો જોયા જાણ્યા વગર તારી ઉપર ગુસ્સો કર્યો હતો અને તને બોલાવવાનું બંધ કરી દીધું હતું. પણ પછી પાછળથી મને ખબર પડી કે એમાં તારી ભૂલ હતી જ નહીં. પણ પછી મારી હિંમત ન થઇ ક્યારેય તને કહેવાની કે સોરી યાર મને માફ કરી દે. મને એમ કે તું મને માફ નહીં કરે." ત્યાં જ એનાં મિત્રએ કહ્યું કે, "દોસ્ત, એમાં શું થયું હું તો રાહ જોતો હતો કે ક્યારે તું આવે અને મને ફરીથી બોલાવે કેમ કે તે જ સામેથી મને ના પાડી હતી કે મને બોલાવતો નહીં તો કઈ રીતે તને બોલવું !!?" ટૂંકમાં ક્યારેક સંબંધોમાં ગેરસમજ થઇ જાય છે પણ એ જ ગેરસમજ જ્યારે સમજાય ત્યારે સામેના વ્યક્તિ જોડે સમર્પણ ભાવે પોતાની ભૂલ કબુલ કરવામાં સમય ન બગાડવો.
આ દુનિયામાં કશું જ નિત્ય નથી એક સમયે જ્યાં પાણી હોય છે ત્યાં રણ બની જાય છે, રણ હોય ત્યાં દરિયો થઈ જાય છે જેને આપણે પ્રેમ કરતાં હોઈએ એ ક્યારેક આપણો દુશ્મન બની જાય છે ક્યારેક દુશ્મન પણ મિત્ર બની જાય છે. ક્યારેક કોઇ તમને નફરત કરતું હોય તો એ નફરત પણ પ્રેમમાં બદલાઇ જાય છે.

                              ઘડીયાર અને તરીખીયું એ જ વાતની ગવાહી આપે છે કે બધું જ સતત બદલાતું રહે છે. કંઈ સ્થિર અને કાયમી નથી. પ્રકૃતિ રંગ બદલતી રહે છે. મેઘધનુષ થોડાક સમય પછી ઓગળી જાય છે અને વાવાઝોડાનું આયુષ્ય પણ લાબું નથી હોતું. ગુલાબની સાથે કાંટા પણ ખીલવાના જ છે અને ગુલાબની પાંદડીઓ પણ ખરવાની જ છે. સતત બદલાતું રહેવું એ સૃષ્ટિ, પ્રકૃતિ અને જિંદગીનો ઉથાપી ન શકાય એવો નિયમ છે. બધું જ બદલાતું હોય તો પછી માણસ અને સંબંધ કેવી રીતે કાયમ માટે એકસરખો રહી શકે? સમયની સાથે માત્ર ઉમર નથી વધતી પણ ઘણું બધું વધે છે. અને ઉમરની સાથે બધું વધે જ એવું જરૂરી નથી. ઘણું બધું ઘટે પણ છે ઓટ અને ભરતી એ માત્ર દરિયાનો નિયમ નથી, જિંદગીનો પણ એ જ નિયમ છે. સવાલ એ હોય છે કે ભરતી અને ઓટમાં તમે તમારી વિશાળતા કેટલી જીવંત રાખો છો ?
માણસથી ક્યારેક ભૂલ થતી હોય છે, માણસ ક્યારેક માર્ગ ચુકી જતો હોય છે, જો એવું થાય અને એ પાછો પોતાનાં માર્ગે આવે તો એને આપનાવવો જોઈએ. જે પોતાનું હોય એ પોતાનું જ રહે છે. એક વખત જે છૂટી જાય તેને  કાયમ માટે અળગું ન થવા દો. અલબત્ત જતું કરવાની એક હદ હોય છે. એ હદ આપણે જ નક્કી કરવાની હોય છે કે ક્યાં સુધી જતું કરવું. આપણી જતું કરવાની વૃત્તિ પણ મૂર્ખામીમાં ન ખપવી જોઈએ એ ધ્યાન રાખો.

                        જોકે ઘણી વાર એવું પણ થાય છે કે સામેનો વ્યક્તિ આપણી ઈચ્છા મુજબ કઈ ના કરે ત્યારે આપણે એને ભૂલ ગણી લઈએ છીએ. શુ આપણે આપણી વ્યક્તિને ભૂલ કરવાનો અધિકાર આપીએ છીએ ? પ્રેમની સૌથી મોટી પરખ ત્યારે થાય છે કે આપણે કોઈને કેટલાં ઝડપથી માફ કરીએ છીએ. માફ કરવામાં મોડું કરવું એ પણ એક જાતનો અન્યાય જ છે. ભમરો મધ ચૂસી જાય ત્યારે ફૂલ ફરિયાદ કરતું હશે ? દુનિયામાં બે કામ સૌથી અઘરા છે. માફી માંગવી અને માફી આપવી. પોતાના ઇગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતાં હોઈએ છીએ. ઘણી વાર આપણે જ આપણી ફરતે વિચારોનું એક કુંડાળું દોરી લેતા હોઈએ છીએ અને એ એ કુંડાળાની બહાર જાય તેંને આપણે વિરોધી કે આપણો દુશ્મન માનીએ છીએ. આવા અધકચરા વિચારોનાં કુંડાળાને  જ આપણે આપણું સ્વાભિમાન કહીએ છીએ. પણ સામેના વ્યક્તિને કે તેની પરિસ્થિતિને સમજવાની કોશિશ કરતાં નથી.

                            ઘણાં લોકો તો એવા હોય છે જેની પાસે માફી માંગતા પણ ડર લાગે છે.મને એક સરસ વાત યાદ આવે છે. એક માણસ મરણપથારીએ હતો. તેને સમજાઇ ગયું હતું કે જિંદગીનો અંત હવે નજીક છે એણે વિચાર્યું કે મરતા પહેલાં કોઈને મારાથી ફરિયાદ ના રહે એટલે એણે ઘરનાં બધાં જ સભ્યોને બોલાવી એક એકની માફી માંગી લીધી. એ માણસે બધાની માફી માંગી અને છેલ્લે એને યાદ આવી એની દીકરી કે જેણે ભાગીને લગ્ન કરી લીધા હતાં. દિલના ટુકડા જેવી દીકરીને વર્ષોથી જોઈ ન હતી.એ માણસે કહ્યું કે મારે મરતા પહેલા મારી દીકરીને જોવી છે એને બોલાવો. દીકરીને બોલાવવમાં આવી એની સાથે એની નાની છોકરી પણ હતી હોસ્પિટલમાં સૌ પ્રથમ તે છોકરી આવી અને એણે નજીક જઈને કહ્યું કે, દાદા મારો શું વાંક હતો તમે કેમ મને આટલા સમયથી બોલાવી નહીં ? દીકરીની દીકરીનો કાલાઘેલા અવાજમાં આ સવાલ સાંભળી એ માણસ ખૂબ રડવા લાગ્યો અને પછી પોતાની પૌત્રીની માથે હાથ મૂકીને કહ્યું કે, બેટા તારો વાંક કશું જ નહતો, વાંક તો બધો મારો જ હતો. કે તારી મમ્મી અને પપ્પાને મેં જ વર્ષો સુધી બોલાવ્યાં જ નહીં. હું કહું તેમ જ તારી મમ્મી કરે એવો દુરાગ્રહ રાખતો હતો. પણ બેટા હવે હું એ બધું ભૂલવા માંગુ છું ઉપર ક્યાં એ બધું લઈને જઈશ ? જ્યારે આપણે આપણાં પોતાનાં વિચારોનાં કુંડાળામાં હોઈએ ત્યારે આપણે હંમેશા બીજાનો જ વાંક કાઢતા હોઈએ છીએ. એની દીકરી નજીક આવી, આંખમાં આંસુ હતાં અને એ પિતાએ એની દીકરીનો હાથ પકડી કહ્યું કે, કે મને એક વાર વાત તો કરવી હતી ? દીકરી રડતાં રડતા બોલી, પપ્પા ત્યારે હિંમત ક્યાં હતી તમારી સામે બોલવાની !? આજે આટલી હળવાશ છે એટલી એ સમય નહતી. પણ ઘરેથી નીકળી એ સમયે તમારો ફોટો લેતી ગઈ હતી અને તમારો ફોટો જોઈને રોજ રડતી હતી અને મનોમન કહેતી હતી લવ યુ પપ્પા...!! અને તમને યાદ કરીને રડી પડતી હતી આજે પણ મારી આંખમાં આંસુ છે પણ રોજની જેમ એમાં અભાવ નથી પણ ભાવ છે તમને જોયાનો,તમે અપનાવી એનો. પિતાએ કહ્યું હવે કોઈ અભાવ નથી કોઇ અફસોસ પણ ના કરતી બેટા બધું ભૂલી જા.

                                    પોતાનાં લોકોને માફ કરવામાં સમય ના ફેડફો. અને એટલો તો નહીં જ કે ક્યાંક મોડું થઇ જાય. તમારા જીવનમાં કોઇ એવો મિત્ર, ભાઇ, બહેન, સ્નેહી, સ્વજન પ્રેમી, પ્રેમિકા, પત્ની માં બાપ, દીકરા, દીકરી કે ગમે તે વ્યક્તિ એવું છે જેને તમે ક્યારેય માફ નથી કરી શક્યા ? જો એવું હોય તો જરા વિચારો કે શું એમની ભૂલ એવડી મોટી હતી કે એમને માફ ન કરી શકાય જો જરા પણ દિલમાંથી એવો અવાજ આવે કે ભૂલ નાની હતી એવડી મોટી તો નહતી કે એને માફ ન કરી શકાય તો મિત્રો એને માફ કરવામાં જરાય સમય ન બગાડો હાલ જ એની પાસે જાવ અથવા ફોન કરો અને કહો કે મેં તમને માફ કરી દીધા છે અને પછી જુઓ એમની આંખોમાં જે ખુશીના આંસુ હશે એ તમને તમારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધી લાગશે. માફી જેવી ઉદારતા કશામાં નથી. કેટલાય દાનવીર બની ગયાં પણ માફવીર કોઇ ભાગ્યે જ બની શકે છે.
                 અથવા ક્યારેક એવું થયું છે યાર ભૂલ મારી હતી મારે માફી માંગવી જોઈએ જો દિલમાંથી જરાય એવું થાય કે મારે માફી માંગવી જોઈએ તો એક સેકંડ ન વેડફો અને કહી દો કે મને માફ કરી દો.. અને પછી જુઓ તમારો અંતરાત્મા જે ભાવ પ્રગટ કરશે તે કોઇ સમાધિ કરતાં વધું આહલાદક ભાવ અને શીતળતા આપશે. ઘણી વાર સામેના વ્યક્તિએ તો આપણેને માફ કરી દેવા હોય છે પણ આપણે જ માફી નથી માંગતા. ક્યારેક ડર લાગે છે કે સામેનો વ્યક્તિ મને માફ નહીં કરે તો ? મને અપમાનિત કરશે તો ? અથવા અહમ હોય છે કે હું શા માટે માફી માંગુ ? મેં ક્યાં કોઇ ભૂલ કરી છે ? કહેવાય છે કે માણસને બધું જ જડે છે પણ પોતાની ભૂલ ક્યારેય જડતી નથી. જેને પોતાની ભૂલ સમજાય છે તે જ સાચો જ્ઞાની કહેવાય છે. માફી માંગી લેવાથી કોઇ નાનું નથી થઈ જતું પણ માણસ વધુ સ્પષ્ટ બને છે, ખુદથી સજાગ બને છે. જે માણસ નમે છે એ જીવંત છે બાકી અકડ તો લાશમાં હોય, જીવતા માણસમાં નહીં. માફી માંગી લો. માફી આપવી ના આપવી એ સામેના વ્યક્તિ પર છોડી દો. શું ખબર સામેની વ્યક્તિ માત્ર તમારા એક "સોરી" ની જ રાહ જોઈને બેઠી હોય...!!!!


ટૂંકમાં...ક્યારેક બંધ બારણા ખખડાવી તો જુઓ
 શું ખબર સામેથી પણ 
બારણું ખોલવાની એટલી જ આતુરતા હોય...!!!

       

No comments:

Post a Comment

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...