Tuesday, October 27, 2020
"સંતોનું સમાનતા આંદોલન..." ✍️◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Monday, August 17, 2020
#સંગઠન, #નેતા અને #નેતૃત્વ..
લેખન - રાહુલ વણોદ
મો.8000739976
(એક સંગઠનનાં સભ્યો અને એ સંગઠનનું નેતૃત્વ કરતાં વ્યક્તિઓ માટે મેં બે દિવસ પહેલાં એક આર્ટિકલ લખ્યો હતો એના કેટલાંક અંશો અહીં મુકું છું.)
નેતૃત્વ કંઈ રીતે કરાય નેતૃત્વ એટલે શું ? આવા સવાલોનાં જવાબ હજુ હું તો શોધી રહ્યોં છું.
સૌ પ્રથમ તો હું જવાબ મેળવવા પ્રયાસ કરી રહ્યોં છું કે
નેતૃત્વ એટલે શું ?
નેતૃત્વની કોઈ વ્યાખ્યા હોઈ શકે ખરી ??
મારા ધ્યાને અને વાંચવામાં આવ્યું છે અને મેં જેટલું સાંભળ્યું છે એ કહું તો નેતૃત્વ એટલે દોરવણીનું કાર્ય કરવું. સંગઠનના અન્ય સભ્યોને સંગઠનના ધ્યેયો, એના બંધારણ અને સંગઠનની વિચારધારા પ્રમાણે સંગઠનના સભ્યોને દોરવા એટલે નેતૃત્વ..
મારા ખ્યાલથી સંગઠનના નેતા કે એડમીન પાસે વધારાની સત્તા હોવાથી નેતૃત્વથી અન્યની કારીગીરીને યોગ્ય દોરવણી આપી અસરકારકતા લાવી શકે. નેતૃત્વ કરવું એટલે સમગ્ર સંગઠનનું સંચાલન કરવું. નેતૃત્વ કરનાર વ્યક્તિને આપણે સૂત્રધાર, સંચાલક, માર્ગદર્શક કે સહાયક પણ કહી શકાય.
મારા ખ્યાલથી સંગઠનના નેતા અથવા ગ્રુપ એડમીન એ સંગઠનનો જ એક ભાગ છે.છતાં નિર્ણય, માર્ગદર્શન અને અમલીકરણ બાબતે તે સમુહથી અલગ પડે છે. આટલી સમજ મને નેતા કે ગ્રુપ એડમીન વિશે છે. કદાચ અધૂરી કે અધકચરી અથવા અપૂર્ણ હોઈ શકે.
અને હવે વાત આવે નેતૃત્વની..
નેતૃત્વ કરવા માટે કેવો વ્યક્તિ પસંદ કરવો જોઈએ..
નેતૃત્વ એટલે શું આ પ્રશ્ન પણ મને સહજ થયો. જોકે નેતા અને નેતૃત્વના ગુણ વિશે ઘણું વાંચ્યું તેથી નેતૃત્વ વિશે થોડુંક લખીશ.
મારા ખ્યાલથી કોઈ પણ સંગઠનનાં સમૂહને દોરવણી આપનાર પોતાની આગવી લાક્ષણિકતાથી અલગ તરી આવે છે.અને નેતૃત્વનું પ્રવાહન કરે છે.આજ સમયમાં સંગઠનના નેતૃત્વ કરવામાં માટે લક્ષણો આપણે તારી શકીએ છીએ..
સામાન્ય તઃ સંગઠન કે સમૂહના નેતા કે ગ્રુપ એડમીનમાં
બુદ્ધિજન્ય લક્ષણો,
સર્વોપરિતા,
આત્મવિશ્વાસ,
ઉત્સાહ,
પ્રવૃતિમયતા અને
સાહસિકતા જેવા ગુણો હોવા જરૂરી છે.
આગળ કહું તો બુદ્ધિ, સમજ, ખંત, મહત્વકાંક્ષા અને આશાવાદ જેવા લક્ષણો પણ હોવા જરૂરી છે.ઉપરાંત માનવીય શક્તિ પારખવાની આવડત, શુદ્ધ માનવ વ્યવહાર, સારા વ્યવહાર માટેના કૌશલ્યો પણ એટલા જ જરૂરી છે.આ નેતા કે ગ્રુપ એડમીનનાં બધાં જ ગુણો કે લક્ષણો ગ્રુપના કે સંગઠનના સભ્યોને, સાથીઓને પ્રેરવા, દોરવા અને કાર્યરત રાખવાની શક્તિ આપે છે. પરિસ્થિતિને સમજવાની સૂઝ, આવતી કાલની ભીતરમાં ડોકિયું કરી ભવિષ્યને કળી લેવાની આવડત, સમજ અને શક્તિ આપે છે. પરંતુ એ બધામાં સૌથી મહત્વનો ગુણ સંગઠનના નેતા કે ગ્રુપમાં હોવો જોઈએ તે એ છે કે નેતૃત્વ કરવા માટે પોતાનાં વ્યક્તિત્વની આહુતિ આપવી પડે છે. "હું" પણું સાથે રાખનાર વ્યક્તિ ક્યારેય કોઈ સંગઠન કે ગ્રુપનું સંચાલન કે નેતૃત્વ ન કરી શકે. બીજુ એ કે સંગઠન કે સમૂહના નેતા કે ગ્રુપ એડમીને અશક્ય લાગતાં નિર્ણયો લેવા પડે. એથી આગળ કહું તો ત્વરિત નિર્ણય શક્તિ ગ્રુપ એડમીનમાં હોવી ફરજીયાત છે. એનાં વગર નેતૃત્વ કરવું અશક્ય છે.
ડો. સોમૈયા કહે છે કે
"સંગઠનમાં બે ચાર પ્રભાવ શાળી નેતા ના ચાલે. સંગઠનના સભ્યો જ નહીં પણ સંગઠનના નેતા કે ગ્રુપ એડમીને પણ સંગઠનનાં નીતિ નિયમો અનુસાર ચાલે ત્યારે જ સનગઠનના સંકલ્પો બધાં વાસ્તવમાં સાકાર પામે છે.
આપણે સંગઠનાત્મક સમજણને સફળતાનો શ્રેય વહેંચીને અન્ય નેતાની કદર કરીને અન્ય નેતાઓના કાર્યને સન્માન આપીને અને શાણપણ પૂર્વક કામ કરીએ તો અવશ્ય એ સંગઠન અને એ નેતા સમાજમાં પોતાનું પ્રદાન નોંધાવી શકે છે."
લાઓત્ત્સે પોતાના એક પુસ્તકમાં નેતાના પાંચ પ્રકાર જણાવે છે.
1.લોકોના ધ્યાનમાં ન આવે
2.જેને લોકો પૂજે
3.જેનાથી લોકો ડરે
4.જેને લોકો ધિક્કારે
અને
5. એવો નેતા કે ગ્રુપ એડમીન જે સંગઠન સિદ્ધિ મેળવે તો બધા સભ્યોને શ્રેય આપે. કેમ કે શ્રેષ્ઠ નેતા જ સંગઠનને તારે છે,
દોરે છે,
અને સિદ્ધિ અપાવે છે.
સંગઠનમાં નેતા વગર ચાલે જ નહીં
લાઓત્ત્સે કહે છે. આગળ કહે છે. કે,
"સંગઠન વ્યાપક હોય,
સંગઠનનું ધ્યેય મહાન હોય,
સંગઠનનું નેતૃત્વ કરનાર વ્યક્તિમાં શ્રેષ્ઠ ગુણોના સમનયવ વાળું હોવું જોઈએ
શ્રેષ્ઠ નેતૃત્વ એટલે નેતાઓમાં સંગઠનના બંધારણના દિશા નિર્દેશન અનુસાર એકમેકના મગજને જોડીને બધાં માર્ગદર્શનને, સુચનોને ધ્યાનમાં રાખીને ત્યાગ, સમર્પણ અને નિષ્ઠા પૂર્વક નિરંતર કાર્ય કરતાં રહે અર્થાત ટિમ વર્ક સાથે સંગઠનના બંધારણને સમર્પિત રહી સતત સાથે રહીને કાર્ય કરવું એટલે શ્રેષ્ઠ નેતૃત્વ."
શ્રેષ્ઠ નેતૃત્વ અને શ્રેષ્ઠ નેતા થકી જ મહાન ધ્યેય હાંસલ કરી શકાય છે. માટે વ્યાપક રીતે વિસ્તારાયેલાં વિશાળ સંગઠનોના નેતાઓમાં લોકશાહી માનસ હોવું જોઈએ. માત્ર એક જ નેતા નિર્ણય લે અને અન્ય નેતાઓ પાસે સરમુખત્યારની જેમ કામ લે અને અન્ય નેતાઓના નિર્ણયની સહમતી આપવા દબાણ કરે તેવું નેતૃત્વ ન ચાલે. સંગઠન કોઈ બે ચાર સરમુખત્યાર શાહી વલણ ધરાવતાં નેતાના ઈશારે ન ચાલવું જોઈએ. કારણ કે તેમાં બંધારણ અને સંઘ ભાવનો ક્યાંકને ક્યાંક છેદ ઉડે છે. અને સંગઠન દીર્ઘ કાલીન ન ચાલી શકે. તે વિશાળ મહાન ઉદ્દેશ્યોને સિદ્ધિમાં રૂપાંતરીત ન કરી શકે. સંગઠન વિશાળ હોય ધ્યેય મહાન હોય તો લોકશાહી નેતૃત્વ જ સફળતાનાં લક્ષ્યોને સાકાર કરાવી શકે. જો કોઈ નેતા મેલી મુરાદ વ્યક્ત કરે. સંગઠનને અવળી દિશામાં લઈ જવા દબાણ કરે, પ્રવાહિત કરે ત્યારે અન્ય નેતાઓએ એને સબક શીખવાડવો જોઈએ. ઘણાં સંગઠનોમાં તો એવું બને છે કે નેતાઓ સંગઠનાત્મક સત્યનો પક્ષ લે તો તેમને ષડયંત્ર થકી કુટિલ નેતાઓ દ્વારા સંગઠનમાંથી દૂર કરી દેવામાં આવે છે.જોકે આ બધું બહુમતી જોરે કરવામાં આવે છે.
શ્રેષ્ઠ નેતા તો એ છે કે પોતાની વાત સંઘની વાત ન માનનાર અન્ય નેતાઓ સભ્યોને તર્ક દ્વારા સત્ય હકીકતની પ્રતીતિ કરાવી ભૂલનો અહેસાસ કરાવી સાથે એનું મન હૃદય જીતી એમને બેવડા વેગથી કાર્ય કરતાં કરી દે અને તેથી જ મહાન ચિંતક મુકોલ્ડ કહે છે.
"મધ્યમ કક્ષાના નેતાઓ વાતો કરે છે.
સારા નેતાઓ સમજાવે છે. જ્યારે મહાન નેતાઓ પ્રેરણા આપી સંગઠનની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે." પણ જ્યારે વર્ચસ્વ નેતા પોતાની વાત ન માનનાર નેતાને એનકેન પ્રકારે સંગઠનમાંથી દૂર કરે છે. ત્યારે સંગઠનાત્મક શક્તિ નાશ માપે છે. જ્યારે સંગઠનના તમામ નેતાઓની મનમાનીનું કેન્દ્રીય કરણ થઈ જાય છે ત્યારે સંગઠન સિદ્ધિને વરે છે
પરંતુ જ્યારે જ્યારે પ્રત્યેક નેતાની મનની શક્તીઓનું વિકેન્દ્રિત કરણ થાય છે. ત્યારે સંગઠનની શક્તિ નબળી પડે છે.માટે સંગઠનના નેતાઓ વચ્ચે પરસ્પર ઊંડી સમજણ, શ્રદ્ધા સમન્વય પૂર્વકનું સહમત થવાનું શાણપણ હોવું જોઈએ. જો સહઠનના નેતા માત્ર ઉચ્ચ શિક્ષિત હોય અને તેમાં શાણપણનો અભાવ હોય તો સંગઠનને અસાધારણ સફળતા અપાવી શકતાં નહીં. માટે નેતામાં સંસ્કાર, સમજ અને શાણપણ અને સમર્પણ જેવાં સદગુણો હોવા ખૂબ જરૂર નહીં પરંતુ અનિવાર્ય છે. સંગઠન સંઘર્ષ કાળે કે કપરા કાળે સુરક્ષિત રહે તે માટે જ્યોર્જ બુશે કેટલાક સિદ્ધાંતો તારવ્યા છે.
જ્યોર્જ બુશનાં મતે "કોઈ પણ બાબતે ઉગ્ર સંઘર્ષ થાય તો તેને અંત ગણવો નહીં,
સતત ગૃહકાર્ય કરો નહીં તો તમારી વાત અન્યને સમજાવી શકશો નહીં. સંગઠનાત્મક પ્રક્રિયા કૈક આપીને મેળવવાની છે.માટે સમજાવીને કામ લો,નહીં કે ધમકાવીને. તમારા સંગઠનમાં દરેક કાર્યકરો અને સભ્યો મહત્વના છે. છેલ્લામાં છેલ્લી વ્યક્તિની જરૂરીયાત સમજો."જો આપણે સંગઠનાત્મક શક્તિ કેળવીને સફળતાનો શ્રેય વહેંચીને સંગઠન દરેક સભ્યોની કદર કરીને,અન્ય સભ્યોના કાર્યોને સન્માન આપતા રહીને શાણપણ પૂર્વક કામ કરીએ તો અવશ્ય અસાધારણ નેતા બની શકીએ. સ્ટીફન કોવિના શબ્દોમાં કહું તો "પરસ્પરની સમજણ અને સન્માન હોય. તો મતભેદો પણ નબળાઈને બદલે શક્તિમાં રૂપાંતર પામે છે."
સંગઠનને શિક્ષિત નેતાઓ નહીં પણ શાણપણ નેતાઓ સિદ્ધિઓ અપાવે છે.શાણપણ એ નેતૃત્વની આધારશીલા છે.
ડો. બાબા સાહેબનું એક કથન મને યાદ આવે છે. કે "મુજે ન બીકને વાલે કાર્યકર ચાહિયે.." જ્ઞાન ઔર સાધન કી કમી મેં પૂર્ણ કર દુગા.."
સંગઠનમાં એવાં કાર્યકરો અથવા સમૂહ કે ગ્રુપમાં એવાં સભ્યો અને ખાસ નેતાઓ કે ગ્રુપ એડમીન હોવા જોઈએ જે પોતાનાં કાર્ય પ્રેત્યે સમર્પિત અને નિષ્ટાવાન હોય.
Tuesday, August 4, 2020
⚫ જીવનમાં પુસ્તકો અને વાંચનનું મહત્વ.. 📚📖
લેખન - રાહુલ વણોદ
મો.8000739976
કાલે મારા એક સન્માનનીય મિત્રએ કહ્યું કે રાહુલ ભાઈ એક આર્ટીકલ લખો ને મે કહ્યુ ક્યાં વિષયને લઈને ? એમણે મને કહ્યું કે જીવનમાં પુસ્તકનાં મહત્વ વિશે.. એમની ઉમદા ભાવના અને આર્ટીકલ વિશેની મહત્તાને જોઇને મને લાગ્યું કે ખરેખર એ વિષય પર આર્ટિકલ લખવો જોઈએ. હાલ જ્યારે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરનો જમાનો છે ત્યાં પુસ્તકોનું મહત્વ ભુલાતું જાય છે. પુસ્તકો અને વાંચન માત્ર અભ્યાસ કાળ પૂરતા જ જાણે સીમિત થઇ ગયાં છે. ત્યારે આપણે પુસ્તકોને એક બાજુએ મૂકી દીધાં છે. હું તો માનું છું કે પુસ્તક વગરનું ઘર એ જંગલ જેવું છે. આજના જમાનામાં માણસ માનસિક તણાવનો ભોગ બન્યો છે એવામાં પુસ્તકને જો પોતાનાં મિત્ર બનાવતા આવડે તો ઘણું ઘરું ટેન્શન અને તણાવ ઓછો થઈ શકે છે. પુસ્તક અને વાંચનનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં હોવું જ જોઈએ. વાંચન વગર બોધિક વિકાસ શક્ય જ નથી.
સારા પુસ્તકો જીવનમાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. સારું પુસ્તક જો વાંચવામાં આવે તો એ તમારા વિચારો બદલશે, વિચારો બદલશે એટલે તમારો સ્વભાવ બદલશે અને તમારો સ્વભાવ બદલશે એટલે તમારું આખું વ્યક્તિત્વ બદલશે જેથી તમારા વ્યક્તિત્વ લથી પ્રેરાઈને અન્ય વ્યક્તિઓ બદ લલાશે એમ કુટુંબ અને કુટુંબથી દેશના વૈચારિક પરિવર્તન આવી શકે છે. ઘણાં બા બાપ પોતાની દીકરીને પરણાવવા માટે છોકરામાં અનેક બાબતો જોશે, ઘર બાર બેંક બેલેન્સ જમીન જાયદાત વગેરે પરંતુ એ નહિ જુએ કે એ છોકરામાં બોદ્ધિક લેવલ કેટલું છે ?
એનાં ઘરમાં પુસ્તકો કેટલાં છે? દરેક માં બાપે પોતાની દીકરી એવાં ઘરમાં પરણાવવી જોઈએ જે ઘરમાં સારા પુસ્તકો જોવા મળતાં હોય જે ઘરમાં સારા પુસ્તકો વસાવવામાં અને વાંચવામાં આવતા હોય. કેમ કે સારા પુસ્તકો વાંચનાર વ્યક્તિમાં અન્યને સમજવાની શક્તિ અને સમજાવવાની શક્તિ રહેલી હોય છે ઉપરાંત પુસ્તકો અને વાંચનમાં રસ ધરાવનાર વ્યક્તિ પોતાની વિવેક બુદ્ધિના આધારે કોઈ પણ નિર્ણય લેશે.
પરંતુ આજકાલ આ ઇન્ટરનેટના આક્રમણ વચ્ચે ક્યાંક પુસ્તકો પરાસ્ત થતાં દેખાય છે. લોકોમાં વાંચન ભૂખ ઓછી થતી જાય છે અને લોકો સારા પુસ્તકોથી વિમુખ થતાં જાય છે જે ચિંતાજનક છે. પરંતુ જીવનમાં જેટલું વધું વાંચશો તેટલું વધું જાણશો અને જેટલું વધુ જાણશો તેટલું વધું ફરશો અને આ જાદુ માત્ર પુસ્તકો જ તમને કરાવી શકે છે. ઘણી વાર આપણે કોઈ જગ્યાએ ફરવા ગયાં હોય અને ત્યારે એનાં વિશેનો ઇતિહાસ જો તમે પહેલાથી જ વાંચેલો હશે તો એ સ્થળે ફરવાની અને એ સ્થળ જોવાની કૈક અલગ જ મજા પડી જશે. પુસ્તકો માત્ર કાગળિયા કે પૂંઠા નથી પરતું કોઈ પુસ્તક તમે હાથમાં લેશો તો ખબર પડશે કે પુસ્તકોમાં કોઈ મહાપુરુષના વિચાર જીવે છે, એમાં હજારો વર્ષોનો ઇતિહાસ ધબકતો છે.
એમાં કોઈનો અનુભવ બોલતો હશે,
એમાં વિજ્ઞાન પડ્યું છે.
એમાં ઈશ્વરીય તત્વ પડ્યું છે. જે તમને એક અલગ જ વ્યક્તિ બનાવી શકે છે. સારા પુસ્તકનો કોઈ એક વિચાર તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે.
આજે વિજ્ઞાનની જે પણ શોધ ખોળ થઈ છે એને પેઢી દર પેઢી આગળ ધપાવવાનું કામ પુસ્તકોએ જ કર્યું છે.
જો પુસ્તકો જ ન હોત તો આજે આપણે જે હજારો વર્ષનો ઇતિહાસ જાણીએ છીએ એ ઇતિહાસ ક્યારનોય સમયના પ્રવાહમાં તણાઈને સુસ્ક થઈ ગયો હોત.
કોઈ પણ વ્યક્તિ જ્યારે નવલકથા લખે એમાં એ પાત્રો કશુંક શિખામણ આપતાં હોય છે, વાર્તા લખે એમાં જીવનનો કશોક સાર હોય છે,
કવિતા લખે કે ગઝલ લખે તો એમાં સર્જકની વેદના અને લાગણી છલકાતી જોવા મળતી હશે,
નિબંધ લખે તો એમાં પ્રકૃતિ કે ધરતીનું ગાન હશે.
એમ કોઈ પણ સાહિત્ય સ્વરૂપ હોય એ સાહિત્ય સ્વરૂપમાં કોઈને કોઈ વિચાર પડેલો છે, સચવાયેલો છે.
સારા પુસ્તકો વ્યક્તિને સમજ આપે છે. જીવનનો સાર, નિચોડ આપે છે. વ્યક્તિનાં જીવનમાં ઉત્કૃષ્ઠ વિચારોનુ રોપણ સારા પુસ્તકો જ કરી શકે. સારા પુસ્તકો વાંચવાથી પહેલાં જે સંકુચિત માનસિકતા હોય એમાં બદલાવ આવે છે. સમાજે, કુટુંબે થોપેલા પૂર્વગ્રહો દૂર થાય છે અને પુસ્તકો પૂર્વગ્રહ યુક્ત બુદ્ધિ અને શક્તિનો સંચાર કરે છે. અને આપણી વૈચારિક અને કલ્પના શક્તિને એક નવો આયામ આપે છે.
આજે તો જે જોઈએ એ વિષય પર અઢળક પુસ્તકો ઉપલબ્ધ છે તો શા માટે આપણે એનો લાભ ન લઈએ ?
મનગમતા વિષય નક્કી કરો અને એ વિષયને લગતા પુસ્તકો વસાવવાનું અને વાંચવાનું આજે જ સરું કરી દો. જે વિષયની આપણે ને ઓછી જાણકારી હોય અથવા હોય જ અહી એવા પુસ્તકો ભરપૂર વાંચો જેથી જ્ઞાનનો ભંડાર અને સંચાર બુદ્ધિમાં થવાનો શરૂ થઈ જશે એનાંથી એ વિષય વિશે જાહેરમાં તમે બોલી શકશો એનાં થકી તમારા આત્મ વિશ્વાસમાં પણ વધારો થતો જોવા મળશે. જ્ઞાન એ દુઃખદ પરિસ્થિતિમાં પણ તમને અડગ રહેતાં શીખવશે અને એ બધું માત્ર સારા અને ઉત્તમ પુસ્તકોના વાંચનથી જ શક્ય બનશે.
વાંચન વગરના માણસનું મગજ અને વિચાર શક્તિ અમુક હદમાં સીમિત થઈ જાય છે જ્યારે વાંચન પ્રિય વ્યક્તિ વ્યાપક અર્થમાં વિચારી શકશે એટલું જ નહિ વાંચનથી કલ્પનાશક્તિમાં પણ અસાધારણ વધારો થાય છે. કવિઓ અને લેખકોનાં સાહિત્યમાં વિશેષ રીતે કલ્પના શક્તિ જોઈ શકો છો એ વાંચનનો કમાલ છે. વાંચન એ તમારી કલ્પના શક્તિને પાંખો આપે છે. પુસ્તકમાં કોઈ નવા સ્થળ વિશે તમે ઘરે બેઠા જ વાંચીને માહિતી મેળવી શકો છો. જાણી શકો છો.
ઘણા ખરા વાર્તાકારો કલ્પના શક્તિ નો ભરપુર ઉપયોગ કરી વાર્તા કે નવલકથા લખે છે એ વાંચવામાં સમય ક્યાં નીકળી જાય છે એ ખબર જ નથી પડતી. એટલા તરબોળ થઈ જવાય છે. કોઈ ઐતિહાસિક નવલકથા કે વાર્તા વાંચતી વખતે એમ જ થાય કે વાર્તાનાં પાત્રો આપણી સામે જ જીવંત ઊભા છે. પુસ્તકમાં એટલી તાકાત છે કે તમને એક દુનિયામાંથી બીજી દુનિયામાં લઈ જઈ શકે છે. અને ગમે ત્યારે એ દુનિયામાંથી પાછા પણ લાવી શકે છે. આ પ્રકારનું જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે. માણસનાં સ્વસ્થ શરીર માટે જેમ કસરત જરૂરી છે એમ બુદ્ધિ કે મગજનાં વિકાસ માટે સારા પુસ્તકોનું વાંચન જરૂર છે. કેમ બંધ રૂમમાં ખુલ્લી બારી માંથી આવતી હવા રૂમને ફ્રેશ રાખે છે એમ પુસ્તક રૂપી બારી એ જ્ઞાન રૂપી હવાથી બુદ્ધિ રૂપી રૂમને ફ્રેશ રાખે છે.
મહાન ખગોળશસ્ત્રી કાર્લ સાગન તેથી જ તો કહે છે કે "પુસ્તકો વગરનો રૂમ બારીઓ વગરનાં રૂમ જેવો છે."
આપણો કોઈ મિત્ર આપણને જ્ઞાન આપે તો બદલામાં કશુંક લેય જ અથવા ક્યારક એ આપણી પાસેથી કશુંક અપેક્ષા રાખે જ. જ્યારે પુસ્તકો તમને કોઈ અપેક્ષા વગર જ્ઞાન આપે છે. ક્યારેય રિસાય પણ નહિ !
પુસ્તકો સમયના બંધન તોડી નાખી છે અને તમને એ વ્યક્તિથી પરિચિત કરાવે છે. એ વ્યક્તિનાં જ્ઞાનથી પરિચિત કરાવે છે જે વર્ષો પહેલાં, યુગો પહેલાં તમારી વચ્ચેથી સહદેહે વિદાય પામ્યો છે. પરંતુ એનાં વિચારો એ પુસ્તકમાં સદાય માટે જીવંત રહે છે જેને તમે ગમે ત્યારે વાંચી શકો છો. કોઈ પણ મહાન વ્યક્તિ જે સહ દેહે આપણી વચ્ચે ના હોય તો એના સાહિત્ય થકી એ મહાપુરુષને બહુ નજીકથી જાણી અને સમજી શકાય છે. આ કેટલી અદભૂત અને આશ્ચર્યજનક વાત.. !!!!
લેખન અને વાંચન કદાચ વિશ્વની મહાન શોધ છે.
પુસ્તકો એકાગ્રહતા અને આત્મિશ્વાસ વધારવાનું હાથવગું સાધન છે. અને સમજણ શક્તિ અને વિચારશક્તિ ખીલવે છે. કલ્પના શક્તિ ખીલવે છે. નવો દૃષ્ટિકોણ આપે છે. નવા ધ્યેયો અને વિચારો આપે છે. વળી પુસ્તકો આપણા વ્યક્તિત્વને અપડેટ કરી આપે છે.
ક્યારેક કોઈ લેખકનો લેખ વાંચી અથવા કોઈ કવિની કવિતા કે ગઝલ વાંચીને અથવા કોઈ સર્જકની વાર્તા કે નવલકથા વાંચીને આપણે પણ કવિતા, ગઝલ કે વાર્તા લખવાનો વિચાર આવે જ છે અને ક્યારેય આપણે લખીએ પણ છીએ આપણું લખાણ ભલે સાહિત્યની દ્રષ્ટિએ ખરું નાં ઉતરે પરતું આપણને કશુંક નવું કરવા જે પ્રેરણા મળી એ પુસ્તક વાંચનથી જ મળી એ સહજ સ્વીકારવું પડે ! ઘણાં મિત્રોની એવી ફરિયાદ હોય છે કે વાંચવું તો છે પણ વાંચનનો કંટાળો આવે છે તો એનાં માટે એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવી આગળ વધી શકાય છે જેના કારણે વાંચન પ્રત્યે રસ જાગે એવી પ્રવુતિ કરી શકાય.
જેમ કે શરૂઆત આ રીતે પણ કરી શકાય કે,
- સૌ પ્રથમ તો કોઈ મનગમતો વિષય પસંદ કરો.
- ત્યાર બાદ એ વિષયને લગતા પુસ્તકો વસાવો અથવા કોઇ મિત્ર પાસે એ વિષયના પુસ્તકો હોય તો લઈ આવો.
- શરૂઆત નાના અને ઓછા પેજ વાળા પુસ્તકોથી કરો. જેથી વાંચવામાં કંટાળા જેવું ના લાગે અને ઓછા સમયમાં વાંચી શકાય
- પછી નક્કી કરો કે રોજ દસ મિનિટ સુધી અથવા રોજ 10 પેજ જરુર વાંચીશ
- નક્કી કરેલાં ધ્યેયને પૂર્ણ કરવા શક્ય એટલો પ્રયાસ કરો.
વાંચનથી ઘણાં ફાયદા થાય છે જે ઉપર મે જણાવ્યા છે તે છતાં ફરી રીપિટ કરું છું. જેથી તમારા ધ્યાને આવે.
- ખુદનાં માટે સમય મળશે
- વાંચવાથી લેખન શક્તિ અને પ્રતિભા વધશે.
- શબ્દ ભંડોળ વધશે અને ભાષા ઉપર પ્રભુત્વ અને પકડ વધશે.
- માનસિક તણાવ દૂર થશે
- રાત્રે સૂતા પહેલાં વાંચન કરશો તો ઊંઘ સારી આવશે.
અને
- સ્પર્ધાતમકતા પરીક્ષાઓ અને અભ્યાસમાં તો ઉપયોગી થશે જ.
આમ અન્ય પણ ઘણાં ફાયદા છે પુસ્તકો વાંચવાના પરતું અમુક અશ્લીલ અને અંધશ્રદ્ધા ફેલાવતા પુસ્તકો નુકશાનકારક પણ છે જ. આપણે સારા અને નસરા પુસ્તકો વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ. જે પુસ્તકો અંધશ્રદ્ધા અને કટ્ટરતા શીખવતા હોય એવા પુસ્તકોથી દૂર રહેવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી એવા પુસ્તકોનો બહિષ્કાર કરવો જોઈએ. ડો. આંબેડકરનો પુસ્તક પ્રેમ જગ પ્રખ્યાત છે. લાખો પુસ્તકો એમણે વાંચેલા અને કેટલાય પુસ્તકો લખેલાં તે છતાં તેમણે અંધશ્રદ્ધા અને અસમાનતા ફેલાવતાં મનુસ્મૃતિ જેવાં પુસ્તકને જાહેરમાં સળગાવીને સ્પષ્ટ કરી દીધું હતું કે ખરાબ પુસ્તકો માનવતાનાં દુશ્મન હોય છે. જેને માનવ મનમાં કદી સ્થાન ન મળવું જોઈએ.
પરતું સારા પુસ્તકોનું વાંચન કરનાર જ્ઞાની પુરુષ સર્વત્ર જગ્યાએ સન્માન પામે છે.
ગુજરાતી સાહિત્યના બહુ મોટા ગજાના કવિ કલાપીએ પોતાનાં પુસ્તક પ્રેમ વિશેનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું હતું કે,
"જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી.."
રવીન્દ્રનાથ ટાગોર વાંચનનું મહત્વ સમજાવતા કહે છે કે આંખ સામે રહેલી વસ્તુઓનું જ્ઞાન મેળવવા માટે પણ પુસ્તકો વાંચવા જરૂરી બની જાય છે.
મોન્ટેગ્યું કહે છે જ્યારે તમે કંટાળી જાવ ત્યારે જો તમે પુસ્તક હાથમાં લેશો તો તમને જીવનમાં રસ, કુતુહલ અને નવજીવન પ્રાપ્ત થશે.
પરતું આજે ભારતની જો વાત કરીએ તો કોલેજો અને યુનિવર્સિટીઓનાં પુસ્તકાલયોનાં કબાટમાં પુસ્તકો ધૂળ ખાતા નજરે પડે છે. નવી પેઢી વાંચન અને પુસ્તકથી વિમુખ થતી જોવા મળે છે. જે દુઃખદ છે. આધુનિક સમયમાં કમ્પ્યુટર અને મોબાઈલ આવી જતાં પુસ્તકો અસ્પૃશ્ય બની ગયાં છે. મોબાઈલમાં પબજી, ફેસબુક અને વો્સએપમાં આજનું યુવાધન મોટા ભાગનો સમય વેડફી રહ્યો છે. અને પુસ્તકો માત્ર પરિક્ષા સમયે જ યાદ આવે છે. તેથી શિક્ષણ વિભાગ, કોલેજ અને યુનિવર્સિટીઓ પુસ્તક પ્રદર્શન, પુસ્તક મેળો જેવા આયોજન કરી નાગરિકો અને યુવાનોને પુસ્તકોની નજીક લાવવાનો પ્રયત્ન કરતાં રહે છે. જોકે આધુનિક સમયમાં પણ પુસ્તક પ્રેમીઓ તો મળી જ રહે છે. ઘણાં મિત્રોનાં ઘરમાં ક્યારેય પુસ્તકાલય જેવો નજારો જોવા મળે છે ત્યારે લાગે છે. પુસ્તક પ્રેમીઓ આજે પણ જીવંત છે. પરતું તે છતાં આજે બજારોમાં ઘણી વાર જોઉં છું કે ચપ્પલ આલીશાન કાચના શો રૂમમાં ગોઠવાયેલા જોવા મળે છે જ્યારે પુસ્તકો નાની દુકાનો, લારીઓ અને ફૂટપાથો પર વેચતા જોવા મળે છે. આવા દ્રશ્યો જે દેશમાં જોવા મળે ત્યાંના નાગરિકોનું બોદ્ધીક પતન થાય છે. એવાં
દેશમાં ડોક્ટર વકીલ અને વૈજ્ઞાનિક ઓછા અને અંધશ્રધ્ધામાં ડૂબેલાં લોકો વધુ જોવા મળે છે.
આપણે આશા રાખીએ કે દેશમાં પુસ્તક અને વાંચનનું મહત્વ વધે એવા સરકારે પ્રયત્નો કરવા જોઈએ...
છેલ્લો થોટ...
પુસ્તકો રોડ પર અને જૂતા શોરૂમમાં વેચાશે ત્યારે સમજી જજો કે લોકોને જ્ઞાનની નહિ પણ જુતાની જરૂરત છે..
Sunday, July 26, 2020
26 જુલાઈ એટલે... ભારતીય સૈન્ય પર ગર્વ લેવાનો દિવસ
મો.8000739976
2જી મે 1999 નો દિવસ સવારના સમયમાં એક તાશી નામનો ભરવાડ કારગિલની પહાડીઓ પર પોતાની યાર્કને શોધવા ગયો અને અને તેણે જે જોયું એ જોઈ સ્તબ્ધ થઇ ગયો. તે તરત પહાડીઓ પરથી નીચે ઉતરે છે અને બીજા જ દિવસે એટલે કે 2 જી મેં ના દિવસે ત્યાં સેનાના એક જવાનને ખબર આપે છે કે, તેણે કારગિલની પહાડીઓ ઉપર પાકિસ્તાની સેનાના જવાનો જોયાં છે.અને ત્યારથી કારગિલ યુદ્ધનો ઈતિહાસનો આરંભ થાય છે. કારગિલ યુદ્ધ એ આખા દેશનાં ઇતિહાસનું ભયાવહ યુદ્ધ ગણી શકાય. કેમ કે આ યુદ્ધમાં દેશનાં કેટલાય વીર જવાનોઓ પોતાનાં પ્રાણોનું બલિદાન આપી ભારત દેશને પોતાની વીરતાનાં દર્શન કરાવ્યાં હતાં. એ યુદ્ધને આજે 20 વર્ષ જેટલો સમય થયો હોવાં છતાં યુદ્ધના પડઘા હજુ જાણે કારગિલની પહાડીઓ પર સંભળાતા હોય એવો આભાસ આપણે થયાં વિના રહેતો નથી.
આજે 26 જુલાઈ, એટલે કે કારગિલ વિજય દિવસ છે. આજથી લગભગ 20 વર્ષ પહેલા ભારતીય સેનાના જવાનોએ પોતાની શક્તિ અને વીરતાના બળે કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડી વિજય મેળવ્યો હતો. અને કારગિલની પહાડીઓ પર તિરંગો લહેરાવ્યો હતો.
1999ના કારગિલ યુદ્ધ સમયે આ જ દિવસ હતો, ત્યારે બોર્ડર પર હુમલાની શરૂઆત કરનાર પાકિસ્તાનને ભારત પાસે ઝૂકવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. ભારતીય સેનાના જવાનોની વીરતા, સાહસ આગળ પાડોશી દેશની સેનાએ પોતાની હાર સ્વીકારી હતી. આજે કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધની કેટલીક એવી વાતો જાણીએ જે આપણા માટે ખૂબ મહત્વની અને ઘણી ખરી બાબતો ગૌરવ લેવા જેવી છે.
કારગિલનું યુદ્ધ તબક્કા વાર સતત બે મહિના સુધી ચાલ્યું. તેમાં દેશનાં કેટલાય વીરોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું પરંતુ અંતે તો દુનિયાને પણ ભારતની તાકાતનો અંદાજ આવી જ ગયો. પાકિસ્તાનના સૈનિકોની ઘુસપેઠની માહિતી મળ્યા બાદ 5 મે, 1999 માં રોજ કેપ્ટન સૌરભ કાલિયા સહિતના 6 જવાનો ત્યાં પહોચ્યા હતા કેપ્ટન સૌરભ કાલિયાની સાથે પેટ્રોલિંગ પર નીકળેલી આ ટુકડીમાં અર્જુન રામ, ભંવર લાલ બાગારીયા, ભીકા રામ, મૂળ રામ અને નરેશ સિંહ પણ સામેલ હતાં. કેપ્ટન સૌરભ કાલિયા જલદી પોતાના સાથીઓ સાથે જ્યાં પાકિસ્તાની ઘૂસણખોરો હતાં ત્યાં પહોંચી ગયાં. અહીં કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના સાથીઓની સંખ્યા માત્ર 6 હતી જ્યારે ઘાત લગાવીને બેઠેલા દુશ્મનોની સંખ્યા સેંકડોમાં હતી. પાકિસ્તાની ઘૂસણખોરોએ કેપ્ટન સૌરભ કાલિયા અને તેના સાથીઓનું અપહરણ કર્યું. ત્યારબાદ તેમની અને તેમના સાથીઓની નિર્મમ હત્યા કરી નાખી. ત્યારબાદ આ તમામ જવાનોના મૃતદેહ ખૂબ ખરાબ હાલતમાં મળ્યા હતા.
કેપ્ટન સૌરભ કાલિયા અને અન્ય 6 જવાનોનાં ખૂબ જ ખરાબ હાલતમાં મળેલ મૃત દેહની આ અમાનવીય અને શર્મનાક ઘટના બાદ કારગિલનાં યુદ્ધનો શંખનાદ વાગી ગયો હતો. ભારત માટે આ યુદ્ધ પડકાર જનક હતું. ભારત માટે આ યુદ્ધ જીતવું ખૂબ જ કપરું હતું. કારણ કે સીમાની લગભગ તમામ ઉપરની પોસ્ટ પર દુશ્મનોનો કબ્જો હતો. આ પરિસ્થિતિ બાદ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. કારગિલ સેક્ટરમાં 1999 માં ભારતીય અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે લડાઈ શરુ થવાના કેટલાક સપ્તાહ પહેલા જ જનરલ પરવેજ મુશરફે એક હેલિકોપ્ટર દ્વારા LOC પાર કર્યું હતું અને ભારતીય સીમમાં 11 કિમી સુધી અંદર આવીને જિકરિયા મુસ્તકાર નામના સ્થાન પર રાત પણ વિતાવી હતી.
કહેવાય છે કે પાકિસ્તાનમાં 1998 માં પરમાણું હથિયારોનું પરીક્ષણ કર્યું હતું અને ત્યારથી જ પાકિસ્તાને કારગિલ યુદ્ધની તૈયારી કરી લીધી હતી. આ યુદ્ધમાં પાકિસ્તાન સેનાએ પોતાના 5000 જવાનોને કારગિલ પર ચઢાઈ કરવા માટે મોકલ્યા હતા. આ યુદ્ધની મહત્વની વાત એ હતી કે, જયારે પાકિસ્તાનની વાયુસેનાના ચીફને આ ઓપરેશનની માહિતી ન હતી. જયારે આ અંગે પાકિસ્તાનની એરફોર્સના ચીફને જણાવવામાં આવ્યું ત્યારે આં મિશન પર તેઓએ આર્મીને સાથ આપવા માટે ઇનકાર કર્યો હતો.
ઉર્દુ ભાષાના એક જાણીતા દૈનિકમાં છપાયેલા એક નિવેદનમાં નવાજ શરીફે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કારગિલનું યુદ્ધ પાકિસ્તાનની સેના માટે એક આપત્તિ સાબિત થયું હતું, કારગિલના ઉંચા પહાડો પર બેસીને પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરાઈ રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાએ ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. આ કારગિલના યુદ્ધમાં ભારતીય એરફોર્સ દ્વારા મિગ-27 અને મિગ-29 નો પ્રયોગ કરાયો હતો. આં દરમિયાન મિગ-29 ફાઈટર પ્લેન ખુબ મહત્વનું સાબિત થયું હતું, કારણ કે આ વિમાને પાકિસ્તાનની ચોકીઓ પર R-77 મિસાઈલ દાગવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી હતી. કારગિલનું યુદ્ધમાં ભારતીય વાયુસેનાની ટુકડીઓએ પણ આર્મીની મદદ કરવાનું શરુ કર્યું હતું. આ યુદ્ધમાં વાયુસેનાએ 300 જેટલાં વિમાનો આર્મી માટે આપ્યા હતાં.
કારગિલની પહાડીઓનોની ઉંચાઈ સમુદ્રના તટથી અંદાજે 16000 થી 18000 ફૂટ ઉપર છે. આં સ્થિતિમાં ઉડાન ભરવા માટે વિમાનોને અંદાજે 20,000 ફૂટની ઉંચાઈથી ઉડાન ભરવી જરૂરી પડતી હતી જે વિમાન માટે પડકાર જનક સાબિત થતું હતું. કેમ કે ત્યારે આ સ્થિતિમાં ઉપર હવાનું દબાણ 30% થી ઓછું હોય છે ત્યારે આ વિમાનની ઉડાન દરમિયાન વિમાન ચાલકનો દમ ઘુટવાનો પણ જોખમ હોય છે અને વિમાન દુર્ઘટના ગ્રસ્ત થવાનાં ચાન્સીસ વધી જાય છે. તે છતાં આ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જવાનોએ વીરતા આને સાહસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. અને પાકિસ્તાનને ઘુટણા ટેકવવા માટે મજબૂર કરી દીધું હતું. આ છે દેશના વીર જવાનોનું સાહસ આ છે એમની તાકાતનો પરચો. આ યુદ્ધમાં આર્ટિલરી દ્વારા 2,50,000 ગોળા અને રોકેટ જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3000 થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચરો દ્વારા દરરોજ અંદાજે 5000 બોમ્બ પણ દાગવામાં આવ્યા હતા, તેમજ 17 દિવસોમાં પ્રતિદિન એવરેજ એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.
માનવામાં આવે છે કે આં યુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર કોઈ એક દેશ દ્વારા અન્ય દેશ પર આ પ્રકારે બોમ્બબારી કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધમાં સત્તાવાર રીતેની આંકડાકીય માહિતી જોઈએ એ આ યુદ્ધમાં 527 જેટલા ભારતીય સૈન્યનાં જવાનો શહીદ થયાં હતાં. 1,363 સૈનિકો ઈજાગ્રસ્ત થયાં હતાં. જેમાં 1 ભારતીય જેટફાઇટર તોડી પડાયું હતું,1 જેટફાઇટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને અન્ય 1 હેલિકોપ્ટર તોડી પડાયું હતું. જ્યારે પાકિસ્તાનની સંભવિત બાજુની વાત કરીએ તો એમાં 453 જવાનો શહીદ થયાં હતાં.665 થી વધુ જવાનો ઇજાગ્રસ્ત થયાં હતાં.આ યુદ્ધનું કારણ પાકિસ્તાનનાં સૈનિકો અને અન્ય બળવાખોરો દ્વારા ભારતીય સીમા પર ઘૂસપેઠ હતું.
આ યુદ્ધમાં પરમવીર યોગેન્દ્ર યાદવે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને શરીરના અલગ અલગ ભાગોમાં પંદર ગોળીઓ વાગી હતી છતાં તેઓ નિડર થઈને દુશ્મનો સામે લડ્યા હતાં.યોગેન્દ્ર યાદવની વિરતાની વાત કરીએ તો 5 જુલાઈ 1999 ના દિવસે 18 ગ્રેનેડિયર્સના 25 સૈનિકોએ ફરી એ તરફ આગેકૂચ કરી. પાકિસ્તાની સૈનિકોએ તેમના પર પણ ભારે ગોળીબાર કર્યો. પાંચ કલાક સુધી સતત ગોળીબાર ચાલતો રહ્યો હતો.અને 18 ભારતીય સૈનિકોએ પીછેહઠ કરવી પડી હતી. હવે પાછળ સાત ભારતીય સૈનિકો જ રહ્યા હતા.
'ધ બ્રેવ' પુસ્કતના લેખિકા રચના બિષ્ટ રાવત કહે છે, "સાડા અગિયાર વાગ્યે 10 પાકિસ્તાની સૈનિકો નીચે જોવા માટે આવ્યા હતા કે ભારતીય સૈનિકોમાંથી કોઈ બચ્યું છે ખરું. તે વખતે દરેક ભારતીય સૈનિક પાસે માત્ર 45 રાઉન્ડ ગોળીઓ બચી હતી."
"તેમણે પાકિસ્તાનીઓને નજીક આવવા દીધા. તે લોકોએ ક્રીમ કલરના પઠાણી સૂટ પહેરેલા હતા. તેઓ નજીક પહોંચ્યા કે તરત જ સાતેય ભારતીય સૈનિકોએ ગોળીબાર શરૂ કરી દીધો".
તેમાં એક હતા બુલંદશહરના રહેવાસી માત્ર 19 વર્ષના જુવાનજોધ ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ યાદ કરતા કહે છે, "અમે બહુ નજીકથી પાકિસ્તાનીઓ પર ગોળીઓ ચલાવી. તેમાંથી આઠને અમે પાડી દીધા, પણ બે જણ ભાગી જવામાં સફળ રહ્યા. તેમણે ઉપર જઈને જાણ કરી કે નીચે અમે ફક્ત સાત જણ જ છીએ."
યોગેન્દ્ર આગળ વાત કરતા કહે છે, "થોડી વારમાં 35 પાકિસ્તાની સૈનિકોએ અમને ચારે બાજુથી ઘેરી લઈને હુમલો કર્યો. મારા છએ છ સાથી જવાનો માર્યા ગયા."
"હું ભારતીય અને પાકિસ્તાની સૈનિકોની લાશો વચ્ચે પડ્યો હતો. પાકિસ્તાનીઓ બધાને જ ખતમ કરી દેવા માગતા હતા એટલે તેઓ લાશો પર પણ ગોળીબાર કરી રહ્યા હતા."
"હું મારી આંખ બંધ કરીને મોતનો ઇંતઝાર કરતો રહ્યો. મારા પગમાં, હાથમાં અને શરીરના જુદા જુદા ભાગોમાં 15 ગોળીઓ વાગી હતી, પણ મારો જીવ હજી ગયો નહોતો."
તે પછી જે કંઈ બન્યું તે કોઈ ફિલ્મની નાટકીય ઘટનાથી ઓછું નહોતું.
યોગેન્દ્ર કહે છે, "પાકિસ્તાની સૈનિકોએ અમારાં બધાં હથિયારો કબજામાં લઈ લીધાં. જોકે મારા ખિસ્સામાં રાખેલો ગ્રેનેડ શોધી ન શક્યા. મેં પૂરી તાકાત એકઠી કરીને ગ્રેનેડ કાઢ્યો, તેની પિન હટાવી અને આગળ જઈ રહેલા પાકિસ્તાની સૈનિકો પર ફેંકી દીધો."
"ગ્રેનેડ એક પાકિસ્તાની સૈનિકની હેલમેટ પર પડ્યો અને તેના ત્યાંને ત્યાં ચીંથરાં થઈ ગયાં. મેં એક પાકિસ્તાની સૈનિકની લાશ પાસે પડેલી પીકા રાઇફલ ઉઠાવી અને ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો. મારા ફાયરિંગમાં પાંચ સૈનિકો માર્યા ગયા."
તે વખતે જ યોગેન્દ્રને પાકિસ્તાની વાયરલેસનો અવાજ સંભળાયો. તેમાં સંદેશ આપવામાં આવી રહ્યો હતો કે અહીંથી પાછા હટી જાવ અને 500 મીટર નીચે ભારતના એમએમજી બેઝ પર હુમલો કરો. પરંતુ ત્યાં સુધીમાં યોગેન્દ્રના શરીરમાંથી બહુ લોહી વહી ગયું હતું. ગમે તે ઘડીએ બેહોશ થઈ જવાય તેવી સ્થિતિ હતી.
ત્યાં એક પાણીનું નાળું હતું અને તેમાં પાણી વહી રહ્યું. તેઓ નાળામાં કૂદી પડ્યા અને તેમાં તણાતા-તણાતા પાંચ મિનિટમાં 400 મીટર નીચે સુધી પહોંચી ગયા.
ત્યાં રહેલા ભારતીય સૈનિકોએ તેમને નાળામાંથી બહાર કાઢ્યા. લોહી બહુ વહી ગયું હોવાથી હવે યોગેન્દ્ર યાદવની આંખો કશું સ્પષ્ટ જોઈ પણ શકતી નહોતી.
સીઓ ખુશહાલસિંહ ચૌહાણે તેમને પૂછ્યું કે તમે મને ઓળખી શકો છો ખરા? યાદવે ત્રૂટક શબ્દોમાં કહ્યું કે, 'સાહેબ હું તમારા અવાજને ઓળખું છું, જય હિંદ સાહેબ.'
યોગેન્દ્ર યાદવે તેમને માહિતી આપી કે પાકિસ્તાની સૈનિકોએ ટાઇગર હિલ ખાલી કરી દીધું છે. તે લોકો હવે આપણા એમએમજી બેઝ પર હુમલો કરવાના છે. આટલું કહ્યું પછી યાદવ બેહોશ થઈ ગયા હતા.
તેમની માહિતી પ્રમાણે જ થોડી વાર પછી પાકિસ્તાની સૈનિકોએ ત્યાં હુમલો કર્યો હતો પણ ત્યાં સુધીમાં ભારતીય જવાનોએ તૈયારીઓ કરી લીધી હતી.
બાદમાં યોગેન્દ્રસિંહ યાદવને તેમની અસાધારણ બહાદુરી બદલ સર્વોચ્ચ વીરતા પદક પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ યુદ્ધમાં પાકિસ્તાન અને ભારતના કેટલાય સૈનિકોનો શહિદ થયાં હતાં.
26 જુલાઈ, 1999 ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના સેના અને ઘુસપેઠીયાઓને તમામ રીતે પરાસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી, ભારતીય જવાનોને કારગિલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો.
માહિતી સ્ત્રોત..
વિકી પીડિયા
ગૂગલ
BBC news
Sunday, July 12, 2020
⚫બહુજન સાહિત્યકાર મોહિન્દર મોર્ય સાહેબ વણોદમાં...
મો.8000739976
ત્યાં સાહેબે મને પ્રશ્ન કર્યો કે, આયોજન થઈ ગયું છે બધું ?
બેઠક પૂર્ણ થયા બાદ જય બોધ સાહેબ દ્વારા બેઠકનું સમાપન કરવામાં આવ્યું અને ત્યાર બાદ વણોદ "ભીમ દિવાના કમિટી" તરફથી ફ્રેમમાં મઢેલ બાબા સાહેબનું એક પેઇન્ટિંગ પ્રતીક અને સન્માન રૂપે મોર્ય સાહેબને ભેટ આપવામાં આવ્યું.મોર્ય સાહેબે જે માહિતી અને ઐતિહાસિક તથ્યો જણાવ્યા તે બદલ વણોદ "ભીમ દિવાના કમિટી" માનનીય મોહિન્દર મોર્ય સાહેબ અને માનનીય પ્રિંસ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે.અને સાથે જ સાવડા ગામથી આવેલાં મારા મિત્ર વનરાજ મોર્ય, જયદીપ મોર્ય અને હસમુખ મોર્યનો પણ આભાર માને છે.
Friday, June 26, 2020
દિવાલ (ટૂંકીવાર્તા)
લેખન -રાહુલ, વણોદ
ઉમેશભાઈ સાંજે દુકાન બંધ કરીને ઘરે આવ્યાં. પણ ઘર સામેનું દ્રશ્ય જોઈને એમના પગ ઘડી ભર થંભી ગયાં. જાણે પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય એમ લાગ્યું. આંખો સામેનાં એ દ્રશ્યએ ઉમેશભાઈના હૃદયમાં જાણે ભૂકંપ લાવી દીધો. ઉમેશભાઇને એમની આંખ ઉપર વિશ્વાસ નહતો આવતો. ફળિયામાં ઉમેશભાઈનું અને સામે મહેશનું ઘર હતું અને વચ્ચે ફળિયાના ભાગમાં મજૂરો આડી દીવાલ ચણતાં હતાં. ઉમેશભાઈ તરત દીવાલ ચણાતી હતી ત્યાં ગયાં અને દીવાલની પેલી બાજુ ઘર હતું ત્યાં સાદ નાખ્યો,
મહેશ... ઓ મહેશ.. બહાર નીકળ તો...!?
ઉમેશભાઈનો અવાજ સાંભળતા જ મહેશ ઘરની બહાર આવ્યો બંડી અને ધોતી પહેરી હતી મહેશે એક હાથે ધોતી ઊંચકી હતી તે બહાર આવ્યો અને બોલ્યો..
શું છે મોટાભાઈ..!? હવે તો શાંતિથી રહેવા દો !!
આ શું છે બધું !!?
ઉમેશભાઈ થોડાં મોટા અવાજે બોલ્યાં.
ત્યાં જ મહેશ ઉદ્ધતાઈથી બોલ્યો, તમે જે જોવો છો એ
ઉમેશ ભાઈ બોલ્યાં, મહેશ બે ભાઈઓનાં ઘર વચ્ચે દીવાલ !!??
ઉમેશભાઇ આગળ બોલે એ પહેલાં જ મહેશ વચ્ચે જ બોલ્યો, હા મોટા ભાઈ આ રોજનો તમારો અને ભાભીનો ત્રાસ વધી ગયો હતો એનાં માટે મેં વચ્ચે દીવાલ બનાવી દીધી હવે નિરાંતે રહેજો અને તમે ચિંતા ના કરતાં આ દીવાલનો ખર્ચ તમારે નથી આપવાનો હું મજૂરોને બધા રૂપિયા ચૂકવી દઈશ.
મહેશ અને ઉમેશ બંને સગા ભાઈ. મહેશ સરકારી ખાતામાં સારી એવી સરકારી નોકરી કરતો હતો. મહેશ ઉમેશભાઈથી નાનો હતો.પિતા દસ વર્ષ પહેલાં જ એક બસ અકસ્માતમાં મૃત્યુ પામેલાં થોડા વર્ષો પછી ઉમેશભાઈની માં પણ બંને ભાઈઓને નોંધારા મૂકીને આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલી ગયેલી. ઉમેશ નાનો હતો ત્યારેથી જ ભણવામાં ઘણો હોંશિયાર પરંતું પિતાના મૃત્યુ બાદ દુકાન અને ઘર ચલાવવાની બધી જવાબદારી ઉમેશ પર આવી ગઈ હતી. બહેન તો હતી નહીં. તેથી માતાના મૃત્યુ બાદ ઉમેશભાઈના ફુઈબા થોડા સમય બંને ભાઈઓને રાંધી આપ્યું. પરંતું ફુઈબા ગયાં પછી દુકાન અને ઘરની જવાબદારી ઉમેશ પર આવી ગઈ. ઉમેશને ઘર, દુકાન અને અભ્યાસ ત્રણેય સંભાળવું મુશ્કેલ લાગતું વળી નાના મહેશનું પણ ધ્યાન રાખવાનું થતું.ઉમેશને બારમુ ધોરણ પાસ કર્યા પછી આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી પરંતુ જવાબદારીએ એ ઇચ્છાને હંમેશા માટે દબાવી દીધી અને વળી નાના ભાઈ મહેશને પણ હજુ ભણાવવાનો હતો તેથી તેનો ખર્ચ પણ ઉમેશભાઇએ પૂરો પાડવાનો હતો. ઉમેશભાઈની માતાને ટીબીનો રોગ હતો તેઓ જીવનના છેલ્લા બે મહિના પથારી વશ રહેલાં માની સેવા કરવામાં જ ઉમેશભાઇએ ભણવાનો વિચાર માંડી વાળેલો. કેમ કે માં ની સેવા, દુકાન ચલાવવાની અને અભ્યાસ સાથે થાય એ નહોતા.
એ દિવસે સખત વરસાદ વરસતો હતો મહેશ શાળાએથી હજુ આવ્યો નહતો.આ ઉપરાંત બાજુ ઉમેશભાઈની માં જીવનનાં છેલ્લા શ્વાસો લઈ રહી હતી. ઉમેશ સમજી ગયો હતો માં હવે ઝાઝો સમય શ્વાસ નહીં લઈ શકે તેથી એ દિવસે સાંજે એ જ મહેશને લેવા માટે શાળાએ ગયો નહીં. વરસાદ ધોમધાર વરસી રહ્યોં હતો. સાથે પવન પણ જોરથી આવીને મહેશના કાચાપાકા મકાનનો દરવાજો થથડાવી જતો હતો. વરસાદ બહાર પણ હતો અને ઉમેશની આંખોમાં પણ, વાવાઝોડું બહાર પણ વૃક્ષોને હલાવી જતું હતું. તો આ બાજુ ઉમેશના હૃદયમાં પણ વેદનાનું વાવાઝોડું આખા શરીરને થથરાવી જતું હતું. ઉમેશની માંએ છેલ્લા શ્વાસ લેતી વખતે ઉમેશનો હાથ જોરથી પકડ્યો અને થરથર કાપતા અવાજે ઉમેશને કહ્યું, બેટા ઉમેશ, હું હવે ઝાઝું નહીં જીવી શકું. મારા મર્યા પછી તારે જ આ ઘર ચલાવવાનું છે. અને તારા નાના ભાઈ મહેશનું ધ્યાન રાખવાનું છે. મને વચન આપ બેટા કે તું તારા નાના ભાઇને હંમેશા તારી સાથે રાખીશ, અને એને ભણાવી ગણાવીને મોટો કરીશ. બેટા તું બહુ સમજુ છો માં ની આટલી વાત તો માનીશ ને !?!
ઉમેશભાઈની માંની અંતિમ ક્ષણોમાં એમના મુખમાંથી નીકળેલા આ શબ્દો જાણે પંદર વર્ષના ઉમેશે હૃદયમાં અંકિત કરી દીધા. માંના આ શબ્દો ઉમેશભાઈ માટે એક દસ્તાવેજ સમાં બની ગયાં અને એમાં રડતી આંખે માં ને વચન આપી જાણે એ દસ્તાવેજ ઉપર ઉમેશે હંમેશા માટે હસ્તાક્ષર કરી દીધા
માં તો ગુજરી ગઈ. એ દિવસે વાતાવરણ પણ સાવ શાંત થઈ ગયું પ્રકૃતિ અને પોતાની માં ની સાક્ષીએ મહેશની જીવનભર દેખભાળ રાખશે એવા દસ્તાવેજ પર ઉમેશે હસ્તાક્ષર કર્યા ત્યાં સુધીમાં જાણે એક વાવાઝોડું આવીને ચાલ્યું ગયું. ઘરની બહાર અને નાના ઉમેશનાં હૃદયમાં..!
બંને ભાઈ અનાથ થઈ ગયાં. સગા સંબંધીઓ આવ્યાં બંને ભાઈઓને ખૂબ હિંમત આપી, દિલાસા આપ્યાં. નાનો મહેશ માં માં કરીને ખૂબ રડ્યો. ઉમેશને પણ રડવું આવતું પરંતુ લોકો એને કહેતાં તારે રડવાનું નહીં, તું જ રડીશ તો નાના(મહેશ)નું શું થશે એ વિચાર કર ! લોકોની આ દુહાઈ સાંભળીને ઉમેશ પોતાની વેદના અને દર્દ હૃદયમાં દફન કરી દેતો. આંસુઓને ગમે એમ કરી રોકી દેતો. માં ઉમેશને ખૂબ લાડ કરતી, ઉમેશને ખૂબ વ્હાલી હતી. ઉમેશ પણ પોતાનું સર્વસ્વ પોતાની માં ની અંદર જોતો.પિતાના મૃત્યુ પછી માં એ એ બંને ભાઇને હિંમત આપેલી. સારા સંસ્કાર આપેલાં. નીતિ અને પ્રામાણિકતાનાં પાઠ શીખવ્યા હતાં.નીતિ અને તે પ્રામાણિકતાથી ઉમેશ દુકાન ચલાવતો તેથી ગ્રાહક પણ ઉમેશભાઈના આ ગુણો જોઈને ઉમેશભાઈની દુકાને જ ખરીદી કરવાનો આગ્રહ રાખતાં. ઉમેશને પોતાની માં એ જ સત્ય અને ટેકીલા થવાની ગળથુંથી બાળપણથી જ આપેલી. ઉમેશનાં વ્યક્તિત્વ ઘડતર અને જીવન ઘડતરમાં પોતાની માં નો ફાળો વિશેષ રહેલો હતો.માં બીમાર હતી ત્યારે પોતાની માં ની દવા-દારૂ ઉમેશ જાતે લાવતો અને દવા પીવડાવતો. દુકાનેથી આવીને ઘરનાં નાના મોટા બધા જ કામ ઉમેશ કરતો. મહેશને તે કશું કામ.કરવા દેતો નહીં ઉમેશ વિચાર તો મહેશ હજુ નાનો છે એને શું ખબર પડે કે કામ કઈ રીતે કરાય !? મહેશ કરતાં ઉમેશને પોતાની માં પ્રેત્યે ઘણો લગાવ હતો તેથી મહેશ કરતાં ઉમેશને વધુ દુઃખ થયેલું માં ખોયાનું.પરંતુ પ્રકૃતિનો નિયમ આજ સુધી ભલા કોણ ઉથાપી શક્યું છે !!? જીવન મરણ પ્રકૃતિની દેન છે.
કહેવાય છે કે સમય દરેક દર્દનો ઈલાજ છે. સમય વીતતો ગયો. માં ની ખોટ અને માં ની યાદની વેદનાં ધીમે ધીમે બંને ભાઈઓ પર ઓછી થતી ગઈ.ઉમેશ માં ને હજુય યાદ કારતો પણ હવે રડવું આવતું નહીં. ઉમેશ ઉકાન જતી વખતે ઉમેશ ઘરમાં રાખેલો માં ના ફોટાને પગે લાગીને જતો. ઉમેશે બારમાં ધોરણ પછી ભણવાનું બંધ કરી ઘર, દુકાન અને મહેશને સંભાળી લીધા. ઉમેશભાઈને દુકાનમાંથી ઘર ચાલે એટલી આવક તો આવતી. રાત દિવસ મહેનત કરી થોડા પૈસા ભેગા કરી પાકું મકાન બનાવ્યું. મહેશ પણ ભણવામાં હોંશિયાર બારમું સારા ગુણ સાથે પાસ થયો. તેથી ઉમેશ ભાઇએ પોતાના મોહલ્લામાં મીઠાઈ વહેંચી.સગા સંબંધીઓ કહેતાં કે ઉમેશ હવે કોઇ સારી છોકરી જોઈ પરણી જા. પણ ઉમેશ કહેતો ના, કદાચ મારી વહુ સારી ના હોય તો મહેશનું શું થાય !?પરંતુ સગા સંબંધીઓ અને પાડોશીઓને ઉમેશને લગ્ન માટે દબાણ કર્યું. ઉમેશને પણ જરૂર લાગી કેમ કે ઘરનું કામ અને દુકાનનું કામ એક સાથે થાય એ નહતું. ઉમેશ વ્યસન વગરનો, કોઈ કુટેવ નહીં એટલે છોકરી મળતાં વાર ન લાગી સમાજની જ એક સુશીલ છોકરી સાથે ઉમેશે લગ્ન કરી લીધા.બધા ઉમેશને કહેતાં છોકરી સારી છે,ગુણિયલ છે, સંસ્કારી છે. છોકરીનું નામ લીલાવતી. ઉમેશ એને પ્રેમથી લતા કહીને બોલાવતો.મહેશ ખુશ થઈ ગયો ઘરમાં ભાભી આવી તેથી જે ઘરમાં હજુ તો માતાના મૃત્યુની વેદનાના પડઘા સાંભળતા હતાં એ જ ઘરમાં સુખના ઢોલના પડઘા પડ્યાં.લોકો ક્યારેક છાની છુપી ઇર્ષાભાવથી વાતો પણ કરતાં કે અમલા(ઉમેશ)ને તો સારું કેવાય ! દુકાનમાં આવક ધમધોકાર આવે છે એનો ભઈ પણ સારું ભણે છે અને ઉંપરથી વહુ પણ સંસ્કારી મળી !
ઉમેશે લતા સાથે એ શરતે લગ્ન કર્યા હતાં કે એ મહેશને ક્યારેય મહેણાં તોણા નહીં મારે અને એને સારી રીતે રાખશે. લતા પણ પોતાના માં બાપના સારા સંસ્કાર લઈને આવી હતી. તેથી પોતાનાં કરતા પણ વધુ નાના દિયરનું ધ્યાન વધું રાખતી.મહેશનું ખાવા પીવાનું,કપડાં ધોવાનું બધું લતા કરતી. મહેશ પણ ભાભીની આ સેવા જોઈ ખુશ થતો. આ બધું જોઈ ઉમેશભાઈ બહુ જ ખુશ થતાં. અને પોતાની સ્વર્ગીય માં ના ફોટા સામું જોઈને મનોમન કહેતાં કે, જોયુ ને માં મેં તને વચન આપ્યું હતું ને કે મહેશને હું જીવ કરતાં પણ વધુ સાચવીશ એ વચન હું પૂરું કરી રહ્યો છું ને માં ?
અને ફોટામાંથી જાણે પોતાની માં બધું સાંભળી રહી હોય અને મરક મરક હસીને ઉમેશભાઇને આશીર્વાદ આપતી હોય એમ માની ઉમેશભાઈ મનમાંને મનમાં રાજી થતાં. પરંતુ તેમનું આ સુખ ઝાઝું ટકવાનું નહતું. એ ઉમેશભાઇને ક્યાં ખબર હતી !!?
મહેશ બારમાં ધોરણમાં સારા ગુણ સાથે પાસ થયો તેથી લતાએ ઉમેશને કહ્યું કે, મહેશભાઈને શહેર ભણવા મોકલો તો જરૂર એમને સારી નોકરી મળશે એવો મને વિશ્વાસ છે. પોતાની પત્નીની આ વાત માનીને ઉમેશે પોતાના નાના ભાઈ મહેશને નજીકના મોટા શહેરમાં કોલેજના અભ્યાસ માટે મોકલ્યો.ત્યાં હોસ્ટેલમાં મહેશ અને મહેશનો બધો સામાન ઉમેશ મૂકી આવ્યો. અઠવાડિયે દસ દિવસે મહેશ ફોન કરતો અને મહેશ અભ્યાસ માટે જે જરૂર હોય એ પોતાના મોટા ભાઈ ઉમેશને કહેતો. ઉમેશ શક્ય બધી ચીજ વસ્તુઓ મહેશને મોકલતો. ક્યારેક મહેશ ફોન કરીને કહે કે પૈસા જોઈએ છે અને શહેર જનારું કોઈ ના હોય તો ઉમેશ તરત એક દિવસ માટે સ્પેશ્યલ દુકાન બંધ કરી મહેશને પૈસા આપવા શહેર ઉપડી પડતો. ક્યારેક પોતાની પાસે પૈસા ન હોય તો શેઠ પાસે ઉસી પાછીના લઈને પણ મહેશને આપતો. ઉમેશ પાસે પૈસા હોય કે ના હોય પરંતુ એ વાતની મહેશને જરા પણ ખબર ના પડવા દે. લતા અને ઉમેશ ક્યારેક વાતો કરતા કે મહેશને સારી નોકરી મળશે એટલે તેઓ પોતાની બીજી એક દુકાન નાખશે અને પોતાનું ઘર મેડી વાળું બનાવશે.
મહેશ ભણવામાં હોંશિયાર તેથી મહેનત સારી. હોસ્ટેલમાં અભ્યાસ માટે સારું વાતાવરણ મળ્યું. કૉલેજથી છૂટીને સમય મળે એટલે પુસ્તકાલય જતો અને વાંચતો અને પૈસા કે પુસ્તકો ખૂટે તો ઉમેશ તરત હાજર કરી દેતો. મહેશની મહેનત અને કિસ્મત રંગ લાવી. ઇન્કમ ટેક્સ વિભાગમાં મહેશને સારા પગારમાં નોકરી મળી ગઈ. આ વાત ઉમેશને ફોન કરીને મહેશે જણાવી. આખા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. લતા તો ખુશ થઈ ગઈ. એમના દિયરને સરકારી નોકરી મળી ગઈ. ઉમેશ અને લતાએ ફરી મોહલ્લામાં મીઠાઈ વહેંચી. ઉમેશનું આ સુખ ઘણાંને ખૂંચતુ પણ એ લોકો ઉમેશનું કશું ખરાબ કરી શકે એમ નહતા. ઉમેશ પોતાની સ્વર્ગીય માં ના ફોટા પાસે ગયો અને કહ્યું, જો માં તને આપેલું વચન હું બરાબર નિભાવું છું ને ! તારા મહેશને આજે સરકારી નોકરી મળી. એ સાહેબ બની ગયો ! આમ બોલતા બોલતા ઉમેશભાઈ ગળગળા થઈ જતાં. એમને માં ની ખોટ હજુ પણ સાલતી..! કદાચ એ વિચાર સાથે કે માં આજે જીવતી હોત તો કેટલી ખુશ થાત !? લતા ઉમેશને હિંમત આપતાં કહેતી, તમે પુત્ર તરીકેની ફરજ તો નિભાવી જ છે સાથે સાથે મહેશના માં બાપ બનીને મોટા ભાઈ તરીકે પણ પોતાની ફરજ નિભાવી છે. તેથી ઓછું ના લગાવો. ઉમેશ જ્યારે પણ દુઃખમાં હોય કે પૈસાની તંગી હોય ત્યારે ત્યારે પણ લતા ઉમેશને હિંમત આપતી.
મહેશનું પોસ્ટિંગ શહેરમાં થયું શહેર ગામથી વીસેક કિલોમીટર દૂર મહેશ ગામડે આવી ગયો પોતાના ભાઈ સાથે રહેવા. અને ત્યાંથી નોકરી માટે આવજાવ કરતો. નોકરીમાં પૈસા મળતાં ગયાં. મહેશ પાસે પૈસા વધતા ગયાં એમ એમ અહંકાર અને ઘમંડ પણ વધતા ગયાં. પૈસાનો ભાર ખિસ્સામાં વધતા ભલભલા બદલી જાય છે. મહેશનનો સ્વભાવ ચીડચીડયો થવા લાગ્યો. વાતે વાતે ભાઈ ભાભીને ખરી ખોટી સંભળાવી દેતો. ઘરનું કામ હોવાથી રસોઈમાં બનાવવામાં જરા મોડું થાય તો તરત લતાને સસંભળાવી દેતો, ભાભી તમને ખબર નથી પડતી મારે ઓફીસ જવાનું મોડું થાય છે તો જમવાનું તૈયાર રાખવાનું !? લતા ના છૂટકે ચહેરા પર હાસ્ય લાવીને મહેશને કહેતી, મહેશ સાહેબ હવે ઘરમાં વહુ લાવી દો. હું એકલી કેટલું ઘરનું કામ કરી શકું !!? તમારા ભાઈનું અને તમારું પણ જમવાનું બનાવવાનું ઉપરથી ઘરનું બધું કામ !?
આમ મજાક મજાકમાં લતા દિયરને પોતાની મનની વાત કહી જ દેતી. મહેશ ઉંચા આવજે લતા બોલતો પણ લતા મોટું મન રાખી સાંભળી લેતી લતા એમ વિચારી. પોતાના મનને સમજાવી લેતી કે મહેશભાઈ હજુ નાના છે. એટલે બોલવા ચાલવાની બહુ ખબર ના પડે.
સાંજે ઉમેશ ઘરે આવ્યો. લતાએ પાણી આપ્યું ઉમેશ બેઠો. એટલે. લતાએ વાત માંડી,
સાંભળો છો ?
મહેશભાઈ આજે મન ફાવે એમ મને બોલ્યાં. જમવાનું થોડું લેટ થયું એટલે. હું ઘર કામમાં રોકાયેલી હતી જેથી જમવાનું થોડું મોડું થઈ ગયું હતું એટલે!
ઉમેશે આ સાંભળી લતા સામે જોયું થોડી વાર વિચાર્યું પછી કહ્યું, હું વાત કરીશ મહેશને તું ચિંતા ના કર !
એ દિવસે પ્રથમ વાર ઉમેશભાઇને પોતાના નાના ભાઈ પ્રેત્યે થોડો અણગમો થયો. ઉમેશભાઇએ વિચારી લીધું કે શું કરવાનું છે. રાત્રે આઠેક વાગ્યે મહેશ ઘરે આવ્યો.નાહીને જમવા બેઠો. ઉમેશભાઇ મહેશ સાથે જમવા બેઠા. લતા જમવાનું પીરસી રહી હતી.શાકમાં મરચું થોડું ઓછું લાગતા મહેશ તરત બોલ્યો, ભાભી મરચું કેમ ઓછું છે શાકમાં !? તમને ખબર તો છે મને મોળું શાક નથી ભાવતું !? થોડું તીખું બનાવવું હતું ને !!?
લતા આ સાંભળી રહી હતી. પણ જ્યાં સુધી ઉમેશભાઈ હોય ત્યાં સુધી લતા બોલતી નહીં. લતાને ખબર હતી. કે આ ઉમેશભાઈ મહેશ જવાબ આપશે અને એમ જ થયું,ઉમેશભાઈ બોલ્યાં,
જો મહેશ એ ભાભી છે તારી તારે એમ તોછડાઈથી વાત ન કરાય
મહેશ તરત બોલ્યો, પણ મોટાભાઈ મારે કેટલી વાર કહેવાનું કે શાક તીખું બનાવો. ભાભી સમજતા નથી.
ત્યાં વચ્ચે જ લતા બોલી,મહેશભાઈ આ વર્ષે મરચું જ એવું આવ્યું છે ગમે એટલું નાખીએ તો પણ શાક મોળું થાય છે.આટલી થેલી પુરી થઈ જાય પછી નવું મરચું આવે !
મહેશ આ સાંભળી લતા ઉપર તાડુંક્યો, તો પછી આ થેલી ફેંકી દો, અને સારું મરચું લાવો પૈસા મારી પાસેથી લઈ જાવ ના હોય તો !
ઉમેશભાઈ વચ્ચે બોલ્યાં, સારું મહેશ હવેથી શાક મોળું નહીં થાય બસ.. હવે જમી લે શાંતિથી.
એ જ દિવસે મહેશ તો જમીને સુઈ ગયો પણ. લતા અને ઉમેશ ના ઊંઘી શક્યાં. કદાચ આવનારા તુફાનથી બંને અવગત થઈ ગયાં હતાં. ઉમેશે લતાના માથા ઉપર હાથ. મુક્યો અને કહ્યું બધું સારું થઈ જશે..
બીજા દિવસે સવારે પણ ઓફિસે જતી વખતે મહેશ લતાને સાંભળવાનું ન ચુક્યો,
એ બોલ્યો,
ભાભી મારા પલપલ કલરનું સર્ટ હજુ કેમ લીલું છે મારે આજે ઓફિસે એ પહેરી જવાનું હતું !?
લતા બોલી, મહેશ ભાઈ કાલે થોડો વરસાદ હતો હું ઘર કામમાં હતી અને કપડાં બહાર સુકાતા હતાં. હું બહાર કપડાં લેવા આવી ત્યારે એ ભીના થઈ ગયા હતા.તેથી ઘરમાં સૂકવવા મૂક્યાં હતાં. પણ હજુ સુકાયા નથી.
મહેશ ગુસ્સામાં બોલ્યો,ભાભી તમે કપડાં નથી સુકવી શકતા !?
મેં આજે ઓફિસમાં મારી ફ્રેન્ડને કહયું હતું કે હુ આજે પણ પલપલ રંગનું સર્ટ પહેરીને આવીશ પણ હવે શું !!??
પછી રિસાઈને મહેશ નીકળી ગયો. લતા રડવા જેવી થઈ ગઈ.બપોરે ઉમેશ દુકાનેથી ઘરે જમવા આવ્યો ત્યારે ઉમેશને જમવાનું પીરસતી વખતે લતાનો ચહેરો મુરઝાયેલો લાગ્યો. ઉમેશે કારણ પૂછ્યું પણ લતાએ કહ્યું,કશું નહીં એમ. કહી વાત છુપાવી. લતા જાણતી હતી કે ઉમેશને પોતાનો નાનો ભાઈ મહેશ બહુ વ્હાલો હતો. અને ઉમેશને પોતાની સ્વર્ગીય માને વચન આપેલું કે તે મહેશને જીવનભર સાચવશે. પરંતુ ઉમેશ એટલો પણ ગાંડો નહતો. કે લતાના ચહેરા પાછળનું દર્દ ના કળી શકે !એ બધું સમજી ગયો.
બીજા દિવસે મહેશે પોતાના મોટાભાઇને ખુશ ખબરી આપતાં કહ્યું કે,એની જ ઓફિસમાં એક છોકરી છે જે મહેશને ગમે છે એ છોકરી પણ મહેશને પસંદ કરે છે. છોકરી એમનાં સમાજની છે. આ સાંભળી ઉમેશ અને લતા રાજી થઈ ગયાં. ઉમેશે છોકરીના બાપ આગળ વાત નાખી. મહેશને સારી સરકારી નોકરી હતી તેથી છોકરીના માં બાપ રાજી જ હતાં. મહેશના લગ્ન ધામધુમથી થયાં. મહેશ તરફથી અપાતી તકલીફ લતા અને ઉમેશ થોડા દિવસો પૂરતા ભૂલી જ ગયાં. બંનેને એમ હતું કે હવે મહેશ સુધરી જશે.પરંતુ તકલીફ તો હવે જ શરૂ થઈ ઘરમાં નવી વહુ આવી. લતા અને ઉમેશ વહુને સારું રાખતાં. દિવસે ઉમેશ દુકાને જાય અને મહેશ ઓફિસે તેથી બંને દેરાણી જેઠાણી ઘરે જ હોય અને ઘર કામ કરતી હોય પરંતુ મહેશની વહુને લતાની આવડત, જ્ઞાન અને હોશિયારીની ઇર્ષા થતી.લતા મહેશની વહુને ઘર કામ શીખવતી એ પણ મહેશની વહુને ગમતું નહીં. મહેશની વહુને આરામ કરવો અને ઊંઘવું બહુ ગમતું. તેથી લતા વારંવાર ઠપકો આપતી કે આપણે સ્ત્રી જાત એટલે આપણે આવી આરામ અને ઊંઘની આદત ના કેળવાય ! પરંતુ મહેશની વહુ તો આધુનિક જમાનાની, ભણેલી ગણેલી એટલે લતાની આ બધી સલાહ ગમતી નહીં, તેથી મહેશ નોકરીએથી આવે એટલે એનાં કાન ભમભેરના કરતી. અને તે મહેશ આના કારણે લતા અને ઉમેશ સાથે ઝગડતો રહેતો. પરંતુ લતા અને ઉમેશ માત્ર એટલે ચૂપ રહેતા કેમ કે ઉમેશે પોતાની સ્વર્ગીય માં ને વચન આપ્યું હતું. કે તે મહેશને હરહમેશ સાચવશે.
પરંતુ દેરાણી જેઠાણીના ઝગડા દિવસે દિવસે વધતા જતા હતાં. મહેશ પણ ઉમેશભાઇને ના બોલવાનું બોલી જતો. એક દિવસે મહેશે ઉમેશભાઈને લતાની હાજરીમાં કહી જ દીધું કે તે સામે ફળિયામાં નવું મકાન બનાવશે અને એમાં જ રહેશે. આ સાંભળી ઉમેશભાઈનો. ઝાટકો લાગ્યો.એ બોલ્યાં મહેશ તને ભાન છે તું શું બોલે છે !!?
આપણે બે ભાઈઓ છીએ અને એમાં પણ જુદું રહેવાનું લોકો શું વિચારશે !!? અને હું અથવા તારી ભાભી ક્યારેય તને કે વહુને કશું બોલીએ છીએ.તો શું શા માટે જુદા રહેવાનું વિચારે છે !!??
મહેશ એ દિવસે ગુસ્સામાં બોલ્યો,
મોટાભઈ તમને ખબર નથી લતા ભાભી એ મારી વહુને ના બોલવાનું બોલતા હોય છે,
ત્યાં જ આંખોમાં આંસુ સાથે લતા બોલી,મહેશ ભાઈ તમને ખબર હોવી જોઈએ તમે શું બોલો છો !!!??
શું કામ અંજીને(મહેશનું વહુનું નામ અંજુ પણ મહેશ અને ઘરમાં બધા અંજી કહે) કશું કહું !?
પણ સાચું કહુ તો એ તમારા કાન ભરે છે,મારા અને તમારા ભાઈ વિરુદ્ધ !!?આટલું બોલતા.લતા રડી પડી,
પરંતુ મહેશને તો જાણે પોતાના ભાઈ ભાભીની પરવાહ જ ન હોય એમ બોલ્યો,
બસ ભાભી બહુ થયું હું અંજી વિરુદ્ધ એક શબ્દ નહીં સાંભળી લઉં !
ઉમેશભાઈ કશું બોલ્યા નહીં, ઉદાસ ચહેરે દુકાન જતા રહયા જમ્યા વગર જ !
બીજા દિવસે સામે ફળિયામાં મહેશે પોતાનું નવું મકાન બનાવવા ચાલુ કર્યું.મજૂરો આવી ગયાં કામ. શરૂ થયું.ઉમેશ ભાઈ દુકાનેથી આવ્યા આ બધું જોયું પણ કશું જ પ્રતિભાવ આપ્યા વિના ઘરમાં ગયાં. પોતાની સ્વર્ગીય માં ના ફોટા સામે જોઈને રડી પડ્યા. લતાએ ખભે હાથ મૂકી આશ્વાસન આપ્યું.
ઉમેશભાઈ રડતા રડતા બોલ્યા,લતા મને માફ કરજે હું તારું સ્વપ્ન પૂરું ના કરી શક્યો.તું કહેતી હતી ને કે મહેશભાઈને સારી નોકરી મળી જાય પછી આપણે મેડી વાળુ મકાન બનાવીશું. હવે એ શક્ય નથી કેમ. કે મેં દુકાનમાં નફામાં આવેલા બધા પૈસા મહેશને ભણાવવામાં ખર્ચી નાખ્યા. અને મહેશ હોવી પોતાનું અલગ મકાન બનાવે છે તેથી એ આપણા ઘરમાં પૈસા નહીં આપે !?
લતા ઉમેશભાઈના આંખના આંસુ સાફ કરતા બોલી, મારે ક્યાં જરૂર છે સારા. ઘરમાં રહેવાની, હું તો બસ તમારી સાથે ઝૂંપડીમાં પણ રહી લઇશ, મને ખુશી તો એ વાતની છે કે તમે તમારી માં ને આપેલું વચન પાળી શક્યાં.
ઉમેશભાઈ રડતા રડતા ફરી બોલ્યાં, લતા હું માં ને આપેલું વચન ક્યાં પૂર્ણ. કરી શક્યો છું. જો મહેશ આજે બીજું મકાન બનાવે છે મારાથી અલગ રહેવા માટે.
લતા ઉમેશને સમજાવતી હોય એમ બોલી,ભલે મહેશભાઇ સામે. બીજું. મકાન બનાવીને રહે પણ રહેશે. તો આપણી સામે જ ને તમે ખોટી ચિંતા શુ કામ કરો છો.
આમ દિવસો વીતતાં ગયાં. મહેશનું નવું મકાન બની ગયું.એક દિવસ મહેશ મોટી ગાડી કરી ઘરનું રાચરચિલું પણ લાવ્યો. મોંઘા સોફા સેટ, ફ્રીજ,એલ.ઈ. ડી.ટી.વી., કુલર, વગેરે.લતા પોતાનાં ઘરથી આ બધું જોઈ રહી હતી.એક દિવસ અચાનક ઉમેશભાઈ સાંજના સમયે ઘરે આવ્યાં અને જોયું કે બંને ભાઈઓના ઘરની વચ્ચે દિવાલ ચણાતી હતી. એ દિવસે ઉમેશભાઇએ બે ભાઈના ઘર વચ્ચે દિવાલ ચણવાની ના પાડી તેથી મહેશ ના બોલવાનું ઉમેશભાઈને બોલી ગયો. કે,
હવે આમ પણ તમારે અને મારે છે શું !?
તમે અને ભાભીએ તો મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. આ દિવાલ ચણી જાય પછી તમારું મોઢું પણ મારે ના જોવું પડે એટલે બનાવડાવી રહ્યોં છું.તમે તમારું કરી ખાવ અને હું મારું !!
મહેશના આ શબ્દો ઉમેશભાઇને તીરની માફક વાગ્યાં. બને ભાઈઓના ઘર વચ્ચે દિવાલ ચણાઈ રહી હતી. આ દિવાલ હવે થોડી જ બાકી રહી હતી. દિવાલ માત્ર બંને ઘર વચ્ચે નહતી બની પણ બને ભાઈઓના હૃદય વચ્ચે બની હતી. ઉમેશભાઈ મહેશને કશું ન કહ્યા વગર ઘરમાં ગયા અને પોતાની માં ના ફોટા સામે. જોઈએ નાના બાળકની માફક રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યાં,માં મને માફ કર.. તને આપેલું વચન હું નિભાવી ના શક્યો માં...!!
શું કરું માં...!!?
તું જ કહે માં શુ કરું...!!??
આ બધું લતા બારણા પાછળ રહીને સાંભળી રહી હતી એની. આંખમાં ઉમેશભાઈ. કરતા પણ વધુ આંસુ હતાં. પણ કુદરત સ્ત્રીઓને અવાજ થાય વગર રડવાની ક્યારેક બેસુમાર હિંમત આપી દેતો હોય છે. આ વખતે લતાની હિંમત ના થઈ પોતાના પતિને શાંત કરાવવાની.આખરે. કરાવે પણ કેવી રીતે !!?
ખુદ.લતાના હૃદયમાં આંસુઓનો એક દરિયો હિલોળો લઈ રહ્યો હતો. એ દિવસે એવો જ ધોધમાર વરસાદ વરસી રહ્યોં હતો જેવો થોડા વર્ષો. પહેલાં ઉમેશભાઈની માં મૃત્યુ પામી હતી. ઉમેશભાઈની આંખોમાં આંસુઓનો વરસાદ હતો એવો જ વરસાદ બહાર વરસી રહ્યો હતો. રડતા રડતા ઉમેશભાઈના કાને મહેશનો અવાજ પડ્યો. મહેશ દિવાલ ચણીને ઘરે જતાં મજૂરોને કહી રહ્યો હતો કે,
અલ્યા ભાઈ આ વરસાદમાં દિવાલ પડી તો નહીં જાય ને !!?
ત્યાં એક મજૂર દૂરથી રાડો નાખતા બોલ્યો...
ના મહેશભાઈ..
પરંતુ ઉલટાની વરસાદમાં તો આ દિવાલ મજબૂત થશે પાણી પડવાથી !
દિવાલ મજબૂત થઈ હતી બંને ભાઈઓના ઘર વચ્ચે અને બંને ભાઈનાં હૃદય વચ્ચે પણ...!!!
મારા 25 માં જન્મ દિવસે કરેલ વૃક્ષારોપણ...
લેખન - રાહુલ, વણોદ
મો.8000739976
સૂર્ય ઉગે છે આથમે છે
ચંદ્ર ઉગે છે આથમે છે.
દિવસ ઉગે,આથમે,
રાત આવે,જાય છે.
માણસ જન્મે છે, મૃત્યુ પામે છે.
આ બધી પ્રાકૃતિક ઘટનાઓ છે. આ ઘટનાઓ કેમ થાય છે ?
શા માટે થાય છે ?
જેના જવાબ આપણી પાસે નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે પૃથ્વી છે ત્યાં સુધી આ બધું છે. કદાચ એક સમયે પૃથ્વી હશે .મનુષ્ય નહીં હોય. પરંતુ પ્રકૃતિ નહીં હોય તો મનુષ્ય હશે !!??
નહીં હોય કેમ કે પ્રકૃતિ વગર મનુષ્યનું અસ્તિત્વ શક્ય જ નથી.
માટે આપણે હાલ પૃથ્વી ઉપર જીવી રહ્યાં છીએ તો એ પ્રકૃતિને કારણે. આ પૃથ્વી પર શ્વાસ લઈ રહેલાં દરેક વ્યક્તિ ઉપર પ્રકૃતિનો ઉપકાર છે. એ આપણે ના ભૂલવું જોઈએ. અને એમાંય જન્મ દિવસે તો ખાસ. કેમ કે તમને જીવનદાન આપનાર તત્વ માતા પિતા બાદ પ્રકૃતિ છે. પ્રકૃતિએ આપણેને જીવન આપ્યું પરંતુ પ્રકૃતિને આપણે શું આપ્યું !!?
આપણે પ્રકૃતિને આપી પણ શું શકીયે ? હા પ્રકૃતિ કે પર્યાવરણનું સંરક્ષણ અને જાળવણી જરૂર કરી શકીએ.તેથી મારા જન્મ દિવસે પ્રકૃતિનું ઋણ ચૂકવવા માટે દર વર્ષે હું વૃક્ષારોપણ કરું છું. ભારતની સંસ્કૃતિમાં પ્રકૃતિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને એમાં બહુજન સમાજ તો સદીઓથી પ્રકૃતિને ખોળે રમનાર સમાજ રહ્યોં છે.પરંતુ જેમ જેમ આધુનિકતાની હવા ભારતમાં ફેલાઈ એમ એમ બહુજન સમાજ આધુનિકતા તરફ ઢળ્યો અને શહેરીકરણ તરફ વળ્યો તેથી જંગલ અને જમીન સાથેનો નાતો લુપ્ત થતો ગયો.પરંતુ આજે પણ બહુજન સમાજનો એક મોટો વર્ગ(આદિવાસી) પ્રકૃતિ અને જમીન સાથે જોડાયેલો રહ્યોં છે. હું એ નથી કહેતો કે આધુનિકતાનો સ્વીકાર ન હોવો જોઈએ પરંતુ એ આધુનિકતા પ્રકૃતિ અને જમીનના ભોગે હોય તો ચોક્કસ હું વખોડું છું. પ્રકૃતિને પ્રેમ કરવાનું મારા માતૃશ્રી પાસેથી શીખ્યો છું.નાનો હતો ત્યારથી જ મારા મમ્મી ઘરના આંગણામાં જાત જાત ફૂલ છોડ અને વૃક્ષો વાવતાં. આ જોઈ નાનપણથી હું પણ પર્યાવરણ તરફ ઢળ્યો અને ઘરના આંગણામાં નાના નાના ફૂલ છોડ વાવતો. પછી ધીમે ધીમે પ્રકૃતિ પ્રેત્યેનો લગાવ વધતો ગયો. જે આજ સુધી વધતો રહ્યો છે.
અને તેથી મારા જન્મ દિવસના દર વર્ષે 100 જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ મેં રાખ્યો છે અને એ પૂરો પણ થાય છે. મારા ગામમાં એક આશ્રમ આવેલો છે જેને બધા "રામપીરનો આશ્રમ" તરીકે ઓળખે છે. ત્યાં આશ્રમમાં એક મોટું મેદાન પણ છે ત્યાં દર વર્ષે મારા જન્મ દિવસે વૃક્ષારોપણ કરું છું. પરંતુ દર વર્ષે 100 વૃક્ષો વાવતો એની જગ્યાએ આ વર્ષે અમુક કારણોસર 50 વૃક્ષો જ વાવી શક્યો. જેમાં દાડમ, સીતાફળ, આસોપાલવ,મીઠો લીમડો અને કેટલાક અન્ય ફળ ફૂલોના છોડનો સમાવેશ કરી શકાય. દર વર્ષે મારો આ નમ્ર પ્રયાસ હોય છે. પ્રકૃતિ અને પર્યાવરણનું ઋણ ચુકવવાનો.
મારું માનવું છે કે જન્મ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે કેક અથવા અન્ય બીજો કોઈ ખર્ચ કરીને જન્મ દિવસની ઉજવણી કરવા કરતાં કૈક એવું કાર્ય કરવું જોઈએ જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બને આ પણ એક કારણ છે મારુ જન્મ દિવસે વૃક્ષારોપણ કરવાનું. મારુ માનવું છે કે અન્યને સલાહ આપવા કરતાં આપણે ખુદ એ કાર્ય કરીએ જેથી સમાજમાં આપણે અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બનીએ.
જોકે આજના સમયમાં આ વિચાર લોકોનાં ગળે ઉતારવો એ અઘરું છે.આપણે પ્રકૃતિ અને પ્રયાવરણના સંરક્ષણ અને સાચવણી માટે એટલા ગંભીર નથી જેટલાં હોવાં જોઈએ. પરંતુ જ્યાંરે ગંભીરતા સમજાશે ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હશે. મારા અથવા મારી જેવા કેટલાય વ્યક્તિઓના પ્રયાસોથી પ્રકૃતિના સંરક્ષણમાં કશું ઝાઝો ફરક નથી પડવાનો હું જાણું છું. પરંતુ પ્રકૃતિની જાળવણી અને બચાવ માટે જે કામગીરી હું કરી રહ્યોં છું. એ મારા ખુદનાં ગૌરવ માટે પૂરતું છે. મારા આ જન્મ દિવસે વૃક્ષારોપણ માટે મારા પરમ મિત્ર અતુલે મારી ખૂબ મદદ કરી. આભાર દોસ્ત.એ પણ ખરો પ્રકૃતિ પ્રેમી. એનું ભણતર માત્ર ચાર ચોપડી પરંતુ પ્રકૃતિને સારી પચાવી છે. પ્રકૃતિના બધા ગુણો એનામાં છે ઉદારતા, સહનશીલતા, પરોપકારની ભાવના,ક્ષમાશીલતા વગેરે...
જન્મ દિન નિમિત્તે મને મેસેજ,ફોન દ્વારા અથવા રૂબરૂ મળી શુભેચ્છાઓનો વરસાદ કરનારા મારા સન્માનનીય મિત્રો, સામાજિક કાર્યકર સાથી મિત્રો, સ્વજનો, વડીલો આ બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.મારો સંપર્ક કરવા છતાં જાણે અજાણે કોઈ સાથે આજે મારે વાત ન થઈ શકી હોય અથવા વાત ન કરી શક્યો હોય એના બદલ હું દિલગીર છું.
આપ બધાનો આ પ્રેમભાવ, વ્હાલ અને મૈત્રીભાવ જ મારો આજનો સૌથી મોટો ઉપહાર છે. ખૂબ આનંદ થાય છે કે આપ સૌનો આટલો પ્રેમ મને મળ્યો. અને આ પ્રેમ બસ આમ જ મને અવિરત મળતો રહે તેવી અભ્યર્થના..🙏🏻
જય પ્રકૃતિ..
.
न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...
-
લેખન - રાહુલ વણોદ મો.8000739976 કાલે મારા એક સન્માનનીય મિત્રએ કહ્યું કે રાહુલ ભાઈ એક આર્ટીકલ...
-
न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...





