Friday, June 26, 2020

દિવાલ (ટૂંકીવાર્તા)


         
                        

                                  લેખન -રાહુલ, વણોદ
                                    મો.8000739976      
    
                     

                                 ઉમેશભાઈ સાંજે દુકાન બંધ કરીને ઘરે આવ્યાં. પણ ઘર સામેનું દ્રશ્ય જોઈને એમના પગ ઘડી ભર થંભી ગયાં. જાણે પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય એમ લાગ્યું. આંખો સામેનાં એ દ્રશ્યએ ઉમેશભાઈના હૃદયમાં જાણે ભૂકંપ લાવી દીધો. ઉમેશભાઇને એમની આંખ ઉપર વિશ્વાસ નહતો આવતો. ફળિયામાં ઉમેશભાઈનું અને સામે  મહેશનું ઘર હતું અને વચ્ચે ફળિયાના ભાગમાં મજૂરો આડી દીવાલ ચણતાં હતાં. ઉમેશભાઈ તરત દીવાલ ચણાતી હતી ત્યાં ગયાં અને દીવાલની પેલી બાજુ ઘર હતું ત્યાં સાદ નાખ્યો,
મહેશ... ઓ મહેશ.. બહાર નીકળ તો...!?
ઉમેશભાઈનો અવાજ સાંભળતા જ મહેશ ઘરની બહાર આવ્યો બંડી અને ધોતી પહેરી હતી મહેશે એક હાથે ધોતી ઊંચકી હતી તે બહાર આવ્યો અને બોલ્યો..
શું છે મોટાભાઈ..!? હવે તો શાંતિથી રહેવા દો !!

આ શું છે બધું !!?
ઉમેશભાઈ થોડાં મોટા અવાજે બોલ્યાં.
ત્યાં જ મહેશ ઉદ્ધતાઈથી બોલ્યો, તમે જે જોવો છો એ
ઉમેશ ભાઈ બોલ્યાં, મહેશ બે ભાઈઓનાં ઘર વચ્ચે દીવાલ !!??
ઉમેશભાઇ આગળ બોલે એ પહેલાં જ મહેશ વચ્ચે જ બોલ્યો, હા મોટા ભાઈ આ રોજનો તમારો અને ભાભીનો ત્રાસ વધી ગયો હતો એનાં માટે મેં વચ્ચે દીવાલ બનાવી દીધી હવે નિરાંતે રહેજો અને તમે ચિંતા ના કરતાં આ દીવાલનો ખર્ચ તમારે નથી આપવાનો હું મજૂરોને બધા રૂપિયા ચૂકવી દઈશ.
મહેશ અને ઉમેશ બંને સગા ભાઈ. મહેશ સરકારી ખાતામાં સારી એવી સરકારી નોકરી કરતો હતો. મહેશ ઉમેશભાઈથી નાનો હતો.પિતા દસ વર્ષ પહેલાં જ એક બસ અકસ્માતમાં મૃત્યુ પામેલાં થોડા વર્ષો પછી ઉમેશભાઈની માં પણ બંને ભાઈઓને નોંધારા મૂકીને આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલી ગયેલી. ઉમેશ નાનો હતો ત્યારેથી જ ભણવામાં ઘણો હોંશિયાર પરંતું પિતાના મૃત્યુ બાદ દુકાન અને ઘર ચલાવવાની બધી જવાબદારી ઉમેશ પર આવી ગઈ હતી. બહેન તો હતી નહીં. તેથી માતાના મૃત્યુ બાદ ઉમેશભાઈના ફુઈબા થોડા સમય બંને ભાઈઓને રાંધી આપ્યું. પરંતું ફુઈબા ગયાં પછી દુકાન અને ઘરની જવાબદારી ઉમેશ પર આવી ગઈ. ઉમેશને ઘર, દુકાન અને અભ્યાસ ત્રણેય સંભાળવું મુશ્કેલ લાગતું વળી નાના મહેશનું પણ ધ્યાન રાખવાનું થતું.ઉમેશને બારમુ ધોરણ પાસ કર્યા પછી આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી પરંતુ જવાબદારીએ એ ઇચ્છાને હંમેશા માટે દબાવી દીધી અને વળી નાના ભાઈ મહેશને પણ હજુ ભણાવવાનો હતો તેથી તેનો ખર્ચ પણ ઉમેશભાઇએ પૂરો પાડવાનો હતો. ઉમેશભાઈની માતાને ટીબીનો રોગ હતો તેઓ જીવનના છેલ્લા બે મહિના પથારી વશ રહેલાં માની સેવા કરવામાં જ ઉમેશભાઇએ ભણવાનો વિચાર માંડી વાળેલો. કેમ કે માં ની સેવા, દુકાન ચલાવવાની અને અભ્યાસ સાથે થાય એ નહોતા.

                              એ દિવસે સખત વરસાદ વરસતો હતો મહેશ શાળાએથી હજુ આવ્યો નહતો.આ ઉપરાંત બાજુ ઉમેશભાઈની માં જીવનનાં છેલ્લા શ્વાસો લઈ રહી હતી. ઉમેશ સમજી ગયો હતો માં હવે ઝાઝો સમય શ્વાસ નહીં લઈ શકે તેથી એ દિવસે સાંજે એ જ મહેશને લેવા માટે શાળાએ ગયો નહીં. વરસાદ ધોમધાર વરસી રહ્યોં હતો. સાથે પવન પણ જોરથી આવીને મહેશના કાચાપાકા મકાનનો દરવાજો થથડાવી જતો હતો. વરસાદ બહાર પણ હતો અને ઉમેશની આંખોમાં પણ, વાવાઝોડું બહાર પણ વૃક્ષોને હલાવી જતું હતું. તો આ બાજુ ઉમેશના હૃદયમાં પણ વેદનાનું વાવાઝોડું આખા શરીરને થથરાવી જતું હતું. ઉમેશની માંએ છેલ્લા શ્વાસ લેતી વખતે ઉમેશનો હાથ જોરથી પકડ્યો અને થરથર કાપતા અવાજે ઉમેશને કહ્યું, બેટા ઉમેશ, હું હવે ઝાઝું નહીં જીવી શકું. મારા મર્યા પછી તારે જ આ ઘર ચલાવવાનું છે. અને તારા નાના ભાઈ મહેશનું ધ્યાન રાખવાનું છે. મને વચન આપ બેટા કે તું તારા નાના ભાઇને હંમેશા તારી સાથે રાખીશ, અને એને ભણાવી ગણાવીને મોટો કરીશ. બેટા તું બહુ સમજુ છો માં ની આટલી વાત તો માનીશ ને !?!
ઉમેશભાઈની માંની અંતિમ ક્ષણોમાં એમના મુખમાંથી નીકળેલા આ શબ્દો જાણે પંદર વર્ષના ઉમેશે હૃદયમાં અંકિત કરી દીધા. માંના આ શબ્દો ઉમેશભાઈ માટે એક દસ્તાવેજ સમાં બની ગયાં અને એમાં રડતી આંખે માં ને વચન આપી જાણે એ દસ્તાવેજ ઉપર ઉમેશે હંમેશા માટે હસ્તાક્ષર કરી દીધા

                    માં તો ગુજરી ગઈ. એ દિવસે વાતાવરણ પણ સાવ શાંત થઈ ગયું પ્રકૃતિ અને પોતાની માં ની સાક્ષીએ મહેશની જીવનભર દેખભાળ રાખશે એવા દસ્તાવેજ પર ઉમેશે હસ્તાક્ષર કર્યા ત્યાં સુધીમાં જાણે એક વાવાઝોડું આવીને ચાલ્યું ગયું. ઘરની બહાર અને નાના ઉમેશનાં હૃદયમાં..!
બંને ભાઈ અનાથ થઈ ગયાં. સગા સંબંધીઓ આવ્યાં બંને ભાઈઓને ખૂબ હિંમત આપી, દિલાસા આપ્યાં. નાનો મહેશ માં માં કરીને ખૂબ રડ્યો. ઉમેશને પણ રડવું આવતું પરંતુ લોકો એને કહેતાં તારે રડવાનું નહીં, તું જ રડીશ તો નાના(મહેશ)નું શું થશે એ વિચાર કર ! લોકોની આ દુહાઈ સાંભળીને ઉમેશ પોતાની વેદના અને દર્દ હૃદયમાં દફન કરી દેતો. આંસુઓને ગમે એમ કરી રોકી દેતો. માં ઉમેશને ખૂબ લાડ કરતી, ઉમેશને ખૂબ વ્હાલી હતી. ઉમેશ પણ પોતાનું સર્વસ્વ પોતાની માં ની અંદર જોતો.પિતાના મૃત્યુ પછી માં એ એ બંને ભાઇને હિંમત આપેલી. સારા સંસ્કાર આપેલાં. નીતિ અને પ્રામાણિકતાનાં પાઠ શીખવ્યા હતાં.નીતિ અને તે પ્રામાણિકતાથી ઉમેશ દુકાન ચલાવતો તેથી ગ્રાહક પણ ઉમેશભાઈના આ ગુણો જોઈને ઉમેશભાઈની દુકાને જ ખરીદી કરવાનો આગ્રહ રાખતાં. ઉમેશને પોતાની માં એ જ સત્ય અને ટેકીલા થવાની ગળથુંથી બાળપણથી જ આપેલી. ઉમેશનાં વ્યક્તિત્વ ઘડતર અને જીવન ઘડતરમાં પોતાની માં નો ફાળો વિશેષ રહેલો હતો.માં બીમાર હતી ત્યારે પોતાની માં ની દવા-દારૂ ઉમેશ જાતે લાવતો અને દવા પીવડાવતો. દુકાનેથી આવીને ઘરનાં નાના મોટા બધા જ કામ ઉમેશ કરતો. મહેશને તે કશું કામ.કરવા દેતો નહીં ઉમેશ વિચાર તો મહેશ હજુ નાનો છે એને શું ખબર પડે કે કામ કઈ રીતે કરાય !? મહેશ કરતાં ઉમેશને પોતાની માં પ્રેત્યે ઘણો લગાવ હતો તેથી મહેશ કરતાં ઉમેશને વધુ દુઃખ થયેલું માં ખોયાનું.પરંતુ પ્રકૃતિનો નિયમ આજ સુધી ભલા કોણ ઉથાપી શક્યું છે !!? જીવન મરણ પ્રકૃતિની દેન છે.

                                  કહેવાય છે કે સમય દરેક દર્દનો ઈલાજ છે. સમય વીતતો ગયો. માં ની ખોટ અને માં ની યાદની વેદનાં ધીમે ધીમે બંને ભાઈઓ પર ઓછી થતી ગઈ.ઉમેશ માં ને હજુય યાદ કારતો પણ હવે રડવું આવતું નહીં. ઉમેશ ઉકાન જતી વખતે ઉમેશ ઘરમાં રાખેલો માં ના ફોટાને પગે લાગીને જતો. ઉમેશે બારમાં ધોરણ પછી ભણવાનું બંધ કરી ઘર, દુકાન અને મહેશને સંભાળી લીધા. ઉમેશભાઈને દુકાનમાંથી ઘર ચાલે એટલી આવક તો આવતી. રાત દિવસ મહેનત કરી થોડા પૈસા ભેગા કરી પાકું મકાન બનાવ્યું. મહેશ પણ ભણવામાં હોંશિયાર બારમું સારા ગુણ સાથે પાસ થયો. તેથી ઉમેશ ભાઇએ પોતાના મોહલ્લામાં મીઠાઈ વહેંચી.સગા સંબંધીઓ કહેતાં કે ઉમેશ હવે કોઇ સારી છોકરી જોઈ પરણી જા. પણ ઉમેશ કહેતો ના, કદાચ મારી વહુ સારી ના હોય તો મહેશનું શું થાય !?પરંતુ સગા સંબંધીઓ અને પાડોશીઓને ઉમેશને લગ્ન માટે દબાણ કર્યું. ઉમેશને પણ જરૂર લાગી કેમ કે ઘરનું કામ અને દુકાનનું કામ એક સાથે થાય એ નહતું. ઉમેશ વ્યસન વગરનો, કોઈ કુટેવ નહીં એટલે છોકરી મળતાં વાર ન લાગી સમાજની જ એક સુશીલ છોકરી સાથે ઉમેશે લગ્ન કરી લીધા.બધા ઉમેશને કહેતાં છોકરી સારી છે,ગુણિયલ છે, સંસ્કારી છે. છોકરીનું નામ લીલાવતી. ઉમેશ એને પ્રેમથી લતા કહીને બોલાવતો.મહેશ ખુશ થઈ ગયો ઘરમાં ભાભી આવી તેથી જે ઘરમાં હજુ તો માતાના મૃત્યુની વેદનાના પડઘા સાંભળતા હતાં એ જ ઘરમાં સુખના ઢોલના પડઘા પડ્યાં.લોકો ક્યારેક છાની છુપી ઇર્ષાભાવથી વાતો પણ કરતાં કે અમલા(ઉમેશ)ને તો સારું  કેવાય ! દુકાનમાં આવક ધમધોકાર આવે છે એનો ભઈ પણ સારું ભણે છે અને ઉંપરથી વહુ પણ સંસ્કારી મળી !

                           ઉમેશે લતા સાથે એ શરતે લગ્ન કર્યા હતાં કે એ મહેશને ક્યારેય મહેણાં તોણા નહીં મારે અને એને સારી રીતે રાખશે. લતા પણ પોતાના માં બાપના સારા સંસ્કાર લઈને આવી હતી. તેથી પોતાનાં કરતા પણ વધુ નાના દિયરનું ધ્યાન વધું રાખતી.મહેશનું ખાવા પીવાનું,કપડાં ધોવાનું બધું લતા કરતી. મહેશ પણ ભાભીની આ સેવા જોઈ ખુશ થતો. આ બધું જોઈ ઉમેશભાઈ બહુ જ ખુશ થતાં. અને પોતાની સ્વર્ગીય માં ના ફોટા સામું જોઈને મનોમન કહેતાં કે, જોયુ ને માં મેં તને વચન આપ્યું હતું ને કે મહેશને હું જીવ કરતાં પણ વધુ સાચવીશ એ વચન હું પૂરું કરી રહ્યો છું ને માં ?
અને ફોટામાંથી જાણે પોતાની માં બધું સાંભળી રહી હોય અને મરક મરક હસીને ઉમેશભાઇને આશીર્વાદ આપતી હોય એમ માની ઉમેશભાઈ મનમાંને મનમાં રાજી થતાં. પરંતુ તેમનું આ સુખ ઝાઝું ટકવાનું નહતું. એ ઉમેશભાઇને ક્યાં ખબર હતી !!?

                           મહેશ બારમાં ધોરણમાં સારા ગુણ સાથે પાસ થયો તેથી લતાએ ઉમેશને કહ્યું કે, મહેશભાઈને શહેર ભણવા મોકલો તો જરૂર એમને સારી નોકરી મળશે એવો મને વિશ્વાસ છે. પોતાની પત્નીની આ વાત માનીને ઉમેશે પોતાના નાના ભાઈ મહેશને નજીકના મોટા શહેરમાં કોલેજના અભ્યાસ માટે મોકલ્યો.ત્યાં હોસ્ટેલમાં મહેશ અને મહેશનો બધો સામાન ઉમેશ મૂકી આવ્યો. અઠવાડિયે દસ દિવસે મહેશ ફોન કરતો અને મહેશ અભ્યાસ માટે જે જરૂર હોય એ પોતાના મોટા ભાઈ ઉમેશને કહેતો. ઉમેશ શક્ય બધી ચીજ વસ્તુઓ મહેશને મોકલતો. ક્યારેક મહેશ ફોન કરીને કહે કે પૈસા જોઈએ છે અને શહેર જનારું કોઈ ના હોય તો ઉમેશ તરત એક દિવસ માટે સ્પેશ્યલ દુકાન બંધ કરી મહેશને પૈસા આપવા શહેર ઉપડી પડતો. ક્યારેક પોતાની પાસે પૈસા ન હોય તો શેઠ પાસે ઉસી પાછીના લઈને પણ મહેશને આપતો. ઉમેશ પાસે પૈસા હોય કે ના હોય પરંતુ એ વાતની મહેશને જરા પણ ખબર ના પડવા દે. લતા અને ઉમેશ ક્યારેક વાતો કરતા કે મહેશને સારી નોકરી મળશે એટલે તેઓ પોતાની બીજી એક દુકાન નાખશે અને પોતાનું ઘર મેડી વાળું બનાવશે.

                              મહેશ ભણવામાં હોંશિયાર તેથી મહેનત સારી. હોસ્ટેલમાં અભ્યાસ માટે સારું વાતાવરણ મળ્યું. કૉલેજથી છૂટીને સમય મળે એટલે પુસ્તકાલય જતો અને વાંચતો અને પૈસા કે પુસ્તકો ખૂટે તો ઉમેશ તરત હાજર કરી દેતો. મહેશની મહેનત અને કિસ્મત રંગ લાવી. ઇન્કમ ટેક્સ વિભાગમાં મહેશને સારા પગારમાં નોકરી મળી ગઈ. આ વાત ઉમેશને ફોન કરીને મહેશે જણાવી. આખા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. લતા તો ખુશ થઈ ગઈ. એમના દિયરને સરકારી નોકરી મળી ગઈ. ઉમેશ અને લતાએ ફરી મોહલ્લામાં મીઠાઈ વહેંચી. ઉમેશનું આ સુખ ઘણાંને ખૂંચતુ પણ એ લોકો ઉમેશનું કશું ખરાબ કરી શકે એમ નહતા. ઉમેશ પોતાની સ્વર્ગીય માં ના ફોટા પાસે ગયો અને કહ્યું, જો માં તને આપેલું વચન હું બરાબર નિભાવું છું ને ! તારા મહેશને આજે સરકારી નોકરી મળી. એ સાહેબ બની ગયો ! આમ બોલતા બોલતા ઉમેશભાઈ ગળગળા થઈ જતાં. એમને માં ની ખોટ હજુ પણ સાલતી..! કદાચ એ વિચાર સાથે કે માં આજે જીવતી હોત તો કેટલી ખુશ થાત !? લતા ઉમેશને હિંમત આપતાં કહેતી, તમે પુત્ર તરીકેની ફરજ તો નિભાવી જ છે સાથે સાથે મહેશના માં બાપ બનીને મોટા ભાઈ તરીકે પણ પોતાની ફરજ નિભાવી છે. તેથી ઓછું ના લગાવો. ઉમેશ જ્યારે પણ દુઃખમાં હોય કે પૈસાની તંગી હોય ત્યારે ત્યારે પણ લતા ઉમેશને હિંમત આપતી.

                             મહેશનું પોસ્ટિંગ શહેરમાં થયું શહેર ગામથી વીસેક કિલોમીટર દૂર મહેશ ગામડે આવી ગયો પોતાના ભાઈ સાથે રહેવા. અને ત્યાંથી નોકરી માટે આવજાવ કરતો. નોકરીમાં પૈસા મળતાં ગયાં. મહેશ પાસે પૈસા વધતા ગયાં એમ એમ અહંકાર અને ઘમંડ પણ વધતા ગયાં. પૈસાનો ભાર ખિસ્સામાં વધતા ભલભલા બદલી જાય છે. મહેશનનો સ્વભાવ ચીડચીડયો થવા લાગ્યો. વાતે વાતે ભાઈ ભાભીને ખરી ખોટી સંભળાવી દેતો. ઘરનું કામ હોવાથી રસોઈમાં બનાવવામાં જરા મોડું થાય તો તરત લતાને સસંભળાવી દેતો, ભાભી તમને ખબર નથી પડતી મારે ઓફીસ જવાનું મોડું થાય છે તો જમવાનું તૈયાર રાખવાનું !? લતા ના છૂટકે ચહેરા પર હાસ્ય લાવીને મહેશને કહેતી, મહેશ સાહેબ હવે ઘરમાં વહુ લાવી દો. હું એકલી કેટલું ઘરનું કામ કરી શકું !!? તમારા ભાઈનું અને તમારું પણ જમવાનું બનાવવાનું ઉપરથી ઘરનું બધું કામ !?
આમ મજાક મજાકમાં લતા દિયરને પોતાની મનની વાત કહી જ દેતી. મહેશ ઉંચા આવજે લતા બોલતો પણ લતા મોટું મન રાખી સાંભળી લેતી લતા એમ વિચારી. પોતાના મનને સમજાવી લેતી કે મહેશભાઈ હજુ નાના છે. એટલે બોલવા ચાલવાની બહુ ખબર ના પડે.

સાંજે ઉમેશ ઘરે આવ્યો. લતાએ પાણી આપ્યું ઉમેશ બેઠો. એટલે. લતાએ વાત માંડી,
સાંભળો છો ?
મહેશભાઈ આજે મન ફાવે એમ મને બોલ્યાં. જમવાનું થોડું લેટ થયું એટલે. હું ઘર કામમાં રોકાયેલી હતી જેથી જમવાનું થોડું મોડું થઈ ગયું હતું એટલે!
ઉમેશે આ સાંભળી લતા સામે જોયું થોડી વાર વિચાર્યું પછી કહ્યું, હું વાત કરીશ મહેશને તું ચિંતા ના કર !
એ દિવસે પ્રથમ વાર ઉમેશભાઇને પોતાના નાના ભાઈ પ્રેત્યે થોડો અણગમો થયો. ઉમેશભાઇએ વિચારી લીધું કે શું કરવાનું છે. રાત્રે આઠેક વાગ્યે મહેશ ઘરે આવ્યો.નાહીને જમવા બેઠો. ઉમેશભાઇ મહેશ સાથે જમવા બેઠા. લતા જમવાનું પીરસી રહી હતી.શાકમાં મરચું થોડું ઓછું લાગતા મહેશ તરત બોલ્યો, ભાભી મરચું કેમ ઓછું છે શાકમાં !? તમને ખબર તો છે મને મોળું શાક નથી ભાવતું !? થોડું તીખું બનાવવું હતું ને !!?
લતા આ સાંભળી રહી હતી. પણ જ્યાં સુધી ઉમેશભાઈ હોય ત્યાં સુધી લતા બોલતી નહીં. લતાને ખબર હતી. કે આ ઉમેશભાઈ મહેશ જવાબ આપશે અને એમ જ થયું,ઉમેશભાઈ બોલ્યાં,
જો મહેશ એ ભાભી છે તારી તારે એમ તોછડાઈથી વાત ન કરાય
મહેશ તરત બોલ્યો, પણ મોટાભાઈ મારે કેટલી વાર કહેવાનું કે શાક તીખું બનાવો. ભાભી સમજતા નથી.
ત્યાં વચ્ચે જ લતા બોલી,મહેશભાઈ આ વર્ષે મરચું જ એવું આવ્યું છે ગમે એટલું નાખીએ તો પણ શાક મોળું થાય છે.આટલી થેલી પુરી થઈ જાય પછી નવું મરચું આવે !
મહેશ આ સાંભળી લતા ઉપર તાડુંક્યો, તો પછી આ થેલી ફેંકી દો, અને સારું મરચું લાવો પૈસા મારી પાસેથી લઈ જાવ ના હોય તો !
ઉમેશભાઈ વચ્ચે બોલ્યાં, સારું મહેશ હવેથી શાક મોળું નહીં થાય બસ.. હવે જમી લે શાંતિથી.
એ જ દિવસે મહેશ તો જમીને સુઈ ગયો પણ. લતા અને ઉમેશ ના ઊંઘી શક્યાં. કદાચ આવનારા તુફાનથી બંને અવગત થઈ ગયાં હતાં. ઉમેશે લતાના માથા ઉપર હાથ. મુક્યો અને કહ્યું બધું સારું થઈ જશે..
બીજા દિવસે સવારે પણ ઓફિસે જતી વખતે મહેશ લતાને સાંભળવાનું ન ચુક્યો,
એ બોલ્યો,
ભાભી મારા પલપલ કલરનું સર્ટ હજુ કેમ લીલું છે મારે આજે ઓફિસે એ પહેરી જવાનું હતું !?
લતા બોલી, મહેશ ભાઈ કાલે થોડો વરસાદ હતો હું ઘર કામમાં હતી અને કપડાં બહાર સુકાતા હતાં. હું બહાર કપડાં લેવા આવી ત્યારે એ ભીના થઈ ગયા હતા.તેથી ઘરમાં સૂકવવા મૂક્યાં હતાં. પણ હજુ સુકાયા નથી.
મહેશ ગુસ્સામાં બોલ્યો,ભાભી તમે કપડાં નથી સુકવી શકતા !?
મેં આજે ઓફિસમાં મારી ફ્રેન્ડને કહયું હતું કે હુ આજે પણ પલપલ રંગનું સર્ટ પહેરીને આવીશ પણ હવે શું !!??
પછી રિસાઈને મહેશ નીકળી ગયો. લતા રડવા જેવી થઈ ગઈ.બપોરે ઉમેશ દુકાનેથી ઘરે જમવા આવ્યો ત્યારે ઉમેશને જમવાનું પીરસતી વખતે લતાનો ચહેરો મુરઝાયેલો લાગ્યો. ઉમેશે કારણ પૂછ્યું પણ લતાએ કહ્યું,કશું નહીં એમ. કહી વાત છુપાવી. લતા જાણતી હતી કે ઉમેશને પોતાનો નાનો ભાઈ મહેશ બહુ વ્હાલો હતો. અને ઉમેશને પોતાની સ્વર્ગીય માને વચન આપેલું કે તે મહેશને જીવનભર સાચવશે. પરંતુ ઉમેશ એટલો પણ ગાંડો નહતો. કે લતાના ચહેરા પાછળનું દર્દ ના કળી શકે !એ બધું સમજી ગયો.

                    બીજા દિવસે મહેશે પોતાના મોટાભાઇને ખુશ ખબરી આપતાં કહ્યું કે,એની જ ઓફિસમાં એક છોકરી છે જે મહેશને ગમે છે એ છોકરી પણ મહેશને પસંદ કરે છે. છોકરી એમનાં સમાજની છે. આ સાંભળી ઉમેશ અને લતા રાજી થઈ ગયાં. ઉમેશે છોકરીના બાપ આગળ વાત નાખી. મહેશને સારી સરકારી નોકરી હતી તેથી છોકરીના માં બાપ રાજી જ હતાં. મહેશના લગ્ન ધામધુમથી થયાં. મહેશ તરફથી અપાતી તકલીફ લતા અને ઉમેશ થોડા દિવસો પૂરતા ભૂલી જ ગયાં. બંનેને એમ હતું કે હવે મહેશ સુધરી જશે.પરંતુ તકલીફ તો હવે જ શરૂ થઈ ઘરમાં નવી વહુ આવી. લતા અને ઉમેશ વહુને સારું રાખતાં. દિવસે ઉમેશ દુકાને જાય અને મહેશ ઓફિસે તેથી બંને દેરાણી જેઠાણી ઘરે જ હોય અને ઘર કામ કરતી હોય પરંતુ મહેશની વહુને લતાની આવડત, જ્ઞાન અને હોશિયારીની ઇર્ષા થતી.લતા મહેશની વહુને ઘર કામ શીખવતી એ પણ મહેશની વહુને ગમતું નહીં. મહેશની વહુને આરામ કરવો અને ઊંઘવું બહુ ગમતું. તેથી લતા વારંવાર ઠપકો આપતી કે આપણે સ્ત્રી જાત એટલે આપણે આવી આરામ અને ઊંઘની આદત ના કેળવાય ! પરંતુ મહેશની વહુ તો આધુનિક જમાનાની, ભણેલી ગણેલી એટલે લતાની આ બધી સલાહ ગમતી નહીં, તેથી મહેશ નોકરીએથી આવે એટલે એનાં કાન ભમભેરના કરતી. અને તે મહેશ આના કારણે લતા અને ઉમેશ સાથે ઝગડતો રહેતો. પરંતુ લતા અને ઉમેશ માત્ર એટલે ચૂપ રહેતા કેમ કે ઉમેશે પોતાની સ્વર્ગીય માં ને વચન આપ્યું હતું. કે તે મહેશને હરહમેશ સાચવશે.

                  પરંતુ દેરાણી જેઠાણીના ઝગડા દિવસે દિવસે વધતા જતા હતાં. મહેશ પણ ઉમેશભાઇને  ના બોલવાનું બોલી જતો. એક દિવસે મહેશે ઉમેશભાઈને લતાની હાજરીમાં કહી જ દીધું કે તે સામે ફળિયામાં નવું મકાન બનાવશે અને એમાં જ રહેશે. આ સાંભળી ઉમેશભાઈનો. ઝાટકો લાગ્યો.એ બોલ્યાં મહેશ તને ભાન છે તું શું બોલે છે !!?
આપણે બે ભાઈઓ છીએ અને એમાં પણ જુદું રહેવાનું લોકો શું વિચારશે !!? અને હું અથવા તારી ભાભી ક્યારેય તને કે વહુને કશું બોલીએ છીએ.તો શું શા માટે જુદા રહેવાનું વિચારે છે !!??
મહેશ એ દિવસે ગુસ્સામાં બોલ્યો,
મોટાભઈ તમને ખબર નથી લતા ભાભી એ મારી વહુને ના બોલવાનું બોલતા હોય છે,
ત્યાં જ આંખોમાં આંસુ સાથે લતા બોલી,મહેશ ભાઈ તમને ખબર હોવી જોઈએ તમે શું બોલો છો !!!??
શું કામ અંજીને(મહેશનું વહુનું નામ અંજુ પણ મહેશ અને ઘરમાં બધા અંજી કહે) કશું કહું !?
પણ સાચું કહુ તો એ તમારા કાન ભરે છે,મારા અને તમારા ભાઈ વિરુદ્ધ !!?આટલું બોલતા.લતા રડી પડી,
પરંતુ મહેશને તો જાણે પોતાના ભાઈ ભાભીની પરવાહ જ ન હોય એમ બોલ્યો,
બસ ભાભી બહુ થયું હું અંજી વિરુદ્ધ એક શબ્દ નહીં સાંભળી લઉં !
ઉમેશભાઈ કશું બોલ્યા નહીં, ઉદાસ ચહેરે દુકાન જતા રહયા જમ્યા વગર જ !
બીજા દિવસે સામે ફળિયામાં મહેશે પોતાનું નવું મકાન બનાવવા ચાલુ કર્યું.મજૂરો આવી ગયાં કામ. શરૂ થયું.ઉમેશ ભાઈ દુકાનેથી આવ્યા આ બધું જોયું પણ કશું જ પ્રતિભાવ આપ્યા વિના ઘરમાં ગયાં. પોતાની સ્વર્ગીય માં ના ફોટા સામે જોઈને રડી પડ્યા. લતાએ ખભે હાથ મૂકી આશ્વાસન આપ્યું.
ઉમેશભાઈ રડતા રડતા બોલ્યા,લતા મને માફ કરજે હું તારું સ્વપ્ન પૂરું ના કરી શક્યો.તું કહેતી હતી ને કે મહેશભાઈને સારી નોકરી મળી જાય પછી આપણે મેડી વાળુ મકાન બનાવીશું. હવે એ શક્ય નથી કેમ. કે મેં દુકાનમાં નફામાં આવેલા બધા પૈસા મહેશને ભણાવવામાં ખર્ચી નાખ્યા. અને મહેશ હોવી પોતાનું અલગ મકાન બનાવે છે તેથી એ આપણા ઘરમાં પૈસા નહીં આપે !?

              લતા ઉમેશભાઈના આંખના આંસુ સાફ કરતા બોલી, મારે ક્યાં જરૂર છે સારા. ઘરમાં રહેવાની, હું તો બસ તમારી સાથે ઝૂંપડીમાં પણ રહી લઇશ, મને ખુશી તો એ વાતની છે કે તમે તમારી માં ને આપેલું વચન પાળી શક્યાં.
ઉમેશભાઈ રડતા રડતા ફરી બોલ્યાં, લતા હું માં ને આપેલું વચન ક્યાં પૂર્ણ. કરી શક્યો છું. જો મહેશ આજે બીજું મકાન બનાવે છે મારાથી અલગ રહેવા માટે.
લતા ઉમેશને સમજાવતી હોય એમ બોલી,ભલે મહેશભાઇ સામે. બીજું. મકાન બનાવીને રહે પણ રહેશે. તો આપણી સામે જ ને તમે ખોટી ચિંતા શુ કામ કરો છો.
આમ દિવસો વીતતાં ગયાં. મહેશનું નવું મકાન બની ગયું.એક દિવસ મહેશ મોટી ગાડી કરી ઘરનું રાચરચિલું પણ લાવ્યો. મોંઘા સોફા સેટ, ફ્રીજ,એલ.ઈ. ડી.ટી.વી., કુલર, વગેરે.લતા પોતાનાં ઘરથી આ બધું જોઈ રહી હતી.એક દિવસ અચાનક ઉમેશભાઈ સાંજના સમયે ઘરે આવ્યાં અને જોયું કે બંને ભાઈઓના ઘરની વચ્ચે દિવાલ ચણાતી હતી. એ દિવસે ઉમેશભાઇએ બે ભાઈના ઘર વચ્ચે દિવાલ ચણવાની ના પાડી તેથી મહેશ ના બોલવાનું ઉમેશભાઈને બોલી ગયો. કે,
હવે આમ પણ તમારે અને મારે  છે શું !?
તમે અને ભાભીએ તો મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. આ દિવાલ ચણી જાય પછી તમારું મોઢું પણ મારે ના જોવું પડે એટલે બનાવડાવી રહ્યોં છું.તમે તમારું કરી ખાવ અને હું મારું !!
મહેશના આ શબ્દો ઉમેશભાઇને તીરની માફક વાગ્યાં. બને ભાઈઓના ઘર વચ્ચે દિવાલ ચણાઈ રહી હતી. આ દિવાલ હવે થોડી જ બાકી રહી હતી. દિવાલ માત્ર બંને ઘર વચ્ચે નહતી બની પણ બને ભાઈઓના હૃદય વચ્ચે બની હતી. ઉમેશભાઈ મહેશને કશું ન કહ્યા વગર ઘરમાં ગયા અને પોતાની માં ના ફોટા સામે. જોઈએ નાના બાળકની માફક રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યાં,માં મને માફ કર.. તને આપેલું વચન હું નિભાવી ના શક્યો માં...!!
શું કરું માં...!!?
તું જ કહે માં શુ કરું...!!??
આ બધું લતા બારણા પાછળ રહીને સાંભળી રહી હતી એની. આંખમાં ઉમેશભાઈ. કરતા પણ વધુ આંસુ હતાં. પણ કુદરત સ્ત્રીઓને અવાજ થાય વગર રડવાની ક્યારેક બેસુમાર હિંમત આપી દેતો હોય છે. આ વખતે લતાની હિંમત ના થઈ પોતાના પતિને શાંત કરાવવાની.આખરે. કરાવે પણ કેવી રીતે !!?
ખુદ.લતાના હૃદયમાં આંસુઓનો એક દરિયો હિલોળો લઈ રહ્યો હતો. એ દિવસે એવો જ ધોધમાર વરસાદ વરસી રહ્યોં હતો જેવો થોડા વર્ષો. પહેલાં ઉમેશભાઈની માં મૃત્યુ પામી હતી. ઉમેશભાઈની આંખોમાં આંસુઓનો વરસાદ હતો એવો જ વરસાદ બહાર વરસી રહ્યો હતો. રડતા રડતા ઉમેશભાઈના કાને મહેશનો અવાજ પડ્યો. મહેશ દિવાલ ચણીને ઘરે જતાં મજૂરોને કહી રહ્યો હતો કે,
અલ્યા ભાઈ આ વરસાદમાં દિવાલ પડી તો નહીં જાય ને !!?
ત્યાં એક મજૂર દૂરથી રાડો નાખતા બોલ્યો...
ના મહેશભાઈ..
પરંતુ ઉલટાની વરસાદમાં તો આ દિવાલ મજબૂત થશે પાણી પડવાથી !
દિવાલ મજબૂત થઈ હતી બંને ભાઈઓના ઘર વચ્ચે અને બંને ભાઈનાં હૃદય વચ્ચે પણ...!!!


મારા 25 માં જન્મ દિવસે કરેલ વૃક્ષારોપણ...


                                               લેખન - રાહુલ, વણોદ
                                                 મો.8000739976


સૂર્ય ઉગે છે આથમે છે
ચંદ્ર ઉગે છે આથમે છે.
દિવસ ઉગે,આથમે,
રાત આવે,જાય છે.
માણસ જન્મે છે, મૃત્યુ પામે છે.
આ બધી પ્રાકૃતિક ઘટનાઓ છે. આ ઘટનાઓ કેમ થાય છે ?
શા માટે થાય છે ?
જેના જવાબ આપણી પાસે નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે પૃથ્વી છે ત્યાં સુધી આ બધું છે. કદાચ એક સમયે પૃથ્વી હશે .મનુષ્ય નહીં હોય. પરંતુ પ્રકૃતિ નહીં હોય તો મનુષ્ય હશે !!??
નહીં હોય કેમ કે પ્રકૃતિ વગર મનુષ્યનું અસ્તિત્વ શક્ય જ નથી.
માટે આપણે હાલ પૃથ્વી ઉપર જીવી રહ્યાં છીએ તો એ પ્રકૃતિને કારણે. આ પૃથ્વી પર શ્વાસ લઈ રહેલાં દરેક વ્યક્તિ ઉપર પ્રકૃતિનો ઉપકાર છે. એ આપણે ના ભૂલવું જોઈએ. અને એમાંય જન્મ દિવસે તો ખાસ. કેમ કે તમને જીવનદાન આપનાર તત્વ માતા પિતા બાદ પ્રકૃતિ છે. પ્રકૃતિએ આપણેને જીવન આપ્યું પરંતુ પ્રકૃતિને આપણે શું આપ્યું !!?

                    આપણે પ્રકૃતિને આપી પણ શું શકીયે ? હા પ્રકૃતિ કે પર્યાવરણનું સંરક્ષણ અને જાળવણી જરૂર કરી શકીએ.તેથી મારા જન્મ દિવસે પ્રકૃતિનું ઋણ ચૂકવવા માટે દર વર્ષે હું વૃક્ષારોપણ કરું છું. ભારતની સંસ્કૃતિમાં પ્રકૃતિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને એમાં બહુજન સમાજ તો સદીઓથી પ્રકૃતિને ખોળે રમનાર સમાજ રહ્યોં છે.પરંતુ જેમ જેમ આધુનિકતાની હવા ભારતમાં ફેલાઈ એમ એમ બહુજન સમાજ આધુનિકતા તરફ ઢળ્યો અને શહેરીકરણ તરફ વળ્યો તેથી જંગલ અને જમીન સાથેનો નાતો લુપ્ત થતો ગયો.પરંતુ આજે પણ બહુજન સમાજનો એક મોટો વર્ગ(આદિવાસી) પ્રકૃતિ અને જમીન સાથે જોડાયેલો રહ્યોં છે. હું એ નથી કહેતો કે આધુનિકતાનો સ્વીકાર ન હોવો જોઈએ પરંતુ એ આધુનિકતા પ્રકૃતિ અને જમીનના ભોગે હોય તો ચોક્કસ હું વખોડું છું. પ્રકૃતિને પ્રેમ કરવાનું મારા માતૃશ્રી પાસેથી શીખ્યો છું.નાનો હતો ત્યારથી જ મારા મમ્મી ઘરના આંગણામાં જાત જાત ફૂલ છોડ અને વૃક્ષો વાવતાં. આ જોઈ નાનપણથી હું પણ પર્યાવરણ તરફ ઢળ્યો અને ઘરના આંગણામાં નાના નાના ફૂલ છોડ વાવતો. પછી ધીમે ધીમે પ્રકૃતિ પ્રેત્યેનો લગાવ વધતો ગયો. જે આજ સુધી વધતો રહ્યો છે.
   
                        અને તેથી મારા જન્મ દિવસના  દર વર્ષે 100 જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ મેં રાખ્યો છે અને એ પૂરો પણ થાય છે. મારા ગામમાં એક આશ્રમ આવેલો છે જેને બધા "રામપીરનો આશ્રમ" તરીકે ઓળખે છે. ત્યાં આશ્રમમાં એક મોટું મેદાન પણ છે ત્યાં દર વર્ષે મારા જન્મ દિવસે વૃક્ષારોપણ કરું છું. પરંતુ દર વર્ષે 100 વૃક્ષો વાવતો એની જગ્યાએ  આ વર્ષે અમુક કારણોસર 50 વૃક્ષો જ વાવી શક્યો. જેમાં દાડમ, સીતાફળ, આસોપાલવ,મીઠો લીમડો અને કેટલાક અન્ય ફળ ફૂલોના છોડનો સમાવેશ કરી શકાય. દર વર્ષે મારો આ નમ્ર પ્રયાસ હોય છે. પ્રકૃતિ અને પર્યાવરણનું ઋણ ચુકવવાનો.
મારું માનવું છે કે જન્મ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે કેક અથવા અન્ય બીજો કોઈ ખર્ચ કરીને જન્મ દિવસની ઉજવણી કરવા કરતાં કૈક એવું કાર્ય કરવું જોઈએ જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બને આ પણ એક કારણ છે મારુ જન્મ દિવસે વૃક્ષારોપણ કરવાનું. મારુ માનવું છે કે અન્યને સલાહ આપવા કરતાં આપણે ખુદ એ કાર્ય કરીએ જેથી સમાજમાં આપણે અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બનીએ.

      જોકે આજના સમયમાં આ વિચાર  લોકોનાં ગળે ઉતારવો એ અઘરું છે.આપણે પ્રકૃતિ અને પ્રયાવરણના સંરક્ષણ અને સાચવણી માટે એટલા ગંભીર નથી જેટલાં હોવાં જોઈએ. પરંતુ જ્યાંરે ગંભીરતા સમજાશે ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હશે. મારા અથવા મારી જેવા કેટલાય વ્યક્તિઓના પ્રયાસોથી પ્રકૃતિના સંરક્ષણમાં કશું ઝાઝો ફરક નથી પડવાનો હું જાણું છું. પરંતુ પ્રકૃતિની જાળવણી અને બચાવ માટે જે કામગીરી હું કરી રહ્યોં છું. એ મારા ખુદનાં ગૌરવ માટે પૂરતું છે. મારા આ જન્મ દિવસે વૃક્ષારોપણ માટે મારા પરમ મિત્ર અતુલે મારી ખૂબ મદદ કરી. આભાર દોસ્ત.એ પણ ખરો પ્રકૃતિ પ્રેમી. એનું ભણતર માત્ર ચાર ચોપડી પરંતુ પ્રકૃતિને સારી પચાવી છે. પ્રકૃતિના બધા ગુણો એનામાં છે ઉદારતા, સહનશીલતા, પરોપકારની ભાવના,ક્ષમાશીલતા વગેરે...

        જન્મ દિન નિમિત્તે મને મેસેજ,ફોન દ્વારા અથવા રૂબરૂ મળી શુભેચ્છાઓનો વરસાદ કરનારા મારા સન્માનનીય મિત્રો, સામાજિક કાર્યકર સાથી મિત્રો, સ્વજનો, વડીલો આ બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.મારો સંપર્ક કરવા છતાં જાણે અજાણે કોઈ સાથે આજે મારે વાત ન થઈ શકી હોય અથવા વાત ન કરી શક્યો હોય એના બદલ હું દિલગીર છું.
આપ બધાનો આ પ્રેમભાવ, વ્હાલ અને મૈત્રીભાવ જ મારો આજનો સૌથી મોટો ઉપહાર છે. ખૂબ આનંદ થાય છે કે આપ સૌનો આટલો પ્રેમ મને મળ્યો. અને આ પ્રેમ બસ આમ જ મને અવિરત મળતો રહે તેવી અભ્યર્થના..🙏🏻

જય પ્રકૃતિ..



                                                                                      

Wednesday, June 17, 2020

સુશાંત you are so lucky...

                                             
                               ફિલ્મ અભિનેતા, સુશાંતસિંહ
                                   સરનામું - સ્વર્ગ,


ડિયર સુશાંત,
             
                      દુઃખ સાથે કહેવું પડે છે કે તારે આ પગલું ભરવાની શું જરૂર હતી !!? તું તો આર્થિક રીતે મજબૂત હતો. તારી પાસે ગાડી, બંગલો, ખોરાક બધું જ હતું. સામાન્ય જીવન જરૂરી વસ્તુ હોય એ બધી જ તારી પાસે હતી તે છતાં તે આ પગલું ભર્યું છે એનું દુઃખ સમગ્ર ભારતને છે. તું તો એક પ્રખ્યાત અભિનેતા હતો. તારી ફિલ્મો થકી તે ઘણું મનોરંજન કર્યું છે. તેથી આખો દેશ આજે તારી અણધારી વિદાયથી સ્તબ્ધ છે. તારી આત્મહત્યાના સમાચાર આવતા જ ટીવી અને સોશિયલ મીડિયામાં બધાએ દુખ વ્યક્ત કર્યું છે કેમ કે એક ફિલ્મ અભિનેતા માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરી લે એ આંચકાજનક છે સમગ્ર દેશ માટે અને દેશના સમગ્ર લોકો માટે.પરંતુ કોઈ તકલીફ તો એવી જરૂર હશે તને કે જેના કારણે તને આટલી હદે માનસિક તણાવ મહેસુસ થયો હશે એથી તે આ પગલું ભર્યું હશે.

      પરંતુ ડિયર સુશાંત એક વાત કહું તને ખોટું ન લાગે તો...!!?
                    ભારતના લોકોને તારા આત્મહત્યા કરવાં પાછળ જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ એ લોકોને ત્યારે કેમ નથી થતું જ્યારે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની માનસિક સતામણીને કારણે દેશની પાયલ તડવી જેવી હોનહાર ડોક્ટરે આત્મહત્યા કરવી પડે છે !? એ સાચું છે કે તું દેશનો અભિનેતા હતો અને તે આત્મહત્યા કરી એ વાતનું દુઃખ લોકોને હોય પરંતુ પાયલ તડવી પણ આ દેશની ડોક્ટર હતી ને !? તેણે કેટલાક દર્દીઓની સારવાર કરી હશે અને સાજા કર્યા હશે ત્યારે તેણે કોઈ દર્દીને પૂછ્યું નહિ હોય કે તે કઈ જાતિનો છે કે કયાં ધર્મનો છે. પરંતુ ત્યાં કેટલાક ઉચ્ચ જાતિના જાતિવાદના રોગથી પીડાતાં ડોક્ટરો દ્વારા પાયલ તડવીને જાતિવાચક શબ્દો કહીને એટલી હદે અપમાનિત કરવામાં કે એ તારી જેમ જ માનસિક તાણ અનુભવવા લાગી અને એણે પણ તારી જેમ આત્મહત્યા કરી લીધી. હા માન્યું કે તારા અને પાયલ તડવીના આત્મહત્યા કરવા પાછળના કારણો જુદા છે. પરંતુ માનસિક તણાવ તો બંનેને હતો એ કોમન વાત છે.એક ફિલ્મ અભિનેતા માનસિક તાણ અનુભવીને આત્મહત્યા કરે છે ત્યારે જે લોકો આટ આટલું દુઃખ વ્યક્ત કરે છે એ લોકો દેશની એક ડોક્ટર જાતિવાદથી કંટાળીને માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરે છે તે ડોક્ટર પ્રત્યે કેમ એ લોકો આટલું દુઃખ કે સંવેદના જતાવતા નથી..!!?
        જે ડૉક્ટરો દર્દીઓના વિવિધ રોગની સારવાર કરતાં હોય છે એ જ ડૉક્ટરો જાતિવાદના રોગથી પીડાતાં હોય છે. અને એના કારણે પાયલ તડવી જેવી દેશની એક હોનહાર ડોક્ટરને આત્મહત્યા કરવા મજબુર થવું પડે છે. ત્યારે આવા ડૉક્ટરો પ્રેત્યે કેમ એ લોકોને ઘૃણા કે નફરત નથી થતી !?

      એક ફિલ્મ અભિનેતા આત્મહત્યા કરે ત્યારે લોકોને જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ દેશની એક ડોક્ટર જાતિવાદથી અપમાનિત થઈને આત્મહત્યા કરે છે ત્યારે કેમ નથી થતું !!?
  આને જાતિવાદ ના કહેવું તો બીજું શું કહેવું !?!

              એક બીજો દાખલો આપું ડિયર સુશાંત તો રોહિત વેમુલા. જે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી હતો. તેને પણ જાતિવાદથી કેટલો બધો તો પ્રતાડીત કરવામાં આવ્યો હતો કે એણે પણ તારી જેમ માનસિક તાણ અનુભવી હશે અને તેથી તેણે આત્મહત્યા કરી લીધી ત્યારે કેમ આ લોકોનાં દુઃખ કે સંવેદના નથી છલકાતાં !?
                કોઈ વિદ્યાર્થી પર શિક્ષણનો ભાર લાદવામાં આવે ત્યારે તે  આત્મહત્યા કરે છે ત્યારે દેશનો કહેવતો શિક્ષિત વર્ગ જે બળાપો ઠાલવે છે તે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં શિક્ષણ મેળવતો એક તેજસ્વી વિદ્યાર્થી જાતિવાદથી પ્રતાડીત થઈને માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરવા મજબૂર થાય છે ત્યારે કહેવતો શિક્ષિત વર્ગ કે દેશનાં લોકો કેમ સંવેદના જતાવતા નથી..!!?? તને ખબર છે તારા આત્મહત્યાનાં સમાચાર મળતા જ દેશના ટોચના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે આ એ જ નેતાઓ છે જેણે રોહિત વેમુલાની આત્મહત્યા કરવા પાછળ "કાયરતા" જેવો શબ્દ વાપરી દેશમાં ખદબતતાં જાતિવાદનો લૂલો બચાવ કર્યો હતો. જે વ્યક્તિઓ જાતિવાદનાં અપમાનના ઘૂંટડા પી પી ને આખરે જાતિવાદ સામે લડતાં લડતાં થાકી હારી જાય છે અને અને એટલી હદે માનસિક રીતે એ વ્યક્તિને હેરાન પરેશાન કરવામાં આવે કે અંતે તે આત્મહત્યા કરવા મજબૂર બની જાય છે એ કેટલાં હદનું માનસિક ટોર્ચર હશે !? આ પ્રશ્ન વખતે મૌન સાધી લેનાર આજે ટી.વી.મીડયા અને સોશિયલ મીડિયામાં માનસિક તણાવ અંગે પોતાની મોટી મોટી વાતો અને સૂફીયાણાં સૂચનો ફેંકતા ફરે છે.


 એક વાસ્તવિકતા કહું ડિયર સુશાંત..
       તું નસીબદાર હતો કે તે ફિલ્મ જગતમાં પોતાનું નામ બનાવ્યું અને ફિલ્મ અભિનેતા તરીકે તું મૃત્યુ પામ્યો. તારા મૃત્યુ પાછળ દેશના લગભગ દરેક વ્યક્તિ એ દુઃખ વ્યક્ત કર્યું છે. તુ જો એક ફિલ્મ અભિનેતા ન હોત અને સામાન્ય એસ.સી., એસ.ટી વર્ગથી હોત અને જાતિવાદને કારણે કે જાતિવાદનાં માનસિક તણાવને કારણે તે આત્મહત્યા કરી હોત તો લોકોને આટલું દુઃખ ન થાત જેટલું અત્યારે થાય છે. આ છે ભારતના લોકોને જાતિવાદી ચહેરો..

                      આ કડવું સત્ય છે કે સમાજ કે દેશ માટે બલિદાન આપનાર અથવા જાતિવાદના કારણે માનસિક તાણ અનુભવીને જે આત્માહત્યા કરે છે એના માટે ભારતના લોકો એટલું દુઃખ કે સંવેદના નથી અનુભતાં જેટલું દુઃખ કે સંવેદના એક ફિલ્મ અભિનેતા માટે અનુભવે છે. પણ આ બધું તો સદીઓથી ચાલતું આવ્યું છે.અને કોઈને કશો ફરક પડવાનો નથી.પણ સુશાંત you are so lucky...
                 
                             
             લિ. જાતિવાદથી ખદબદતા ભારતનમાં રહેનાર એક નાગરિક

Monday, June 15, 2020

15 જૂન એટલે "વાયુ દિવસ"- વિચારો શ્વાસ લેવા શુદ્ધ હવા જ નહીં હોય તો..!!??

     
                                                                                     લેખન -રાહુલ, વણોદ
                                                                                     મો.8000739976
                       
                           આજે 15 જૂન એટલે વાયુ દિવસ. આજ સવારમાં મારા whatsapp પર મારા એક મિત્રે "વાયુ દિવસ"ની શુભેચ્છા આપતો એક મેસેજ મને કર્યો આ ઉપરથી આજે વિચાર આવ્યો કે "વાયુ દિવસ"ના ઉપક્રમે વાયુ એટલે કે હવા વિશે લખવું થોડું મને જરૂરી લાગ્યું. મનુષ્યના જીવનને ટકાવી રાખવા સૌથી મહત્વનું  શું છે !!?
 આ પ્રશ્નનો સૌથી સટીક જવાબ એટલે હવા, પાણી અને ખોરાક. પણ તમને એમ પૂછવામાં આવે કે આ ત્રણમાંથી એ મુખ્ય પરિબળ કયું છે જે જીવન ટકાવી રાખવા ખૂબ જરૂરી અને અનિવાર્ય છે તો જવાબ આપણને આ જ મળશે કે "હવા" આજે વાયુ દિન નિમિત્તે હવા અને તેના મહત્વ વિશે જાણીએ અને હવા પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય અથવા ઓછું કરી શકાય તેના વિશે થોડું લખવાનું મન થયું છે. આપણા જીવનને ટકાવી રાખવા માટે જે પણ પરિબળો અથવા ચીજ વસ્તુઓની આપણેને જરૂર હોય એને આપણે ખુબ સાચવીએ છીએ પરંતુ જેના વગર તમારું મારું અને આપણા સૌનું જીવન શક્ય જ નથી તે હવાને શુદ્ધ રાખવા અથવા હવા પ્રદુષણ અટકાવવા આપણે શું કરીએ છીએ ? આ પ્રશ્ન જ્યારે આપણે આપણી જાતને પૂછીએ ત્યારે આપણેને આપણો અંતરરાત્મા ડંખે એવું નથી લાગતું !!?


                આજનનો મનુષ્ય પૈસા બચાવે છે, પોતાના માલસામાનની પણ સારી જાળવણી કરે છે. પરંતુ તેનું જીવન જે પરિબળો (હવા-પાણી પ્રકૃતિ)ના આધારે ટકી રહ્યું છે તેને બચાવવા કે જાળવણી કરવા કશું કરતો નથી. શ્વાસ લેવા જો હવા જ શુદ્ધ નહીં હોય તો મનુષ્ય જીવન જીવી શકે !!?
બિલકુલ નહીં.. એ તમે અને હું આપણે સૌ સારી રીતે જાણીએ છીએ તે છતાં આપણે હવા પ્રદૂષણ અટકાવવા કશું કરતા નથી તે જગજાહેર છે આ પૃથ્વી ઉપર રહેલા વૃક્ષો જંગલો પશુ પ્રાણીઓ દરેક જીવ પૃથ્વીને જાળવવા કશુંક ને કશુંક યોગદાન આપે છે પરંતુ પૃથ્વી પરનો માનવ એ એક જ એવો જીવ છે જે પૃથ્વી પાસેથી મેળવે તો ઘણું બધું છે પરંતુ આપતો કશું જ નથી. પૃથ્વી પરના જીવ અને જંગલોનું આજનો આધુનિક મનુષ્ય નાશ કરતો આવ્યો છે. જેનો બળાપો ઘણીવાર હું મારી કવિતામાં અને મારા મિત્રો સમક્ષ કાઢતો આવ્યો છું. પરંતુ આજે વાયુ દિવસ નિમિત્તે લખવું છે

     સૌ પ્રથમ તો એ કે હવામાં ફેલાતું પ્રદૂષણ એટલે શું છે ? કઈ રીતે ફેલાય છે ? વગેરે આપણે જોઇશું હવા પ્રદૂષણ એટલે હવામાં ફેલાતાં એવા રજકણો છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા સર્જાય છે. એ રજકણો મનુષ્ય શરીરમાં શ્વાસ માર્ગથી જાય  છે અને શ્વાસ પ્રક્રિયા, હૃદય અને ફેફસાંને ઘાતક અસર કરે છે. બીજી રીતે વાયુ પ્રદુષણ રાસાયણિક પદાર્થ, ગરમી અને પ્રકાશથી પણ ફેલાય છે. હવામાનમાં ફેલાયેલા આ રજકણો મનુષ્ય કે કોઈ જીવના કારણે જ ફેલાય છે એવું નથી હોતું. પરંતુ હવામાનમાં કુદરતી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે પણ ફેલાતા હોય છે.

                             પરંતુ આ રજકણો હવામાનમાં જ્યારે નિયત પ્રમાણ વટાવી દે છે ત્યારે તે પ્રદુષણમાં પલટાઈ જાય છે. હવામાં પ્રદૂષણ આધુનિક સમયમાં જ ફેલાયું છે એવું નથી. પરંતુ દરેક યુગમાં હવા પ્રદૂષણ ઓછાવત્તા અંશે થતું રહ્યું છે. જ્યારે પ્રાગ ઐતિહાસિક યુગ કહો કે પથ્થર યુગ હતો ત્યારે પણ મનુષ્ય પર્યાવરણને વત્તા ઓછા પ્રમાણમાં અસર કરતો હતો. જ્યારે બે પથ્થરોના ટકરાવવાથી અગ્નિ ઉત્પન્ન થવાની શરૂઆત થઈ ત્યારથી જ હવા પ્રદૂષણ થવાની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો હતો. પરંતુ કુદરતી પરિબળોને કારણે હવા પ્રદુષણ કંટ્રોલ થઈ જતું હતું પરંતુ સમય જતાં મનુષ્ય જાતિનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ હવા પ્રદૂષણ મોટા પાયે થતું ગયું અને કુદરતી પરિબળો પણ તે પ્રદૂષણને નિયંત્રણ કરવા અસમર્થ બન્યા. પરિણામે પૃથ્વી પર હવા પ્રદૂષણ વધ્યું અને એની માઠી અસરો મનુષ્ય અને પૃથ્વી પરના તમામ જીવોને પડી રહી છે.

                             પ્રાચીન સંસ્કૃતિમાં પણ હવા પ્રદૂષણને વેગ મળતો રહ્યો છે. મનુષ્ય ધાતુથી બનાવવાના સાધનોમાં પાણીનો ખૂબ ઉપયોગ કરવા લાગ્યો ઉપરાંત પ્રાચીન સંસ્કૃતિમાં કોહવાયેલી વનસ્પતિમાંથી બળતણ કરતાં તેનું પ્રમાણ વધવા લાગ્યું અને આવી ઘણી પ્રવૃત્તિઓએ હવા પ્રદૂષણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મધ્ય યુગના પ્રારંભે હવા પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો તેનું કારણ ઉદ્યોગની પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો તેમજ વસ્તીમાં થયેલો ઝડપી ઘટાડો હતો. પરંતુ ત્યાર બાદના સમયમાં ઉદ્યોગોમાં વધારો થયો કારણ કે લોકો નાણાં કમાવવાના હેતુથી ગામડું છોડીને શહેરમાં આવ્યા જેના કારણે ઉદ્યોગને વેગ મળ્યો. અને તેની સાથે સાથે હવા પ્રદુષણને પણ વેગ મળ્યો.

                               હવા પ્રદૂષણ વધવાના બીજા અન્ય ઘણા કારણો પણ જવાબદાર છે. મંદિરમાં થતી આરતી, ધુપ, દીવાથી પણ હવા પ્રદૂષણ વધે છે. ઉપરાંત કેટલીક ધાર્મિક ક્રિયાઓમાં લાકડા તેમ જ કોલસાનું દહન કરવામાં આવે છે. જેનાથી ધૂમાડો ઉત્પન્ન થાય છે. આ ધૂમાડામાં રહેલા રજકણો મનુષ્યના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધાનું વર્ચસ્વ ઘણું છે. ધાર્મિકતાને કારણે ફેલાયેલી અંધશ્રધ્ધામાં આધુનિકતાની કોઈ અસર નથી. જમાનો બદલાયો હોવા છતાં અંધશ્રદ્ધા અનેક રૂપે ફેલાયેલી છે.

                      ઉપરાંત આધુનિક સમયમાં જ્વલંત, બાંધકામ, ખાણકામ કૃષિ જેવી માનવસર્જિત પ્રવૃતિઓ હવા પ્રદૂષણને વધુ અસર કરે છે. અને સૌથી વધુ મોટર વ્હીકલ દ્વારા બાળવામાં આવતા ઇંધણના ધુમાડાથી ફેલાય છે. ચીન, અમેરિકા, રશિયા, મેક્સિકો અને જાપાન જેવા વિકસિત દેશો હવા પ્રદૂષણ ફેલાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત મુખ્ય હવા પ્રદૂષણ ફેલાવતા પરિબળોમાં કેમિકલ પ્લાન્ટ, કોલસનું દહન, પાવર પ્લાન્ટ, ઓઈલ રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ પ્લાન્ટ, પરમાણુ કચરાનો નિકાલ જેવી પ્રવૃતિઓ, ભઠ્ઠીઓ, મોટા પ્રમાણમાં ઢોરઢાંખર,  પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને અન્ય ઉદ્યોગોનો સમાવેશ કરી શકાય છે. ઉપરાંત જંગલી પ્રદેશો સાફ કરવા, જંગલો અને વનસ્પતિઓનું  નિકંદન નિકાળવું તેમજ જંતુનાશક દવાઓ અને હાઈડ્રોક્સાઈડનાં ઉપયોગને કારણે પણ કૃષિ વાયુ પ્રદુષણ ફેલાય છે.


                    બીજા વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. કેમ કે વિશ્વ યુદ્ધ દરમિયાન વાપરવામાં આવેલા શસ્ત્રો, અણુશસ્ત્રોના કારણે કિરણોત્સર્ગી અસર ફેલાઈ હતી. જેની ખૂબ જ ગંભીર અસરો થઇ હતી. આ કારણે લંડનમાં 1952 માં બનેલી "the great smog" આપત્તિને કારણે લંડનમાં ઓછામાં ઓછા આઠ હજાર લોકોના મોત થયા હતા. આ ઉપરથી ચિંતિત થઈ દરેક દેશોએ હવા પ્રદૂષણ અટકાવવા વિવિધ કાયદાઓ ઘડ્યા હતા.
વિશ્વમાં હવા પ્રદુષણ અંગેનો સૌ પ્રથમ ગ્રંથ 9મીથી 13મી સદી દરમિયાન લખાયેલો છે. આ ગ્રંથમાં વાયુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનની દુષિતતા વગેરેનો સમાવેશ કરી એની સમીક્ષા કરવામાં આવી છે. દરિયાઈ કોલસાના ઈધણને કારણે ફેલાતાં ધુમાડાને કારણે હવા પ્રદૂષિત વધ્યું હતું તેથી 1272 માં લંડનનાં કિંગ એડવર્ડ પહેલાએ એની ઉપર પ્રતિબંધ લાદ્યો હતો.


                      આધુનિક સમયમાં ઔદ્યોગિક ક્રાંતિ મોટા પ્રમાણમાં થઈ છે પરંતુ તેની સાથે સાથે હવા પ્રદુષણ પણ વિશ્વમાં ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે જે ગંભીર ચિંતન અને ચિંતાનો વિષય છે. હવા પ્રદૂષણ સમગ્ર પૃથ્વી પર વસતા જીવો અને ખાસ તો મનુષ્ય ઉપર ખૂબ જ ઘાતક પુરવાર થયું છે. હવા પ્રદૂષણની મનુષ્ય ઉપર શું ગંભીર અસરો થઇ અને હવા પ્રદુષણને રોકવા શું પગલાં ભરવા તે ફરી ક્યારેક લખીશ. તે લેખન મર્યાદાના કારણે અટકાવું છું. પરંતુ સમગ્ર મનુષ્ય જાત પ્રકૃતિ દેન છે તેથી પૃથ્વી પર મનુષ્ય જીવન ટકાવવા માટે પર્યાવરણની જાળવણી કરવી અનિવાર્ય બની છે અને તેના માટે હવા પ્રદૂષણ અટકાવવુ ખુબ જરૂરી બની ગયું છે.

Sunday, June 14, 2020

પ્રથમ વરસાદમાં જ હિંમતનગરનો હાઇવે નંબર 8 ધોવાતાં તંત્રની પોલ ખુલી..

                   
                                                                                          લેખન - રાહુલ, વણોદ
                                                                                          મો.8000739976
     
                        ભારતમાં ભ્રષ્ટાચાર કરવો હવે ફરજિયાત થઇ ગયો છે એવી માનસિકતા દરેક સરકારી વિભાગમાં કામ કરતા સરકારી બાબુઓ રાખતા થઈ ગયા છે. ભ્રષ્ટાચાર કરવો જાણે "સરકારી નોકરી સિદ્ધ અધિકાર" હોય એમ દરેક સરકારી ફાઈલ ગાંધી છાપ વગર આગળ વધતી નથી તે જગજાહેર વાત થઈ ગઈ છે. આમ જનતાને પોતાના કામ માટે મામલતદારથી માંડીને પંચાયતના તલાટી, પટાવાળાને પણ રૂપિયા ખવડાવવા પડતા હોય છે. સામાન્ય ગરીબ માણસનું મકાન પાસ થાય તો પંચાયતના પટાવાળાને પણ પાંચ પચી લીધાં વગર ચાલતું નથી. પરંતુ ભ્રષ્ટાચાર માત્ર રૂપિયામાં જ નથી થતો પરંતુ સરકારી કામકાજ કે રોડ રસ્તા બનાવવા જેવા કામોમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોય છે.

                       કોન્ટ્રાક્ટરો સાવ નિમ્ન કક્ષાનો માલ સામાન રોડ રસ્તા બનાવવા માટે વાપરતા હોય છે. ચોમાસામાં એ રોડ રસ્તા પરનાં પાણીના ખાબોચિયા એ વાતની ચાડી ખાતાં હોય છે. રોડ રસ્તા બનાવવામાં કોન્ટ્રાક્ટરો ઈટ, કપચી, રેતી આ બધુ રોડ બનાવવાનું મટીરીયલ સાવ હલકી ગુણવત્તાનું વાપરે છે જેના કારણે ટૂંક સમયમાં રોડ-રસ્તા તૂટી જાય છે. હાલ ચોમાસુ માંડ શરૂ થયું છે ત્યાં જ ઘણી જગ્યાએ ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયેલા દેખાય છે અને તેથી તંત્રની પોલ ખૂલી ગઈ છે. હજી તો ચોમાસાની શરૂઆત જ છે માત્ર એક-બે વરસાદમાં જ રોડ ધોવાઇ જાય છે તેથી સ્વાભાવિક રીતે જ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થાય છે.

                        આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જોવા મળ્યો હતો. જ્યાં હાઇવે નંબર 8 પર જળાશયો ભરાયા હોય એવો નજારો જોવા મળ્યો હતો. વિકાસની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકારનો વિકાસ હિંમતનગર અને મોતીપુરા સર્કલથી સાબરમતી રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે જોવા મળ્યો હતો. અહીં હાઇવે નંબર 8 પર પ્રથમ વરસાદમાં જ હાઈવે ધોવાઇ ગયો છે અને હાઇવે ઉપર પાણીના ખાબોચિયામાં ગુજરાત સરકારનો વિકાસ છબછબિયાં કરતો જોવા મળ્યો છે. હાઇવે નંબર 8 પર ઠેરઠેર પાણીના ખાબોચીયા ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. વાહનચાલકોની ફરિયાદ છે કે રોડ પર ભરાયેલા ખાડા ખાબોચિયામાંથી પોતાનું વાહન પસાર કરતી વખતે ગાડી જાણે "ડિસ્કો" કરતી હોય તેવો અનુભવ થાય છે. આમ હળવા કટાક્ષમાં વાહન ચાલકોએ રોડના બાંધકામ અંગે રોડનાં કોન્ટ્રાક્ટર અને વિકાસશીલ સરકાર પર પ્રહારો કર્યા હતા. તૂટેલા રોડને કારણે ઘણાં વાહન ચાલકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડ્યું છે.  સરકારનાં વિકાસના મોટા મોટા દાવા હિંમતનગર ખાતે સાવ પોકળ સાબિત થયા હતા. આમ કેન્દ્ર સરકારની હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી પણ શંકાના દાયરામાં છે.

                         ભારતની સરકાર લોકશાહી સરકાર છે તેથી દેશની સરકાર ટેક્સ રૂપે પ્રજા પાસેથી રૂપિયા ઉઘરાવે છે. અને એ ટેક્સના બદલામાં પ્રજા માટે બાગ બગીચા, રોડ રસ્તા જેવી જાહેર વ્યવસ્થા કરવામાં આવે છે. કરોડો ખરબો પ્રજાનાં રૂપિયા સરકારના ફંડમાં વિકાસના ખર્ચે અર્થે વપરાય છે.પરંતુ વાસ્તવિકતા એ છે કે લાંચિયા કોન્ટ્રાક્ટરો અને લાંચિયા નેતાઓ દ્વારા ટકાવારીના ભાગરૂપે લાંચ લઈને કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપવામાં આવે છે. અને ત્યારબાદ આ કોન્ટ્રાક્ટરો જ હલકી ગુણવત્તા વાળો માલ સામાન રોડ રસ્તા બનાવવા માટે વાપરે છે. પ્રજાના પૈસે જ કોન્ટ્રાક્ટરો અને નેતાઓ પોતાના ખીસ્સા ભરે છે અને ભોળી પ્રજા સાથે છેતરપિંડી કરે છે.

                         હજુ કોરોનાં કહેરમાંથી દેશ બહાર નથી નીકળ્યો ત્યાં ભ્રષ્ટ નેતાઓ દ્વારાખાઉધરું કોન્ટ્રાકટરોને રોડ રસ્તા બનાવવા માટે ટેન્ડર આપવામાં આવે છે. અને તેઓ એમાં કાપતી કરી પ્રજાના પૈસે લીલાલેર  કરે છે. આમ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ નેતાઓ ઉધઈની માફક દેશ અને પ્રજાને કોરી દેશને બરબાદ કરી રહ્યા છે. ત્યારે દેશની જાગૃત પ્રજા અને સરકારએ જવાબદાર તંત્ર, કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવા જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ.તેવી લોક માંગ ઉઠી છે.

                જોકે હાલ તો હાઇવે નંબર 8 ની હાલત જોઈ સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Friday, June 12, 2020

કોરોનાં કહેરમાં શબવાહીની સમસ્યા...


     
                                                                                લેખન - રાહુલ, વણોદ                                
                                                                                  મો.8000739976


                 અમદાવાદ શહેરમાં હજુ પણ કોરોનાનો કહેર વણથંભ્યો યથાવત છે. અમદાવાદ હાલ ગુજરાતમાં "કોરોનાં કેન્દ્ર" બની ગયું છે. એક બાજુ જ્યારે સરકારે મોટા ભાગની છૂટ આપી છે ત્યારે અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં અમદાવાદ તંત્રએ પણ પડકારજનક પરિસ્થિતિઓને સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં ઉલ્લેખનીય છે કે અમદાવાદ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર છે. તેથી કોરાનાં કેસ પણ સૌથી વધુ અમદાવાદમાં જ જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રએ દરેક પડકારોને પહોંચી વળવા તૈયાર રહેવું પડે છે.

                                અમદાવાદમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી કોરોના દર્દીઓની સારવાર કરી એમને સ્વસ્થ કરી ઘરે પહોંચાડવા તંત્ર માટે કપરું બની રહ્યું છે. અને કોરોનાની બીમારીની હજુ સુધી કોઈ ચોક્કસ દવા શોધાઇ ન હોવાથી મોટી સંખ્યામાં મૃતકો વધી રહ્યા છે. ત્યારે દરેક મૃતકોને શબવાહિની ઉપલબ્ધ કરાવવી એ તંત્ર માટે પડકારજનક બની રહ્યું છે. કેમકે આ પ્રમાણેની મહામારી કે જેમાં મોટી સંખ્યામાં એક સાથે મૃત્યુ થવા એ ઘણાં વર્ષે ગુજરાતમાં જોવાં મળી છે. કોરોનાના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃતકો વધ્યા છે ત્યારે દરેક મૃતક માટે તેમના પરિવારજનોને એમ્બ્યુલન્સ અને શબવાહીની ઉપલબ્ધ કરાવવી તંત્ર માટે અઘરું થઇ પડે છે.


                                 
 
                               અમદાવાદમાં દરરોજના 250થી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોના દર્દીઓને લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડતી હોય છે. ઉપરાંત કોરોનાથી મૃત્યું પામેલ મૃતકો માટે પણ શબવાહીનીની જરૂર ઉભી થઇ છે.આમ  હાલના આ કોરોનાંના કપરા સમયમાં મોટી સંખ્યામાં તંત્ર માટે એમ્બ્યુલન્સ અને શબવાહીની ઉપલબ્ધ કરાવવી એ અઘરું કામ થઈ પડે છે. અમદાવાદમાં કોરોનાં કેસ જેટલી ઝડપે સામે આવી રહ્યા છે તેની સામે મૃતકો પણ વધી રહ્યા છે. ત્યારે દરેક મૃતદેહ માટે શબવાહીની ઉપલબ્ધ કરાવવા તંત્રએ ભારે જહેમત ઉઠાવવી પડે છે.

 મોતનો આંકડો વધતા શબવાહીનીઓની અછત સર્જાય છે. અને તેથી કોરોનાને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને મૃતકના મૃતદેહને લઈ જવા માટે કેટલાય કલાકો સુધી રાહ જોવી પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો 6 થી 8 કલાક સુધી શબવાહિની માટે મૃતકના પરિવારજનોએ રાહ જોવી પડે છે.

    અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં(આ લખાઈ રહ્યું છે ત્યારે) 15305 કેસ નોંધાયા છે અને 1092 મોત થઇ ચૂક્યા છે. આમ આટલી મોટી સંખ્યામાં શબવાહીનીઓ માટે અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ પાસે 15 શબવાહીનીલ છે જેમાંથી 10 તો કોરાનાં માં કાર્યરત છે અને 5 રીપેરીંગમાં છે. કોઈ વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થાય ત્યારે તેના પરિવારજનોને કલાકો સુધી રાહ જોવી પડે છે. કેમ કે કોરોનાને મૃતકોને લઈ જવા માટે જે શબવાહીનીઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં શબને સ્મશાને મુકીને આવ્યા બાદ સ્મશાનમાં જ શબવાહીનીને સેનેટાઈઝર કરવામાં આવે છે. તે પછી જ અન્ય જગ્યાએ મોકલવામાં આવે છે. જેથી શબવાહીનીથી અન્ય લોકોમાં કોરોનાનો ચેપ ના ફેલાય. આમ એક બાજુ શબવાહીનીઓની અછત અને ઉપરથી સેનેટાઈઝર માટેની પ્રક્રિયાના કારણે શબવાહીનીઓની અછત સર્જાઈ છે. ઉપરાંત થોડા સમય પહેલાં શબવાહીનીઓના કેટલાંક સરકારી ડ્રાઇવરો રજા ઉપર ઉતરી જતાં તંત્રએ કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલની શબવાહીનીઓ કામે લગાડી હતી.

          ઘણીવાર શબવાહિની કે એમ્બ્યુલન્સના અભાવને કારણે અથવા ન મળવાને કારણે પરિવારજનોએ ખાનગી સાધનોમાં ભાડું ચૂકવી  શબને લઇ  જવું પડે છે. ભારતમાં કેટલીક એવી શરમજનક ઘટનાઓ સામે આવેલી છે કે જેમાં મૃતકના પરિવારજનોને શબવાહિની કે એમ્બ્યુલન્સ ન મળતા શબને ઉપાડીને લઈ જવું પડ્યું છે. (ઝારખંડમાં દાના માંઝીની મૃત પત્નિના મૃતદેહને લઈ જવા માટે શબવાહીની ન મળતાં તેઓ પોતાની મૃત પત્નીના શબને ખંભે ઉઠાવીને લઈ ગયાં હતાં એ ઘટના હજુ આપણા દિલો દિમાગમાંથી ભુલાઈ નથી.)


                         અથવા ખાનગી સાધનમાં લઈ જવામાં આવ્યું છે. આ કેટલું દયનીય અને ડરામણું ચિત્ર હશે !!??
   આવો જ એક કેસ કિસ્સો થોડા સમય પહેલાં અમદાવાદમાં જોવા મળ્યો હતો.જે વાંચીને, સાંભળીને આપણું હૃદય દ્રવી ઉઠે છે.

      અમદાવાદમાં થોડા દિવસો પહેલા એક હૃદય દ્રાવણ ઘટના સામે આવી હતી. જેમાં એક વૃદ્ધ પિતાને છાતીમાં દુખાવો થતાં તેમના પુત્રે 108 માં ફોન કરી એમ્બ્યુલન્સ નોંધાવી હતી. પરંતુ 108 સમયસર ઘરે આવી શકી નહીં અને પિતાની તબિયત વધારે લથડતાં તેમના પુત્રએ પિતાને રિક્ષામાં જ સિવિલ હોસ્પિટલ લઇ જવા પડ્યાં હતાં. પરંતુ સિવિલના દરવાજે પહોંચતાં વૃદ્ધ પિતાનું પ્રાણ પંખેરૂ ઉડી જાય છે. પોતાની નજર સામે જ પિતાના શ્વાસ થંભી જવાથી પુત્ર ભાંગી પડે છે. ત્યારબાદ  પુત્રએ લગભગ એક કલાક સુધી હોસ્પિટલના સ્ટાફને હાથ જોડીને પોતાના પિતાના મૃતદેહને લઈ જવા શબવાહીની આપવા વિનંતી કરી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા શબવાહીની આપવામાં આવી ન હતી અને અંતે પુત્રે માલસામાન ભરવાના ટેમ્પોમાં પિતાના મૃતદેહને ઘરે લઈ લેવો પડ્યો હતો.
        અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં રહેતા 64 વર્ષે નરેન્દ્ર સિંહ ચૌહાણને હૃદયમાં અસહ્ય દુખાવો થતાં તેમના દીકરાએ સવારે 10 વાગ્યે 108 માં ફોન કરી એમ્બ્યુલન્સ નોંધાવી હતી. જોકે એમ્બ્યુલન્સ 11 વાગ્યા સુધી આવી નહીં અને પિતાની તબિયત વધારે લથડતા દીકરાએ પિતાને રિક્ષામાં જ લઈ જઈ  સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ અફસોસ કે પિતાએ સિવિલ હોસ્પિટલના દરવાજે પાસે છેલ્લા શ્વાસ લીધા હતા.

                           
                        મૃતક નરેન્દ્રસિંહ ચૌહાણના દિકરા વિવેકસિંહ ચૌહાણે કહ્યું કે, સિવિલથી મારુ ઘર એકદમ નજીક હોવા છતાં 108 ની મદદ મળી શકી ન હતી 108  એ પહેલાં કહ્યું હોત કે, સમયસર નહીં પહોંચી શકીએ તો પિતાને વહેલી તકે અન્ય કોઈ સાધન માં હોસ્પિટલ પહોંચાડી દીધા હોત. ઉપરાંત સિવિલ હોસ્પિટલે તેમના પિતાના મૃતદેહને લઈ જવા પણ શબવાહીની આપવાનો ઇનકાર કરી દીધો હતો. રિક્ષાવાળાઓએ પણ મૃતદેહને લઈ જવા માટે ઇનકાર કરી દીધો હતો. તેથી મજબૂરીવશ પિતાનાં મૃતદેહને માલસામાન ભરવાના ટેમ્પોમાં લઈ ગયા હતા. આગળ વિવેકસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, તેમનું ઘર સિવિલ હોસ્પિટલથી એકદમ નજીક જ છે તેથી પિતાને અડધી રાત્રે કોઈપણ ઈમર્જન્સી હશે ત્યારે સારવાર મળી રહેશે તે જ વિચારે આ ઘર છોડી બીજે રહેવા નહોતા ગયા પરંતુ મારી ગણતરી ખોટી પડી અને સિવિલ હોસ્પિટલના દરવાજે જ મારા પિતાએ છેલ્લા શ્વાસ લીધા હતાં. ઍમ્બ્યુલંસ તો વહેલાં ના આવી શકી પરંતુ પિતાના  મૃત્યુ મૃત્યુ બાદ તેમના મૃતદેહને લઈ જવા માટે પણ સિવિલ હોસ્પિટલમાંથી શબવાહીની ના મળતાં પિતાનાં મૃતદેહને ઘરે લઈ જવા માટે પણ ફાંફા મારવા પડ્યા હતા."આમ પિતાની વ્યથા વર્ણવતાં વિવેકભાઈ રડી પડે છે.

                             તસ્વીર પ્રતીકાત્મક હોઈ શકે છે.

      ત્યારે સવાલ એ ઉઠે છે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ મૃત્યું પામે છે. ત્યારે મૃતકના પરિજનો ઉપર અપાર દુઃખ ના ડુંગરા ખડકાય  છે.
 એવામાં પરિજનોને મૃતકનો મૃતદેહ ઘરે લઈ જવા માટે પણ શબવાહીની માટે ફાંફાં મારવા પડે છે તે વિચાર જ આપણા હૃદયને હચમચાવી મૂકે છે.

Thursday, June 11, 2020

"ડો. બાબા સાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષર દેહ ગ્રંથ-૧" વિશે..

           
                                                                                                           લેખન -રાહુલ, વણોદ
                                                                                                             મો.8000739976
           
જય ભીમ પ્રિય બંધુજનો...  

              ગયા લેખમાં આપણે વાત કરી હતી કે કઈ રીતે મને મહામહાન એવા ડો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના દેશ પ્રેમ વિશે પરિચય થયો અને કઈ રીતે એમણે દેશને સાચી માનવતાની રાહ બતાવી અને એમણે લખેલા પુસ્તકો કે સાહિત્ય થકી ભારતીયોનું જીવન ધન્ય કર્યું. હવે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલાં સાહિત્યમાં ડૂબકી મારીશું અને એમાં રહેલા જ્ઞાન રૂપી મોતીને બહાર લાવીશું અને જીવનમાં ઉતારીશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે જ્યારે હું નહીં હોવ ત્યારે મારું સાહિત્ય આ સમસ્ત વિશ્વને માનવતાનો રાહ બતાવશે. તેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સમજવા માટે આપણે એમના સાહિત્યને સમજવું જરૂરી બની જાય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું વાંચન વિશાળ હતું તેમના ઘરમાં જ એક મોટું પુસ્તકાલય હતું જેમાં લગભગ ૫૦૦૦ થી વધુ પુસ્તકો હતા તો એમના વાંચનને જોતા સમજી શકાય છે કે એમનું સાહિત્ય વિશાળ કેટલું હશે !!? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વિશાળ માત્રામાં સાહિત્યસર્જન કર્યું છે, પુસ્તકો લખ્યાં છે પરંતુ તેમના સમગ્ર જીવન ચરિત્ર અને કાર્યોથી પરિચિત થવું હોય તો સૌપ્રથમ આપણે એમના 24 વોલ્યુમ (જોકે મોટાભાગે પુસ્તકો છે જેમાં તેમનું સંપૂર્ણ સાહિત્યમાં સમાવવામાં આવ્યું છે) પાસે જવું પડે તો મતલબ કે ચોવીસ વોલ્યુમ (ગ્રંથ)વાંચવા પડે ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિશાળ વ્યક્તિત્વનો આપણે થોડો ઘણો તાગ મેળવી શકીએ અને તેથી જ આપણે ચોવીસ ગ્રંથોનો વિગતવાર અભ્યાસ કરીશું.

                                                          ◆ ગ્રંથ ૧ ◆

આ ગ્રંથનું પ્રકાશન વર્ષ ૧૯૯૩ છે જે કલ્યાણ મંત્રાલય ભારત સરકાર વતી પ્રકાશન વિભાગ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે પુસ્તક વિશે વિગતે એ પુસ્તકમાં માહિતી આપવામાં આવી છે. પરંતુ એ આપણે આગળ જોઈશું અને એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનાં વિચારો અને સાહિત્ય વિશે ચર્ચા કરીશું.
      પુસ્તકનું નામ "બાબાસાહેબ ડોક્ટર આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ ૧" છે જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના લખાણો, ભાષાનો અને પત્રો વગેરેનો સંગ્રહ થયેલો છે. પુસ્તકમાં સંપાદકીય પછી અનુક્રમણિકા આવે છે જેમાં પુસ્તક ત્રણ ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેમાં ખંડ ૧ માં જ્ઞાતિઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી છે ડોક્ટર આંબેડકરે ૯ મે ૧૯૧૬ ને દિવસે "ધ કોલંબિયા યુનિવર્સિટી ન્યુયોર્ક" અમેરિકા ખાતે આ ગોલ્ડન વિઝરનાં માનવશાસ્ત્ર પરિસંવાદમાં વંચાયેલો નિબંધ છે. જેમાં ભારતમાં હિન્દુ ધર્મમાં રહેલી અનેક નાની-મોટી જ્ઞાતિઓનાં ઉદ્દભવ અને તે જાતિઓને અન્ય ઉચ્ચ જાતિઓ દ્વારા થતાં અન્યાય, અત્યાચાર વિશે ડોક્ટર આંબેડકરે પ્રકાશ પાડ્યો છે. તેમણે જાતિઓમાં જ લગ્ન કરવા અને અન્ય જાતિઓ લગ્ન નહીં કરવા જેવી હિન્દુ ધર્મની પરંપરાઓનું ખંડન કર્યું છે. અને આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપ્યું છે એ ઉપરાંત એમણે આ નિબંધમાં હિન્દુ ધર્મમાં જે તે સમયે પ્રવર્તતી સતીપ્રથાનો પણ ઉલ્લેખ કર્યો છે અને આવી અમાનુષી પ્રથા ભારતીય સમુદાય માટે કલંક જેવી ગણાવી છે
 
         ડોક્ટર આંબેડકરે હિન્દુ સમાજની મહિલાઓ ઉપરથી અન્યકારી પ્રથાઓ પુરુષ પ્રધાન વિચાર દ્વારા થોપવામાં આવી છે એને પણ મહિલા સશક્તિકરણની આડે આવતું પ્રેરકબળ ગણાવ્યું છે. જેમ કે સતીપ્રથા, ફરજિયાત વૈદ્યવ્ય અને બાળ લગ્ન જેવી પ્રથાઓ મહિલાઓના વિકાસને અવરોધે છે. અન્ય બીજી પ્રથાઓનું પણ ડોક્ટર આંબેડકર ખંડન કરે છે અને આ બધા માટે જાતિવાદ જવાબદાર છે એવું ડોક્ટર આંબેડકર માનતા હતા. તેઓ કહે છે કે મારું માનવું છે કે જ્ઞાતિના સર્જનના માળખા માટે તેમની પ્રથાઓઓ જરૂરી હતી અને તેથી તે પ્રથાઓને સદીઓથી પ્રોત્સાહન અપાતુ હતું.
 
            જ્ઞાતિઓના ઉદ્દભવ અંગે તેઓ કહે છે કે સૌપ્રથમ બ્રાહ્મણોએ જ પોતાની અલગ જ્ઞાતિ અથવા સમૂહ બનાવ્યું હશે અને આ જ્ઞાતિ પ્રથાને તેઓ એ જ પ્રોત્સાહન આપ્યું છે એમ તેઓ માનતા હતા અને ત્યારબાદ જ્ઞાતિપ્રથા સમગ્ર ભારતમાં કઈ રીતે લાદવામાં આવી તેનું વિસ્તૃત વિગતે વર્ણન આપે છે.
 
          ડોક્ટર આંબેડકરનું માનવું હતું કે છે કે જ્ઞાતિ પ્રથા જેવી અમાનવીય પ્રથા કોઈ મોટા સમુહ કે સમાજ ઉપર થોપવી એ કોઇ એક વિશેષ વર્ગ દ્વારા શક્ય નથી. ક્યાંકને ક્યાંક અન્ય વર્ગોને આ પ્રથાને સ્વીકારી છે. પછી એ સ્વીકારવા માટે એ વર્ગોને ધાર્મિક-સામાજિક લાલચ આપવામાં પણ આવી હોઈ શકે પરંતુ છતાં હું મારા મતને સર્વેસર્વા ના ગણાવી શકુ.
   
       ઉપરાંત 1915-16 ની આસપાસ લાહોરમાં "જાત-પાત તોડક મંડળ"ની રચના થઈ હતી એમાં ડૉ.આંબેડકરને પ્રવચન માટે આમંત્રણ મળ્યું હતું. ડોક્ટર આંબેડકરે પ્રવચન લખી મંડળના સભ્યોને મોકલાવ્યું પરંતુ મંડળના સભ્યો અને એમાંય ખાસ તો મંડળના મંત્રી શ્રી સંતરામને આ પ્રવચન ન ગમ્યું. તેમનું કહેવું હતું કે આ પ્રવચન જાહેરમાં કરવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાશે તેથી આ પ્રવચનમાં રહેલા કેટલાક શબ્દો અને ફકરા કાઢી નાખવામાં આવે. પરંતુ ડૉ આંબેડકર આ વાત સાથે સહમત ન થતાં અધિવેશન રદ કરાયું હતું અધિવેશન થયું આ વાંચી વાંચકોને થશે કે ડૉ. આંબેડકરે જે પ્રવચન લખ્યું હતું એ કેવું હતું !? એ જણાવું તો એ પ્રવચનમાં ડોક્ટર આંબેડકરે નિર્ભય થઈને હિંદુ ધર્મમાં રહેલી કુપ્રથાઓ અને જાતિવાદને ઉદાહરણ સહિત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ પ્રવચનમાં હિંદુ ધર્મને જે સંપૂર્ણ સારો ધર્મ કહેતા હતા તેવા લોકોને જોરદાર તમાચો હતો.

      આ સિવાય બાબા સાહેબનાં પોતાના મત પ્રમાણેનો આદર્શ     સમાજ કેવો હોવો જોઈએ એનો જવાબ ખુદ આપ્યો છે.ડો. આંબેડકરે કહ્યું છે કે મારો આદર્શ સમાજ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા પર આધારિત હોવો જોઈએ આદર્શ સમાજ જડ નહીં પરંતુ પરિવર્તનશીલ હોવો જોઈએ ડોક્ટર આંબેડકરે પોતાના પ્રવચનમાં હિન્દુ ધર્મમાં પ્રવર્તી જાતિઓ અને તેના થકી હિન્દુ ધર્મની, સમાજની ખાસ કરીને નિન્મ ગણાતી જ્ઞાતિઓનું વર્ણન કર્યું છે અને હિન્દુ સમાજમાંથી આ દુષણ કઈ રીતે દૂર કરી શકાય એના વિશે પણ પોતાની વાત રજૂ કરી છે. ભાષણના અંતે ડો. આંબેડકરે કહ્યું કે એ હિન્દૂ ધર્મમાં માનનારા અને હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે સૂચન અને સૂચક બન્યું છે.
         સાથે જાતિ પ્રથા સામે લડતા તેમણે જે કષ્ટો સહન કર્યા તેના વિશે પણ લખ્યું છે કે, હું એક એવી વ્યક્તિ છું જેનો જાહેર પરિશ્રમ લગભગ સમગ્ર તથા દરિદ્ર અને દલિતોના સ્વાતંત્ર્ય માટેનો એક સતત સંઘર્ષ બન્યો છે અને જેને રાષ્ટ્રીય અખબારો તથા રાષ્ટ્રીય નેતાઓ તરફથી દુઃખોનો, ગાળોનો એકમાત્ર બદલો મળ્યો છે." આ સાથે જ તેઓ હિન્દુઓને કહે છે કે, "નિઃશંક જ્ઞાતિ મુખ્યત્વે હિન્દુઓનો શ્વાસ છે. પણ એ શ્વાસ થકી હિન્દુઓએ સર્વત્ર હવા દૂષિત કરી છે. અને મુસ્લિમ અને ખ્રિસ્તી બધાને તેનો ચેપ લાગ્યો છે.

 આથી જેઓ આ ચેપથી પીડાય છે તે બધાનો એટલે કે શીખ, મુસ્લિમ અને દરેક લઘુમતી કોમનો ટેકો હિન્દુઓને જ્ઞાતિ પ્રથા દૂર કરવા માટે મળવો જોઈએ. ખુદનું સ્વરાજ્ય મેળવવા કરતાં વધુ મહત્ત્વનું છે કે હિન્દુમાં વ્યાપ્ત જ્ઞાતિ પ્રથા દૂર કરવી જે ખુદના અને રાષ્ટ્રના માટે વિશેષ મહત્વનું છે. જ્યાં સુધી જ્ઞાતિ પ્રથા દૂર નહીં થાય ત્યાં સુધી સ્વરાજ્ય મેળવાનો કોઈ અર્થ નથી. ડોક્ટર આંબેડકર જાતિ પ્રથાને હિન્દુ ધર્મમાંથી નાબૂદ કરવા હિન્દુઓને પોતાના પ્રવચનમાં આહવાન કર્યું હતું. પરંતુ આ પ્રવચન ગાંધીજીએ વાંચ્યું અને તેથી  તેમણે
ડો.આંબેડકરને જ્ઞાતિ પ્રથાનો સમર્થન કરતો પત્ર લખ્યો હતો. ડો.આંબેડકરને મોકલેલા પત્રમાં ગાંધીજીએ જ્ઞાતિઓને પ્રોત્સાહન આપવા જે વિચારો રજૂ કર્યા હતા તે વિચારોના સ્પષ્ટ અને તાર્કિક જવાબ ડો.આંબેડકરે આપ્યા હતા. તેનો પણ ઉલ્લેખ પુસ્તકમાં મળી આવે છે.
   
       આ ઉપરાંત ૧૯૪૮માં જ્યારે દેશમાં ભાષા પ્રમાણે રાજ્યની વહેચણી કરવાની હતી ત્યારે પણ ડોક્ટર આંબેડકરે "ભાષાવાર પ્રાંત રચના પંચ" સમક્ષ લેખિત અરજી કરી હતી અને ભાષાવાર રાજ્યોની વહેંચણીમાં ફાયદા અને ગેરફાયદા જણાવેલાં. ડો.આંબેડકર માનતા હતા કે ભાષાવાર રાજ્યોની રચના થાય એમાં રાષ્ટ્ર ભાષા સમગ્ર દેશની એક જ હોવી જોઈએ. વહીવટી કામકાજ માટે દરેક રાજ્યની એક રાજ્ય ભાષા હોવી જોઈએ.જે તે રાજ્યની રાજ્ય ભાષા ભલે જુદી હોય.
   
આ ઉપરાંત મહાદેવ ગોવિંદ રાનડેના જન્મદિવસની ઉજવણીના એક કાર્યક્રમમાં ડોક્ટર આંબેડકર હાજર રહ્યા હતા. અને રાંડે વિશે અને તેમના કાર્યો વિશે વિગતે માહિતી મૂકી હતી.તેનું પણ વર્ણન પુસ્તક છે.તેમણે કહ્યું કે રાનડે પ્રખર સમાજસુધારક હતા તેમણે ભારતમાં ફેલાયેલા કુપ્રથાઓ જેવી કે બાળવિવાહ, સતીપ્રથા અને જાતિવાદ જેવા દુષણો સામે જીવનભર બંડ પોકાર્યો હતો. ડોક્ટર આંબેડકરે સમાજ સુધારક તરીકે તેમની કામગીરીને બિરદાવી હતી.
      ડોક્ટર આંબેડકરે કહ્યું હતું કે રાનડે ખરા અર્થમાં એક વિદ્વાન મહાપુરુષ હતાં. તેમની સમાજ સુધારાની પ્રવૃત્તિઓ એ વાતનું પ્રમાણ છે. ડોક્ટર આંબેડકરે રાનડે ના તે સમયના રાજકારણના તેમના સ્થાન અને જાહેર વ્યક્તિ તરીકે રાનડેનો પરિચય આપ્યો હતો.અને રાનડેને મહાપુરુષ તરીકે જોવાની અનોખી દૃષ્ટિ એ સમય ડૉ.આંબેડકરે આપી હતી. મહાપુરુષોમાં હોય તેવી સર્વતોમૂખી પ્રતિભા અને સંનિષ્ઠા રાનડેમાં હતી. આ ઉપરાંત ડો.આંબેડકરે તે સમયના વિદ્વાન મહાપુરુષોને ખૂબ જ નજીકથી  વાંચ્યા હતા અને તે મહાપુરુષોના અવતરણો તેઓ પોતાની વાતોમાં અને વિચારો ટાંકતા હતાં. ડો.આંબેડકર વ્યક્તિ પૂજાનાં વિરોધી હતાં. તેમનું કહેવું હતું કે વ્યક્તિપૂજા એ પૂજકને ભ્રષ્ટ બનાવે છે તેથી કોઈપણ મહાપુરુષને પૂજવા કરતાં તેના ઉત્તમ ગુણોને આત્મસાત કરવા એ જ મહાપુરુષને સાચી આદરાંજલી આપવા બરાબર છે.


             
                             આમ પ્રથમ ગ્રંથમાં ઉપરોક્ત તમામ બાબતોનો વિસ્તારપૂર્વક વર્ણન છે. આ ગ્રંથ સમગ્ર ભારતવાસીઓને વાંચવો જોઈએ.
         
                                                                                                                            -  ક્રમશ

Saturday, June 6, 2020

તમારે મન પ્રથમ વરસાદ કેટલો મહત્વનો..!!?


                                                                                               - "મારી અંગત ડાયરીમાંથી."
           

          વરસાદ વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. મેં અને તમે ઘણું વાંચ્યું અને સાંભળ્યું પણ હશે. પરંતું આજે મારે તમારી સમક્ષ મૌસમના પ્રથમ વરસાદની વાત કરવી છે. ઉનાળો જ્યારે વિદાય લઈ રહ્યોં હોય અને ચોમાસાની ખેડૂતો આતુરતાથી રાહ જોતાં હોય એવામાં ચોમાસાનો પહેલો વરસાદ એ દરેકના હૃદયમાં આનંદની એક લહેર પ્રસરાવી જાય છે. મોસમનો પ્રથમ વરસાદ ઘણાંના માટે યાદગાર બની જાય છે.

           જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય, ધરતી તપીને બંજર થઈ ગઇ હોય વૃક્ષો શુષ્ક થઈ ગયાં હોય એવામાં ગાજવીજ અને પવન સાથે પ્રથમ વરસાદ આવી પડે. પ્રથમ વરસાદનાં એ છાંટાઓમાં ભીંજાવું કોને ન ગમે ? જ્યારે પ્રથમ વરસાદનાં એંધાણ હોય ત્યારે દરેક નાના મોટા વ્યક્તિઓનાં ચહેરા પર એક અનોખી આનંદની લાગણી જોવાં મળે છે. એમાં ખેડૂતો,નાના બાળકો અને મોર તો ટેહુક... ટેહુક... કરીને નાચી જ ઉઠે !! પ્રથમ વરસાદની તૈયારી હોય ત્યારે વીજળીના એ ચમકારા હૃદય આનંદનું અજવાળું ભરી જતાં હોય છે.




           હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે વર્ષાઋતુ વિશે નિબંધ લખવાનું શાળાના શિક્ષક કહેતાં ત્યારે વર્ષાઋતુ વિશે નિબંધ લખવો બહુ ગમતો. તમે બધાએ પણ પ્રાથમિક શાળામાં ક્યારેક તો  વર્ષાઋતુ વિશે નિબંધ લખ્યો જ હશે. યાદ કરો તમે તે નિબંધમાં શું શું લખતાં હતાં !? વરસાદમાં ભીંજાવવું દરેક ને ગમે પરંતું જ્યારે આપણે બાળ અવસ્થામાં હોઈએ ત્યારે તો વરસાદ મિત્ર સમો લાગતો હોય છે. પ્રથમ વરસાદ પછી માટીમાંથી નીકળતી સુગંધ પ્રકૃતિના પરફ્યુમની સુગંધ છે.બાળ અવસ્થામાં આપણે પોતાના સ્વાસ્થની, કપડાંની પરવાહ કર્યા વગર વરસાદમાં ભીંજાઇએ છીએ. હાલની પેઢીને કદાચ આપણાં બાળ કાવ્યો યાદ નહીં હોય આવનારી પેઢી એ ભૂલવા લાગી છે. પરંતુ છેલ્લી પેઢીના બાળકો વરસાદમાં આનંદથી ગાતાં કે,
 "આવ રે.. વરસાદ..
 ઢેબરીયો વરસાદ.."

    
          અને બાળ બુદ્ધિથી "વરસાદ"ની જગ્યાએ "પરસાદ" શબ્દ બોલતાં એ આજે સમજાય છે ત્યારે હસવું આવે છે અને સાથે થોડાં આંસુ પણ કેમ કે એ સમયે ભલે વરસાદ બોલતાં કદાચ નહતું આવડતું પરંતુ એ વરસાદની ખરી મજા માણતા ચોક્કસ આવડતું હતું. આજે વરસાદ ઉપર કદાચ આપણે પી.એચ.ડી કરી લઈને પણ વરસાદનો ખરો આનંદ લઈ શકીએ ખરા !? તમે કદાચ વરસાદમાં પલળતાં પલળતાં મિત્રો સાથે આ બાળ ગીત ગાયું હોય તો તમે નસીબદાર છો કેમ કે તમે મોબાઈલ વગરની પેઢીના બાળક છો./હતાં. પરંતુ જેમ જેમ આપણે મોટાં થતા જઈએ, ઉમર વધતી જાય. તેમ તેમ આપણે વરસાદને અલગ અલગ દ્રષ્ટિથી જોતાં અને માણતા થઈએ છીએ. જૈન ધર્મમાં વર્ષાઋતુને ચાતુર માસ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક સમયે(કદાચ હાલ એ જ પ્રથા ચાલુ હોઈ શકે) જૈન સાધુઓ, સંતો વર્ષાઋતુનાં ચાતુર માસ કોઈ એક જગ્યાએ જ રહીને ગાળતા એનો અનેરો મહિમા અને મહત્વ છે જૈન ધર્મમાં.

         પહેલો વરસાદ વરસે એટલે સ્ત્રી, પુરુષ, બાળકો નાના મોટા સૌ એમાં ભીંજાવવાની મજા માણવા આતુર હોય છે. ખેડૂતો "હાશકારો" અનુભવે છે. પ્રથમ વરસાદના પાણીમાં નાના બાળકો છબછબિયા કરતાં જોવા મળે છે. મોર કળા કરી પોતાનો આનંદ વ્યક્ત કરે છે. પ્રકૃતિ પણ જાણે સોળે કળાયે ખીલી ઉઠે છે. પ્રથમ વરસાદમાં વૃક્ષોની ડાળીઓ અને પાંદડાઓ પર ધૂળ જામી ગઈ હોય છે એ દૂર થાય છે એટલે જાણે પાણીમાં ન્હાઇને સ્વચ્છ થઈને વૃક્ષો પ્રથમ વરસાદ આવવાની ખુશી માણતા ઊભાં હોય એવું લાગે છે. પ્રકૃતિ જાણે ફરી જીવંત થઈ ગઈ હોય એવું લાગે છે. પ્રથમ વરસાદ પછી ધરતી ઉપર ઘાસ ઉગવાની શરૂઆત થાય છે.

         પ્રથમ વરસાદનો આનંદ ઉલ્લાસ ઘણાં પ્રેમીઓ માટે શ્રાપ બનીને પણ આવે છે જેમના પ્રિયતમ, પ્રેમી અથવા પતિ, પત્ની એમનાંથી દૂર હોય. પરંતું નવ પરણિત અથવા જેમના ટૂંક સમયમાં જ લગ્ન થવાના હોય એવા પ્રેમીઓ પ્રથમ વરસાદમાં એકબીજા સાથે હોય ત્યારે પ્રથમ વરસાદ એમના માટે વરદાન બનીને આવે છે. પ્રેમીઓને મન જ્યારે એકબીજાનો હાથોમાં હાથ હોય અને પ્રથમ વરસાદમાં ભીંજાવવાં મળે પછી ખુદાની પણ શું જરૂર ! પ્રથમ વરસાદના મિલનના સુખને રમેશ પારેખે પોતાનાં ગીતમાં ખૂબ અદ્ભૂત રીતે રજૂ કર્યું છે જુઓ,

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં,
 તારું પહેલા વરસાદ સમું આવવું
  હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિંતા ધોધમાર સામસામે આપણે
   ઊભાં રહ્યાંનું પૂર આવવું..



            વાત પણ સાચી છે જ્યારે પોતાનાં પ્રિય પાત્રનો હાથ પોતાનાં હાથોમાં હોય અને પ્રથમ વરસાદમાં ભીંજાવવાની તૈયારી સાથે હોય, ત્યારે તે ક્ષણ સ્વર્ગ સમાન ન લાગે તો જ નવાઈ ! પ્રથમ વરસાદ પ્રેમીઓ માટે રોમેન્ટિક વાતાવરણ પૂરું પાડે છે પછી પ્રેમ શાને ના જાગૃત થાય !? દરેક પ્રેમીને એમનાં પ્રિય પાત્ર માટે પ્રથમ વરસાદની જેમ જ હૃદય હિલોળે ચડે છે. અને પ્રેમમાં બંનેને એકબીજાના હૃદયની અંદર, પ્રેમમાં વરસાદની માફક વહી જવું હોય છે.અને પોતાનાં પ્રિયતમનાં હૃદયની ધરતીમાં વરસાદના પાણી જેમ પ્રેમથી રેલમછેલ થવાનું મન થઇ આવે છે. અંતરની ઈચ્છાઓના વાદળ બંધાતા હોય ત્યારે સામે એના પ્રીતમને પણ એટલી ઈચ્છા હોય પોતાના પ્રેમી સાથે મન મુકીને વરસી જવાની.

           ફિલ્મોમાં જ્યારે બે પ્રેમીઓને વરસાદમાં ભીંજાતાં બતાવવામાં આવે છે ત્યારે એ સુખનું ઘોડાપુર ક્યાંકને ક્યાંક ફિલ્મ જોનાર પ્રેક્ષકોનાં હૃદય સુધી આવતું હોય છે. આ સુખ વર્ણવી ના શકાય એને પોતાનાં પ્રિય પાત્ર સાથે વરસાદમાં ભીંજાઈને જ અનુભવી શકાય. આ અનુભવ વગરનો માણસ હૃદયની લાગણીઓથી જીવનભર શુષ્કતાં અનુભવે છે.
પરંતુ એ સુખ ક્યારેક દુઃખ પણ ઉત્પન્ન કરે છે. જ્યારે આગલા વર્ષે વરસાદ તો હોય પણ એ પાત્ર ન હોય જેની સાથે તમે ભીંજાય હોવ ત્યારે પ્રથમ વરસાદ પીડાદાયક બની જાય છે.વરસતા વરસાદના એ છાંટા વિરહી પ્રેમીઓનાં હૃદયમાં આગ લગાવતાં હોય છે. એ આગ ક્યારેક કાગળ પર તો ક્યારેક મહેફિલોમાં ગવાતાં ગીત, ગઝલમાં અને શ્રોતાઓની "વાહ.." માં વ્યક્ત થાય છે. અથવા ક્યારે છાનાછુપે આંખોના ખોણામાં ઉભરાઈને શમી જતાં હોય છે.
         કોઈ તમારી કાળજી રાખતું હોય, ચિંતા કરતું હોય અને એનું કારણ જો વરસાદ હોય અને પછીના વરસાદમાં એ વ્યક્તિ તમારી સાથે ના હોય તો વેદનાંનું વંટોળ હૃદયમાં ફરી વળે છે.અને સુખ અને ઉત્સાહના ઘરને ધ્વસ્ત કરી નાખે છે.એવી વેદના જે માં ના મૃત્યુ બાદનાં પ્રથમ વરસાદમાં અનુભવાય એ વાત શ્રી સૂર્યા પરમાર નામના એક કવિ પોતાની કવિતામાં ઠાલવી છે જુઓ,



                 તેના વિનાનો પ્રથમ વરસાદ
                 પેહલા તે કરતી મને સાદ
                  આજે એ કરુ છુ યાદ

                 સાચવીને જજે
                 બોવ ના નઇશ
                 ઠંડી ચઢી જશે
                 બિમાર થઈશ

                 તેના વિનાનો પ્રથમ મેઘનાદ
                 પેહલા તે કરતી મને સાદ
                 આજે એ કરુ છુ યાદ

                  છત્રી રેઇનકોટ
                  લઇને જજે
                  કપડા જૂના
                  પેરીને જજે

                  તેના વિનાનો પ્રથમ ઘુંઘવાટ
                  પેહલા તે કરતી મને સાદ
                  આજે એ કરુ છુ યાદ

                   વહેલો ખાઈ લે
                   લાઇટ જશે
                   ચોમાસે વહેલું
                   અંધારું થશે

                  તેના વિનાનો પ્રથમ ગડગડાટ
                 પહેલા તે કરતી મને સાદ
                 આજે એ કરુ છુ યાદ

                  જીન્સ ના પહેરીશ
                  સુકાતા નથી
                  સૂરજદાદા જોને
                  દેખાતા નથી

                 તેના વિનાનો પ્રથમ ચમકાટ
                 પહેલા તે કરતી મને સાદ
                 આજે એ કરુ છુ યાદ

                  આવશે મંકોડા
                 બારણું કર બંધ
                  પાંખો વાળા
                જશે નહી ગંધ

                 તેના વિનાનો પ્રથમ સુસવાટ
                પહેલા રે કરતી મને સાદ
                આજે એ કરુ છુ યાદ

                 મીણબત્તી આપ
                 દિવાસળી આપ
                  ડબ્બો આપ
                 ઉપર સળગાવી આપ

                  તેના વિનાનો પ્રથમ વરસાદ
                 પેહલા તે કરતી મને સાદ
                 આજે એ કરુ છુ યાદ.

                         શું ક્યારેય તમેં કોઈને એકલા એકલાં વરસાદમાં ભીંજાતાં જોયાં છે !? કદાચ તમારો જવાબ ના હોઇ શકે અને હા હોય તો માર્ક કરજો એ વ્યક્તિ ખુશ નહીં હોય. વરસાદમાં એ વ્યક્તિ ભીંજાતો હશે પણ અંદરથી તો એ સળગતો હશે. પોતાનું પ્રિય પાત્ર સાથે ના હોવાનું દર્દ એ આંખો દ્વારા બહાર કાઢતો હશે પરંતુ વરસતા વરસાદમાં એ વહી જતાં દર્દને એ જ જોઈ શકે છે. જે સામેના વ્યક્તિને અંદરથી ઓળખતો હોય. એક વાર્તા મેં વાંચી હતી જેમાં પ્રેમિકા એના પ્રેમીને ચાલું વરસાદમાં છોડીને જતી રહે છે. અને પછી દરેક વસરતા વરસાદમાં એ પ્રેમીને એની પ્રેમિકાની યાદ આવ્યાં કરતી હોય છે. વરસતા વરસાદમાં કોઈ આપણાથી છૂટું પડ્યું હોય એ બહુ યાદ આવતું હોય છે. વરસાદના એ વરસતા ટીપાં હૃદયને દઝાડે છે.
                    એવા વ્યક્તિ પણ મેં જોયા છે જેને વરસાદમાં ભીંજાવવું હોય છે પણ ઘર જાણે જેલ હોય એમ એ બહાર નથી નીકળી શકતાં અને ઘરની બારીના સળિયામાંથી વરસતા વરસાદને ચૂપચાપ ખામોશીથી નિહાળતા હોય છે. એ લોકો શરીરથી નથી ભીંજાયા હોતાં પણ અંદરથી ભીંજાઇ ગયાં હોય છે.એવા લોકોની ખામોશી બહુ દોઢ ડાહી હોય છે. એ ખામોશી ઘણું બધું બોલતી હોય છે.વરસતા વરસાદમાં એમની આંખો સપના વિનાની સાવ કોરી હોય છે.શાયદ એ આંખોમાં કશુંક ફરિયાદ હોય છે ઘરની અંદર રહેલ એ વ્યક્તિ જ્યારે બારી બહાર વરસતો વરસાદ જુએ છે ત્યારે મનોમન કહેતી હોય છે કે તું શા માટે વારસે છે !!?  નજર ઉઠાવીને જોશો તો આવા લોકો તમારી આજુબાજુ જ મળી આવશે.  શક્ય હોય તો એમની બાજુ મિત્ર ભાવે થોડું વ્હાલનું ઝાપટું વરસાવી જોજો. એ  એક પ્રકારની ઈશ્વર ભક્તિ જ છે.


                   કેટલાક લોકો વરસાદમાં છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને નીકળતા હોય છે. એમાંથી ઘણાં ઇચ્છતા હોય છે કે છત્રી બંધ કરી દે અથવા રેઇનકોટ કાઢીને વરસાદમાં મન મૂકીને ભીંજાય. પરંતુ એ એમ નથી કરી શકતા એ લોકો છત્રીની સાથે સાથે જવાબદારી પણ ઓઢીને નીકળતા હોય છે.
              વરસાદ એટલે કે વર્ષાઋતુ મનુષ્યમાં કામ ઉત્તેજના ઉત્પન્ન કરે છે તેથી પરિણીત સ્ત્રીનો પતિ/પત્ની પરદેશ ગમન માટે ગયા હોય ત્યારે સ્ત્રી કે પુરુષની સ્થિતિ કફોડી થાય છે. એ વિરહની અગ્નિ અસહનીય બની જાય છે.પોતાનો પતિ,પત્ની કે પ્રેમી પાસે ન હોય તો  વરસાદ દુશ્મન લાગે છે અને પાસે હોય તો સ્વર્ગ સમાન !
જ્યારે પ્રિયતમ સાથે ન હોય ત્યારે પ્રથમ વરસાદની નિર્થકતા દર્શાવતાં કવિ ભગવતી શર્મા લખે છે,

"હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં,
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ,
અને મધમધતો સાદ એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ, મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં,
મોર આભે,મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં,
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હબકારા,
લઈને આવે ઉન્માદ એવું કાંઈ નહીં..!!"

                    પ્રથમ વરસાદ પછી તૃપ્તિનો અહેસાસ પ્રકૃતિને થાય એમ જ નવયોવનાને પણ પ્રથમ વરસાદમાં પોતાના પિયુને મળતાં તૃપ્તિનો અહેસાસ થાય છે.

છેલ્લે..
       ચોમાસામાં વરસાદ તો વરસવાનો જ છે પરંતુ જીવનમાં પ્રથમ વરસાદનું મહત્વ સમજવું અને પ્રથમ વરસાદનો અનુભવ કરવો એ જીવનનો એક લ્હાવો છે જો એ તમે અનુભવી કરી શકો તો તમે અંદરથી હજુ જીવંત છો..

                                                                                              - રાહુલ, વણોદ
                                                                                           મો.8000739976

Friday, June 5, 2020

"ડો. આંબેડકર એક રાષ્ટ્ર પુરુષ"


                                                                                                                       
                                                                                                                             લેખક-  રાઠોડ રાહુલ, 
                                                                                                                              મો.8000739976

જય ભીમ,
 પ્રિય બંધુજનો...

નાનપણથી અનુસૂચિત સમાજના લોકોના દરેક ઘરમાં મને એક વ્યક્તિનો ફોટો જોવા મળતો. ત્યારે મારા બાળ માનસમાં પ્રશ્ન થતો કે આ વ્યક્તિ કોણ છે ? જેનો ફોટો (સમાજના)દરેક ઘરમાં જોવા મળે છે. સુટ બુટમાં સજ્જ, ભરાવદાર શરીર, આંખોમાં અજબ તેજ અને હાથમાં એક પુસ્તક. પાંચમું-છઠું ભણતો ત્યારે જેવું તેવું ગુજરાતી વાંચતા આવડતું તેથી તે વ્યક્તિના ફોટા નીચે પૂરું નામ તો ના વાંચી શકતો પણ જ્યારે પણ એ વ્યક્તિનો ફોટો જોઉં ત્યારે તે વ્યક્તિના હાથમાં રહેલાં પુસ્તકના પ્રથમ પાનાં ઉપર લખેલું છૂટક છૂટક અક્ષરે વાંચતો.. 
સં... વિ... ધા.. ન....



                        પણ સમજાતું નહીં કે આ "સંવિધાન" એટલે શું અને "સંવિધાન" લખ્યું છે. એ પુસ્તક આ સુટ બુટ વાળા વ્યક્તિના હાથમાં કેમ છે ? અને સાથે સાથે એ પણ પ્રશ્ન ઉપસ્થિત થતો કે આ વ્યક્તિ કોણ છે ? અને (સમાજના) દરેક ઘરોમાં આ વ્યક્તિનો ફોટો કેમ રાખવામાં આવે છે ? આ ઉપરાંત સૂટ બુટ વાળા વ્યક્તિને આટલા બધા લોકો સાથે શું સંબંધ હશે ? વગેરે પ્રશ્નો મારા નાના એવા મગજમાં ઉદ્દભવતાં હતાં. પરંતુ આ પ્રશ્નનોના નિરાકરણ માટે કોને પૂછવું એ સમજાતું નહતું.આમ બે ત્રણ વર્ષ ચાલ્યું ત્યારબાદ સાતમુ ધોરણ પાસ કરી આઠમા ધોરણમાં આવ્યો. મમ્મી પપ્પાએ મને છાત્રાલયમાં વધું  અભ્યાસ માટે નજીકના જ એક ગામમાં મુક્યો. ત્યાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા મારી સાથે મારા મમ્મી આવ્યાં હતાં. ત્યાં છાત્રાલયના કાર્યાલયમાં છાત્રાલયના સાહેબ શ્રીની ખુરશી પાછળ પણ પેલાં એ જ સૂટ બુટ વાળા વ્યક્તિનો ફોટો મને જોવા મળ્યો.ત્યાં પણ આ સૂટ બુટ વાળા વ્યક્તિનો ફોટો જોઈ હું વિચારવા લાગ્યો કે આ વ્યક્તિ છે કોણ ? અને છાત્રાલયના સાહેબ સાથે આ વ્યક્તિને શું સંબંધ હશે ? એ વ્યક્તિની સુંદર તેજસ્વી આંખો, કદ કાઠીમાં પણ એકદમ ખડતલ શરીર અને હોઠો પર આછું આછું નાના બાળક જેવું નિર્દોષ સ્મિત, અને હાથમાં પેલું એ જ પુસ્તક જેની ઉપર લખ્યું છે "સંવિધાન" છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ.
                     
                        હું છાત્રાલયમાં રહેવા આવી ગયો. છાત્રાલયમાં દરેક વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં જે નીતિ નિયમો હોય એ પાડવા પડતાં. રોજ સવારે વહેલાં પાંચ વાગ્યે જાગી જવાનું. છાત્રાલયમાં જે કામ સોંપેલું હોય એ કરી સાત વાગ્યે નાસ્તો કરવાનો અને ત્યાર બાદ આઠ વાગ્યે વાંચવા બેસવાનું, સાડા નવ વાગ્યે જમવાનું દસ વાગ્યે શાળાએ જવાનું સાડા દસે શાળા શરૂ થાય. સાંજે પાંચ વાગ્યા સુધી. વચ્ચે એક થી બે વાગ્યા સુધી જમવા માટેની રિસેસ આપવામાં આવતી. પાંચ વાગ્યા પછી છાત્રાલય આવી જમીને વાંચવા બેસવાનું દસ વાગ્યા સુધી. રોજનો આ નિત્યક્રમ. શનિ રવિ ફેરફાર થાય. શાળાનો સમય દસ વાગ્યાનો હોવાથી છાત્રાલયમાં જ જમીને શાળાએ જવાનું થતું. છાત્રાલયથી શાળાનું અંતર દોઢ, બે કિલોમીટર જેટલુ થતું એ અંતર છાત્રાલયના વિદ્યાર્થીઓએ અડધા કલાકમાં કાપવાનું થતું. વચ્ચે રસ્તામાં બે વખત ચાર રસ્તા વાળી ચોકડી આવે અનેક ઘરો આવે અને વચ્ચે એક માનવ વસાહતનો એક અલગ વાસ આવે એ વાસમાં જતાં જ શરૂઆતમાં એક ઊંચા લોખંડના ગેટ જેવું હતું. બાજુમાં જ એક પાન મસાલાનો ગલ્લો. એ ગલ્લાની દીવાલ ઉપર પણ પેલા સૂટ બુટ વાળા વ્યક્તિનો ફોટો જોવાં મળ્યો. હાથમાં પેલું પુસ્તક જેની ઉપર લખ્યું હતું સંવિધાન અને તે વ્યક્તિનાં ફોટા ઉપર લખ્યું હતું "આંબેડકર વાસ" હું ઘણી વાર શાળાએથી આવતા જતાં એ ફોટો જોતો અને ફોટા ઉપર લખ્યું એ વાંચતો.. "આંબેડકર વાસ" એ સમયે આ(આંબેડકર વાસ)નો મતલબ શું થાય એ ખબર ના પડે પણ વાંચવાની મજા આવતી એટલું ખબર છે.
        
                   રસ્તામાં બપોરે શાળામાં એક થી બે વાગ્યાની એક કલાકની રીસેસ પડે એટલે ગામના બધા મિત્રો ઘરે જમવા જાવ. પરંતુ છાત્રાલયના મિત્રો શાળાએ જ રોકાય કેમ કે છાત્રાલયમાં સવારે નવ  સાડા નવ વાગ્યે જમવાનું થઇ જતું એટલે બધા મિત્રો જમીને જ શાળાએ આવતાં. રોકાયેલા મિત્રો શાળાનાં મેદાનમાં મસ્તી મજાક કરે. પરંતુ આઠમાં ધોરણમાં હતો તેથી સ્વાભાવિક રીતે ઘણી વાર ઘરની, મમ્મી,પપ્પાની યાદ આવતી અને એના કારણે મજાક મસ્તી કરવું ગમતું નહીં. હું શાળાના મેદાનમાં આવેલા બાંકડે ઉદાસ થઈને બેસી રહેતો અથવા જે મિત્રો ધીંગા મસ્તી કરતાં હોય એમને જોતો. રોજ રિસેસમાં મારો આ નિત્યક્રમ બની ગયો. પછી ધીમે ધીમે રોજ આમ બેસી રહેવાથી કંટાળો આવવા લાગ્યો તેથી એક દિવસ હું રીસેસ દરમિયાન ક્લાસમાં ગયો અને થેલામાં પડેલાં કેટલાક પુસ્તકો વાંચવા લાગ્યો. બાળપણથી મને વાંચન પ્રેત્યે લગાવ રહ્યો છે. શાળાના વિષયના પુસ્તકો કરતાં બાહ્ય વિષયના પુસ્તકો વાંચવામાં મને વિશેષ રસ પડતો તેથી મારી પાસે થોડા પૈસા હતાં તેના બે ત્રણ પુસ્તકો ખરીદ્યા હતાં. એ પુસ્તકોમાં સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, ભગતસિંહ જેવા વિદ્વાનો અને તે ક્રાંતિકારીઓ વિશે લખ્યું હતું સાથે એ ક્રાંતિકારીઓ અને વિદ્વાનોના ફોટા પણ એ પુસ્તકોમાં આપેલા હતાં. હું રીસેસ દરમિયાન બધા મિત્રો કલાસની બહાર નીકળી જાય એટલે એ પુસ્તકો વાંચતો. પુસ્તકોમાં કેટલાંક મહાપુરુષો અને ક્રાંતિકારીઓનો પરિચય અને દેશમાં એમનું શું યોગદાન છે એ વિશે ટૂંકમાં લખ્યું હતું. 

         આમ બે ત્રણ દિવસ ચાલ્યું. એક દિવસ અચાનક  શાળાના સાહેબ રીસેસ દરમિયાન શાળાની લોબીમાં આંટો મારવા આવ્યાં. અને ક્લાસમાં મને જોયો એટલે બોલ્યાં, 
બેટા રીસેસના સમયે ક્લાસમાં શું કરો છો ?
મેં કહ્યું, સાહેબ વાંચું છું.
ત્યાં સાહેબ તરત બોલ્યાં, નહીં, રીસેસના સમય દરમિયાન ક્લાસમાં નહીં રહેવાનું જાવ બહાર જાવ...
સાહેબનો આ ઓર્ડર સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. થોડો ડરી પણ ગયો.. મને તો એમ કે સાહેબ એકાદી ગાલ પર લગાવી દેશે ! તેથી ડરના કારણે હું જલ્દી જલ્દી પુસ્તકો થેલામાં નાખી બહાર નીકળી ગયો. અને બહાર શાળાના મેદાનમાં રાખેલાં બાકડા ઉપર આવીને બેઠો. થોડી વારમાં રીસેસ પુરી થવાનો બેલ વાગ્યો. બીજા દિવસે ફરી રિસેસમાં પુસ્તકો વાંચવાનું મન થયું પણ પછી યાદ આવ્યું કે કાલે સાહેબે ટકોર કરી હતી કે રીસેસ દરમિયાન ક્લાસમાં નહીં રહેવાનું એટલે નથી રહેવું. તેથી બધા મિત્રો સાથે ક્લાસની બહાર નીકળી ગયો. અને ફરી બકડા ઉપર આવીને બેઠો. ફરી પાછો રોજની જેમ એ જ કંટાળો...
ટાઈમ પાસ કરવા શું કરવું એ સૂઝતું નહીં. ત્યાં બાજુમાં જ પાણીની એક કુંડી જેમાંથી પાણી વહેતુ હતું પાણીને જવા દેવા માટે કુંડીની લગોલગ સિમેન્ટ અને ઇટથી એક નહેર બનાવવામાં આવી હતી. એ નહેરની મારફતે પાણી હાલ્યું જાય. પાણી કુંડીમાં ક્યાંથી આવતું એ ખબર નહીં. ત્યાં નહેરની બાજુમાં જ ઘણા મંકોડા હતાં. મારા બાળ માનસમાં ટાઈમપાસ કરવા એક યુક્તિ સૂઝી. હું મંકોડા પાસે જતો અને મંકોડા પકડી નહેરમાં નાખતો. મંકોડા નહેરમાં પડે એટલે પાણી સાથે સાથે વહેતાં જાય.. આ જોઈ મને પીસાચી આનંદ મળતો. તેથી બિચારા મંકોડાને પકડી પકડી હું નહેરમાં નાખતો. અને એનો આનંદ લૂંટતો. પણ મારી ટાઇમપાસ કરવાની આ યુક્તિ પણ ઝાઝી ટકી નહીં. બે ત્રણ દિવસ ગયાં હશે કે એક દિવસ રિસેસમાં હું મંકોડા પકડીને પાણીની નહેરમાં નાખતો હતો. ત્યાં જ એક મંકોડાએ મારી હાથની આંગળીએ જોરથી બટકો ભર્યો.. હું ઓ.. મમ્મી.. ઓ.. મમ્મી.. કરતો એ મંકોડાને મારી હાથની આંગળીથી છોડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મારી રાડોનો અવાજ સાંભળી ત્યાં હાજર બધા મિત્રો ભેગા થઈ ગયાં. મેં નજીકના ઝાડના થડે આંગળી ઘસી તેથી મંકોડો છૂટી ગયો. પણ મંકોડાના કરડવાથી આંગળીમાં લોહી નીકળી ગયું. મિત્રો વચ્ચે હું ઉપહાંસનો પાત્ર બન્યો. એ દિવસથી મંકોડા પકડવાનું બંધ થઈ ગયું.

          શાળાનો બીજો દિવસ અને બીજી રીસેસ એજ બકડો અને ફરી એ જ કંટાળો.. બકડાની બાજુમાં મંકોડા જોયાં, નહેરમાં વહેતુ પાણી જોયું. પણ ગયા દિવસે મંકોડાએ બટકું ભર્યું હતું તેથી મંકોડો પકડવાની હિંમત ન થઈ ! 
હું શાંતિથી બાકડા ઉપર બેઠો બેઠો આજુબાજુમાં ડાફેળા મારતો હતો. ત્યાં મારી નજર શાળાની ત્રણ માળની ઇમારત સામું ગઈ. શાળામાં ત્રણ મુખ્ય હોલ હતાં દરેક માળમાં એક એક હોલ. અને લગભગ શાળામાં પચીસથી ત્રીસ જેટલા રૂમ હશે. અને દરેક રૂમની બાજુમાં કાચની સ્ટાઈલથી બનેલા દેશના વિવિધ ક્રાંતિકારીઓના ફોટા હતો. આમ દરેક રૂમની બાજુમાં એક મોટો ફોટો. એ ફોટા કોઈ ક્રાંતિકારીઓના, સમાજ સુધારકોના અને દેશના જે મહાન વિદ્વાનો થઈ ગયાં એમના હતાં. અને દરેક ફોટા નીચે જે તે ક્રાંતિકારી અથવા મહાપુરુષનું નામ,જન્મ તારીખ અને મૃત્યુ તારીખ લખેલી હતી. ઉપરાંત બાજુમાં જે તે મહાપુરુષના વિચારો અને વાક્યો લખેલાં હતાં. આ જોઈ મને થયું કે આ બધા મહાપુરુષોનાં ફોટા જોઉં એમના વિશે વાંચું તેથી ટાઈમપાસ થાય. પરંતું ત્યાં રીસેસ પુરી થઈ. આગલા દિવસે ફરી રીસેસ પડી મનમાં કાલે નક્કી કર્યું હતું એમ રીસેસ પડતાં જ શાળાની લોબીમાં રહેલાં મહાપુરુષોના ફોટા અને એમના વિશે ત્યાં ફોટા નીચે લખેલું હતું એ વાંચવાનું શરૂ કર્યું. તેમાં ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ વિશે તો મેં પહેલાંથી વાંચેલું પેલાં પુસ્તકોમાં જે હું લાવ્યો હતો. તેથી ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ભગતસિંહના ફોટા જોઈને તરત ઓળખી ગયો. ત્યાં અન્ય પણ ઘણા ક્રાંતિકારીઓના ફોટા અને એમના વિશે લખ્યું હતું જેમ કે રાણી લક્ષ્મીબાઈ, તિલક,સાવરકર, દયાનંદ સરસ્વતી, મહાદેવ ભાઈ પટેલ, સરદાર પટેલ, જવાહર લાલ નહેરુ, ખુદિરામ બોઝ, સુભાષચંદ્ર બોઝ વગેરેના.

                    ત્યાર બાદ ફરી એક વાર મારી સામે પેલા વ્યક્તિનો ફોટો આવ્યો જે ઘણાં સમયથી હું જોતો આવ્યો છું. એવો જ ફોટો અને ફોટામાં એ વ્યક્તિની સુંદર તેજસ્વી આંખો, કદ કાઠીમાં પણ એકદમ ખડતલ શરીર અને હોઠો પર આછું આછું નાના બાળક જેવું નિર્દોષ સ્મિત, અને હાથમાં પેલું એ જ પુસ્તક જેની ઉપર લખ્યું છે "સંવિધાન" હું એ વ્યક્તિનો ફોટો જોયા કરતો. અને વિચારતો કે કંઈક તો છે એ ફોટામાં, આ વ્યક્તિમાં જે આકર્ષક લાગે છે, મનમોહક લાગે છે. એવું લાગતું હતું કે હમણાં ફોટામાંથી બહાર નીકળીને મારી સાથે વાતો કરશે. પરંતુ આ વ્યક્તિનો ફોટો જોતા મનમાં ફરી પેલા પ્રશ્નો થતા કે આ વ્યક્તિ કોણ છે ? આઠમાં ધોરણમાં ઘણા મહાપુરુષો વિશે ભણાવવામાં આવતું. જેમણે ભારત દેશને સ્વતંત્ર કરાવવામાં,સ્વતંત્રતાની ચળવળ ચલાવવામાં યોગદાન આપ્યું છે. અને આપણાં દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી છે. પરંતુ આ સૂટ બુટ વાળા અને હાથમાં સંવિધાન લખેલું પુસ્તક વાળા વ્યક્તિ વિશે કશું ભણાવવામાં આવ્યું નથી. વળી આ સૂટ બુટ વાળા વ્યક્તિના ફોટા અન્ય મહાપુરુષો કરતાં વધુ અને ઘણી જગ્યાએ જોયાં છે. લગભગ (અનુસૂચિત સમાજના)દરેક ઘરમાં છાત્રાલયના કાર્યાલયમાં સાહેબની ખુરશી પાછળ, રસ્તામાં પેલા પાનના ગલ્લાની દીવાલ જ્યાં ઉપર આંબેડકર વાસ લખ્યું છે ત્યાં અને અહીંયા પણ તેથી તે વ્યક્તિ વિશે જાણવાની તીવ્ર ઉત્કંઠા થઈ આવી. તેથી તે વ્યક્તિના ફોટા નીચે મેં નામ વાંચવા આંખો નીચી કરી. ત્યાં જન્મ તા. કરીને 14/4/1891 લખ્યું હતું અને મૃત્યું લખીને બાજુમાં 06/12/1956 લખ્યું હતું. અને નીચે લખ્યું હતું. "ડો. બી.આર. આંબેડકર" અને ફોટા ઉપર લખ્યું હતું. "જો સમાજ અપના ઈતિહાસ નહીં જાનતા વો સમાજ અપના ઈતિહાસ નહીં બના સકતા.."  આ વાંચી થોડું અચરજ થયું મને અને નામ પણ અન્ય વિદ્વાનો કરતાં થોડું અલગ લાગ્યું મને. ત્યાં જ રીસેસ પુરી થઈ હું ક્લાસમાં જતો જતો એ દિવસે વિચારતો હતો કે આ સૂટ બુટમાં સજ્જ વ્યક્તિ છે એ કોઈ સ્વતંત્ર સેનાની હશે અને આપણાં દેશને સ્વતંત્રતા અપાવવામાં યોગદાન આપ્યું હશે અને આ વ્યક્તિનું નામ ડો.બી. આર.આંબેડકર છે ! 

                          છાત્રાલયમાં રોજ સાંજે જમ્યા પહેલાં પ્રાર્થના કરાવવામાં આવતી,ધૂન બોલાવવા આવતી. પ્રાર્થનામાં સભામાં છાત્રાલયના સાહેબ આવીને વિદ્યાર્થીઓને ભણવા,વાંચવા લખવાની સલાહ સુચન આપતાં. પરંતુ વિદ્યાર્થીઓને ભણવા,વાંચવા લખવાનું કહેતા કહેતા ક્યારેક ક્યારેક વચ્ચે "આંબેડકર" નો ઉલ્લેખ કરતાં અને કહેતા કે, "ડો. આંબેડકરે સમાજ માટે જે કર્યું છે એવું તમારે પણ ભણી ગણીને મોટા થઈને સમાજ માટે કામ કરીને સમાજને આગળ લાવવાનો છે." 
જોકે અમારા મનમાં તો પહેલાંથી સ્વતંત્રતા, આંદોલનો, સ્વરાજ્ય, અંગ્રેજો વગેરે મગજમાં ઘુસાવવામાં આવ્યું હતું. અને ગાંધીજી, ભગતસિંહ,લાલા લાજપતરાય, બાલ ગંગાધર તિલક ભણાવવામાં આવ્યાં હતાં. પરંતુ ડો. આંબેડકર વિશે કશું ભણાવવામાં આવ્યું નહતું. જેથી ડો.આંબેડકર અને એમનાં કાર્યોથી  અજાણ હતો મારા બાળ માનસમાં તો દેશ, ગાંધીજી, સ્વતંત્રતા, મીઠાનો સત્યાગ્રહ અને દેશ પ્રેમ હતાં. અને દેશને સ્વતંત્રતા અપાવનાર ક્રાંતિકારીના વિચારો હતાં. અને એમના પ્રેત્યે જ માન સન્માન હતાં.ડો. આંબેડકર મારા માટે અજાણ્યા વિષય સમાન હતાં. પરંતું છાત્રાલયના સાહેબ પ્રાર્થના સભામાં ઘણી વાર કહેતાં કે, "ડો. આંબેડકરે સમાજ માટે પોતાનું બલિદાન આપ્યું છે,એમનાં થકી આપણે છીએ. એમણે સમાજને જે આપ્યું એ કોઈ ના આપી શકે. એમનું ઋણ સદાય આપણા ઉપર રહેવાનું છે. તમારે ડો. આંબેડકર જેવું બનવાનું છે વિદ્યાર્થી મિત્રો.."

             આ સાંભળી મને ઘણી વાર વિચાર આવતો કે ડો.આંબેડકરે તો માત્ર એમનાં સમાજનું ભલું કર્યું છે અને માત્ર સમાજ માટે કામ કરવાથી માણસ થોડો મહાન થઈ જાય ! પણ જે દેશ માટે કામ કરે અથવા દેશને સ્વતંત્રતા અપાવવા માટે કામ કર્યું હોત તો ખરા મહાન કહેવાય ! કેમ કે દેશ માટે પોતાનું બલિદાન આપનાર ક્રાંતિકારીઓ જ સાચા દેશ સપૂતો છે. માત્ર પોતાના સમાજ માટે કામ કરવું એ તો અંગત સ્વાર્થ કહેવાય એમાં દેશનું શું ભલું થાય !? આવા ઘણા વિચારો મારા અપરિપક્વ,અણસમજણા અને અને બાળ બુદ્ધિ મનમાં આવતાં. મને થતું કે પોતાનાં સમાજ માટે જ કામ કરવું અને દેશ માટે કશું ના કરવું એ તો સ્વાર્થ વૃત્તિ કહેવાય સમાજ હિતેચ્છુ થઈને દેશ કાર્યને એકબાજુ મૂકવું એ ખરા અર્થમાં દેશ દ્રોહ કહેવાય આવા ઘણા વિચારો મારા મનમાં ઘુમરાયા કરતાં. આ સમયે કદાચ કોઈ માર્ગદર્શક મને ડો. આંબેડકર વિશે સાચી રીતે માહિતગાર કરે તો મારી આ ભ્રમણા દૂર થઈ ગઈ હોત.પરંતું મને તો ગાંધીજી ભણાવવામાં આવ્યાં હતાં. એમનો મીઠાનો સત્યાગ્રહ ભણાવવામાં આવ્યો હતો. પરંતુ ડો. આંબેડકરનો પાણીનો સત્યાગ્રહ ભણાવવામાં નહતો આવ્યો. દેશની સિસ્ટમે મારા બાળ માનસમાં માત્ર દેશ પ્રેમ ભર્યો હતો એક એવો દેશ પ્રેમ જેમાંથી ડો. આંબેડકરને બાકાત રાખવામાં આવ્યા હતા. જોકે દેશના ઈતિહાસથી બાળકોને વાકેફ કરાવવા જ જોઈએ એમાં કશું ખોટું નથી. બાળકોને ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ ભણાવવા જ જોઈએ એમાં શંકાને સ્થાન નથી. ગાંધીજીનો મીઠાનો સત્યાગ્રહ પાઠયું પુસ્તસકમાં ભણાવવો વાંધો નથી. પરંતુ સાથે સાથે ડો. આંબેડકરનો પાણીનો સત્યાગ્રહ પણ ભણાવવો જોઈએ. ગુલામ ભારત વિશે ભણાવો એનો વાંધો નથી પણ બહિસ્કૃત ભારત વિશે પણ ભણાવો જેથી બાળકોના કુમળા મનમાં પહેલાથી જ ભારતમાં પ્રવર્તતાં જાતિવાદ અને ભેદભાવ વિશે જાણે જેથી બાળકો આ બધાથી દૂર રહે અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકે. 

                          પરંતુ ડો. આંબેડકર વિશે પાઠયું પુસ્તકોમાં કશું જ ભણાવવામાં આવતું નથી(જોકે હવે થોડા વર્ષોથી પાઠયું પુસ્તકોમાં ડો. આંબેડકર વિશે ભણાવવામાં આવે છે. પરંતુ આ શરૂઆત પહેલાં જ કેમ ના થઈ મારો એ પ્રશ્ન છે)ડો. આંબેડકર વિશે અત્યાર સુધી ભણાવવામાં ન આવ્યું એ ડો.આંબેડકર જેવા મહાપુરુષો સાથે અન્યાય છે, ઇતિહાસ સાથે છેડછાડ કરવા જેવું છે.જે જરા પણ યોગ્ય નથી. જોકે હવે પાઠયું પુસ્તકોમાં ડો. આંબેડકર વિશે ભણાવવા આવે છે. એટલે મારી જેવો પ્રશ્ન આવનારી પેઢી સામે નહીં આવે એ ગૌરવની વાત છે.પરંતુ અમારી પેઢીના યુવાનોને આઠમાં ધોરણ સુધી ડો. આંબેડકર વિશે ભણાવવામાં ના આવ્યું તે આખા સમાજ અને શિક્ષણ જગત માટે શરમજનક છે.

                  પરંતું આઠમાં ધોરણ પછી ધીમે ધીમે મારી વાંચન ભૂખ ઉઘડતી ગઇ અભ્યાસ વધતો ગયો એમ એમ ડો. આંબેડકર વિશે વધું વાંચતો ગયો. ડો. આંબેડકર વિશે વાંચ્યા પછી એમના પ્રેત્યેના મારા વિચારો બદલાયા.અને તે એ હદે બદલાય કે આજે મેં કોઈ મહાપુરુષને સૌથી વધુ વાંચ્યા હોય તો તે છે. ડો. આંબેડકર. ડો. આંબેડકર વિશે આજ સુધીમાં ઘણું વાંચ્યું,સાંભળ્યું. ડો. આંબેડકર વિશે વાંચ્યું પછી મને સમજાયું કે ડો. આંબેડકર એ એ મહાન વિભૂતિ હતાં જે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વ વંદનીય બન્યાં છે. દેશના અન્ય વિદ્વાનો, ક્રાંતિકારો સન્માનનીય તો છે જ પરંતું એ બધામાં ડો. આંબેડકરનું સ્થાન મારા હૃદયમાં સૌથી અનેરું અને ઊંચું છે.ડો. આંબેડકરે દેશ માટે જે કર્યું એ તો અતુલનીય અને અદ્વિતીય છે. પરંતુ એમણે અનુસૂચિત સમાજ માટે જે કર્યું છે જે આજ સુધી કોઈ દેવી દેવતા કે ભગવાન પણ નથી કરી શક્યા કદાચ એટલે જ અનુસૂચિત સમાજના લોકોના ઘરમાં ભગવાન માતાજીનો ફોટો હોય કે ના હોય પણ ડો. આંબેડકરનો ફોટો જરૂર હોય. કદાચ ડો. આંબેડકર ભારતની એવી પ્રથમ વ્યક્તિ હશે જેના અનુયાયીઓ આટલી બોહળી સંખ્યામાં એમને કોઈ દેવ સમાન માનતા હોય. પરંતુ ડો. આંબેડકર અનુસૂચિત સમાજ માટે કામ કર્યું છે અને અનુસૂચિત સમાજનો હું એક ભાગ હોવાથી જ ડો. આંબેડકરને નથી માનતો. ડો. આંબેડકરનું જે મારા મનમાં વિશિષ્ટ સ્થાન છે એના ઘણા કારણો છે. જે આપને જણાવી શકું છું.
             
           ડો. આંબેડકર એક મહાન દેશ ભક્ત,રાષ્ટ્ર પુરુષ હતાં. તેમનામાં જે વિદ્વતા, રાષ્ટ્ર પ્રેમ, મેં નિહાળ્યો છે. તે કદાચ મેં અન્ય મહાપુરુષો જોયો નથી.એટલે જ કદાચ ડો. આંબેડકર મારા હૃદયમાં માનવતું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. આટલા વર્ષોમાં ડો.આંબેડકરે લખેલાં પુસ્તકો અને સાહિત્યમાંથી ઘણાં અંશે પસાર થયો છું. તેથી માત્ર એમને એક સમાજ પૂરતા સીમિત કરવા યોગ્ય નથી. તેમના સાહિત્યમાં નજર કરતાં ડો. આંબેડકર એક મહાન રાષ્ટ્ર પુરુષ તરીકે ઉભરી આવે છે.ડો. આંબેડકરે ભારતીય સંવિધાન ઘડવામાં અહમ ભૂમિકા ભજવી છે. જે આખું વિશ્વ જાણે છે.તેમણે ન માત્ર પોતાના સમાજ હિત પરંતુ સમગ્ર ભારતીયોનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય તેવું અદ્ભૂત સંવિધાન ઘડી ભારત દેશની જે સેવા કરી છે તે ડો. આંબેડકરનું ઋણ ભારતીયો સદીઓ સુધી યાદ રાખશે. અન્ય પણ કેટલીય સેવા ડો. આંબેડકરે આ દેશની કરી છે. જે આ નાના લેખમાં લખવી શક્ય નથી. જોકે ડો. આંબેડકરની પ્રતિભા પરિચયની મોહતાજ નથી. તે છતાં એમનું "હું પહેલાં પણ ભારતીય છું અને અંતે પણ ભારતીય છું..." આ વાક્ય જ એમની મહાન દેશ ભક્ત તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી દેય છે.

ઘણાં એવી દલીલ કરે છે કે ડો. આંબેડકરે સ્વતંત્રતાના સંગ્રામમાં કેમ કશું ફાળો ના આપ્યો ?
તોનો જવાબ આ રીતે આપી શકાય કે,ડો. અંબેકરની દીર્ઘદ્રષ્ટિ ખૂબ  વિશાળ અને તેજ હતી. તેઓ દેશ પર આવનારી કોઈ પણ સમસ્યા કે પ્રશ્નને પહેલીથી ભાંખી લેતાં હતાં. તેઓ એ જાણી ચૂક્યાં હતાં કે ભારત દેશ બે પ્રકારની ગુલામીમાં સપડાયેલો છે. એક વિદેશી અંગ્રેજોની ગુલામીથી અને બીજી જાતિવાદની ગુલામીથી. અંગ્રેજોના ગુલામો સવર્ણ હતાં. પરંતુ ગુલામ સવર્ણના ગુલામ બહુંજનો હતો. એ ડો.આંબેડકર જાણી ચૂક્યા હતાં. ડો.આંબેડકરને ખબર હતી કે દેશ એક દિવસ જરૂર અંગ્રેજોની ગુલામીથી આઝાદ થઈ જશે પરંતુ  ધર્મ અને અસ્થાનાં નામે દેશમાં જે જાતિવાદ અને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી છે. એ ગુલામીમાંથી દેશના લોકો ક્યારેય બહાર નહીં નીકળી શકે અને તેથી જ ડો. આંબેડકરે જાતિવાદ અને અંધશ્રદ્ધાથી પીડાતાં દેશને મુક્ત કરવા બહુ પહેલાં અને વહેલાં પ્રયત્નો શરૂ કરી દીધા હતાં. કેમ કે ડો.આંબેડકર જાણતાં હતાં કે ધર્મ અને આસ્થાનાં નામે દેશમાં ફેલાયેલ જાતિવાદ અને અંધશ્રદ્ધા જો સમય રહેતાં દૂર નહીં કરવામાં આવે તો એ ભવિષ્યમાં દેશની એકતાને ખંડિત કરશે અને બંધુત્વની ભાવના ક્યારેય દેશમાં પ્રસ્થાપિત નહીં થઈ શકે. તેથી રાષ્ટ્ર પુરુષ, મહા મહાન ડો.આંબેડકરે દેશને અને દેશનાં લોકોને જાતિવાદ અને અંધશ્રદ્ધાથી દૂર કરવા આજીવન પ્રયત્નો કર્યા હતાં અને એમાં મોટા ભાગે સફળ પણ રહ્યાં હતાં. એમણે પોતાનું સમગ્ર જીવન અને શક્તિ આ કાર્ય માટે ખર્ચી નાખી હતી. એક તરફ જ્યારે આખો દેશ અંગ્રેજોની ગુલામીથી મુક્ત થવા પ્રયત્નો કરતો હતો ત્યાંરે બીજી બાજુ માત્ર એકલાં ડો. આંબેડકર જાતિવાદ અને અંધશ્રદ્ધાની ગુલામીમાં સપડાયેલા ભારત દેશને આઝાદ કરવા પ્રયત્નો કરતાં હતાં. તેમનાં આ સાહસ, અડગ મન અને શક્તિ સામે કદાચ હિમાલય પણ કાંકરા સમાન ગણી શકાય. 

                        આવા પ્રખર દેશ ભક્ત ભારતને મળવા એ દેશનું અહોભાગ્ય ગણાય ! પરંતુ એક દિપક ત્યાં સુધી જ પ્રકાશ આપી શકે જ્યાં સુધી એમાં તેલ અથવા ઘી હોય એમ ડો. આંબેડકરે પણ ત્યાં સુધી ભારત દેશને જાતિવાદ, પાખંડવાડ અને અંધશ્રદ્ધાની ગુલામીમાંથી ભરાતીયોને આઝાદ કરવા પ્રયત્નો કર્યા જ્યાં સુધી તેમના શરીરમાં દિવ્ય ચેતના હતી. તે દિવ્ય ચેતના છ ડિસેમ્બર 1956 ના દિવસે પ્રકૃતિમાં વિલીન થઈ ગઈ પરંતુ આજે પણ તેમના લખેલાં પુસ્તકો,તેમનું સાહિત્ય ભારતીયોનાં જીવનમાં જે જાતિવાદી માનસિકતાનું, પાખંડવાદનું અને અંધશ્રદ્ધાનું અંધારું ફેલાયું છે તેને દૂર કરવા દિવ્ય પ્રકાશ આપે છે, જ્ઞાન આપે છે. અને સદીયો સુધી આપતું રહેશે.નઅને તેથી દરેક ભારતીયોએ ડો. આંબેડકરને જીવનમાં એક વાર જરૂર વાંચવા અને સમજવા જોઈએ.


           મને જ્યારે જ્યારે સમય મળશે ત્યારે ત્યારે આપ સૌ બંધુજનોને હું ડો. આંબેડકર દ્વારા લિખિત પુસ્તકો અને એમનાં સાહિત્ય થકી એમનાં મહાન, વિરાટ વ્યક્તિત્વથી આપને અવગત કરાવતો રહીશ અને એમનાં સાહિત્યમાં રહેલું દિવ્ય તેજ આપણા સૌના જીવનમાં વ્યાપ્ત જાતિવાદ અને અંધશ્રદ્ધાના અંધારાને દૂર કરે તેવા પ્રયત્નો કરીશ. આ સાથે આટલું જ. ફરી મળીશું ત્યાં સુધી સપ્રેમ..
                                                                                                                            જય ભીમ...
                                                                                                                            જય ભારત...                                                                                                           

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...