Monday, June 15, 2020

15 જૂન એટલે "વાયુ દિવસ"- વિચારો શ્વાસ લેવા શુદ્ધ હવા જ નહીં હોય તો..!!??

     
                                                                                     લેખન -રાહુલ, વણોદ
                                                                                     મો.8000739976
                       
                           આજે 15 જૂન એટલે વાયુ દિવસ. આજ સવારમાં મારા whatsapp પર મારા એક મિત્રે "વાયુ દિવસ"ની શુભેચ્છા આપતો એક મેસેજ મને કર્યો આ ઉપરથી આજે વિચાર આવ્યો કે "વાયુ દિવસ"ના ઉપક્રમે વાયુ એટલે કે હવા વિશે લખવું થોડું મને જરૂરી લાગ્યું. મનુષ્યના જીવનને ટકાવી રાખવા સૌથી મહત્વનું  શું છે !!?
 આ પ્રશ્નનો સૌથી સટીક જવાબ એટલે હવા, પાણી અને ખોરાક. પણ તમને એમ પૂછવામાં આવે કે આ ત્રણમાંથી એ મુખ્ય પરિબળ કયું છે જે જીવન ટકાવી રાખવા ખૂબ જરૂરી અને અનિવાર્ય છે તો જવાબ આપણને આ જ મળશે કે "હવા" આજે વાયુ દિન નિમિત્તે હવા અને તેના મહત્વ વિશે જાણીએ અને હવા પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય અથવા ઓછું કરી શકાય તેના વિશે થોડું લખવાનું મન થયું છે. આપણા જીવનને ટકાવી રાખવા માટે જે પણ પરિબળો અથવા ચીજ વસ્તુઓની આપણેને જરૂર હોય એને આપણે ખુબ સાચવીએ છીએ પરંતુ જેના વગર તમારું મારું અને આપણા સૌનું જીવન શક્ય જ નથી તે હવાને શુદ્ધ રાખવા અથવા હવા પ્રદુષણ અટકાવવા આપણે શું કરીએ છીએ ? આ પ્રશ્ન જ્યારે આપણે આપણી જાતને પૂછીએ ત્યારે આપણેને આપણો અંતરરાત્મા ડંખે એવું નથી લાગતું !!?


                આજનનો મનુષ્ય પૈસા બચાવે છે, પોતાના માલસામાનની પણ સારી જાળવણી કરે છે. પરંતુ તેનું જીવન જે પરિબળો (હવા-પાણી પ્રકૃતિ)ના આધારે ટકી રહ્યું છે તેને બચાવવા કે જાળવણી કરવા કશું કરતો નથી. શ્વાસ લેવા જો હવા જ શુદ્ધ નહીં હોય તો મનુષ્ય જીવન જીવી શકે !!?
બિલકુલ નહીં.. એ તમે અને હું આપણે સૌ સારી રીતે જાણીએ છીએ તે છતાં આપણે હવા પ્રદૂષણ અટકાવવા કશું કરતા નથી તે જગજાહેર છે આ પૃથ્વી ઉપર રહેલા વૃક્ષો જંગલો પશુ પ્રાણીઓ દરેક જીવ પૃથ્વીને જાળવવા કશુંક ને કશુંક યોગદાન આપે છે પરંતુ પૃથ્વી પરનો માનવ એ એક જ એવો જીવ છે જે પૃથ્વી પાસેથી મેળવે તો ઘણું બધું છે પરંતુ આપતો કશું જ નથી. પૃથ્વી પરના જીવ અને જંગલોનું આજનો આધુનિક મનુષ્ય નાશ કરતો આવ્યો છે. જેનો બળાપો ઘણીવાર હું મારી કવિતામાં અને મારા મિત્રો સમક્ષ કાઢતો આવ્યો છું. પરંતુ આજે વાયુ દિવસ નિમિત્તે લખવું છે

     સૌ પ્રથમ તો એ કે હવામાં ફેલાતું પ્રદૂષણ એટલે શું છે ? કઈ રીતે ફેલાય છે ? વગેરે આપણે જોઇશું હવા પ્રદૂષણ એટલે હવામાં ફેલાતાં એવા રજકણો છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા સર્જાય છે. એ રજકણો મનુષ્ય શરીરમાં શ્વાસ માર્ગથી જાય  છે અને શ્વાસ પ્રક્રિયા, હૃદય અને ફેફસાંને ઘાતક અસર કરે છે. બીજી રીતે વાયુ પ્રદુષણ રાસાયણિક પદાર્થ, ગરમી અને પ્રકાશથી પણ ફેલાય છે. હવામાનમાં ફેલાયેલા આ રજકણો મનુષ્ય કે કોઈ જીવના કારણે જ ફેલાય છે એવું નથી હોતું. પરંતુ હવામાનમાં કુદરતી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે પણ ફેલાતા હોય છે.

                             પરંતુ આ રજકણો હવામાનમાં જ્યારે નિયત પ્રમાણ વટાવી દે છે ત્યારે તે પ્રદુષણમાં પલટાઈ જાય છે. હવામાં પ્રદૂષણ આધુનિક સમયમાં જ ફેલાયું છે એવું નથી. પરંતુ દરેક યુગમાં હવા પ્રદૂષણ ઓછાવત્તા અંશે થતું રહ્યું છે. જ્યારે પ્રાગ ઐતિહાસિક યુગ કહો કે પથ્થર યુગ હતો ત્યારે પણ મનુષ્ય પર્યાવરણને વત્તા ઓછા પ્રમાણમાં અસર કરતો હતો. જ્યારે બે પથ્થરોના ટકરાવવાથી અગ્નિ ઉત્પન્ન થવાની શરૂઆત થઈ ત્યારથી જ હવા પ્રદૂષણ થવાની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો હતો. પરંતુ કુદરતી પરિબળોને કારણે હવા પ્રદુષણ કંટ્રોલ થઈ જતું હતું પરંતુ સમય જતાં મનુષ્ય જાતિનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ હવા પ્રદૂષણ મોટા પાયે થતું ગયું અને કુદરતી પરિબળો પણ તે પ્રદૂષણને નિયંત્રણ કરવા અસમર્થ બન્યા. પરિણામે પૃથ્વી પર હવા પ્રદૂષણ વધ્યું અને એની માઠી અસરો મનુષ્ય અને પૃથ્વી પરના તમામ જીવોને પડી રહી છે.

                             પ્રાચીન સંસ્કૃતિમાં પણ હવા પ્રદૂષણને વેગ મળતો રહ્યો છે. મનુષ્ય ધાતુથી બનાવવાના સાધનોમાં પાણીનો ખૂબ ઉપયોગ કરવા લાગ્યો ઉપરાંત પ્રાચીન સંસ્કૃતિમાં કોહવાયેલી વનસ્પતિમાંથી બળતણ કરતાં તેનું પ્રમાણ વધવા લાગ્યું અને આવી ઘણી પ્રવૃત્તિઓએ હવા પ્રદૂષણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મધ્ય યુગના પ્રારંભે હવા પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો તેનું કારણ ઉદ્યોગની પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો તેમજ વસ્તીમાં થયેલો ઝડપી ઘટાડો હતો. પરંતુ ત્યાર બાદના સમયમાં ઉદ્યોગોમાં વધારો થયો કારણ કે લોકો નાણાં કમાવવાના હેતુથી ગામડું છોડીને શહેરમાં આવ્યા જેના કારણે ઉદ્યોગને વેગ મળ્યો. અને તેની સાથે સાથે હવા પ્રદુષણને પણ વેગ મળ્યો.

                               હવા પ્રદૂષણ વધવાના બીજા અન્ય ઘણા કારણો પણ જવાબદાર છે. મંદિરમાં થતી આરતી, ધુપ, દીવાથી પણ હવા પ્રદૂષણ વધે છે. ઉપરાંત કેટલીક ધાર્મિક ક્રિયાઓમાં લાકડા તેમ જ કોલસાનું દહન કરવામાં આવે છે. જેનાથી ધૂમાડો ઉત્પન્ન થાય છે. આ ધૂમાડામાં રહેલા રજકણો મનુષ્યના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધાનું વર્ચસ્વ ઘણું છે. ધાર્મિકતાને કારણે ફેલાયેલી અંધશ્રધ્ધામાં આધુનિકતાની કોઈ અસર નથી. જમાનો બદલાયો હોવા છતાં અંધશ્રદ્ધા અનેક રૂપે ફેલાયેલી છે.

                      ઉપરાંત આધુનિક સમયમાં જ્વલંત, બાંધકામ, ખાણકામ કૃષિ જેવી માનવસર્જિત પ્રવૃતિઓ હવા પ્રદૂષણને વધુ અસર કરે છે. અને સૌથી વધુ મોટર વ્હીકલ દ્વારા બાળવામાં આવતા ઇંધણના ધુમાડાથી ફેલાય છે. ચીન, અમેરિકા, રશિયા, મેક્સિકો અને જાપાન જેવા વિકસિત દેશો હવા પ્રદૂષણ ફેલાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત મુખ્ય હવા પ્રદૂષણ ફેલાવતા પરિબળોમાં કેમિકલ પ્લાન્ટ, કોલસનું દહન, પાવર પ્લાન્ટ, ઓઈલ રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ પ્લાન્ટ, પરમાણુ કચરાનો નિકાલ જેવી પ્રવૃતિઓ, ભઠ્ઠીઓ, મોટા પ્રમાણમાં ઢોરઢાંખર,  પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને અન્ય ઉદ્યોગોનો સમાવેશ કરી શકાય છે. ઉપરાંત જંગલી પ્રદેશો સાફ કરવા, જંગલો અને વનસ્પતિઓનું  નિકંદન નિકાળવું તેમજ જંતુનાશક દવાઓ અને હાઈડ્રોક્સાઈડનાં ઉપયોગને કારણે પણ કૃષિ વાયુ પ્રદુષણ ફેલાય છે.


                    બીજા વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. કેમ કે વિશ્વ યુદ્ધ દરમિયાન વાપરવામાં આવેલા શસ્ત્રો, અણુશસ્ત્રોના કારણે કિરણોત્સર્ગી અસર ફેલાઈ હતી. જેની ખૂબ જ ગંભીર અસરો થઇ હતી. આ કારણે લંડનમાં 1952 માં બનેલી "the great smog" આપત્તિને કારણે લંડનમાં ઓછામાં ઓછા આઠ હજાર લોકોના મોત થયા હતા. આ ઉપરથી ચિંતિત થઈ દરેક દેશોએ હવા પ્રદૂષણ અટકાવવા વિવિધ કાયદાઓ ઘડ્યા હતા.
વિશ્વમાં હવા પ્રદુષણ અંગેનો સૌ પ્રથમ ગ્રંથ 9મીથી 13મી સદી દરમિયાન લખાયેલો છે. આ ગ્રંથમાં વાયુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનની દુષિતતા વગેરેનો સમાવેશ કરી એની સમીક્ષા કરવામાં આવી છે. દરિયાઈ કોલસાના ઈધણને કારણે ફેલાતાં ધુમાડાને કારણે હવા પ્રદૂષિત વધ્યું હતું તેથી 1272 માં લંડનનાં કિંગ એડવર્ડ પહેલાએ એની ઉપર પ્રતિબંધ લાદ્યો હતો.


                      આધુનિક સમયમાં ઔદ્યોગિક ક્રાંતિ મોટા પ્રમાણમાં થઈ છે પરંતુ તેની સાથે સાથે હવા પ્રદુષણ પણ વિશ્વમાં ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે જે ગંભીર ચિંતન અને ચિંતાનો વિષય છે. હવા પ્રદૂષણ સમગ્ર પૃથ્વી પર વસતા જીવો અને ખાસ તો મનુષ્ય ઉપર ખૂબ જ ઘાતક પુરવાર થયું છે. હવા પ્રદૂષણની મનુષ્ય ઉપર શું ગંભીર અસરો થઇ અને હવા પ્રદુષણને રોકવા શું પગલાં ભરવા તે ફરી ક્યારેક લખીશ. તે લેખન મર્યાદાના કારણે અટકાવું છું. પરંતુ સમગ્ર મનુષ્ય જાત પ્રકૃતિ દેન છે તેથી પૃથ્વી પર મનુષ્ય જીવન ટકાવવા માટે પર્યાવરણની જાળવણી કરવી અનિવાર્ય બની છે અને તેના માટે હવા પ્રદૂષણ અટકાવવુ ખુબ જરૂરી બની ગયું છે.

2 comments:

  1. Very nice rahulbhai....mst article chhe....🙏🏻🙏🏻💝💝💝👍

    ReplyDelete
    Replies
    1. જી સાહેબ આભાર.. આપનો પરિચય આપો

      Delete

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...