Saturday, June 6, 2020

તમારે મન પ્રથમ વરસાદ કેટલો મહત્વનો..!!?


                                                                                               - "મારી અંગત ડાયરીમાંથી."
           

          વરસાદ વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. મેં અને તમે ઘણું વાંચ્યું અને સાંભળ્યું પણ હશે. પરંતું આજે મારે તમારી સમક્ષ મૌસમના પ્રથમ વરસાદની વાત કરવી છે. ઉનાળો જ્યારે વિદાય લઈ રહ્યોં હોય અને ચોમાસાની ખેડૂતો આતુરતાથી રાહ જોતાં હોય એવામાં ચોમાસાનો પહેલો વરસાદ એ દરેકના હૃદયમાં આનંદની એક લહેર પ્રસરાવી જાય છે. મોસમનો પ્રથમ વરસાદ ઘણાંના માટે યાદગાર બની જાય છે.

           જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય, ધરતી તપીને બંજર થઈ ગઇ હોય વૃક્ષો શુષ્ક થઈ ગયાં હોય એવામાં ગાજવીજ અને પવન સાથે પ્રથમ વરસાદ આવી પડે. પ્રથમ વરસાદનાં એ છાંટાઓમાં ભીંજાવું કોને ન ગમે ? જ્યારે પ્રથમ વરસાદનાં એંધાણ હોય ત્યારે દરેક નાના મોટા વ્યક્તિઓનાં ચહેરા પર એક અનોખી આનંદની લાગણી જોવાં મળે છે. એમાં ખેડૂતો,નાના બાળકો અને મોર તો ટેહુક... ટેહુક... કરીને નાચી જ ઉઠે !! પ્રથમ વરસાદની તૈયારી હોય ત્યારે વીજળીના એ ચમકારા હૃદય આનંદનું અજવાળું ભરી જતાં હોય છે.




           હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે વર્ષાઋતુ વિશે નિબંધ લખવાનું શાળાના શિક્ષક કહેતાં ત્યારે વર્ષાઋતુ વિશે નિબંધ લખવો બહુ ગમતો. તમે બધાએ પણ પ્રાથમિક શાળામાં ક્યારેક તો  વર્ષાઋતુ વિશે નિબંધ લખ્યો જ હશે. યાદ કરો તમે તે નિબંધમાં શું શું લખતાં હતાં !? વરસાદમાં ભીંજાવવું દરેક ને ગમે પરંતું જ્યારે આપણે બાળ અવસ્થામાં હોઈએ ત્યારે તો વરસાદ મિત્ર સમો લાગતો હોય છે. પ્રથમ વરસાદ પછી માટીમાંથી નીકળતી સુગંધ પ્રકૃતિના પરફ્યુમની સુગંધ છે.બાળ અવસ્થામાં આપણે પોતાના સ્વાસ્થની, કપડાંની પરવાહ કર્યા વગર વરસાદમાં ભીંજાઇએ છીએ. હાલની પેઢીને કદાચ આપણાં બાળ કાવ્યો યાદ નહીં હોય આવનારી પેઢી એ ભૂલવા લાગી છે. પરંતુ છેલ્લી પેઢીના બાળકો વરસાદમાં આનંદથી ગાતાં કે,
 "આવ રે.. વરસાદ..
 ઢેબરીયો વરસાદ.."

    
          અને બાળ બુદ્ધિથી "વરસાદ"ની જગ્યાએ "પરસાદ" શબ્દ બોલતાં એ આજે સમજાય છે ત્યારે હસવું આવે છે અને સાથે થોડાં આંસુ પણ કેમ કે એ સમયે ભલે વરસાદ બોલતાં કદાચ નહતું આવડતું પરંતુ એ વરસાદની ખરી મજા માણતા ચોક્કસ આવડતું હતું. આજે વરસાદ ઉપર કદાચ આપણે પી.એચ.ડી કરી લઈને પણ વરસાદનો ખરો આનંદ લઈ શકીએ ખરા !? તમે કદાચ વરસાદમાં પલળતાં પલળતાં મિત્રો સાથે આ બાળ ગીત ગાયું હોય તો તમે નસીબદાર છો કેમ કે તમે મોબાઈલ વગરની પેઢીના બાળક છો./હતાં. પરંતુ જેમ જેમ આપણે મોટાં થતા જઈએ, ઉમર વધતી જાય. તેમ તેમ આપણે વરસાદને અલગ અલગ દ્રષ્ટિથી જોતાં અને માણતા થઈએ છીએ. જૈન ધર્મમાં વર્ષાઋતુને ચાતુર માસ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક સમયે(કદાચ હાલ એ જ પ્રથા ચાલુ હોઈ શકે) જૈન સાધુઓ, સંતો વર્ષાઋતુનાં ચાતુર માસ કોઈ એક જગ્યાએ જ રહીને ગાળતા એનો અનેરો મહિમા અને મહત્વ છે જૈન ધર્મમાં.

         પહેલો વરસાદ વરસે એટલે સ્ત્રી, પુરુષ, બાળકો નાના મોટા સૌ એમાં ભીંજાવવાની મજા માણવા આતુર હોય છે. ખેડૂતો "હાશકારો" અનુભવે છે. પ્રથમ વરસાદના પાણીમાં નાના બાળકો છબછબિયા કરતાં જોવા મળે છે. મોર કળા કરી પોતાનો આનંદ વ્યક્ત કરે છે. પ્રકૃતિ પણ જાણે સોળે કળાયે ખીલી ઉઠે છે. પ્રથમ વરસાદમાં વૃક્ષોની ડાળીઓ અને પાંદડાઓ પર ધૂળ જામી ગઈ હોય છે એ દૂર થાય છે એટલે જાણે પાણીમાં ન્હાઇને સ્વચ્છ થઈને વૃક્ષો પ્રથમ વરસાદ આવવાની ખુશી માણતા ઊભાં હોય એવું લાગે છે. પ્રકૃતિ જાણે ફરી જીવંત થઈ ગઈ હોય એવું લાગે છે. પ્રથમ વરસાદ પછી ધરતી ઉપર ઘાસ ઉગવાની શરૂઆત થાય છે.

         પ્રથમ વરસાદનો આનંદ ઉલ્લાસ ઘણાં પ્રેમીઓ માટે શ્રાપ બનીને પણ આવે છે જેમના પ્રિયતમ, પ્રેમી અથવા પતિ, પત્ની એમનાંથી દૂર હોય. પરંતું નવ પરણિત અથવા જેમના ટૂંક સમયમાં જ લગ્ન થવાના હોય એવા પ્રેમીઓ પ્રથમ વરસાદમાં એકબીજા સાથે હોય ત્યારે પ્રથમ વરસાદ એમના માટે વરદાન બનીને આવે છે. પ્રેમીઓને મન જ્યારે એકબીજાનો હાથોમાં હાથ હોય અને પ્રથમ વરસાદમાં ભીંજાવવાં મળે પછી ખુદાની પણ શું જરૂર ! પ્રથમ વરસાદના મિલનના સુખને રમેશ પારેખે પોતાનાં ગીતમાં ખૂબ અદ્ભૂત રીતે રજૂ કર્યું છે જુઓ,

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં,
 તારું પહેલા વરસાદ સમું આવવું
  હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિંતા ધોધમાર સામસામે આપણે
   ઊભાં રહ્યાંનું પૂર આવવું..



            વાત પણ સાચી છે જ્યારે પોતાનાં પ્રિય પાત્રનો હાથ પોતાનાં હાથોમાં હોય અને પ્રથમ વરસાદમાં ભીંજાવવાની તૈયારી સાથે હોય, ત્યારે તે ક્ષણ સ્વર્ગ સમાન ન લાગે તો જ નવાઈ ! પ્રથમ વરસાદ પ્રેમીઓ માટે રોમેન્ટિક વાતાવરણ પૂરું પાડે છે પછી પ્રેમ શાને ના જાગૃત થાય !? દરેક પ્રેમીને એમનાં પ્રિય પાત્ર માટે પ્રથમ વરસાદની જેમ જ હૃદય હિલોળે ચડે છે. અને પ્રેમમાં બંનેને એકબીજાના હૃદયની અંદર, પ્રેમમાં વરસાદની માફક વહી જવું હોય છે.અને પોતાનાં પ્રિયતમનાં હૃદયની ધરતીમાં વરસાદના પાણી જેમ પ્રેમથી રેલમછેલ થવાનું મન થઇ આવે છે. અંતરની ઈચ્છાઓના વાદળ બંધાતા હોય ત્યારે સામે એના પ્રીતમને પણ એટલી ઈચ્છા હોય પોતાના પ્રેમી સાથે મન મુકીને વરસી જવાની.

           ફિલ્મોમાં જ્યારે બે પ્રેમીઓને વરસાદમાં ભીંજાતાં બતાવવામાં આવે છે ત્યારે એ સુખનું ઘોડાપુર ક્યાંકને ક્યાંક ફિલ્મ જોનાર પ્રેક્ષકોનાં હૃદય સુધી આવતું હોય છે. આ સુખ વર્ણવી ના શકાય એને પોતાનાં પ્રિય પાત્ર સાથે વરસાદમાં ભીંજાઈને જ અનુભવી શકાય. આ અનુભવ વગરનો માણસ હૃદયની લાગણીઓથી જીવનભર શુષ્કતાં અનુભવે છે.
પરંતુ એ સુખ ક્યારેક દુઃખ પણ ઉત્પન્ન કરે છે. જ્યારે આગલા વર્ષે વરસાદ તો હોય પણ એ પાત્ર ન હોય જેની સાથે તમે ભીંજાય હોવ ત્યારે પ્રથમ વરસાદ પીડાદાયક બની જાય છે.વરસતા વરસાદના એ છાંટા વિરહી પ્રેમીઓનાં હૃદયમાં આગ લગાવતાં હોય છે. એ આગ ક્યારેક કાગળ પર તો ક્યારેક મહેફિલોમાં ગવાતાં ગીત, ગઝલમાં અને શ્રોતાઓની "વાહ.." માં વ્યક્ત થાય છે. અથવા ક્યારે છાનાછુપે આંખોના ખોણામાં ઉભરાઈને શમી જતાં હોય છે.
         કોઈ તમારી કાળજી રાખતું હોય, ચિંતા કરતું હોય અને એનું કારણ જો વરસાદ હોય અને પછીના વરસાદમાં એ વ્યક્તિ તમારી સાથે ના હોય તો વેદનાંનું વંટોળ હૃદયમાં ફરી વળે છે.અને સુખ અને ઉત્સાહના ઘરને ધ્વસ્ત કરી નાખે છે.એવી વેદના જે માં ના મૃત્યુ બાદનાં પ્રથમ વરસાદમાં અનુભવાય એ વાત શ્રી સૂર્યા પરમાર નામના એક કવિ પોતાની કવિતામાં ઠાલવી છે જુઓ,



                 તેના વિનાનો પ્રથમ વરસાદ
                 પેહલા તે કરતી મને સાદ
                  આજે એ કરુ છુ યાદ

                 સાચવીને જજે
                 બોવ ના નઇશ
                 ઠંડી ચઢી જશે
                 બિમાર થઈશ

                 તેના વિનાનો પ્રથમ મેઘનાદ
                 પેહલા તે કરતી મને સાદ
                 આજે એ કરુ છુ યાદ

                  છત્રી રેઇનકોટ
                  લઇને જજે
                  કપડા જૂના
                  પેરીને જજે

                  તેના વિનાનો પ્રથમ ઘુંઘવાટ
                  પેહલા તે કરતી મને સાદ
                  આજે એ કરુ છુ યાદ

                   વહેલો ખાઈ લે
                   લાઇટ જશે
                   ચોમાસે વહેલું
                   અંધારું થશે

                  તેના વિનાનો પ્રથમ ગડગડાટ
                 પહેલા તે કરતી મને સાદ
                 આજે એ કરુ છુ યાદ

                  જીન્સ ના પહેરીશ
                  સુકાતા નથી
                  સૂરજદાદા જોને
                  દેખાતા નથી

                 તેના વિનાનો પ્રથમ ચમકાટ
                 પહેલા તે કરતી મને સાદ
                 આજે એ કરુ છુ યાદ

                  આવશે મંકોડા
                 બારણું કર બંધ
                  પાંખો વાળા
                જશે નહી ગંધ

                 તેના વિનાનો પ્રથમ સુસવાટ
                પહેલા રે કરતી મને સાદ
                આજે એ કરુ છુ યાદ

                 મીણબત્તી આપ
                 દિવાસળી આપ
                  ડબ્બો આપ
                 ઉપર સળગાવી આપ

                  તેના વિનાનો પ્રથમ વરસાદ
                 પેહલા તે કરતી મને સાદ
                 આજે એ કરુ છુ યાદ.

                         શું ક્યારેય તમેં કોઈને એકલા એકલાં વરસાદમાં ભીંજાતાં જોયાં છે !? કદાચ તમારો જવાબ ના હોઇ શકે અને હા હોય તો માર્ક કરજો એ વ્યક્તિ ખુશ નહીં હોય. વરસાદમાં એ વ્યક્તિ ભીંજાતો હશે પણ અંદરથી તો એ સળગતો હશે. પોતાનું પ્રિય પાત્ર સાથે ના હોવાનું દર્દ એ આંખો દ્વારા બહાર કાઢતો હશે પરંતુ વરસતા વરસાદમાં એ વહી જતાં દર્દને એ જ જોઈ શકે છે. જે સામેના વ્યક્તિને અંદરથી ઓળખતો હોય. એક વાર્તા મેં વાંચી હતી જેમાં પ્રેમિકા એના પ્રેમીને ચાલું વરસાદમાં છોડીને જતી રહે છે. અને પછી દરેક વસરતા વરસાદમાં એ પ્રેમીને એની પ્રેમિકાની યાદ આવ્યાં કરતી હોય છે. વરસતા વરસાદમાં કોઈ આપણાથી છૂટું પડ્યું હોય એ બહુ યાદ આવતું હોય છે. વરસાદના એ વરસતા ટીપાં હૃદયને દઝાડે છે.
                    એવા વ્યક્તિ પણ મેં જોયા છે જેને વરસાદમાં ભીંજાવવું હોય છે પણ ઘર જાણે જેલ હોય એમ એ બહાર નથી નીકળી શકતાં અને ઘરની બારીના સળિયામાંથી વરસતા વરસાદને ચૂપચાપ ખામોશીથી નિહાળતા હોય છે. એ લોકો શરીરથી નથી ભીંજાયા હોતાં પણ અંદરથી ભીંજાઇ ગયાં હોય છે.એવા લોકોની ખામોશી બહુ દોઢ ડાહી હોય છે. એ ખામોશી ઘણું બધું બોલતી હોય છે.વરસતા વરસાદમાં એમની આંખો સપના વિનાની સાવ કોરી હોય છે.શાયદ એ આંખોમાં કશુંક ફરિયાદ હોય છે ઘરની અંદર રહેલ એ વ્યક્તિ જ્યારે બારી બહાર વરસતો વરસાદ જુએ છે ત્યારે મનોમન કહેતી હોય છે કે તું શા માટે વારસે છે !!?  નજર ઉઠાવીને જોશો તો આવા લોકો તમારી આજુબાજુ જ મળી આવશે.  શક્ય હોય તો એમની બાજુ મિત્ર ભાવે થોડું વ્હાલનું ઝાપટું વરસાવી જોજો. એ  એક પ્રકારની ઈશ્વર ભક્તિ જ છે.


                   કેટલાક લોકો વરસાદમાં છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને નીકળતા હોય છે. એમાંથી ઘણાં ઇચ્છતા હોય છે કે છત્રી બંધ કરી દે અથવા રેઇનકોટ કાઢીને વરસાદમાં મન મૂકીને ભીંજાય. પરંતુ એ એમ નથી કરી શકતા એ લોકો છત્રીની સાથે સાથે જવાબદારી પણ ઓઢીને નીકળતા હોય છે.
              વરસાદ એટલે કે વર્ષાઋતુ મનુષ્યમાં કામ ઉત્તેજના ઉત્પન્ન કરે છે તેથી પરિણીત સ્ત્રીનો પતિ/પત્ની પરદેશ ગમન માટે ગયા હોય ત્યારે સ્ત્રી કે પુરુષની સ્થિતિ કફોડી થાય છે. એ વિરહની અગ્નિ અસહનીય બની જાય છે.પોતાનો પતિ,પત્ની કે પ્રેમી પાસે ન હોય તો  વરસાદ દુશ્મન લાગે છે અને પાસે હોય તો સ્વર્ગ સમાન !
જ્યારે પ્રિયતમ સાથે ન હોય ત્યારે પ્રથમ વરસાદની નિર્થકતા દર્શાવતાં કવિ ભગવતી શર્મા લખે છે,

"હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં,
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ,
અને મધમધતો સાદ એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ, મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં,
મોર આભે,મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં,
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હબકારા,
લઈને આવે ઉન્માદ એવું કાંઈ નહીં..!!"

                    પ્રથમ વરસાદ પછી તૃપ્તિનો અહેસાસ પ્રકૃતિને થાય એમ જ નવયોવનાને પણ પ્રથમ વરસાદમાં પોતાના પિયુને મળતાં તૃપ્તિનો અહેસાસ થાય છે.

છેલ્લે..
       ચોમાસામાં વરસાદ તો વરસવાનો જ છે પરંતુ જીવનમાં પ્રથમ વરસાદનું મહત્વ સમજવું અને પ્રથમ વરસાદનો અનુભવ કરવો એ જીવનનો એક લ્હાવો છે જો એ તમે અનુભવી કરી શકો તો તમે અંદરથી હજુ જીવંત છો..

                                                                                              - રાહુલ, વણોદ
                                                                                           મો.8000739976

No comments:

Post a Comment

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...