Thursday, June 11, 2020

"ડો. બાબા સાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષર દેહ ગ્રંથ-૧" વિશે..

           
                                                                                                           લેખન -રાહુલ, વણોદ
                                                                                                             મો.8000739976
           
જય ભીમ પ્રિય બંધુજનો...  

              ગયા લેખમાં આપણે વાત કરી હતી કે કઈ રીતે મને મહામહાન એવા ડો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના દેશ પ્રેમ વિશે પરિચય થયો અને કઈ રીતે એમણે દેશને સાચી માનવતાની રાહ બતાવી અને એમણે લખેલા પુસ્તકો કે સાહિત્ય થકી ભારતીયોનું જીવન ધન્ય કર્યું. હવે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલાં સાહિત્યમાં ડૂબકી મારીશું અને એમાં રહેલા જ્ઞાન રૂપી મોતીને બહાર લાવીશું અને જીવનમાં ઉતારીશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે જ્યારે હું નહીં હોવ ત્યારે મારું સાહિત્ય આ સમસ્ત વિશ્વને માનવતાનો રાહ બતાવશે. તેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સમજવા માટે આપણે એમના સાહિત્યને સમજવું જરૂરી બની જાય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું વાંચન વિશાળ હતું તેમના ઘરમાં જ એક મોટું પુસ્તકાલય હતું જેમાં લગભગ ૫૦૦૦ થી વધુ પુસ્તકો હતા તો એમના વાંચનને જોતા સમજી શકાય છે કે એમનું સાહિત્ય વિશાળ કેટલું હશે !!? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વિશાળ માત્રામાં સાહિત્યસર્જન કર્યું છે, પુસ્તકો લખ્યાં છે પરંતુ તેમના સમગ્ર જીવન ચરિત્ર અને કાર્યોથી પરિચિત થવું હોય તો સૌપ્રથમ આપણે એમના 24 વોલ્યુમ (જોકે મોટાભાગે પુસ્તકો છે જેમાં તેમનું સંપૂર્ણ સાહિત્યમાં સમાવવામાં આવ્યું છે) પાસે જવું પડે તો મતલબ કે ચોવીસ વોલ્યુમ (ગ્રંથ)વાંચવા પડે ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિશાળ વ્યક્તિત્વનો આપણે થોડો ઘણો તાગ મેળવી શકીએ અને તેથી જ આપણે ચોવીસ ગ્રંથોનો વિગતવાર અભ્યાસ કરીશું.

                                                          ◆ ગ્રંથ ૧ ◆

આ ગ્રંથનું પ્રકાશન વર્ષ ૧૯૯૩ છે જે કલ્યાણ મંત્રાલય ભારત સરકાર વતી પ્રકાશન વિભાગ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે પુસ્તક વિશે વિગતે એ પુસ્તકમાં માહિતી આપવામાં આવી છે. પરંતુ એ આપણે આગળ જોઈશું અને એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનાં વિચારો અને સાહિત્ય વિશે ચર્ચા કરીશું.
      પુસ્તકનું નામ "બાબાસાહેબ ડોક્ટર આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ ૧" છે જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના લખાણો, ભાષાનો અને પત્રો વગેરેનો સંગ્રહ થયેલો છે. પુસ્તકમાં સંપાદકીય પછી અનુક્રમણિકા આવે છે જેમાં પુસ્તક ત્રણ ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેમાં ખંડ ૧ માં જ્ઞાતિઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી છે ડોક્ટર આંબેડકરે ૯ મે ૧૯૧૬ ને દિવસે "ધ કોલંબિયા યુનિવર્સિટી ન્યુયોર્ક" અમેરિકા ખાતે આ ગોલ્ડન વિઝરનાં માનવશાસ્ત્ર પરિસંવાદમાં વંચાયેલો નિબંધ છે. જેમાં ભારતમાં હિન્દુ ધર્મમાં રહેલી અનેક નાની-મોટી જ્ઞાતિઓનાં ઉદ્દભવ અને તે જાતિઓને અન્ય ઉચ્ચ જાતિઓ દ્વારા થતાં અન્યાય, અત્યાચાર વિશે ડોક્ટર આંબેડકરે પ્રકાશ પાડ્યો છે. તેમણે જાતિઓમાં જ લગ્ન કરવા અને અન્ય જાતિઓ લગ્ન નહીં કરવા જેવી હિન્દુ ધર્મની પરંપરાઓનું ખંડન કર્યું છે. અને આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપ્યું છે એ ઉપરાંત એમણે આ નિબંધમાં હિન્દુ ધર્મમાં જે તે સમયે પ્રવર્તતી સતીપ્રથાનો પણ ઉલ્લેખ કર્યો છે અને આવી અમાનુષી પ્રથા ભારતીય સમુદાય માટે કલંક જેવી ગણાવી છે
 
         ડોક્ટર આંબેડકરે હિન્દુ સમાજની મહિલાઓ ઉપરથી અન્યકારી પ્રથાઓ પુરુષ પ્રધાન વિચાર દ્વારા થોપવામાં આવી છે એને પણ મહિલા સશક્તિકરણની આડે આવતું પ્રેરકબળ ગણાવ્યું છે. જેમ કે સતીપ્રથા, ફરજિયાત વૈદ્યવ્ય અને બાળ લગ્ન જેવી પ્રથાઓ મહિલાઓના વિકાસને અવરોધે છે. અન્ય બીજી પ્રથાઓનું પણ ડોક્ટર આંબેડકર ખંડન કરે છે અને આ બધા માટે જાતિવાદ જવાબદાર છે એવું ડોક્ટર આંબેડકર માનતા હતા. તેઓ કહે છે કે મારું માનવું છે કે જ્ઞાતિના સર્જનના માળખા માટે તેમની પ્રથાઓઓ જરૂરી હતી અને તેથી તે પ્રથાઓને સદીઓથી પ્રોત્સાહન અપાતુ હતું.
 
            જ્ઞાતિઓના ઉદ્દભવ અંગે તેઓ કહે છે કે સૌપ્રથમ બ્રાહ્મણોએ જ પોતાની અલગ જ્ઞાતિ અથવા સમૂહ બનાવ્યું હશે અને આ જ્ઞાતિ પ્રથાને તેઓ એ જ પ્રોત્સાહન આપ્યું છે એમ તેઓ માનતા હતા અને ત્યારબાદ જ્ઞાતિપ્રથા સમગ્ર ભારતમાં કઈ રીતે લાદવામાં આવી તેનું વિસ્તૃત વિગતે વર્ણન આપે છે.
 
          ડોક્ટર આંબેડકરનું માનવું હતું કે છે કે જ્ઞાતિ પ્રથા જેવી અમાનવીય પ્રથા કોઈ મોટા સમુહ કે સમાજ ઉપર થોપવી એ કોઇ એક વિશેષ વર્ગ દ્વારા શક્ય નથી. ક્યાંકને ક્યાંક અન્ય વર્ગોને આ પ્રથાને સ્વીકારી છે. પછી એ સ્વીકારવા માટે એ વર્ગોને ધાર્મિક-સામાજિક લાલચ આપવામાં પણ આવી હોઈ શકે પરંતુ છતાં હું મારા મતને સર્વેસર્વા ના ગણાવી શકુ.
   
       ઉપરાંત 1915-16 ની આસપાસ લાહોરમાં "જાત-પાત તોડક મંડળ"ની રચના થઈ હતી એમાં ડૉ.આંબેડકરને પ્રવચન માટે આમંત્રણ મળ્યું હતું. ડોક્ટર આંબેડકરે પ્રવચન લખી મંડળના સભ્યોને મોકલાવ્યું પરંતુ મંડળના સભ્યો અને એમાંય ખાસ તો મંડળના મંત્રી શ્રી સંતરામને આ પ્રવચન ન ગમ્યું. તેમનું કહેવું હતું કે આ પ્રવચન જાહેરમાં કરવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાશે તેથી આ પ્રવચનમાં રહેલા કેટલાક શબ્દો અને ફકરા કાઢી નાખવામાં આવે. પરંતુ ડૉ આંબેડકર આ વાત સાથે સહમત ન થતાં અધિવેશન રદ કરાયું હતું અધિવેશન થયું આ વાંચી વાંચકોને થશે કે ડૉ. આંબેડકરે જે પ્રવચન લખ્યું હતું એ કેવું હતું !? એ જણાવું તો એ પ્રવચનમાં ડોક્ટર આંબેડકરે નિર્ભય થઈને હિંદુ ધર્મમાં રહેલી કુપ્રથાઓ અને જાતિવાદને ઉદાહરણ સહિત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ પ્રવચનમાં હિંદુ ધર્મને જે સંપૂર્ણ સારો ધર્મ કહેતા હતા તેવા લોકોને જોરદાર તમાચો હતો.

      આ સિવાય બાબા સાહેબનાં પોતાના મત પ્રમાણેનો આદર્શ     સમાજ કેવો હોવો જોઈએ એનો જવાબ ખુદ આપ્યો છે.ડો. આંબેડકરે કહ્યું છે કે મારો આદર્શ સમાજ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા પર આધારિત હોવો જોઈએ આદર્શ સમાજ જડ નહીં પરંતુ પરિવર્તનશીલ હોવો જોઈએ ડોક્ટર આંબેડકરે પોતાના પ્રવચનમાં હિન્દુ ધર્મમાં પ્રવર્તી જાતિઓ અને તેના થકી હિન્દુ ધર્મની, સમાજની ખાસ કરીને નિન્મ ગણાતી જ્ઞાતિઓનું વર્ણન કર્યું છે અને હિન્દુ સમાજમાંથી આ દુષણ કઈ રીતે દૂર કરી શકાય એના વિશે પણ પોતાની વાત રજૂ કરી છે. ભાષણના અંતે ડો. આંબેડકરે કહ્યું કે એ હિન્દૂ ધર્મમાં માનનારા અને હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે સૂચન અને સૂચક બન્યું છે.
         સાથે જાતિ પ્રથા સામે લડતા તેમણે જે કષ્ટો સહન કર્યા તેના વિશે પણ લખ્યું છે કે, હું એક એવી વ્યક્તિ છું જેનો જાહેર પરિશ્રમ લગભગ સમગ્ર તથા દરિદ્ર અને દલિતોના સ્વાતંત્ર્ય માટેનો એક સતત સંઘર્ષ બન્યો છે અને જેને રાષ્ટ્રીય અખબારો તથા રાષ્ટ્રીય નેતાઓ તરફથી દુઃખોનો, ગાળોનો એકમાત્ર બદલો મળ્યો છે." આ સાથે જ તેઓ હિન્દુઓને કહે છે કે, "નિઃશંક જ્ઞાતિ મુખ્યત્વે હિન્દુઓનો શ્વાસ છે. પણ એ શ્વાસ થકી હિન્દુઓએ સર્વત્ર હવા દૂષિત કરી છે. અને મુસ્લિમ અને ખ્રિસ્તી બધાને તેનો ચેપ લાગ્યો છે.

 આથી જેઓ આ ચેપથી પીડાય છે તે બધાનો એટલે કે શીખ, મુસ્લિમ અને દરેક લઘુમતી કોમનો ટેકો હિન્દુઓને જ્ઞાતિ પ્રથા દૂર કરવા માટે મળવો જોઈએ. ખુદનું સ્વરાજ્ય મેળવવા કરતાં વધુ મહત્ત્વનું છે કે હિન્દુમાં વ્યાપ્ત જ્ઞાતિ પ્રથા દૂર કરવી જે ખુદના અને રાષ્ટ્રના માટે વિશેષ મહત્વનું છે. જ્યાં સુધી જ્ઞાતિ પ્રથા દૂર નહીં થાય ત્યાં સુધી સ્વરાજ્ય મેળવાનો કોઈ અર્થ નથી. ડોક્ટર આંબેડકર જાતિ પ્રથાને હિન્દુ ધર્મમાંથી નાબૂદ કરવા હિન્દુઓને પોતાના પ્રવચનમાં આહવાન કર્યું હતું. પરંતુ આ પ્રવચન ગાંધીજીએ વાંચ્યું અને તેથી  તેમણે
ડો.આંબેડકરને જ્ઞાતિ પ્રથાનો સમર્થન કરતો પત્ર લખ્યો હતો. ડો.આંબેડકરને મોકલેલા પત્રમાં ગાંધીજીએ જ્ઞાતિઓને પ્રોત્સાહન આપવા જે વિચારો રજૂ કર્યા હતા તે વિચારોના સ્પષ્ટ અને તાર્કિક જવાબ ડો.આંબેડકરે આપ્યા હતા. તેનો પણ ઉલ્લેખ પુસ્તકમાં મળી આવે છે.
   
       આ ઉપરાંત ૧૯૪૮માં જ્યારે દેશમાં ભાષા પ્રમાણે રાજ્યની વહેચણી કરવાની હતી ત્યારે પણ ડોક્ટર આંબેડકરે "ભાષાવાર પ્રાંત રચના પંચ" સમક્ષ લેખિત અરજી કરી હતી અને ભાષાવાર રાજ્યોની વહેંચણીમાં ફાયદા અને ગેરફાયદા જણાવેલાં. ડો.આંબેડકર માનતા હતા કે ભાષાવાર રાજ્યોની રચના થાય એમાં રાષ્ટ્ર ભાષા સમગ્ર દેશની એક જ હોવી જોઈએ. વહીવટી કામકાજ માટે દરેક રાજ્યની એક રાજ્ય ભાષા હોવી જોઈએ.જે તે રાજ્યની રાજ્ય ભાષા ભલે જુદી હોય.
   
આ ઉપરાંત મહાદેવ ગોવિંદ રાનડેના જન્મદિવસની ઉજવણીના એક કાર્યક્રમમાં ડોક્ટર આંબેડકર હાજર રહ્યા હતા. અને રાંડે વિશે અને તેમના કાર્યો વિશે વિગતે માહિતી મૂકી હતી.તેનું પણ વર્ણન પુસ્તક છે.તેમણે કહ્યું કે રાનડે પ્રખર સમાજસુધારક હતા તેમણે ભારતમાં ફેલાયેલા કુપ્રથાઓ જેવી કે બાળવિવાહ, સતીપ્રથા અને જાતિવાદ જેવા દુષણો સામે જીવનભર બંડ પોકાર્યો હતો. ડોક્ટર આંબેડકરે સમાજ સુધારક તરીકે તેમની કામગીરીને બિરદાવી હતી.
      ડોક્ટર આંબેડકરે કહ્યું હતું કે રાનડે ખરા અર્થમાં એક વિદ્વાન મહાપુરુષ હતાં. તેમની સમાજ સુધારાની પ્રવૃત્તિઓ એ વાતનું પ્રમાણ છે. ડોક્ટર આંબેડકરે રાનડે ના તે સમયના રાજકારણના તેમના સ્થાન અને જાહેર વ્યક્તિ તરીકે રાનડેનો પરિચય આપ્યો હતો.અને રાનડેને મહાપુરુષ તરીકે જોવાની અનોખી દૃષ્ટિ એ સમય ડૉ.આંબેડકરે આપી હતી. મહાપુરુષોમાં હોય તેવી સર્વતોમૂખી પ્રતિભા અને સંનિષ્ઠા રાનડેમાં હતી. આ ઉપરાંત ડો.આંબેડકરે તે સમયના વિદ્વાન મહાપુરુષોને ખૂબ જ નજીકથી  વાંચ્યા હતા અને તે મહાપુરુષોના અવતરણો તેઓ પોતાની વાતોમાં અને વિચારો ટાંકતા હતાં. ડો.આંબેડકર વ્યક્તિ પૂજાનાં વિરોધી હતાં. તેમનું કહેવું હતું કે વ્યક્તિપૂજા એ પૂજકને ભ્રષ્ટ બનાવે છે તેથી કોઈપણ મહાપુરુષને પૂજવા કરતાં તેના ઉત્તમ ગુણોને આત્મસાત કરવા એ જ મહાપુરુષને સાચી આદરાંજલી આપવા બરાબર છે.


             
                             આમ પ્રથમ ગ્રંથમાં ઉપરોક્ત તમામ બાબતોનો વિસ્તારપૂર્વક વર્ણન છે. આ ગ્રંથ સમગ્ર ભારતવાસીઓને વાંચવો જોઈએ.
         
                                                                                                                            -  ક્રમશ

No comments:

Post a Comment

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...