Friday, June 5, 2020

"ડો. આંબેડકર એક રાષ્ટ્ર પુરુષ"


                                                                                                                       
                                                                                                                             લેખક-  રાઠોડ રાહુલ, 
                                                                                                                              મો.8000739976

જય ભીમ,
 પ્રિય બંધુજનો...

નાનપણથી અનુસૂચિત સમાજના લોકોના દરેક ઘરમાં મને એક વ્યક્તિનો ફોટો જોવા મળતો. ત્યારે મારા બાળ માનસમાં પ્રશ્ન થતો કે આ વ્યક્તિ કોણ છે ? જેનો ફોટો (સમાજના)દરેક ઘરમાં જોવા મળે છે. સુટ બુટમાં સજ્જ, ભરાવદાર શરીર, આંખોમાં અજબ તેજ અને હાથમાં એક પુસ્તક. પાંચમું-છઠું ભણતો ત્યારે જેવું તેવું ગુજરાતી વાંચતા આવડતું તેથી તે વ્યક્તિના ફોટા નીચે પૂરું નામ તો ના વાંચી શકતો પણ જ્યારે પણ એ વ્યક્તિનો ફોટો જોઉં ત્યારે તે વ્યક્તિના હાથમાં રહેલાં પુસ્તકના પ્રથમ પાનાં ઉપર લખેલું છૂટક છૂટક અક્ષરે વાંચતો.. 
સં... વિ... ધા.. ન....



                        પણ સમજાતું નહીં કે આ "સંવિધાન" એટલે શું અને "સંવિધાન" લખ્યું છે. એ પુસ્તક આ સુટ બુટ વાળા વ્યક્તિના હાથમાં કેમ છે ? અને સાથે સાથે એ પણ પ્રશ્ન ઉપસ્થિત થતો કે આ વ્યક્તિ કોણ છે ? અને (સમાજના) દરેક ઘરોમાં આ વ્યક્તિનો ફોટો કેમ રાખવામાં આવે છે ? આ ઉપરાંત સૂટ બુટ વાળા વ્યક્તિને આટલા બધા લોકો સાથે શું સંબંધ હશે ? વગેરે પ્રશ્નો મારા નાના એવા મગજમાં ઉદ્દભવતાં હતાં. પરંતુ આ પ્રશ્નનોના નિરાકરણ માટે કોને પૂછવું એ સમજાતું નહતું.આમ બે ત્રણ વર્ષ ચાલ્યું ત્યારબાદ સાતમુ ધોરણ પાસ કરી આઠમા ધોરણમાં આવ્યો. મમ્મી પપ્પાએ મને છાત્રાલયમાં વધું  અભ્યાસ માટે નજીકના જ એક ગામમાં મુક્યો. ત્યાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા મારી સાથે મારા મમ્મી આવ્યાં હતાં. ત્યાં છાત્રાલયના કાર્યાલયમાં છાત્રાલયના સાહેબ શ્રીની ખુરશી પાછળ પણ પેલાં એ જ સૂટ બુટ વાળા વ્યક્તિનો ફોટો મને જોવા મળ્યો.ત્યાં પણ આ સૂટ બુટ વાળા વ્યક્તિનો ફોટો જોઈ હું વિચારવા લાગ્યો કે આ વ્યક્તિ છે કોણ ? અને છાત્રાલયના સાહેબ સાથે આ વ્યક્તિને શું સંબંધ હશે ? એ વ્યક્તિની સુંદર તેજસ્વી આંખો, કદ કાઠીમાં પણ એકદમ ખડતલ શરીર અને હોઠો પર આછું આછું નાના બાળક જેવું નિર્દોષ સ્મિત, અને હાથમાં પેલું એ જ પુસ્તક જેની ઉપર લખ્યું છે "સંવિધાન" છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ.
                     
                        હું છાત્રાલયમાં રહેવા આવી ગયો. છાત્રાલયમાં દરેક વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં જે નીતિ નિયમો હોય એ પાડવા પડતાં. રોજ સવારે વહેલાં પાંચ વાગ્યે જાગી જવાનું. છાત્રાલયમાં જે કામ સોંપેલું હોય એ કરી સાત વાગ્યે નાસ્તો કરવાનો અને ત્યાર બાદ આઠ વાગ્યે વાંચવા બેસવાનું, સાડા નવ વાગ્યે જમવાનું દસ વાગ્યે શાળાએ જવાનું સાડા દસે શાળા શરૂ થાય. સાંજે પાંચ વાગ્યા સુધી. વચ્ચે એક થી બે વાગ્યા સુધી જમવા માટેની રિસેસ આપવામાં આવતી. પાંચ વાગ્યા પછી છાત્રાલય આવી જમીને વાંચવા બેસવાનું દસ વાગ્યા સુધી. રોજનો આ નિત્યક્રમ. શનિ રવિ ફેરફાર થાય. શાળાનો સમય દસ વાગ્યાનો હોવાથી છાત્રાલયમાં જ જમીને શાળાએ જવાનું થતું. છાત્રાલયથી શાળાનું અંતર દોઢ, બે કિલોમીટર જેટલુ થતું એ અંતર છાત્રાલયના વિદ્યાર્થીઓએ અડધા કલાકમાં કાપવાનું થતું. વચ્ચે રસ્તામાં બે વખત ચાર રસ્તા વાળી ચોકડી આવે અનેક ઘરો આવે અને વચ્ચે એક માનવ વસાહતનો એક અલગ વાસ આવે એ વાસમાં જતાં જ શરૂઆતમાં એક ઊંચા લોખંડના ગેટ જેવું હતું. બાજુમાં જ એક પાન મસાલાનો ગલ્લો. એ ગલ્લાની દીવાલ ઉપર પણ પેલા સૂટ બુટ વાળા વ્યક્તિનો ફોટો જોવાં મળ્યો. હાથમાં પેલું પુસ્તક જેની ઉપર લખ્યું હતું સંવિધાન અને તે વ્યક્તિનાં ફોટા ઉપર લખ્યું હતું "આંબેડકર વાસ" હું ઘણી વાર શાળાએથી આવતા જતાં એ ફોટો જોતો અને ફોટા ઉપર લખ્યું એ વાંચતો.. "આંબેડકર વાસ" એ સમયે આ(આંબેડકર વાસ)નો મતલબ શું થાય એ ખબર ના પડે પણ વાંચવાની મજા આવતી એટલું ખબર છે.
        
                   રસ્તામાં બપોરે શાળામાં એક થી બે વાગ્યાની એક કલાકની રીસેસ પડે એટલે ગામના બધા મિત્રો ઘરે જમવા જાવ. પરંતુ છાત્રાલયના મિત્રો શાળાએ જ રોકાય કેમ કે છાત્રાલયમાં સવારે નવ  સાડા નવ વાગ્યે જમવાનું થઇ જતું એટલે બધા મિત્રો જમીને જ શાળાએ આવતાં. રોકાયેલા મિત્રો શાળાનાં મેદાનમાં મસ્તી મજાક કરે. પરંતુ આઠમાં ધોરણમાં હતો તેથી સ્વાભાવિક રીતે ઘણી વાર ઘરની, મમ્મી,પપ્પાની યાદ આવતી અને એના કારણે મજાક મસ્તી કરવું ગમતું નહીં. હું શાળાના મેદાનમાં આવેલા બાંકડે ઉદાસ થઈને બેસી રહેતો અથવા જે મિત્રો ધીંગા મસ્તી કરતાં હોય એમને જોતો. રોજ રિસેસમાં મારો આ નિત્યક્રમ બની ગયો. પછી ધીમે ધીમે રોજ આમ બેસી રહેવાથી કંટાળો આવવા લાગ્યો તેથી એક દિવસ હું રીસેસ દરમિયાન ક્લાસમાં ગયો અને થેલામાં પડેલાં કેટલાક પુસ્તકો વાંચવા લાગ્યો. બાળપણથી મને વાંચન પ્રેત્યે લગાવ રહ્યો છે. શાળાના વિષયના પુસ્તકો કરતાં બાહ્ય વિષયના પુસ્તકો વાંચવામાં મને વિશેષ રસ પડતો તેથી મારી પાસે થોડા પૈસા હતાં તેના બે ત્રણ પુસ્તકો ખરીદ્યા હતાં. એ પુસ્તકોમાં સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, ભગતસિંહ જેવા વિદ્વાનો અને તે ક્રાંતિકારીઓ વિશે લખ્યું હતું સાથે એ ક્રાંતિકારીઓ અને વિદ્વાનોના ફોટા પણ એ પુસ્તકોમાં આપેલા હતાં. હું રીસેસ દરમિયાન બધા મિત્રો કલાસની બહાર નીકળી જાય એટલે એ પુસ્તકો વાંચતો. પુસ્તકોમાં કેટલાંક મહાપુરુષો અને ક્રાંતિકારીઓનો પરિચય અને દેશમાં એમનું શું યોગદાન છે એ વિશે ટૂંકમાં લખ્યું હતું. 

         આમ બે ત્રણ દિવસ ચાલ્યું. એક દિવસ અચાનક  શાળાના સાહેબ રીસેસ દરમિયાન શાળાની લોબીમાં આંટો મારવા આવ્યાં. અને ક્લાસમાં મને જોયો એટલે બોલ્યાં, 
બેટા રીસેસના સમયે ક્લાસમાં શું કરો છો ?
મેં કહ્યું, સાહેબ વાંચું છું.
ત્યાં સાહેબ તરત બોલ્યાં, નહીં, રીસેસના સમય દરમિયાન ક્લાસમાં નહીં રહેવાનું જાવ બહાર જાવ...
સાહેબનો આ ઓર્ડર સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. થોડો ડરી પણ ગયો.. મને તો એમ કે સાહેબ એકાદી ગાલ પર લગાવી દેશે ! તેથી ડરના કારણે હું જલ્દી જલ્દી પુસ્તકો થેલામાં નાખી બહાર નીકળી ગયો. અને બહાર શાળાના મેદાનમાં રાખેલાં બાકડા ઉપર આવીને બેઠો. થોડી વારમાં રીસેસ પુરી થવાનો બેલ વાગ્યો. બીજા દિવસે ફરી રિસેસમાં પુસ્તકો વાંચવાનું મન થયું પણ પછી યાદ આવ્યું કે કાલે સાહેબે ટકોર કરી હતી કે રીસેસ દરમિયાન ક્લાસમાં નહીં રહેવાનું એટલે નથી રહેવું. તેથી બધા મિત્રો સાથે ક્લાસની બહાર નીકળી ગયો. અને ફરી બકડા ઉપર આવીને બેઠો. ફરી પાછો રોજની જેમ એ જ કંટાળો...
ટાઈમ પાસ કરવા શું કરવું એ સૂઝતું નહીં. ત્યાં બાજુમાં જ પાણીની એક કુંડી જેમાંથી પાણી વહેતુ હતું પાણીને જવા દેવા માટે કુંડીની લગોલગ સિમેન્ટ અને ઇટથી એક નહેર બનાવવામાં આવી હતી. એ નહેરની મારફતે પાણી હાલ્યું જાય. પાણી કુંડીમાં ક્યાંથી આવતું એ ખબર નહીં. ત્યાં નહેરની બાજુમાં જ ઘણા મંકોડા હતાં. મારા બાળ માનસમાં ટાઈમપાસ કરવા એક યુક્તિ સૂઝી. હું મંકોડા પાસે જતો અને મંકોડા પકડી નહેરમાં નાખતો. મંકોડા નહેરમાં પડે એટલે પાણી સાથે સાથે વહેતાં જાય.. આ જોઈ મને પીસાચી આનંદ મળતો. તેથી બિચારા મંકોડાને પકડી પકડી હું નહેરમાં નાખતો. અને એનો આનંદ લૂંટતો. પણ મારી ટાઇમપાસ કરવાની આ યુક્તિ પણ ઝાઝી ટકી નહીં. બે ત્રણ દિવસ ગયાં હશે કે એક દિવસ રિસેસમાં હું મંકોડા પકડીને પાણીની નહેરમાં નાખતો હતો. ત્યાં જ એક મંકોડાએ મારી હાથની આંગળીએ જોરથી બટકો ભર્યો.. હું ઓ.. મમ્મી.. ઓ.. મમ્મી.. કરતો એ મંકોડાને મારી હાથની આંગળીથી છોડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મારી રાડોનો અવાજ સાંભળી ત્યાં હાજર બધા મિત્રો ભેગા થઈ ગયાં. મેં નજીકના ઝાડના થડે આંગળી ઘસી તેથી મંકોડો છૂટી ગયો. પણ મંકોડાના કરડવાથી આંગળીમાં લોહી નીકળી ગયું. મિત્રો વચ્ચે હું ઉપહાંસનો પાત્ર બન્યો. એ દિવસથી મંકોડા પકડવાનું બંધ થઈ ગયું.

          શાળાનો બીજો દિવસ અને બીજી રીસેસ એજ બકડો અને ફરી એ જ કંટાળો.. બકડાની બાજુમાં મંકોડા જોયાં, નહેરમાં વહેતુ પાણી જોયું. પણ ગયા દિવસે મંકોડાએ બટકું ભર્યું હતું તેથી મંકોડો પકડવાની હિંમત ન થઈ ! 
હું શાંતિથી બાકડા ઉપર બેઠો બેઠો આજુબાજુમાં ડાફેળા મારતો હતો. ત્યાં મારી નજર શાળાની ત્રણ માળની ઇમારત સામું ગઈ. શાળામાં ત્રણ મુખ્ય હોલ હતાં દરેક માળમાં એક એક હોલ. અને લગભગ શાળામાં પચીસથી ત્રીસ જેટલા રૂમ હશે. અને દરેક રૂમની બાજુમાં કાચની સ્ટાઈલથી બનેલા દેશના વિવિધ ક્રાંતિકારીઓના ફોટા હતો. આમ દરેક રૂમની બાજુમાં એક મોટો ફોટો. એ ફોટા કોઈ ક્રાંતિકારીઓના, સમાજ સુધારકોના અને દેશના જે મહાન વિદ્વાનો થઈ ગયાં એમના હતાં. અને દરેક ફોટા નીચે જે તે ક્રાંતિકારી અથવા મહાપુરુષનું નામ,જન્મ તારીખ અને મૃત્યુ તારીખ લખેલી હતી. ઉપરાંત બાજુમાં જે તે મહાપુરુષના વિચારો અને વાક્યો લખેલાં હતાં. આ જોઈ મને થયું કે આ બધા મહાપુરુષોનાં ફોટા જોઉં એમના વિશે વાંચું તેથી ટાઈમપાસ થાય. પરંતું ત્યાં રીસેસ પુરી થઈ. આગલા દિવસે ફરી રીસેસ પડી મનમાં કાલે નક્કી કર્યું હતું એમ રીસેસ પડતાં જ શાળાની લોબીમાં રહેલાં મહાપુરુષોના ફોટા અને એમના વિશે ત્યાં ફોટા નીચે લખેલું હતું એ વાંચવાનું શરૂ કર્યું. તેમાં ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ વિશે તો મેં પહેલાંથી વાંચેલું પેલાં પુસ્તકોમાં જે હું લાવ્યો હતો. તેથી ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ભગતસિંહના ફોટા જોઈને તરત ઓળખી ગયો. ત્યાં અન્ય પણ ઘણા ક્રાંતિકારીઓના ફોટા અને એમના વિશે લખ્યું હતું જેમ કે રાણી લક્ષ્મીબાઈ, તિલક,સાવરકર, દયાનંદ સરસ્વતી, મહાદેવ ભાઈ પટેલ, સરદાર પટેલ, જવાહર લાલ નહેરુ, ખુદિરામ બોઝ, સુભાષચંદ્ર બોઝ વગેરેના.

                    ત્યાર બાદ ફરી એક વાર મારી સામે પેલા વ્યક્તિનો ફોટો આવ્યો જે ઘણાં સમયથી હું જોતો આવ્યો છું. એવો જ ફોટો અને ફોટામાં એ વ્યક્તિની સુંદર તેજસ્વી આંખો, કદ કાઠીમાં પણ એકદમ ખડતલ શરીર અને હોઠો પર આછું આછું નાના બાળક જેવું નિર્દોષ સ્મિત, અને હાથમાં પેલું એ જ પુસ્તક જેની ઉપર લખ્યું છે "સંવિધાન" હું એ વ્યક્તિનો ફોટો જોયા કરતો. અને વિચારતો કે કંઈક તો છે એ ફોટામાં, આ વ્યક્તિમાં જે આકર્ષક લાગે છે, મનમોહક લાગે છે. એવું લાગતું હતું કે હમણાં ફોટામાંથી બહાર નીકળીને મારી સાથે વાતો કરશે. પરંતુ આ વ્યક્તિનો ફોટો જોતા મનમાં ફરી પેલા પ્રશ્નો થતા કે આ વ્યક્તિ કોણ છે ? આઠમાં ધોરણમાં ઘણા મહાપુરુષો વિશે ભણાવવામાં આવતું. જેમણે ભારત દેશને સ્વતંત્ર કરાવવામાં,સ્વતંત્રતાની ચળવળ ચલાવવામાં યોગદાન આપ્યું છે. અને આપણાં દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી છે. પરંતુ આ સૂટ બુટ વાળા અને હાથમાં સંવિધાન લખેલું પુસ્તક વાળા વ્યક્તિ વિશે કશું ભણાવવામાં આવ્યું નથી. વળી આ સૂટ બુટ વાળા વ્યક્તિના ફોટા અન્ય મહાપુરુષો કરતાં વધુ અને ઘણી જગ્યાએ જોયાં છે. લગભગ (અનુસૂચિત સમાજના)દરેક ઘરમાં છાત્રાલયના કાર્યાલયમાં સાહેબની ખુરશી પાછળ, રસ્તામાં પેલા પાનના ગલ્લાની દીવાલ જ્યાં ઉપર આંબેડકર વાસ લખ્યું છે ત્યાં અને અહીંયા પણ તેથી તે વ્યક્તિ વિશે જાણવાની તીવ્ર ઉત્કંઠા થઈ આવી. તેથી તે વ્યક્તિના ફોટા નીચે મેં નામ વાંચવા આંખો નીચી કરી. ત્યાં જન્મ તા. કરીને 14/4/1891 લખ્યું હતું અને મૃત્યું લખીને બાજુમાં 06/12/1956 લખ્યું હતું. અને નીચે લખ્યું હતું. "ડો. બી.આર. આંબેડકર" અને ફોટા ઉપર લખ્યું હતું. "જો સમાજ અપના ઈતિહાસ નહીં જાનતા વો સમાજ અપના ઈતિહાસ નહીં બના સકતા.."  આ વાંચી થોડું અચરજ થયું મને અને નામ પણ અન્ય વિદ્વાનો કરતાં થોડું અલગ લાગ્યું મને. ત્યાં જ રીસેસ પુરી થઈ હું ક્લાસમાં જતો જતો એ દિવસે વિચારતો હતો કે આ સૂટ બુટમાં સજ્જ વ્યક્તિ છે એ કોઈ સ્વતંત્ર સેનાની હશે અને આપણાં દેશને સ્વતંત્રતા અપાવવામાં યોગદાન આપ્યું હશે અને આ વ્યક્તિનું નામ ડો.બી. આર.આંબેડકર છે ! 

                          છાત્રાલયમાં રોજ સાંજે જમ્યા પહેલાં પ્રાર્થના કરાવવામાં આવતી,ધૂન બોલાવવા આવતી. પ્રાર્થનામાં સભામાં છાત્રાલયના સાહેબ આવીને વિદ્યાર્થીઓને ભણવા,વાંચવા લખવાની સલાહ સુચન આપતાં. પરંતુ વિદ્યાર્થીઓને ભણવા,વાંચવા લખવાનું કહેતા કહેતા ક્યારેક ક્યારેક વચ્ચે "આંબેડકર" નો ઉલ્લેખ કરતાં અને કહેતા કે, "ડો. આંબેડકરે સમાજ માટે જે કર્યું છે એવું તમારે પણ ભણી ગણીને મોટા થઈને સમાજ માટે કામ કરીને સમાજને આગળ લાવવાનો છે." 
જોકે અમારા મનમાં તો પહેલાંથી સ્વતંત્રતા, આંદોલનો, સ્વરાજ્ય, અંગ્રેજો વગેરે મગજમાં ઘુસાવવામાં આવ્યું હતું. અને ગાંધીજી, ભગતસિંહ,લાલા લાજપતરાય, બાલ ગંગાધર તિલક ભણાવવામાં આવ્યાં હતાં. પરંતુ ડો. આંબેડકર વિશે કશું ભણાવવામાં આવ્યું નહતું. જેથી ડો.આંબેડકર અને એમનાં કાર્યોથી  અજાણ હતો મારા બાળ માનસમાં તો દેશ, ગાંધીજી, સ્વતંત્રતા, મીઠાનો સત્યાગ્રહ અને દેશ પ્રેમ હતાં. અને દેશને સ્વતંત્રતા અપાવનાર ક્રાંતિકારીના વિચારો હતાં. અને એમના પ્રેત્યે જ માન સન્માન હતાં.ડો. આંબેડકર મારા માટે અજાણ્યા વિષય સમાન હતાં. પરંતું છાત્રાલયના સાહેબ પ્રાર્થના સભામાં ઘણી વાર કહેતાં કે, "ડો. આંબેડકરે સમાજ માટે પોતાનું બલિદાન આપ્યું છે,એમનાં થકી આપણે છીએ. એમણે સમાજને જે આપ્યું એ કોઈ ના આપી શકે. એમનું ઋણ સદાય આપણા ઉપર રહેવાનું છે. તમારે ડો. આંબેડકર જેવું બનવાનું છે વિદ્યાર્થી મિત્રો.."

             આ સાંભળી મને ઘણી વાર વિચાર આવતો કે ડો.આંબેડકરે તો માત્ર એમનાં સમાજનું ભલું કર્યું છે અને માત્ર સમાજ માટે કામ કરવાથી માણસ થોડો મહાન થઈ જાય ! પણ જે દેશ માટે કામ કરે અથવા દેશને સ્વતંત્રતા અપાવવા માટે કામ કર્યું હોત તો ખરા મહાન કહેવાય ! કેમ કે દેશ માટે પોતાનું બલિદાન આપનાર ક્રાંતિકારીઓ જ સાચા દેશ સપૂતો છે. માત્ર પોતાના સમાજ માટે કામ કરવું એ તો અંગત સ્વાર્થ કહેવાય એમાં દેશનું શું ભલું થાય !? આવા ઘણા વિચારો મારા અપરિપક્વ,અણસમજણા અને અને બાળ બુદ્ધિ મનમાં આવતાં. મને થતું કે પોતાનાં સમાજ માટે જ કામ કરવું અને દેશ માટે કશું ના કરવું એ તો સ્વાર્થ વૃત્તિ કહેવાય સમાજ હિતેચ્છુ થઈને દેશ કાર્યને એકબાજુ મૂકવું એ ખરા અર્થમાં દેશ દ્રોહ કહેવાય આવા ઘણા વિચારો મારા મનમાં ઘુમરાયા કરતાં. આ સમયે કદાચ કોઈ માર્ગદર્શક મને ડો. આંબેડકર વિશે સાચી રીતે માહિતગાર કરે તો મારી આ ભ્રમણા દૂર થઈ ગઈ હોત.પરંતું મને તો ગાંધીજી ભણાવવામાં આવ્યાં હતાં. એમનો મીઠાનો સત્યાગ્રહ ભણાવવામાં આવ્યો હતો. પરંતુ ડો. આંબેડકરનો પાણીનો સત્યાગ્રહ ભણાવવામાં નહતો આવ્યો. દેશની સિસ્ટમે મારા બાળ માનસમાં માત્ર દેશ પ્રેમ ભર્યો હતો એક એવો દેશ પ્રેમ જેમાંથી ડો. આંબેડકરને બાકાત રાખવામાં આવ્યા હતા. જોકે દેશના ઈતિહાસથી બાળકોને વાકેફ કરાવવા જ જોઈએ એમાં કશું ખોટું નથી. બાળકોને ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ ભણાવવા જ જોઈએ એમાં શંકાને સ્થાન નથી. ગાંધીજીનો મીઠાનો સત્યાગ્રહ પાઠયું પુસ્તસકમાં ભણાવવો વાંધો નથી. પરંતુ સાથે સાથે ડો. આંબેડકરનો પાણીનો સત્યાગ્રહ પણ ભણાવવો જોઈએ. ગુલામ ભારત વિશે ભણાવો એનો વાંધો નથી પણ બહિસ્કૃત ભારત વિશે પણ ભણાવો જેથી બાળકોના કુમળા મનમાં પહેલાથી જ ભારતમાં પ્રવર્તતાં જાતિવાદ અને ભેદભાવ વિશે જાણે જેથી બાળકો આ બધાથી દૂર રહે અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકે. 

                          પરંતુ ડો. આંબેડકર વિશે પાઠયું પુસ્તકોમાં કશું જ ભણાવવામાં આવતું નથી(જોકે હવે થોડા વર્ષોથી પાઠયું પુસ્તકોમાં ડો. આંબેડકર વિશે ભણાવવામાં આવે છે. પરંતુ આ શરૂઆત પહેલાં જ કેમ ના થઈ મારો એ પ્રશ્ન છે)ડો. આંબેડકર વિશે અત્યાર સુધી ભણાવવામાં ન આવ્યું એ ડો.આંબેડકર જેવા મહાપુરુષો સાથે અન્યાય છે, ઇતિહાસ સાથે છેડછાડ કરવા જેવું છે.જે જરા પણ યોગ્ય નથી. જોકે હવે પાઠયું પુસ્તકોમાં ડો. આંબેડકર વિશે ભણાવવા આવે છે. એટલે મારી જેવો પ્રશ્ન આવનારી પેઢી સામે નહીં આવે એ ગૌરવની વાત છે.પરંતુ અમારી પેઢીના યુવાનોને આઠમાં ધોરણ સુધી ડો. આંબેડકર વિશે ભણાવવામાં ના આવ્યું તે આખા સમાજ અને શિક્ષણ જગત માટે શરમજનક છે.

                  પરંતું આઠમાં ધોરણ પછી ધીમે ધીમે મારી વાંચન ભૂખ ઉઘડતી ગઇ અભ્યાસ વધતો ગયો એમ એમ ડો. આંબેડકર વિશે વધું વાંચતો ગયો. ડો. આંબેડકર વિશે વાંચ્યા પછી એમના પ્રેત્યેના મારા વિચારો બદલાયા.અને તે એ હદે બદલાય કે આજે મેં કોઈ મહાપુરુષને સૌથી વધુ વાંચ્યા હોય તો તે છે. ડો. આંબેડકર. ડો. આંબેડકર વિશે આજ સુધીમાં ઘણું વાંચ્યું,સાંભળ્યું. ડો. આંબેડકર વિશે વાંચ્યું પછી મને સમજાયું કે ડો. આંબેડકર એ એ મહાન વિભૂતિ હતાં જે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વ વંદનીય બન્યાં છે. દેશના અન્ય વિદ્વાનો, ક્રાંતિકારો સન્માનનીય તો છે જ પરંતું એ બધામાં ડો. આંબેડકરનું સ્થાન મારા હૃદયમાં સૌથી અનેરું અને ઊંચું છે.ડો. આંબેડકરે દેશ માટે જે કર્યું એ તો અતુલનીય અને અદ્વિતીય છે. પરંતુ એમણે અનુસૂચિત સમાજ માટે જે કર્યું છે જે આજ સુધી કોઈ દેવી દેવતા કે ભગવાન પણ નથી કરી શક્યા કદાચ એટલે જ અનુસૂચિત સમાજના લોકોના ઘરમાં ભગવાન માતાજીનો ફોટો હોય કે ના હોય પણ ડો. આંબેડકરનો ફોટો જરૂર હોય. કદાચ ડો. આંબેડકર ભારતની એવી પ્રથમ વ્યક્તિ હશે જેના અનુયાયીઓ આટલી બોહળી સંખ્યામાં એમને કોઈ દેવ સમાન માનતા હોય. પરંતુ ડો. આંબેડકર અનુસૂચિત સમાજ માટે કામ કર્યું છે અને અનુસૂચિત સમાજનો હું એક ભાગ હોવાથી જ ડો. આંબેડકરને નથી માનતો. ડો. આંબેડકરનું જે મારા મનમાં વિશિષ્ટ સ્થાન છે એના ઘણા કારણો છે. જે આપને જણાવી શકું છું.
             
           ડો. આંબેડકર એક મહાન દેશ ભક્ત,રાષ્ટ્ર પુરુષ હતાં. તેમનામાં જે વિદ્વતા, રાષ્ટ્ર પ્રેમ, મેં નિહાળ્યો છે. તે કદાચ મેં અન્ય મહાપુરુષો જોયો નથી.એટલે જ કદાચ ડો. આંબેડકર મારા હૃદયમાં માનવતું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. આટલા વર્ષોમાં ડો.આંબેડકરે લખેલાં પુસ્તકો અને સાહિત્યમાંથી ઘણાં અંશે પસાર થયો છું. તેથી માત્ર એમને એક સમાજ પૂરતા સીમિત કરવા યોગ્ય નથી. તેમના સાહિત્યમાં નજર કરતાં ડો. આંબેડકર એક મહાન રાષ્ટ્ર પુરુષ તરીકે ઉભરી આવે છે.ડો. આંબેડકરે ભારતીય સંવિધાન ઘડવામાં અહમ ભૂમિકા ભજવી છે. જે આખું વિશ્વ જાણે છે.તેમણે ન માત્ર પોતાના સમાજ હિત પરંતુ સમગ્ર ભારતીયોનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય તેવું અદ્ભૂત સંવિધાન ઘડી ભારત દેશની જે સેવા કરી છે તે ડો. આંબેડકરનું ઋણ ભારતીયો સદીઓ સુધી યાદ રાખશે. અન્ય પણ કેટલીય સેવા ડો. આંબેડકરે આ દેશની કરી છે. જે આ નાના લેખમાં લખવી શક્ય નથી. જોકે ડો. આંબેડકરની પ્રતિભા પરિચયની મોહતાજ નથી. તે છતાં એમનું "હું પહેલાં પણ ભારતીય છું અને અંતે પણ ભારતીય છું..." આ વાક્ય જ એમની મહાન દેશ ભક્ત તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી દેય છે.

ઘણાં એવી દલીલ કરે છે કે ડો. આંબેડકરે સ્વતંત્રતાના સંગ્રામમાં કેમ કશું ફાળો ના આપ્યો ?
તોનો જવાબ આ રીતે આપી શકાય કે,ડો. અંબેકરની દીર્ઘદ્રષ્ટિ ખૂબ  વિશાળ અને તેજ હતી. તેઓ દેશ પર આવનારી કોઈ પણ સમસ્યા કે પ્રશ્નને પહેલીથી ભાંખી લેતાં હતાં. તેઓ એ જાણી ચૂક્યાં હતાં કે ભારત દેશ બે પ્રકારની ગુલામીમાં સપડાયેલો છે. એક વિદેશી અંગ્રેજોની ગુલામીથી અને બીજી જાતિવાદની ગુલામીથી. અંગ્રેજોના ગુલામો સવર્ણ હતાં. પરંતુ ગુલામ સવર્ણના ગુલામ બહુંજનો હતો. એ ડો.આંબેડકર જાણી ચૂક્યા હતાં. ડો.આંબેડકરને ખબર હતી કે દેશ એક દિવસ જરૂર અંગ્રેજોની ગુલામીથી આઝાદ થઈ જશે પરંતુ  ધર્મ અને અસ્થાનાં નામે દેશમાં જે જાતિવાદ અને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી છે. એ ગુલામીમાંથી દેશના લોકો ક્યારેય બહાર નહીં નીકળી શકે અને તેથી જ ડો. આંબેડકરે જાતિવાદ અને અંધશ્રદ્ધાથી પીડાતાં દેશને મુક્ત કરવા બહુ પહેલાં અને વહેલાં પ્રયત્નો શરૂ કરી દીધા હતાં. કેમ કે ડો.આંબેડકર જાણતાં હતાં કે ધર્મ અને આસ્થાનાં નામે દેશમાં ફેલાયેલ જાતિવાદ અને અંધશ્રદ્ધા જો સમય રહેતાં દૂર નહીં કરવામાં આવે તો એ ભવિષ્યમાં દેશની એકતાને ખંડિત કરશે અને બંધુત્વની ભાવના ક્યારેય દેશમાં પ્રસ્થાપિત નહીં થઈ શકે. તેથી રાષ્ટ્ર પુરુષ, મહા મહાન ડો.આંબેડકરે દેશને અને દેશનાં લોકોને જાતિવાદ અને અંધશ્રદ્ધાથી દૂર કરવા આજીવન પ્રયત્નો કર્યા હતાં અને એમાં મોટા ભાગે સફળ પણ રહ્યાં હતાં. એમણે પોતાનું સમગ્ર જીવન અને શક્તિ આ કાર્ય માટે ખર્ચી નાખી હતી. એક તરફ જ્યારે આખો દેશ અંગ્રેજોની ગુલામીથી મુક્ત થવા પ્રયત્નો કરતો હતો ત્યાંરે બીજી બાજુ માત્ર એકલાં ડો. આંબેડકર જાતિવાદ અને અંધશ્રદ્ધાની ગુલામીમાં સપડાયેલા ભારત દેશને આઝાદ કરવા પ્રયત્નો કરતાં હતાં. તેમનાં આ સાહસ, અડગ મન અને શક્તિ સામે કદાચ હિમાલય પણ કાંકરા સમાન ગણી શકાય. 

                        આવા પ્રખર દેશ ભક્ત ભારતને મળવા એ દેશનું અહોભાગ્ય ગણાય ! પરંતુ એક દિપક ત્યાં સુધી જ પ્રકાશ આપી શકે જ્યાં સુધી એમાં તેલ અથવા ઘી હોય એમ ડો. આંબેડકરે પણ ત્યાં સુધી ભારત દેશને જાતિવાદ, પાખંડવાડ અને અંધશ્રદ્ધાની ગુલામીમાંથી ભરાતીયોને આઝાદ કરવા પ્રયત્નો કર્યા જ્યાં સુધી તેમના શરીરમાં દિવ્ય ચેતના હતી. તે દિવ્ય ચેતના છ ડિસેમ્બર 1956 ના દિવસે પ્રકૃતિમાં વિલીન થઈ ગઈ પરંતુ આજે પણ તેમના લખેલાં પુસ્તકો,તેમનું સાહિત્ય ભારતીયોનાં જીવનમાં જે જાતિવાદી માનસિકતાનું, પાખંડવાદનું અને અંધશ્રદ્ધાનું અંધારું ફેલાયું છે તેને દૂર કરવા દિવ્ય પ્રકાશ આપે છે, જ્ઞાન આપે છે. અને સદીયો સુધી આપતું રહેશે.નઅને તેથી દરેક ભારતીયોએ ડો. આંબેડકરને જીવનમાં એક વાર જરૂર વાંચવા અને સમજવા જોઈએ.


           મને જ્યારે જ્યારે સમય મળશે ત્યારે ત્યારે આપ સૌ બંધુજનોને હું ડો. આંબેડકર દ્વારા લિખિત પુસ્તકો અને એમનાં સાહિત્ય થકી એમનાં મહાન, વિરાટ વ્યક્તિત્વથી આપને અવગત કરાવતો રહીશ અને એમનાં સાહિત્યમાં રહેલું દિવ્ય તેજ આપણા સૌના જીવનમાં વ્યાપ્ત જાતિવાદ અને અંધશ્રદ્ધાના અંધારાને દૂર કરે તેવા પ્રયત્નો કરીશ. આ સાથે આટલું જ. ફરી મળીશું ત્યાં સુધી સપ્રેમ..
                                                                                                                            જય ભીમ...
                                                                                                                            જય ભારત...                                                                                                           

2 comments:

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...