Sunday, June 14, 2020

પ્રથમ વરસાદમાં જ હિંમતનગરનો હાઇવે નંબર 8 ધોવાતાં તંત્રની પોલ ખુલી..

                   
                                                                                          લેખન - રાહુલ, વણોદ
                                                                                          મો.8000739976
     
                        ભારતમાં ભ્રષ્ટાચાર કરવો હવે ફરજિયાત થઇ ગયો છે એવી માનસિકતા દરેક સરકારી વિભાગમાં કામ કરતા સરકારી બાબુઓ રાખતા થઈ ગયા છે. ભ્રષ્ટાચાર કરવો જાણે "સરકારી નોકરી સિદ્ધ અધિકાર" હોય એમ દરેક સરકારી ફાઈલ ગાંધી છાપ વગર આગળ વધતી નથી તે જગજાહેર વાત થઈ ગઈ છે. આમ જનતાને પોતાના કામ માટે મામલતદારથી માંડીને પંચાયતના તલાટી, પટાવાળાને પણ રૂપિયા ખવડાવવા પડતા હોય છે. સામાન્ય ગરીબ માણસનું મકાન પાસ થાય તો પંચાયતના પટાવાળાને પણ પાંચ પચી લીધાં વગર ચાલતું નથી. પરંતુ ભ્રષ્ટાચાર માત્ર રૂપિયામાં જ નથી થતો પરંતુ સરકારી કામકાજ કે રોડ રસ્તા બનાવવા જેવા કામોમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોય છે.

                       કોન્ટ્રાક્ટરો સાવ નિમ્ન કક્ષાનો માલ સામાન રોડ રસ્તા બનાવવા માટે વાપરતા હોય છે. ચોમાસામાં એ રોડ રસ્તા પરનાં પાણીના ખાબોચિયા એ વાતની ચાડી ખાતાં હોય છે. રોડ રસ્તા બનાવવામાં કોન્ટ્રાક્ટરો ઈટ, કપચી, રેતી આ બધુ રોડ બનાવવાનું મટીરીયલ સાવ હલકી ગુણવત્તાનું વાપરે છે જેના કારણે ટૂંક સમયમાં રોડ-રસ્તા તૂટી જાય છે. હાલ ચોમાસુ માંડ શરૂ થયું છે ત્યાં જ ઘણી જગ્યાએ ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયેલા દેખાય છે અને તેથી તંત્રની પોલ ખૂલી ગઈ છે. હજી તો ચોમાસાની શરૂઆત જ છે માત્ર એક-બે વરસાદમાં જ રોડ ધોવાઇ જાય છે તેથી સ્વાભાવિક રીતે જ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થાય છે.

                        આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જોવા મળ્યો હતો. જ્યાં હાઇવે નંબર 8 પર જળાશયો ભરાયા હોય એવો નજારો જોવા મળ્યો હતો. વિકાસની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકારનો વિકાસ હિંમતનગર અને મોતીપુરા સર્કલથી સાબરમતી રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે જોવા મળ્યો હતો. અહીં હાઇવે નંબર 8 પર પ્રથમ વરસાદમાં જ હાઈવે ધોવાઇ ગયો છે અને હાઇવે ઉપર પાણીના ખાબોચિયામાં ગુજરાત સરકારનો વિકાસ છબછબિયાં કરતો જોવા મળ્યો છે. હાઇવે નંબર 8 પર ઠેરઠેર પાણીના ખાબોચીયા ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. વાહનચાલકોની ફરિયાદ છે કે રોડ પર ભરાયેલા ખાડા ખાબોચિયામાંથી પોતાનું વાહન પસાર કરતી વખતે ગાડી જાણે "ડિસ્કો" કરતી હોય તેવો અનુભવ થાય છે. આમ હળવા કટાક્ષમાં વાહન ચાલકોએ રોડના બાંધકામ અંગે રોડનાં કોન્ટ્રાક્ટર અને વિકાસશીલ સરકાર પર પ્રહારો કર્યા હતા. તૂટેલા રોડને કારણે ઘણાં વાહન ચાલકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડ્યું છે.  સરકારનાં વિકાસના મોટા મોટા દાવા હિંમતનગર ખાતે સાવ પોકળ સાબિત થયા હતા. આમ કેન્દ્ર સરકારની હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી પણ શંકાના દાયરામાં છે.

                         ભારતની સરકાર લોકશાહી સરકાર છે તેથી દેશની સરકાર ટેક્સ રૂપે પ્રજા પાસેથી રૂપિયા ઉઘરાવે છે. અને એ ટેક્સના બદલામાં પ્રજા માટે બાગ બગીચા, રોડ રસ્તા જેવી જાહેર વ્યવસ્થા કરવામાં આવે છે. કરોડો ખરબો પ્રજાનાં રૂપિયા સરકારના ફંડમાં વિકાસના ખર્ચે અર્થે વપરાય છે.પરંતુ વાસ્તવિકતા એ છે કે લાંચિયા કોન્ટ્રાક્ટરો અને લાંચિયા નેતાઓ દ્વારા ટકાવારીના ભાગરૂપે લાંચ લઈને કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપવામાં આવે છે. અને ત્યારબાદ આ કોન્ટ્રાક્ટરો જ હલકી ગુણવત્તા વાળો માલ સામાન રોડ રસ્તા બનાવવા માટે વાપરે છે. પ્રજાના પૈસે જ કોન્ટ્રાક્ટરો અને નેતાઓ પોતાના ખીસ્સા ભરે છે અને ભોળી પ્રજા સાથે છેતરપિંડી કરે છે.

                         હજુ કોરોનાં કહેરમાંથી દેશ બહાર નથી નીકળ્યો ત્યાં ભ્રષ્ટ નેતાઓ દ્વારાખાઉધરું કોન્ટ્રાકટરોને રોડ રસ્તા બનાવવા માટે ટેન્ડર આપવામાં આવે છે. અને તેઓ એમાં કાપતી કરી પ્રજાના પૈસે લીલાલેર  કરે છે. આમ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ નેતાઓ ઉધઈની માફક દેશ અને પ્રજાને કોરી દેશને બરબાદ કરી રહ્યા છે. ત્યારે દેશની જાગૃત પ્રજા અને સરકારએ જવાબદાર તંત્ર, કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવા જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ.તેવી લોક માંગ ઉઠી છે.

                જોકે હાલ તો હાઇવે નંબર 8 ની હાલત જોઈ સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

No comments:

Post a Comment

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...